મિલેટ્સમાંથી બનાવી શકાય છે ભાત-ભાતની વાનગીઓ

વળી મિલેટ્સમાંથી રોટલી, ખીચડી જ નહીં; ફરસાણ અને મીઠાઈ પણ બનાવી શકાય છે. એ રીતે એ ઘણું વૈવિધ્યસભર છે. આજે જાણીએ કેટલીક અત્યંત હેલ્ધી અને ગુણકારી મિલેટ્સ રેસિપીઝજિગીષા જૈન


ગઈ કાલે આપણે જોયું કે બાજરો, જુવાર, રાગી, કોદરી, કોડ જેવાં ધાન્ય જેને મિલેટ્સ કહે છે એ પોષણની દ્ષ્ટિએ કેટલાં હેલ્ધી છે અને એનો ઉપયોગ દરરોજના ખોરાકમાં ચોક્કસ કરવો જોઈએ. આપણે પારંપરિક રીતે જુવાર, બાજરાના રોટલા તો ખાતા આવ્યા છીએ. આ સિવાય બાજરાનો શીરો અને રાબ પણ એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી વાનગી છે. રાજસ્થાની લોકો બાજરાની ખીચડી બનાવે છે એ પણ ખાસ્સી પ્રચલિત છે. નાચણી અહીં મહારાષ્ટ્રમાં નાનાં બાળકોને આપવામાં આવતી શ્રેષ્ઠ વસ્તુ છે જેનાથી બાળકોને ઘણું પોષણ મળે છે. આ સિવાય ઝુણકા-ભાખર જેવી એકદમ પારંપરિક મહારાãષ્ટ્રયન વાનગીમાં ભાકર જુવાર કે બાજરીનો રોટલો જ હોય છે. આ પારંપરિક વાનગીઓ ઘણી જ પોષણયુક્ત છે. એની સાથે આજે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ અને ન્યુટ્રિશનિસ્ટ અને હોમિયોપૅથ ડૉ. કોમલ ગાંધી પાસેથી.

khichdi

મિક્સ મિલેટ્સ ખીચડી

સામગ્રી

+    ૧ કપ મિક્સ મિલેટ્સ

+    અડધો કપ મગની દાળ

+    ૧ કપ મિક્સ શાકભાજી-ગાજર, ફણસી, વટાણા, કોબી, કૉર્ન, કૅપ્સિકમ, બટાટા, ડુંગળી જેવી કોઈ પણ      શાકભાજી ચાલે.

+    ૧ ચમચી ઘી

+    વઘાર માટે - હિંગ, તેજપત્તાં, ૨-૩ લવિંગ, જીરું

+    મીઠું સ્વાદ અનુસાર

રીત


મિક્સ મિલેટ્સમાં બાજરો, જુવાર, નાચણી, કોદરી અને બીજાં ઘણાં મિલેટ ઉમેરી શકાય. બજારમાં આજકાલ મિક્સ મિલેટ્સનાં આખાં પૅકેટ પણ મળે છે. આ આખાં ધાન્ય જ હોય છે જેનો ઉપયોગ સીધો કરી શકાય છે. એને પકવવાં ભાત પકવવા જેટલાં સરળ નથી હોતાં, પરંતુ અઘરામાં ફક્ત એટલું જ છે કે એને પલાળીને રાખવાં પડે છે જેથી એ જલદી ચડી જાય કે પકવી શકાય. મિક્સ મિલેટ્સને ૨-૩ કલાક પહેલાં ધોઈને પલાળી રાખો. દાળ ધોઈને રાખો. કુકર ગૅસ પર ચડાવો અને એમાં ૧ ચમચી હિંગ નાખો. જીરું, તેજપત્તાં અને લવિંગનો વઘાર કરો. શાકભાજી નાખીને એને સાંતળી લો. ત્યાર બાદ પલાળેલાં મિક્સ ધાન્ય અને દાળ નાખો. જેટલા પ્રમાણમાં ધાન્ય અને દાળ હોય એના કરતાં ડબલ પાણી નાખી મીઠું ઉમેરીને કુકર બંધ કરો. અંદાજે ૩-૫ સીટીમાં ખીચડી તૈયાર હશે. જો સાદી ખીચડી બનાવવી હોય અને શાક અલગથી બનાવવું હોય કે પછી ખીચડી પહેલાં બનાવીને પછી વઘારવી હોય તો પણ ચાલે. ઊલટું એ વધુ હેલ્ધી ગણાશે. આ જ રીતે પુલાવ કે બિરયાની પણ બનશે.

kheer

બાર્નયાર્ડ મિલેટ ખીર

સામગ્રી

+    ૧ કપ બાર્નયાર્ડ મિલેટ

+    અડધો લીટર દૂધ

+    ૧ કપ ખાંડ

+    ૧ ચપટી ઇલાયચી પાઉડર

+    ડ્રાયફ્રૂટ પસંદ અનુસાર

રીત


આમ તો કોઈ પણ મિલેટની ખીર બનાવી શકાય છે. જુવાર, બાજરી અને નાચણી ત્રણેય થોડી મોટી સાઇઝનાં ધાન્ય છે અને જલદીથી ચડે નહીં એટલે એને ખીરમાં મોટા ભાગે આખા વપરાતા નથી. એને પલાળીને થોડા અધકચરા વાટીને ઘીમાં શેક્યા પછી એની ખીર બને છે. ફૉક્સટેઇલ અને બાર્નયાર્ડ મિલેટ એવાં છે જેને પકવતાં વધુ વાર નથી લાગતી એટલે એની સીધી ખીર બનાવી શકાય છે. બાર્નયાર્ડ મિલેટ જે એક પ્રકારનું ધાન્ય છે અને આજકાલ દરેક કરિયાણાવાળાને ત્યાં કે સુપર માર્કેટમાં મળે જ છે આ ખીર બનાવવા માટે પહેલા આ ધાન્યને ધીમા તાપે કડાઈમાં શેકી નાખો. શેકાઈ ગયા પછી એને ધોઈને દૂધમાં ઉકાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં એ પાકી જશે અને તૈયાર થઈ જશે. એમાં છેલ્લે ખાંડ અને ઇલાયચી નાખો અને પાંચ મિનિટ વધુ ઉકાળો. ખીર તૈયાર થાય એટલે ડ્રાયફ્રૂટ નાખો અને પીરસો.

jowar

જુવાર મૂઠિયાં

સામગ્રી

+    બે કપ જુવારનો લોટ

+    ૧ નાનકડી દૂધી

+    ૧ ચમચો દહીં

+    ૧ ઇંચ આદું ખમણેલું

+    ૨-૪ કળી લસણ (ઑપ્શનલ)

+    વઘાર માટે - હિંગ, રાઈ, જીરું, તલ, મીઠો લીમડો, લીલું મરચું, તેલ

+    મસાલા - લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, થોડો ગરમ મસાલો

+    મીઠું સ્વાદ અનુસાર

રીત


જુવારના લોટમાં દૂધી ખમણી નાખો અને દહીં ભેળવો. એમાં હળદર, મરચું અને ધાણાજીરું નાખીને લોટ બાંધો. દૂધી ખૂબ પાણી છોડશે એટલે પાણી સમજીને નાખજો. ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે. લોટને થોડો ઢીલો જ રાખજો તો મૂઠિયાં વગર સોડાએ પણ સૉફ્ટ રહેશે. જો લોટ કઠણ હશે તો મૂઠિયાં પણ કઠણ બનશે. સ્ટીમરમાં એને બાફી લો. બાફતાં એને ૧૫-૨૦ મિનિટ લાગશે. બફાઈ જાય પછી વઘારી લેજો.

idli

રાગી ઇડલી

બજારમાં તૈયાર રાગી ઇડલીનાં પૅકેટ મળે છે, પરંતુ એમાં સોડા નાખેલો હોય છે જે ન વાપરવો જોઈએ. સોડા નાખેલી ઇડલી ક્યારેય હેલ્ધી ગણાશે નહીં એટલે આથો લાવીને તૈયાર કરેલી ઇડલી જ વાપરવી. જો સરસ આથો ન આવે અને ઇડલી એકદમ સૉફ્ટ ન બને અને ન ભાવે તો એ જ બૅટરના ઢોસા બનાવી શકાય છે, પરંતુ સોડા ન નાખવા.

સામગ્રી

+    ચાર કપ રાગી કે નાચણી

+    ૧ કપ આખી કાળી અડદ દાળ

+    ૧ ચમચી મેથી

+    મીઠું

રીત

મેથી, રાગી અને અડદ દાળ બધાને અલગ-અલગ વાસણમાં ૪ કલાક જેટલું પલાળો. પછી રાગી પીસી લો. મેથી અને અડદ દાળ સાથે પીસી લો. આથો આવવા માટે ૮-૧૦ કલાક થોડી ગરમ જગ્યાએ રાખી મૂકો. જો ઠંડું વાતાવરણ હોય તો ખાટી છાશ ઉમેરીને મૂકી રાખો તો આથો આવી જશે. મીઠું નાખીને ઇડલી તૈયાર કરો.

upma

કોડાનો ઉપમા- મિલેટ ઉપમા

સામગ્રી

+    અડધો કપ કોદરી અથવા ફૉક્સટેલ મિલેટ

+    ૧ ચમચી ઘી

+    ૧ ચમચી અડદ દાળ

+    વઘાર માટે ચપટી હિંગ, મીઠો લીમડો, રાઈ, જીરું

+    ૧ ચમચી સુધારેલાં લીલાં મરચાં

+    અડધી ચમચી ખમણેલું આદું

+    એક વાટકો મિક્સ મનપસંદ શાકભાજી-ગાજર, વટાણા, બટાટા, ડુંગળી વગેરે

+    ૪-૫ કાજુ

+    મીઠું સ્વાદ અનુસાર 

રીત


રવાનો ઉપમા બનાવીએ એ જ રીતે પહેલાં કોદરી કે ફૉક્સટેલ મિલેટને ઘીમાં શેકી લેવા. શેકેલા આ ધાન્યને કડાઈમાંથી કાઢીને બાજુ પર મૂકવું અને એક તપેલીમાં પાણી ગરમ કરવું. ગરમ પાણીમાં આ શેકેલું ધાન્ય નાખવું અને ઉપરથી મીઠું છાંટવું. એને ૮-૧૦ મિનિટ ઊકળવા દેવું. પછી તપાસવું કે એ પાકી ગયું છે કે નહીં. જો લાગે કે ધાન્ય પાકી ગયું છે તો ગૅસ બંધ કરી એનું પાણી કાઢી લેવું અને પછી એક કડાઈમાં વઘાર માટે ઘી કે તેલ જે ફાવે એ લેવું. એમાં હિંગ, રાઈ, જીરું, મરચાનો વઘાર કરવો. એ ગરમ તેલમાં જ અડદ દાળ નાખવી. દાળ તતડે અને લાલ થાય એટલે એમાં શાકભાજીનો વઘાર કરવો અને શાકભાજી સાંતળી લેવી. એમાં આદું પણ ભેળવી દેવું. ત્યાર બાદ એમાં પકવેલા મિલેટ ઉમેરવા અને સાથે બે મિનિટ ચડવા દેવું. પાણી થોડું નાખવાની જરૂર લાગે તો નાખી શકાય. ઉપરથી ઘીમાં સાંતળેલા કાજુ ઉમેરવા. કોથમીર છાંટવી અને પીરસવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK