શૈક્ષણિક ક્ષેત્રે ક. વી. ઓ. સમાજની સેવાનાં સો વરસનું સેલિબ્રેશન

આજે સવારે નવ વાગ્યે દાદરના યોગી સભાગૃહમાં કચ્છી વીસા ઓસવાળ સમાજ દ્વારા ઊજવાશે ‘ક.વી.ઓ. એજ્યુકેશન ડે’ 
(પલ્લવી આચાર્ય)

મુંબઈ, તા. ૨૫

દાદર (ઈસ્ટ)માં સ્ટેશન સામે સ્વામિનારાયણ મંદિરમાં આવેલા યોગી સભાગૃહમાં આજે કચ્છી વીસા ઓસવાળ સમાજ દ્વારા ‘ક.વી.ઓ. એજ્યુકેશન ડે’  નામનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. એજ્યુકેશનને મહત્વ આપતો આ કાર્યક્રમ શેઠ ધનજી દેવશી કચ્છી વીસા ઓસવાળ કેળવણી ફન્ડ નામના ટ્રસ્ટે સમાજે એજ્યુકેશનને લગતી સેવાનાં સો વર્ષ પૂરાં કયાર઼્ એ નિમિત્તે રાખ્યો છે જેમાં મુખ્ય મહેમાનો એજ્યુકેશન ફીલ્ડના છે. સૅમ પિત્રોડા (ઍડ્વાઇઝર-પ્રાઇમ મિનિસ્ટર ઑફ ઇન્ડિયા અને નૅશનલ ઇનોવેશન કાઉન્સિલના ચૅરમૅન), અમરીશ પટેલ (શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના પ્રેસિડન્ટ) અને એસ. પી. જૈન ઇãન્સ્ટટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર પરિમલ મર્ચન્ટ એજ્યુકેશનના મહત્વને સમજાવતાં વક્તવ્ય આપશે જેમાં તેઓ પોતાના અનુભવો પણ રજૂ કરશે. ૧૯૧૨ની ૭ જાન્યુઆરીએ શરૂ થયેલા આ ટ્રસ્ટને ૧૯૪૪માં શેઠ ધનજી દેવશીએ ૫૧ હજાર રૂપિયા આપ્યા પછી એનું નામ શેઠ ધનજી દેવશી કચ્છી વીસા ઓસવાળ કેળવણી ફન્ડ રાખવામાં આવ્યું હતું.

શું હશે કાર્યક્રમ?

આ ઇવેન્ટમાં ટ્રસ્ટને હેલ્પફુલ થનારી કેટલીક સ્કૂલો, મંડળો અને અને ટ્રસ્ટો સહિતનાં સોળ ઑર્ગેનાઇઝેશનોનું સન્માન કરવામાં આવશે એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા શિક્ષણને લગતી જે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે એની જાણકારી અપાશે.

ટ્રસ્ટની જરૂર કેમ પડી?

સો વરસ પહેલાં એજ્યુકેશનને લગતી સેવા આપતું આ ટ્રસ્ટ કેમ અને કેવી રીતે ફૉર્મ થયું એની વાત કરતાં ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી અજય વિશરાણી કહે છે, ‘સો વરસ પહેલાં સમાજમાં વરસે માંડ એકાદ જણ ગ્રૅજ્યુએટ થતું હતું. ક.વી.ઓ. સમાજના વેલજી લખમશી નપુ ગ્રૅજ્યુએટ જ નહીં, ન્ન્ગ્ થયા એટલે ૧૯૧૨માં સમાજે તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો. કાર્યક્રમમાં એક વિચાર રજૂ થયો કે તેમણે ઉચ્ચ શિક્ષણ લીધું છે તો સમાજના લોકોને ભણાવવાનો લાભ તેઓ આપે. તે સમૃદ્ધ ફૅમિલીમાંથી હતા એથી તેમના પિતા લખમશી નપુએ સમાજનો જે સ્ટુડન્ટ ગ્રૅજ્યુએટ થાય તેને પાંચ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. તેમની

આ વાતને બીજાઓએ ટેકો આપ્યો. આમ એ સમયે જ ભણવા માગતા પણ પૈસાના અભાવે ન ભણી શકતા સ્ટડન્ટ્સને મદદ કરવા માટે ૧૩ હજાર રૂપિયા જમા થઈ ગયા.’  અને આમ બની ગયું આ ટ્રસ્ટ.

અદ્ભુત કાર્ય

સમાજને શિક્ષિત બનાવવાના આશય સાથે શરૂ થયેલા આ ટ્રસ્ટે શિક્ષણના ફીલ્ડમાં અદ્ભુત કામ કર્યું. સો વરસ પહેલાં સમાજમાં વરસે માંડ એક જ વ્યક્તિ ગ્રૅજ્યુએટ થતી હતી એ સંખ્યા ૫૦મા વરસે ૨૯૦ થઈ અને આજે તો ૨૦૦૦ની છે. આ સંદર્ભમાં અજયભાઈનું કહેવું છે કે સમાજના લોકો બિઝનેસ સારો કરી લેતા હતા, પણ શિક્ષણનું પ્રમાણ નહીંવત્ હતું. સમાજની દરેક વ્યક્તિ શિક્ષિત થાય એ જરૂરી છે. ભણવા ઇચ્છતો કોઈ સ્ટુડન્ટ પૈસાના અભાવને લઈને શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ એ આશય સાથે શરૂ થયેલા આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૩ હજાર વિદ્યાર્થીઓને મદદ મળી છે. ક.વી.ઓ. સમાજની પાંચેક લાખની કુલ વસ્તીમાંથી મુંબઈમાં ચાર લાખ લોકો છે. સમાજની આ પહેલને કારણે હવે શિક્ષણનું સ્તર અનેક ગણું વધી ગયું છે.

ટ્રસ્ટે શું અને કેવી રીતે કામ કર્યું? સૌથી પહેલાં કચ્છનાં ગામોની શાળાઓને તેમણે ગ્રાન્ટ આપવાનું શરૂ કર્યું. એ સમયે ભારતમાં બ્રિટિશ રાજ હતું, પણ કચ્છ સ્વતંત્ર રજવાડું હતું એથી બ્રિટિશરોની સુવિધાઓનો લાભ કચ્છને નહોતો મળતો. ટ્રસ્ટે ગામની શાળાઓને ગ્રાન્ટ આપી ગામમાં ભણતા છોકરાઓનું પ્રાઇમરી એજ્યુકેશન વધાર્યું એટલું જ નહીં, ત્યાંથી મુંબઈમાં આવી ભણતા છોકરાઓને સ્કૉલરશિપ તથા વગર વ્યાજની લોન આપી ભણવામાં મદદ કરી. આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં પોણાત્રણ કરોડ રૂપિયાની લોન સ્ટુડન્ટ્સને આપી છે. ટ્રસ્ટનો એકમાત્ર ઉદ્દેશ છે કે સમાજના લોકો ઉચ્ચ શિક્ષણ મેળવે. દેશભરની કોઈ યુનિવર્સિટીમાં જ નહીં, વિદેશમાં ભણવા જવા માગતા સ્ટુડન્ટ્સને પણ આ ટ્રસ્ટે વ્યાજ વિનાની લોન આપી. ટ્રસ્ટની મદદને કારણે જ હવે સમાજમાં કોઈને એ મૂંઝવણ નથી કે પૈસા નથી તો છોકરાઓને ઉચ્ચ શિક્ષણ નહીં આપી શકાય.

સેવા પાંગરી

મદદનો લાભ લઈને આગળ આવેલા લોકોએ આમાં ઓર મદદ કરવા માંડી.

ટ્રસ્ટના મુંબઈસ્થિત પે્રસિડન્ટ લક્ષ્મીચંદ કે. જૈન આ સંસ્થાની મદદથી ગ્રૅજ્યુએટ અને ડબલ ગ્રૅજ્યુએટ થયા છે. એ ઉપરાંત ટ્રસ્ટની મદદ મેળવીને એન્જિનિયર થયેલા અને અત્યારે કૅલિફૉર્નિયામાં સેટલ્ડ દિનેશ ગાલા જેમનો ૫૦૦ મિલ્યન ડૉલરનો બિઝનેસ છે અને દસ હજાર લોકો તેમની કંપનીમાં કામ કરે છે તે તથા ન્યુ જર્સીમાં રહેતા દામી રાંભિયાએ અમેરિકામાં હોસ્ટ ફૅમિલી સિસ્ટમ શરૂ કરી છે જેમાં તેઓ અમેરિકા ભણવા જતા સ્ટુડન્ટને ઍરર્પોટથી પિક-અપ કરવાથી લઈને તેને કૉલેજની હૉસ્ટેલ કે રહેવાની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઘરે રાખી સાચવે એ તો ખરું, પણ તે ભણે ત્યાં સુધી કોઈ પણ તકલીફ ઊભી થાય તો તેને પેરન્ટ્સની જેમ સાચવે. વિદેશ ભણવા જવા ઇચ્છતા સ્ટુડન્ટને વીઝાથી લઈને જોઈતી બધી મદદ મુંબઈમાં રહેતા લક્ષ્મીચંદ જૈન કરે છે. આમ હોસ્ટ ફૅમિલીનો તેમનો આ કન્સેપ્ટ હિટ થઈ રહ્યો છે. આ ત્રિપુટીએ અમેરિકામાં ગાલા ફાઉન્ડેશન નામનું ચૅરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે જે એજ્યુકેશન જ નહીં, સમાજની અનેક રીતે સેવા કરે છે.

ઓર એક છોગું

આજકાલ એજ્યુકેશનના ઑપ્શન્સ એટલા વધી ગયા છે કે કન્ફ્યુઝ થઈ જવાય છે. આવું ન થાય અને સાચી રાહ મળે એ માટે ટ્રસ્ટે દસ વર્ષથી કરીઅર ગાઇડન્સના સેમિનાર કરવાનું શરૂ કર્યું છે. ઉપરાંત બીજી સંસ્થાઓ સાથે મળી કરીઅર કાઉન્સેલિંગ પણ કરે છે. સંસ્થાની મદદ લેનારાઓ લોન પરત કરે છે એટલું જ નહીં, તેઓ ઓર વધુ મદદ માટે આગળ આવે છે. આમ આ ટ્રસ્ટની સેવા-પ્રવૃત્તિ વધતી જ ચાલી છે.  

આ કાર્યક્રમમાં એન્ટ્રી સમાજના લોકો માટે અને શિક્ષણજગતના આમંત્રિતો માટે જ છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK