ચોમાસામાં આ સૂપ જરૂર કરો ટ્રાય

જૂસની અવેજીમાં સૂપ બેસ્ટ ઑપ્શન છે. બહાર વરસાદમાંથી પલળીને આવ્યા હોય ત્યારે આ એક વાટકો સૂપ તમારી ભૂખને શાંત કરશે અને ઘણું જ પોષણ આપશે. જો ટમેટાં અને પાલકનું સૂપ પીને કંટાળી ગયા હો તો અજમાવો આ હેલ્ધી સૂપ રેસિપીઝ



જિગીષા જૈન

ચોમાસામાં કાચી શાકભાજી અને ફળોના જૂસ ન પીવા જોઈએ એવી સલાહ ડૉક્ટર આપે છે, કારણ કે ચોમાસામાં ઇન્ફેક્શનનું રિસ્ક ઘણું વધારે હોય છે. પરંતુ જે લોકો જૂસ પીતા હોય છે તેમને આદત હોય છે કંઈ ને કંઈ પીવાની અને જો જૂસ છૂટી જાય તો પછી શું પીવું, કઈ રીતે શાકભાજીનું વધુ પોષણ મેળવવું એવો સવાલ ઊભો થાય છે. એનો સરળ જવાબ છે સૂપ. સામાન્ય રીતે આપણે ટમેટાં અને પાલકનું સૂપ પીતા હોઈએ છીએ, પરંતુ એનાથી કંટાળી જઈએ છીએ. ઘણા લોકો ચાઇનીઝ તૈયાર સૉસ નાખીને બનાવેલાં સૂપ પીતા હોય છે. ઘણા રેડી ટુ મેક પૅકેટ લાવીને બે મિનિટમાં બનતું સૂપ પીતા હોય છે. પણ આ સૂપ હેલ્ધી હોતાં નથી. રેસ્ટોરન્ટમાં મળતાં સૂપ પણ બટર, ક્રીમ અને ચીઝ નાખેલાં હોય છે; જેથી ખૂબ હેવી બની જતાં હોય છે. ચોમાસામાં અત્યંત હેલ્ધી ગણાય એવાં સૂપની રેસિપી અને એના ફાયદાઓ વિશે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી, જે ઘરે સરળતાથી બનશે અને ઘણાં જ પોષણદાયક પણ છે.

soup

બાર્લી વેજ સૂપ - જવનું સૂપ


સામગ્રી

+ ૧ મોટું શક્કરિયું - છાલ કાઢીને ટુકડા કરેલું

+ દોઢ કપ ગાજર - છાલ કાઢીને સમારેલું

+ દોઢ કપ સુધારેલી ફણસી

+    દોઢ કપ કૉર્ન

+    સેલરીની ૩ સ્ટિક - પાતળી સુધારેલી

+    એક નાની ડુંગળી સુધારેલી

+    અડધો કપ કૅપ્સિકમ સુધારેલું

+    બે લસણની છૂંદેલી કળી

+    ૬ કપ પાણી

+    ૧ કપ વેજિટેબલ સ્ટોક (જે પાણીમાં શાકભાજી ઉકાળી હોય એ પાણી)

+    ૧ કપ મીડિયમ પર્લ બાર્લી

+    ૧ તેજ પત્તું

+    મીઠું સ્વાદ અનુસાર

+    અડધી ચમચી પીસેલી વરિયાળી

+    પા ચમચી મરીનો પાઉડર

+    ૧૦-૧૨ નાનાં ચેરી ટમેટાં - એકના બે ભાગ

રીત


કુકરમાં પહેલાં જવને ૩-૪ સીટી લઈને બાફી લો. બાફ્યા બાદ એનું પાણી ગાળી લો. એક પૅનમાં બધી શાકભાજી નાખો અને સાંતળી લો એટલે કે શક્કરિયું, ગાજર, ફણસી, કૉર્ન, સેલરી, ડુંગળી, કૅપ્સિકમ, ટમેટાં અને લસણ બધું જ સાંતળી લો. એમાં જવનું પાણી અને વેજિટેબલ સ્ટોક ઉમેરો. એકદમ ઉકાળો અને મીઠું તથા બધા મસાલા ઉમેરીને ગરમ-ગરમ પીરસો.

ફાયદાઓ 


જવ એક પોષણયુક્ત ધાન્ય છે જેમાં વિટામિન ગ્૬, ફોલેટ અને પોટૅશિયમ છે જે એને હાર્ટ-હેલ્ધી બનાવે છે. એમાં આયર્ન, ફૉસ્ફરસ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ઝિન્ક જેવાં તત્વો છે જે હાડકાંને પણ મજબૂત બનાવે છે. એનાં ફાઇબર્સ પાચનને બળ આપે છે. એનું પાણી હેલ્થ માટે ઘણું જ ગુણકારી છે, જેનો ઉપયોગ આ સૂપમાં થયો છે.

soup1

મસૂર અને સરગવાનો રસમ


સામગ્રી

+૧ કપ મસૂર દાળ

+ ૩ સરગવાની શિંગ

+ ૧-૨ ચમચી રસમ પાઉડર સ્વાદ અનુસાર

+ પા ચમચી હળદર

+ પા ચમચી મરી, ૧ ચમચી જીરું અને + ૧ ચમચી ધાણાને ખાંડણીમાં ખાંડીને તૈયાર કરેલો પાઉડર

+ ૧૦-૧૫ ફુદીનાનાં પાન અડધા લીંબુનો રસ

+ મીઠું સ્વાદ અનુસાર

+ વઘાર માટે - ૧ ચમચી ઘી કે તેલ

+ અડધી ચમચી રાઈ, ૧ સૂકું લાલ મરચું, ૫-૭ મીઠા લીમડાનાં પાન, ચપટી હિંગ

રીત 

મોટા ભાગે રસમમાં દાળનું પાણી વાપરવામાં આવે છે, પરંતુ દાળનું પાણી કાઢીને પછી દાળનું શું કરવું એ પણ એક સવાલ લાગે છે. રેસ્ટોરાંમાં તો બચેલી દાળનો સાંભાર બની જાય છે. જો ઘરમાં પણ એવી કંઈ વ્યવસ્થા થઈ શકે એમ હોય તો દાળની માત્રા વધારવી અને એનું પાણી જ રસમમાં વાપરવું. નહીંતર દાળની માત્રા ઘટાડવી અને એને બાફીને એકદમ ક્રશ કરી લેવી. પાણી નાખી દેવું. એટલે એ દાળનું પાતળું પાણી થઈ ગયું. બીજી બાજુ સરગવાને પણ વ્યવસ્થિત છોલી દોઢ ઇંચ લાંબી સળીઓ સુધારી એને બાફી લો. ૩-૪ સળી બચાવીને બાકી બધી બફાયેલી સરગવાની શિંગને હાથેથી મસળી નાખો એટલે એનો પલ્પ નીકળી જશે. એનાં છોતરાંને અલગ કરો અને આ પલ્પને પીસેલી મસૂર દાળ સાથે ભેળવીને ગૅસ પર ઉકાળવા મૂકો. એમાં રસમ પાઉડર, મીઠું નાખો. ખાંડેલાં મરી, ધાણા અને જીરું પણ નાખો. લીંબુ પણ ઉમેરો. બીજા ગૅસ પર ઘી કે તેલ ગરમ કરો અને રાઈ, જીરું, લીમડો અને હિંગનો વઘાર કરો અને આ વઘારેલો રસમ ગરમાગરમ પીઓ.

ફાયદાઓ

રસમને હંમેશાં સાઉથ ઇન્ડિયામાં બીમારી વખતે પીવડાવવામાં આવે છે. ઇમ્યુનિટી વધારવા માટે એમાં વપરાતા મસાલા ઘણા ઉપયોગી છે. આ સિવાય ચોમાસામાં અલગ-અલગ ધાન્ય અને પ્રોટીનને ખોરાકમાં સામેલ કરવાથી ઘણી મદદ મળે છે. રસમ માટે ફક્ત તુવેર જ નહીં, મગ-મસૂર-વાલની દાળ વાપરી શકાય છે. આ સૂપમાં સરગવો વપરાયો છે, જે હાડકાં માટે અત્યંત ઉપયોગી છે.

soup2

રોસ્ટેડ પમ્પકિન સૂપ - શેકેલા કોળાનું સૂપ


સામગ્રી

+ ૫૦૦ ગ્રામ કોળું કે પમ્પકિન

+ બે ગાજર સુધારેલાં

+ બે કળી લસણની

+ ૧ કપ વેજિટેબલ સ્ટોક

+ પા ચમચી તજનો પાઉડર

+ બે ચમચી ઑલિવ ઑઇલ

+ મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીત


કોળાનું એમનેમ પણ સૂપ બનાવી શકાય, પરંતુ એને શેકીને ખાવાની મજા જુદી છે. કોળા અને ગાજરના ટુકડા કરીને રાખો. અવનને બસો ડિગ્રી

પ્રી-હીટ કરો. એક બેકિંગ ટ્રેને ગ્રીઝ કરીને કોળા-ગાજરના ટુકડા અને લસણની કળી રાખી દો. એના પર મીઠું છાંટો અને ઑલિવ ઑઇલ નાખો. એક ફૉઇલથી હળવું કવર કરો. ૨૦-૩૦ મિનિટ સુધી શેકાવા દો. જો અવન ન હોય તો એક પૅનમાં એને સાંતળી લો. બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં નાખો અને સ્મૂધ પીસી લો. પીસતી વખતે થોડું પાણી ઉમેરો. તમને જેટલું પાતળું સૂપ પીવું હોય એટલું પાણી નાખી શકાય છે. સૂપ રેડી થાય એટલે એમાં મીઠું નાખીને ગરમાગરમ પીવું.

ફાયદાઓ


કોળામાં પોટૅશિયમની માત્રા વધુ હોવાથી એ બ્લડ-પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદરૂપ છે. એમાં બિટા કૅરોટિન નામના ઍન્ટિઑક્સિડન્ટ્સ ખૂબ વધારે માત્રામાં છે; જે કૅન્સર, અસ્થમા અને હાર્ટ-ડિસીઝ સામે મદદરૂપ છે.

soup3

મિલેટ-વેજિટેબલ સૂપ-કોદરીનું સૂપ


સામગ્રી

+ ૪ સેલરી સ્ટિક ઝીણી સુધારેલી

+ ૪ ગાજર સુધારેલાં

+ ૧ ડુંગળી

+ ૮ કપ વેજિટેબલ સ્ટોક

+ ૧ કપ લાલ બેલ પેપર સુધારેલાં

+ ૪ ટમેટાં સુધારેલાં

+ ૪ લસણની કળી બારીક સુધારેલી

+ ૧ તેજપત્તું

+ ૧ ચમચો થાઇમ

+ ૧ ચમચો પાર્સલી

+ ૧ કપ કોદરી કે ફૉક્સટેલ મિલેટ

+ તેલ વઘાર માટે

રીત


પહેલાં કોદરીને કુકરમાં મીઠું નાખીને બાફી લો. ૪-૫ સીટીમાં એ બફાઈ જશે. બધી શાકભાજીને એટલે કે ગાજર, ડુંગળી, લસણને તેલમાં તેજપત્તા સાથે સાંતળી લો. એમાં ટમેટાં પણ ઉમેરો. એમાં સેલરી, થાઇમ અને પાર્સલી ઉમેરો. જો આ હર્બ લીલાં ન મળે તો સૂકાં પણ વાપરી શકાય. એમાં બફાયેલી કોદરી ઉમેરો અને પછી ૮ કપ વેજિટેબલ સ્ટોક ઉમેરો. ઊકળીને એકરસ થાય પછી ગરમાગરમ ખાઓ.

ફાયદા

આ એક અત્યંત પોષણયુક્ત વન-પૉટ મીલ કહી શકાય. સાંજે જો મોટો વાટકો ભરીને આ સૂપ પી લીધું હોય તો જમવાની જરૂર નથી. કોદરી પોતાનામાં એક અત્યંત પોષણયુક્ત ધાન્ય છે. એનું ઇટાલિયન હબ્ર્સ સાથેનું કૉમ્બિનેશન ઘણું સારું લાગે છે. એ જ તમે આપણા દેશી મસાલાઓ સાથે પણ બનાવી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK