દાદર-વેસ્ટમાં સ્ટેશન પાસેના કેળુસકર રોડ પર ડિવાઇડર બનવાથી રાહત

આ રસ્તો વળાંકવાળો હોવાથી લોકો ગમેતેમ બાઇક અને કાર ચલાવતા હતા, પણ હવે ટ્રાફિક પણ કન્ટ્રોલ કરી શકાશે

દાદર-વેસ્ટના સ્ટેશન પાસે આવેલા કેળુસકર રોડ પર વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં લઈને સુધરાઈએ આ રોડ પર હાલમાં ડિવાઇડરો ઊભા કરી દીધા છે. આ ડિવાઇડરો બનાવવાનું કામ શુક્રવારે સુધરાઈએ શરૂ કર્યું હતું અને સોમવારે આ કામ પૂરું થઈ ગયું હતું. ડિવાઇડર બનવાથી દાદરના વેપારીઓ અને રહેવાસીઓ ઘણા ખુશ અને હવે સુરક્ષિત છે.

દાદર-વેસ્ટના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દાદર-વેસ્ટ સ્ટેશન તરફથી શિવાજી પાર્ક જતા આ રોડ પર અમને સતત ટ્રાફિક જોવા મળતો હતો અને આ રોડ પર બાઇકરો સ્ટન્ટ કરતા જોવા મળતા હતા. એથી આ રોડ પર ઘણા અકસ્માતો પણ થયા છે. આ રોડ પર કોઈ પણ સલામતી નથી અને કોઈ સ્પીડ-બ્રેકર પણ નથી. અમે જીવ જોખમમાં મૂકીને આ રસ્તો ક્રૉસ કરતા હતા, પણ ડિવાઇડર આવી જવાથી હવે અમે આ રસ્તો આરામથી ક્રૉસ કરી શકીએ છીએ. આ રસ્તા પર ચાલવું હવે જરા પણ જોખમી નથી.’

દાદર-વેસ્ટના વેપારીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ડિવાઇડરો સ્ટાર મૉલ સામેના રસ્તા પર બનાવવામાં આવ્યા છે. એના કારણે આ મૉલમાં આવતા લોકો પણ હવે સુરક્ષિત છે તથા હવે આ રસ્તો વગર કોઈ જોખમે લોકો ક્રૉસ કરી શકે છે.’

દાદરના ટ્રાફિક-પોલીસના ઑફિસરોએ કહ્યું હતું કે ‘આ રોડ પર અમે સતત પૅટ્રોલિંગ કરીએ છીએ અને અમારી ફરજ બજાવીએ છીએ, પણ આ રોડ પર ઘણા બાઇકરો સ્ટન્ટ મારતા હોવાથી કોઈનો જીવ જોખમમાં ન જાય એ માટે અમે સુધરાઈની મદદ લઈને આ ડિવાઇડરો ઊભા કર્યા છે.’ 

સુધરાઈના ઑફિસરોએ કહ્યું હતું કે ‘આ ડિવાઇડરો બનાવવાથી હવે અહીંથી નિરાંતે લોકો રોડ ક્રૉસ કરી શકશે. આ રસ્તો આખો વળાંકમાં આવ્યો હતો અને એક પણ ડિવાઇડર ન હોવાથી ઘણો જોખમી હતો. એથી આ રસ્તા પર અમે ડિવાઇડરો બનાવ્યા છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK