ડેવલપરના બેદરકારીભર્યા વલણ સામે માટુંગાની મહિલાઓએ આપ્યો નારીશક્તિનો પરચો

કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા તોડકામને લીધે ઊડતી ધૂળથી પરેશાની થતી હોવાથી એક જ કલાકની અંદર ટેમ્પરરી પતરાં લગાવડાવ્યાં

માટુંગા રોડ (વેસ્ટર્ન)માં સેનાપતિ બાપટ રોડ પર આવેલી જશોદા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની મહિલાઓએ મંગળવારે તેમની સંગઠનશક્તિનો પરચો બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને બતાવ્યો હતો. સોસાયટીના મેમ્બરો એ સાઇટ પરના તોડકામને લીધે ઊડતી ધૂળને કારણે પરેશાન હતા એટલે તેમણે સાઇટ પર જઈ સુપરવાઇઝરને તેમના બિલ્ડિંગ તરફ ઊંચા પતરાની આડશ ઊભી કરવા રિક્વેસ્ટ કરી હતી પણ એમ છતાં ડેવલપર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. પરંતુ મંગળવારે મહિલાઓએ કરેલા વિરોધ બાદ એક જ કલાકમાં ટેમ્પરરી પતરાં લગાવી દેવામાં આવ્યાં હતાં અને આવતા બેથી ત્રણ દિવસમાં ૨૦ ફૂટ ઊંચાં પતરાં લગાડી દેવાશે એવું આશ્વાસન પણ ડેવલપરે આપ્યું છે.

માટુંગાની આ સોસાયટીમાં મોટા ભાગના ગુજરાતી પરિવારો રહે છે. તેમની બન્ને તરફ માહિમ અને દાદર તરફનાં બિલ્ડિંગો રીડેવલપમેન્ટમાં ગયાં છે અને બન્ને સાઇટ પર હાલ કામ ચાલી રહ્યું છે. માહિમ તરફ જે ડેવલપર કામ કરી રહ્યા છે તેણે જશોદા કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસીઓને અગવડ ન પડે એ માટે તોડકામ કરતાં પહેલાં જ ૨૦ ફૂટ ઊંચાં મજબૂત પતરાં લગાડી દીધાં હતાં, જ્યારે દાદર તરફના ડેવલપરે એવી કોઈ કાળજી લીધી નહોતી એમ સોસાયટીના મેમ્બરોનું કહેવું છે. એ સાઇટ પર તોડકામ ચાલી રહ્યું હતું ત્યારે મંગળવારે ટૉઇલેટ તોડવામાં આવ્યાં હતાં જેને કારણે એની નીચેના ભાગમાંથી ગંદું પાણી બહાર ઊભરાવા માંડ્યું હતું અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. રોજેરોજ આવતી ધૂળને કારણે પહેલેથી જ પરેશાન સોસાયટીની મહિલાઓ આ નવી મુસીબતને કારણે ત્રાસી ઊઠી હતી અને તેઓ ભેગી થઈને સાઇટ પર ધસી ગઈ હતી અને કામ બંધ  કરાવી દીધું હતું.

મહિલાઓએ સાઇટ પર કામ કરી રહેલા ડેવલપરના માણસોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે જ્યાં સુધી અમારા બિલ્ડિંગ તરફ પતરાં નહીં લગાડો ત્યાં સુધી કામ નહીં કરવા દઈએ. ડેવલપરને આ બાબતે જાણ થતાં એક જ કલાકમાં તેણે ટેમ્પરરી પતરાં એ બાજુ ઊભાં કરાવી દીધાં હતાં અને ૨૦ ફૂટ ઊંચાં પતરાં વહેલી તકે લગાવી આપશે એવું આશ્વાસન પણ આપ્યું હતું.

આ બાબત ડેવલપર અતુલ ગાંધીએ કહ્યું હતું કે ‘અમે હાલ ટેમ્પરરી પતરાં લગાવ્યાં છે અને ૨૦ ફૂટ ઊંચા પતરાનો ઑર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. એ પતરાં ફિટ કરવા માટે ઍન્ગલનો પણ ઑર્ડર અપાઈ ગયો છે. જોકે એ કામ ફૅબ્રિકેશનનું હોવાના કારણે બેથી ત્રણ દિવસનો સમય લાગશે. સોસાયટીના મેમ્બરોને તકલીફ ન થાય એ માટે અમે પગલાં લઈ રહ્યાં છીએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK