સૌરઊર્જાથી વિશ્વભ્રમણ કરવા નીકળેલું પ્લેન આજે અમદાવાદમાં

સૌરઊર્જાથી ચાલતું સોલર ઇમ્પલ્સ ૨ નામનું આ પ્લેન ગઈ કાલે અબુધાબીથી દસ કલાકે મસ્કત પહોંચ્યું અને હવે આજે અમદાવાદ આવશે અને ત્યાંથી વારાણસી જશે: ૩૫,૦૦૦ કિલોમીટરની મુસાફરીમાં કુલ ૧૨ સ્ટૉપેજ છેplane


લક્ષ્મી વઘાસિયા

એકવીસમી સદીની બળબળતી સમસ્યા એટલે બળતણ. વિશ્વભરના રસ્તાઓ પર એક અબજ જેટલાં વાહનો દોડી રહ્યાં છે. આકાશમાં વીસેક હજાર જેટલાં વિમાનો ઊડી રહ્યાં છે. એમાંય આપણે અન્ય વાહનોની ગણતરી તો કરી જ નથી. હવે આટલું બધું ઈંધણ વપરાય તો વિશ્વમાં ક્યારેક તો પેટ્રોલની કમી સર્જાશે જ. અમુક વિકસિત દેશો કેવી રીતે બળતણ બચાવવું એના વિકલ્પો શોધી રહ્યા છે. એના પગલે જ કદાચ બજારમાં સોલર મોપેડ, સોલર કાર, સોલર બોટની શોધ થઈ હશે. હવે સોલર વિમાન આવ્યું છે. પહેલાં પણ આના પ્રયોગો થયા છે, પરંતુ સોલર ઇમ્પલ્સ ૨ (SI-2) એ પહેલું સફળ સોલર વિમાન બનશે.

SI-2 એ મનોવિજ્ઞાની અને બલૂનિસ્ટ બટ્રાર્ન્ડ પિકાર્ડ અને બિઝનેસમૅન-પાઇલટ આન્દ્રે બૉર્શબર્ગની શોધ છે. તમને પ્રશ્ન થશે કે તો પહેલું ઇમ્પલ્સ ક્યાં છે? સોલર ઇમ્પલ્સ ૧ વિકાસના પ્રાથમિક તબક્કામાં બનાવવામાં આવ્યું હતું. એ નાની ઉડાન ભરી ચૂક્યું છે. સોલર SI-2 હવે લાંબી ઉડાન માટે તૈયાર છે. ઇકો-ફ્રેન્ડ્લી આ વિમાનની ખાસિયત એ છે કે એ રાતે પણ ઊડી શકે છે.

સામાન્ય માણસને પ્રશ્ન થાય કે સોલર કુકર માત્ર દિવસે સૂર્યની હાજરીમાં જ ચાલે તો પછી આ સોલર વિમાન રાત્રે કેવી રીતે ચાલે? SI-2માં એવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો છે કે દિવસે એની બૅટરીઓ ચાર્જ થઈ જાય અને રાત્રે એ બૅટરીઓ જ વિમાનને બળતણ પૂરું પાડે. જેમ કે તમે અગાસીમાં સોલર હીટર નખાવ્યું હોય તો એનું ગરમ પાણી તમને બીજા દિવસે સવારે અથવા તો સાંજે પણ મળી શકે છે.

ઇકો-ફ્રેન્ડ્લી SI-2ના જન્મની વાત કરીએ તો એનો આઇડિયા વિશ્વના સૌથી ઇનોવેટિવ માનવામાં આવતા નાનકડા સ્વિટ્ઝરલૅન્ડમાં આવ્યો હતો. આ ક્રાન્તિકારી વિમાનના સંશોધકો મૂળ સ્વિટ્ઝરલૅન્ડના છે. સ્વિટ્ઝરલૅન્ડ કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. કદાચ એ સૌંદર્યના રક્ષણ માટે જ સોલર વિમાનના આઇડિયાએ જન્મ લીધો હશે.

આઇડિયા તો ઘણા આવે, પરંતુ સાચો પડકાર એને અમલમાં મૂકવાનો હોય છે. અવકાશની યાત્રા અને જો વિમાનમાં અધરસ્તે બળતણ પૂરું થાય તો શું હોનારત સર્જાય એ બધાને જ ખબર છે. એથી સૌથી મોટો પડકાર એની બનાવટનો હતો. SI-2 વિમાનમાં ચાર સ્વિસ એન્જિનનો ઉપયોગ થયો છે. આ ક્રાન્તિકારી સિંગલ-સીટર વિમાનની પાંખો ૭૨ મીટર લાંબી એટલે કે બોઇંગ વિમાન (પૅસેન્જર વિમાન)ની પાંખ કરતાં પણ લાંબી છે. એના પર ૧૭ હજાર સૌરકોષો છે. પાંખનું વજન ૨૩૦૦ કિલોગ્રામ એટલે કે એક કાર જેટલું હોય છે. આ વિમાન કલાકના પચાસથી સો કિલોમીટરની ઝડપે ઊડે છે. ઓછામાં ઓછો અવાજ કરતું આ વિમાન કાર્બન ફાઇબરથી બનેલું હોવાને કારણે એ વજનમાં પણ અત્યંત હળવું છે. આ વિમાનની બનાવટે આજ સુધી બનેલા વિમાનના આઠેક વિક્રમો તોડ્યા છે.

એવું નથી કે આ પ્રકારનું વિમાન પહેલી જ વખત બન્યું છે, પરંતુ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી લાંબી મુસાફરી કરનાર પહેલું હશે. SI-2 બળતણ વગર વિશ્વભ્રમણ કરનાર સૌથી પહેલું વિમાન બની રહેશે. સૌથી સારી વાત તો એ છે કે આ ઇતિહાસમાં ભારત પણ સામેલ છે. ૩૫ હજાર કિલોમીટરની મુસાફરીની શરૂઆત અબુધાબીથી થઈ છે. મુસાફરી દરમ્યાન SI-2 કુલ ૧૨ જગ્યાએ રોકાશે. એમાં ભારતમાં અમદાવાદ અને વારાણસી પણ સામેલ છે. અમદાવાદથી આ વિમાન વારાણસી જશે અને ત્યાંથી પછી મ્યાનમાર, ચીન અને અમેરિકા જશે. આ વિમાનને બનાવનારા સાહસિકો આન્દ્રે બૉર્શબર્ગ અને બટ્રાર્‍ન્ડ પિકાર્ડ વારાફરતી આ સિંગલ સીટર વિમાન ઉડાડશે. ક્લીન એનર્જીનો સંદેશ લઈને ઊડતું આ વિમાન પૅસિફિક અને ઍટલાન્ટિક મહાસાગર પાર કરશે. એ ઑગસ્ટમાં મુસાફરી પૂરી કરીને અબુધાબીમાં પાછું ફરશે.

આન્દ્રે બૉર્શબર્ગની આગેવાની હેઠળ ૮૦ ઇજનેરો અને ટેક્નિશ્યનો આ પ્રોજેક્ટમાં સામેલ હતા. એવિયેશન ક્ષેત્રમાં જ્યારે કોઈને કહેવામાં આવે કે બળતણ વગર વિમાન ઉડાડવાનો પ્રોજેક્ટ છે ત્યારે કદાચ એ લોકોએ હાંસી ઉડાવી હશે અથવા તો પ્રોજેક્ટમાં દમ નથી એમ કહીને વખોડી કાઢ્યો હશે. વિમાનમાં માત્ર પેટ્રોલ નહીં, અતિશુદ્ધ પેટ્રોલ વપરાય છે. એથી આટલા સંવેદનશીલ વાહનમાં જ્યારે પેટ્રોલ જ ન હોય ત્યારે ઉડાડવાની કલ્પના અશક્ય લાગે, પરંતુ વિજ્ઞાનજગતમાં એવી ઘણી શોધ થઈ છે જે એક સમયે કલ્પના લાગતી હતી અને આજે એ વાસ્તવિક છે.

SI-2ને ચલાવવા માટે પરંપરાગત તાલીમ કામ નહીં આવે. એના માટે એકડેએકથી નવી તાલીમ લેવી પડે. ૨૦૧૩માં સોલર ઇમ્પલ્સે કૅલિફૉર્નિયાથી ન્યુ યૉર્કની મુસાફરી કરી હતી. ત્યાર બાદ SI-2ના વિશ્વભ્રમણની જાહેરાત કરવામાં આવી હતી. SI-2ના પાઇલટ આન્દ્રે એકલા વિમાન નહીં ઉડાડે, પરંતુ તેમની સાથે આખી ટીમ હશે જે નીચેથી જ તેમના વિમાનની પ્રગતિની નોંધ લેશે અને જરૂર પડ્યે મદદ કરશે.

વિમાન કાર અને જહાજો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. એન્જિનનો ધુમાડો અને મુસાફરદીઠ વાતાવરણમાં છૂટતો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણને વધુ પ્રદૂષિત બનાવે છે. એથી જો સોલર વિમાન નજીકના ભવિષ્યમાં માલવહન કે મુસાફરી માટે શક્ય બને તો વાતાવરણને પ્રદૂષણથી બચાવી શકવાની શક્યતા ખરી જ! જો એમ શક્ય બને તો એવિયેશન જગતમાં રાઇટ બ્રધર્સ પછી આન્દ્રે અને બટ્રાર્ન્ડનું નામ પણ અમર થઈ જશે.

સોલર વિમાનનો રસપ્રદ ઇતિહાસ

સોલર એવિયેશનની શરૂઆત ઈસવી સન ૧૯૭૦માં થઈ હતી. એ સમયે સોલર સેલ્સ (સૌરઊર્જા) બજારમાં ઉપલબ્ધ હતા, પરંતુ પાઇલટ એ સોલર વિમાનને ઉડાવે એવી કલ્પના ૧૯૮૦ પહેલાં નહોતી થઈ. સૌથી પહેલાં અમેરિકન ઍરોનૉટિકલ એન્જિનિયર પૉલ મૅકક્રીડી જ સંશોધકો માટે સોલર વિમાનના પડકારોને સામે લાવ્યા. તેમનું પહેલું વિમાન સોલૈર એક હજાર કિલોમીટર ઊડ્યું હતું. ત્યાર બાદ ૧૯૯૦માં એરિક રેમન્ડે સનસિકર વિમાનને ૧૨૧ કલાક ઉડાડ્યું હતું. ત્યાર બાદ ૧૯૯૬માં અગાઉના વિક્રમો તોડીને જર્મન પ્રોફેસર અને તેમની ટીમે ઇકા ૨ બનાવ્યું, જેના માટે એને ઇનામથી નવાજવામાં આવ્યું. આ બધામાં હેલિઓસને કેવી રીતે ભૂલી શકાય. આ વિમાન રિમોટ કન્ટ્રોલ વડે ચાલતું હતું. ૨૦૦૫માં અમેરિકાના ઍલન કોકોનીએ માનવવિહીન વિમાન સતત ૪૮ કલાક ચલાવ્યું હતું. ૨૦૧૦ની ૯ જુલાઈથી ૨૩ જુલાઈ દરમ્યાન ઍન્ગ્લો-યુએસ કંપનીએ ઝેફિર નામનું ડ્રોન સતત ૩૩૬ કલાક ૨૨ મિનિટ (૧૪ દિવસ) ઉડાવ્યું હતું. હવે સોલર ઇમ્પલ્સ ૨ બધાં જ વિમાનોના વિક્રમને તોડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK