હોમમેડ મસાલાની તો વાત જ કંઈક ઓર

વિવિધ પ્રકારના મસાલા અને તેજાનાને પ્રમાણસર માત્રામાં ભેળવીને ખાસ મસાલો તૈયાર કરવામાં ભારતીય ગૃહિણીઓની હથોટી છે. ચાલો જાણીએ મસાલા કઈ રીતે તૈયાર થાય તેમ જ એવા કયા મસાલા છે જે ત્રણ-ચાર જાતના મસાલાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે

masala

વર્ષા ચિતલિયા

આખા વિશ્વમાં મસાલેદાર અને ચટાકેદાર ભારતીય વ્યંજનો ખૂબ જ લોકપ્રિય છે. પ્રાંત-પ્રાંત અને દરેક સ્થળની પોતાની ખાસિયત છે. દક્ષિણ ભારતના ઢોસા તો ગુજરાતના ગાંઠિયા તો વળી પંજાબના છોલે. વાસ્તવમાં પાકશાસ્ત્ર આપણા દેશની ઓળખ છે. અહીંની વાનગીના રંગ, સુગંધ અને સ્વાદ નિરાળા છે. સદીઓથી વિશ્વને આપણી રસોઈકળા અને પરંપરાગત વાનગીઓનું આકર્ષણ રહ્યું છે એની પાછળનું કારણ છે રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલા અને તેજાના. હળદર, મરચું, ધાણાજીરું, રાઈ, જીરું, હિંગ, તજ, લવિંગ, મરી, જાવંત્રી, કેસર, સૂંઠ, એલચી, મેથી વગેરે વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. આવી જ રીતે ગરમ મસાલો, પાંઉભાજી મસાલો, સાંભાર મસાલો, પંજાબી છોલે મસાલો, ચાટ મસાલો, ચાનો મસાલો... આહા, લાંબું લિસ્ટ છે. આ બીજી શ્રેણીના ખાસ મસાલા અનેક પ્રકારના મસાલાઓને ભેળવીને બનાવવામાં આવે છે. આજે બજારમાં બધા જ મસાલા સહેલાઈથી મળી જાય છે. એમ છતાં ઘણી ગૃહિણીઓ અમુક પ્રકારના મસાલા ઘરમાં જ બનાવવાનું પસંદ કરે છે. મસાલામાંથી મસાલા કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, આવા મસાલા બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમ જ એની જાળવણી વિશે જાણીએ.

કોઈ પણ પ્રકારના મસાલા બનાવતી વખતે સૌથી પહેલાં તો એની ગુણવત્તાનો ખ્યાલ રાખવો પડે છે. આપણા દેશમાં દરેક રાજ્યમાં ખાસ પ્રકારના મસાલાનો પાક થાય છે એની ઓળખ હોવી જોઈએ. બારે મહિના સ્વાદ અને સુગંધ જળવાઈ રહે એ માટે મસાલાની પસંદગીમાં ઘણી ચીવટ રાખવી પડે છે. ગુણવત્તાની ચકાસણી કઈ રીતે કરવી એની વિસ્તૃત સમજણ આપતાં ઘાટકોપરના કુકિંગ-એક્સપર્ટ કેતકી સૈયા કહï છે, ‘હવે સમજો આપણે ધાણાજીરું બનાવવું છે તો આપણે દુકાનમાંથી ધાણા અને જીરું લાવીએ. એમાં તજ, તમાલપત્ર અને હિંગ ઉમેરીને પીસી લઈએ. આ રીતે બાર મહિનાના મસાલા તૈયાર ન થાય. ધાણા તાજા અને લીલા હોવા જોઈએ, જીરું ઝીણું હોવું જોઈએ. એને સરખી રીતે સાફ કરીને તડકામાં કડક કરવા જોઈએ. કોઈ પણ મસાલાને પીસતાં પહેલાં તડકો આપવો જ જોઈએ. તડકો આપવાથી મસાલા ક્રિસ્પી થાય છે અને બારે મહિના બગડતા નથી. મરચાં લેતી વખતે દરેક ગૃહિણીએ પરિવારના સ્વાદને ધ્યાનમાં રાખીને ખરીદવા જોઈએ. વધારે તીખાશ જોઈતી હોય તો રેશમપટ્ટી અથવા બેડકી મરચાં અને રંગ સારો પણ ઓછી તીખાશ જોઈએ તો કાશ્મીરી મરચાં લેવાં જોઈએ. બન્ને મરચાંને મિક્સ પણ કરી શકાય. હવે બહેનો શું કરે છે કે મરચાં સુકાઈ જાય પછી ડીટિયાં તો કાઢી નાખે છે, પણ એને સાફ નથી કરતી. મરચાને કપડાથી લૂછવાં પડે છે, કારણ કે એમાં ધૂળ અને જાળાં હોય છે. બે-ત્રણ પ્રકારનાં મરચાં ભેળવીને બાર મહિનાનું મરચું તૈયાર કરવાનું હોય ત્યારે આવી નાની-નાની બાબતમાં આળસ ન ચાલે. એવી જ રીતે હળદર સેલમની જ વપરાય. હળદરમાં પણ જાડી અને પાતળી બન્ને આવે છે. પાતળી હળદર સારી કહેવાય. કોઈ પણ મસાલા ઝીણા અને પાતળા હોય એટલા વધારે ગુણકારી હોય છે. જીરું અને રાઈ પણ ઝીણાં લેવાં જોઈએ. તજ, લવિંગ, એલચી વગેરે કેરળનાં વખણાય છે તેથી ત્યાંનાં જ હોવાં જોઈએ. તજમાં તો ખૂબ ભેળસેળ જોવા મળે છે. અમુક પ્રકારની તજ જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બાકી સ્થાનિક બજારમાં ઝાડનાં છોતરાં જ હોય છે. મરીનું પણ એવું જ છે. ઘણી વાર બજારમાં મળતા મરીમાં તીખાશ નથી હોતી. આજે ઑર્ગેનિક ખાદ્ય પદાર્થનો મોહ વધતો જાય છે, પરંતુ બજારમાં મળતા ઑર્ગેનિક મસાલામાં ખૂબ જ બનાવટ જોવા મળે છે. મસાલાની ખરીદીમાં જે રીતે ચીવટ રાખવી પડે એવી જ રીતે એને પીસવાની બાબતમાં પણ તકેદારી આવશ્યક છે. મિક્સર, ડંકી અને ઘઉં દળવાની ઘંટી પર પીસવામાં પણ ફરક પડે છે. અગાઉના જમાનામાં મોટા ખાંડણી-દસ્તામાં જે રીતે ખાંડી-ખાંડીને મસાલા તૈયાર થતા એવી જ રીતે ઇલેક્ટિÿક ડંકીમાં તૈયાર થાય છે. ડંકીમાં પીસેલા મસાલાની સુગંધ આખું વર્ષ જળવાઈ રહે છે. હવે અમુક ગૃહિણીઓ મિક્સરમાં કેટલાક મસાલા તૈયાર કરે છે. એ રીત આમ જોવા જઈએ તો સાવ ખોટી જ છે. આપણે વાટીને ચટણી બનાવતા અને હવે મિક્સરની ચટણી ખાઈએ છીએ તો સ્વાદમાં ફરક પડે છેને. એવી જ રીતે મશીનમાં થતી પ્રોસેસને કારણે સ્વાદમાં ફરક પડી જાય છે. મસાલાની પસંદગી અને એને તૈયાર કરવાની ટ્રિક છે. જો એને બરાબર અનુસરો તો સ્વાદ અને સુગંધનો આનંદ માણી શકીએ છીએ. જોકે હવે આટલી બધી મહેનત કોઈને કરવી નથી એટલે બજારમાં મળતા તૈયાર મસાલા ગૃહિણીઓને માફક આવી ગયા છે.’

આ તો વાત થઈ મુખ્ય મસાલાની, પરંતુ અનેક પ્રકારના મસાલાને ભેળવી બનાવવામાં આવતા ગરમ મસાલો, સાંભાર મસાલો, પંજાબી મસાલો કે પાંઉભાજી મસાલો જેવા બીજી શ્રેણીના મસાલા ઘરમાં જ બનાવવાનો આગ્રહ રાખવાનું કારણ છે એમાં ઉમેરવામાં આવતા એસેન્સ, મસાલાની માત્રા અને એની ગુણવત્તા. બહારના પૅક્ડ મસાલામાં એસેન્સનો ખૂબ ઉપયોગ થાય છે. બીજું, જે મસાલા સસ્તા હોય એનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ બિઝનેસ છે. સસ્તું હોય એનો વધારે ઉપયોગ કરે તો જ વધુ નફો થાય. જેમ કે બહારના ચાના મસાલામાં એલચીનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે, કારણ કે એલચી ખૂબ મોંઘી છે. ઘરમાં આપણે પસંદગી અને પરિવારના સભ્યોના ટેસ્ટ પ્રમાણે એલચી ઉમેરી શકીએ છીએ. ઘણી ગૃહિણીઓ એલચીની સાથે-સાથે કેસર પણ ઉમેરે છે. મોટા ભાગની ગૃહિણીઓને ચાનો રેડીમેડ મસાલો ફાવતો નથી એનું આ જ કારણ છે. આવી જ રીતે પાંઉભાજીનો એકસરખો સ્વાદ મળે એ માટે એમાં એ પ્રકારનાં એસેન્સ અને મસાલા ઉમેરાય અને સાંભારના સ્વાદમાં એ રીતનાં. ઘરમાં બનાવેલા મસાલા અને બહારના મસાલાના રંગમાં ફરક જોવા મળે છે એનું કારણ જણાવતાં કેતકીબહેન કહે છે, ‘ઘણી વાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે ઘરમાં બનાવેલું મરચું છ મહિનામાં કાળું પડી જાય છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે બહારના મસાલામાં રંગ ભેળવવામાં આવે છે એટલે એ બારે મહિના એકસરખા દેખાય છે. આપણે બે-ત્રણ વસ્તુ એકઠી કરીને એક મસાલો બનાવીએ ત્યારે રંગમાં ફરક પડે છે, પરંતુ સ્વાદિષ્ટ હોય છે. બહારના મસાલા હાઈ-ગ્રેડ મશીનમાં તૈયાર થાય છે. મશીનમાં બનતા મસાલાને ચાળીને ફાઇન કરવામાં આવે છે એટલે એનો રંગ જળવાઈ રહે છે, પરંતુ સ્વાદ ઊડી જાય છે. કેટલાક મસાલામાં તો રંગની સાથે એસેન્સ પણ ઉમેરવામાં આવે છે. ઘણી વાર આપણે લોકોને ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે હવે મસાલામાં પહેલાં જેવી મજા નથી આવતી એનું કારણ છે મશીનમાં તૈયાર કરવામાં આવતા ફાઇન મસાલા. આખું વર્ષ આપણે જે ફાઇન મસાલા ખાઈએ છીએ એમાં કોઈ પોષક તત્વો હોતાં નથી. અહીં એક દાખલો ટાંકવા જેવો છે. આપણે ઘઉંનો લોટ વાપરીએ છીએ એ મશીનમાં ચાળીને તૈયાર કરેલો હોય છે. હવે આપણે કોઈ વસ્તુને ચાળીએ ત્યારે ચાળણીમાં રહેલું થૂલું ફેંકી દઈએ છીએ અને ચાળેલી વસ્તુ ખાઈએ છીએ. પોષક તત્વો તો થૂલામાં જ છે, જે નીચે રહ્યો છે એ કૂચો છે. મસાલાનું પણ એવું જ છે. આપણે ફાઇન બનાવેલો કૂચો ખાઈએ છીએ. વિવિધ પ્રકારના મસાલા ભેળવીને ઘરમાં બનાવવામાં આવેલા મસાલા સહેજ કરકરા ભલે લાગે, પણ એ જ ગુણકારી અને સ્વાદિષ્ટ છે. કોઈ પણ પ્રકારના મસાલા આપણી દેખરેખ હેઠળ જ તૈયાર થવા જોઈએ. જોકે એક વાત ખાસ કહેવાની કે અમુક પ્રકારના બહારના મસાલામાં જે સ્વાદ જોવા મળે છે એ ઘરના માસાલામાં નથી જોવા મળતો, કારણ કે ઘરે આપણે જે ઇન્સ્ટન્ટ મસાલો બનાવીએ છીએ એમાં સ્થાનિક બજારમાં મળતા મસાલા અને તેજાનાનો જ ઉપયોગ કરીએ છીએ. કંપનીઓ આવા મસાલા મોટા પ્રમાણમાં પહેલાં જ ખરીદી લે છે અને એમાંથી તૈયાર શાકના મસાલાનાં પૅકેટ તેમ જ ચાટ મસાલો વગેરે બનાવે છે એટલે કેટલીક વાર આપણા મસાલા કરતાં એ વધારે સ્વાદિષ્ટ લાગે છે.’

આજની ફાસ્ટ લાઇફમાં બધા જ મસાલા ઘરમાં તૈયાર કરવા શક્ય નથી, પરંતુ કેટલાક મસાલા ઘરમાં જ તૈયાર કરવામાં શાણપણ છે. જે મસાલામાં ભેળસેળની શક્યતા વધારે છે અથવા હલકી ગુણવત્તાવાળા અને સસ્તા મસાલાનું પ્રમાણ વધારે રાખવામાં આવતું હોય એવા મસાલા ઘરમાં જ બનાવવા જોઈએ. હવે સૌથી મહત્વની વાત એ કે એને કેવી રીતે સ્ટોર કરવા? આ બાબતની સમજ આપતાં કેતકીબહેન કહે છે, ‘આજકાલ બધાને દેખાવમાં આકર્ષક બરણીઓ જ ગમે છે. આપણા દાદીમાના જમાનામાં અથાણાં-મસાલા ભરવા માટે કાચની બરણી જ વાપરવામાં આવતી હતી એનાં કારણો છે. કાચની બરણીમાં એનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે, જ્યારે પ્લાસ્ટિકની બરણીઓમાં ભરેલા મસાલા ભેજને કારણે જલદી ખરાબ થઈ જાય છે અને સ્વાદહીન લાગે છે. બારે મહિના ભરવાના મસાલા માટે કાયમ કાચની બરણીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. ઉપરાંત મસાલાને ઠંડા હવામાનમાં રાખવા જોઈએ. પહેલાં અનાજ-મસાલા ભરવા ખાસ સ્ટોરરૂમ હતો. ભંડકિયામાં આપણે બારે મહિના વાપરવાની સામગ્રી ભરી રાખતા અને એમાંથી રોજના વપરાશ પૂરતી કાઢતા. હવે આવી મેથડ આપણે અપનાવતા નથી. આજે આપણાં કિચન નાનાં થઈ ગયાં છે એટલે શક્ય પણ નથી. જો ફ્રિજમાં જગ્યા હોય તો કેટલાક મસાલાને એમાં રાખવા જોઈએ. મસાલાની બરણીને માઇક્રોવેવ અને ગૅસથી દૂર રાખવી જોઈએ. ગરમીનું પ્રમાણ વધારે હોય એવી જગ્યાએ મસાલા જલદી બગડી જાય છે. સામાન્ય રીતે ફૅશનેબલ કિચનમાં માઇક્રોવેવની ઉપર જ ખાનાં બનાવવામાં આવે છે અને આપણે એ ખાનાંમાં મસાલા મૂકીએ છીએ એને કારણે જ એ જલદી ઊતરી જાય છે. ઘરમાં મસાલા તૈયાર કરતી વખતે અને એને જાળવવામાં આવી ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખો તો બારે મહિના રસોઈમાં એકસરખો સ્વાદ અને સુગંધ જળવાઈ રહે.’

રસોઈમાં પડતું મીઠું મુખ્ય મસાલો

કોઈ પણ રસોઈ મીઠા વગર સ્વાદહીન કહેવાય. મીઠાની ગણના મુખ્ય મસાલા તરીકે થવી જોઈએ. જો રસોઈમાં મીઠાનું પ્રમાણ માપસર ન હોય તો અન્ય મસાલાના સ્વાદની ખબર ન પડે. મીઠાના ગુણ અને એની ખરીદીમાં રાખવી પડતી તકેદારી વિશે વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘આપણે મીઠાની પસંદગીમાં સૌથી વધારે થાપ ખાઈએ છીએ. આજકાલ બજારમાં નવા-નવા પ્રકારના મીઠાનાં જે પૅકેટ મળે છે એમાં ખારાશનું પ્રમાણ ખબર જ નથી પડતી જેને કારણે રસોઈમાં મીઠાની વધઘટ થયા જ કરે છે. આ બાબતમાં વાસ્તવમાં ગૃહિણીઓનો વાંક નથી. પહેલાંના સમયમાં મસાલાની સાથે મીઠું પણ ભરવામાં આવતું હતું. અગાઉ આપણે આખું મીઠું અથવા સિંધાલૂણ ખાતા હતા અને હવે પીસેલું ખાઈએ છીએ. અત્યારે સૌથી વધારે ભેળસેળ મીઠામાં જ થાય છે. આપણા દેશમાં થાઇરૉઇડ જેવો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે એની પાછળ મીઠાની ભૂમિકા મોટો ભાગ ભજવે છે. મીઠામાં આયોડીનની માત્રા કેટલી હોવી જોઈએ આ બાબતમાં વિદેશમાં જાગરૂકતા જોવા મળે છે. વિદેશીઓ હવે રફ સૉલ્ટ વાપરવા લાગ્યા છે. જોકે આ પ્રકારનું મીઠું મોંઘું પડે છે એટલે બધા તો ન જ વાપરી શકે. આપણે વિકલ્પ તરીકે આખું મીઠું વાપરી શકીએ છીએ.’

મસાલામાંથી મસાલા બનાવવાની રીત

ચાટ મસાલો


સામગ્રી : ૫૦ ગ્રામ જીરું, ૫૦ ગ્રામ ધાણા, ૨૫ ગ્રામ મરી, ૨૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ મીઠું, ૧૨૫ ગ્રામ સંચળ, ૪-૫ કાશ્મીરી મરચાં, ૩ ચમચી હિંગ

રીત : નૉનસ્ટિક પૅનમાં ધાણા અને જીરુંને સુગંધ આવે ત્યાં સુધી શેકવાં. ઠંડું પડે એટલે પાઉડર કરવો. હવે લાલ મરચાંને મધ્યમ આંચે શેકવાં. છેલ્લે મરી નાખી શેકવું. ઠંડું પડે એટલે એનો પણ પાઉડર કરવો. બધા મસાલા મિક્સ કરવા. એકદમ ઠંડા કર્યા બાદ સૌથી છેલ્લે મીઠું નાખી ઍરટાઇટ બરણીમાં ભરી દેવું.

નોંધ : લાલ ચાટ મસાલો જોઈતો હોય તો મરચાંનો ઉપયોગ કરવો અને સફેદ જોઈતો હોય તો મરચાંની જગ્યાએ સફેદ મરી વાપરવાં. આવી જ રીતે ફુદીના ચાટ મસાલો પણ બનાવી શકાય. ફુદીનાને સૂકવી માઇક્રોવેવમાં રોસ્ટ કરી ઉમેરવું.

ચાય મસાલો

સામગ્રી : ૧૦૦ ગ્રામ મરી, ૫૦ ગ્રામ લવિંગ, ૫૦ ગ્રામ તજ, ૫૦ ગ્રામ એલચી, ૫૦ ગ્રામ એલચા, ૧૦૦ ગ્રામ સૂંઠ પાઉડર.

રીત : નૉનસ્ટિક પૅનમાં સૂંઠ સિવાયની તમામ વસ્તુને શેકી લેવી. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ચાળી લેવું. એમાં સૂંઢ પાઉડર ઉમેરી બરણીમાં ભરી દેવું.

નોંધ : ચાયના મસાલામાં તીખાશ ઓછી જોઈતી હોય તો મરીનું પ્રમાણ ઘટાડવું.

પંજાબી મસાલો

સામગ્રી : ૫૦ ગ્રામ જીરું, ૫૦ ગ્રામ કાળાં મરી, ૨૫ ગ્રામ એલચા, ૨૫ ગ્રામ ધાણા, ૨૫ ગ્રામ વરિયાળી, ૧૦ ગ્રામ લવિંગ, ૧૦ ટુકડા તજ, ૬ તમાલપત્ર, બે ચમચી આદુંનો પાઉડર, ૧ ચમચી જાયફળનો પાઉડર.

રીત : નૉનસ્ટિક પૅનમાં જીરું શેકવું. એમાં મરી નાખવાં. એલચા, વરિયાળી, લવિંગ, તજ, તમાલપત્ર અને ધાણા નાખી મધ્યમ આંચે ફરીથી શેકવું. ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી લેવું. એમાં આદું અને જાયફળનો પાઉડર નાખી મિક્સ કરવું.

નોંધ : ૪ વ્યક્તિ માટેના શાકમાં બે ચમચી મસાલો નાખવાથી સ્વાદિષ્ટ બનશે.

રસાદાર શાકનો મસાલો


સામગ્રી : બસો ગ્રામ ચણાની દાળ, બસો ગ્રામ શિંગદાણા, ૫૦ ગ્રામ સિલોની ખમણ, ૨૫ ગ્રામ તલ, ૩ ચમચી ખસખસ, ૧ ટુકડો તજ, ૨-૩ લવિંગ, બે એલચી, બે તમાલપત્ર, ૧ ચમચી વરિયાળી, પાંચ કાશ્મીરી સૂકાં મરચાં, બે બોળિયાં મરચાં, બે સૂકા લસણની કળી (ઑપ્શનમાં), ૧ ચમચી ગાર્લિક પાઉડર (ઑપ્શનમાં), ૧ ચમચી અન્યન પાવડર (ઑપ્શનમાં).

રીત : નૉનસ્ટિક પૅનમાં ચણાની દાળને ધીમી આંચે બદામી રંગની શેકી લેવી. ઠંડી થાય એટલે પાઉડર કરવો. શિંગદાણાને શેકી છાલ કાઢી પાઉડર કરવો. એક પૅનમાં ફરીથી તલ, ખસખસ, તમાલપત્ર, એલચી, લવિંગ, મરચાં, વરિયાળી, બોળિયાં મરચાંને ધીમી આંચે શેકી લેવાં. છેલ્લે કોપરાનું ખમણ નાખવું. ઠંડું પડે એટલે મિક્સરમાં પાઉડર કરી બધી સામગ્રી મિક્સ કરવી. લસણની કળી, ગાર્લિક અને અન્યન પાઉડર નાખવા હોય તો એને પણ ઉમેરી દેવા.

નોંધ : ૪ વ્યક્તિના શાકમાં દોઢ ચમચી આ પાઉડર નાખવાથી રસો ઘટ્ટ થશે અને શાક સ્વાદિષ્ટ લાગશે.

કોરો સંભાર

સામગ્રી : બસો ગ્રામ રાઈના કુરિયા, ૫૦ ગ્રામ મેથીના કુરિયા, ૩૨૫ ગ્રામ મરચું (કાશ્મીરી અથવા તીખું અથવા અડધું-અડધું), ચપટી હળદર, ૩ ચમચી આખા ધાણા, ૧૦૦ ગ્રામ રાઈનું તેલ, ૫-૭ મરી, ૧૦૦ ગ્રામ મીઠું.

રીત : એક મોટી થાળી લઈ કિનારીમાં રાઈના કુરિયાનો થર બનાવવો. એની અંદર મેથીના કુરિયાનો થર બનાવવો. તેલને સુગંધ આવે એટલું ગરમ કરવું. બીજા હાથમાં હિંગ પકડી રાખવી. તેલ ગરમ થયા બાદ તરત જ એમાં હિંગ નાખવી. કુરિયાના થર પર તેલને રેડી દાબી દેવું. વીસ મિનિટ ઢાંકીને રહેવા દેવું. એમાં મીઠું અને મરચું નાખી મિક્સ કરી બરણીમાં ભરી દેવું.

નોંધ : ખાખરા, મૂઠિયાં અને ઢોકળાં સાથે આ સંભારો સરસ લાગે છે. આ ઉપરાંત ગાજર, ટીંડોળા, ભોલર મરચાં જેવા તાજા શાકમાં ઉમેરી ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકાય.

ગરમ મસાલો

સામગ્રી : ૧૦૦ ગ્રામ જીરું, ૧૦૦ ગ્રામ ધાણા, ૩ ચમચી કાળાં મરી, બે ચમચી એલચા, બે ચમચી એલચી, બે ચમચી લવિંગ, બે ચમચી વરિયાળી, ૬ ટુકડા તજ, ૬ તમાલપત્ર, ૧ ચમચી જાયફળ પાઉડર.

રીત : નૉનસ્ટિક પૅનમાં જીરું સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. એમાં ધાણા નાખો. ત્યાર બાદ જાયફળ પાઉડર સિવાયના તમામ મસાલા ઉમેરી ધીમી આંચે શેકો. ઠંડું પડે એટલે મિક્સરમાં પીસી લો. એમાં જાયફળ પાઉડર નાખો. ઍરટાઇટ બરણીમાં ભરી દો.

નોંધ : કોઈ પણ શાક અને કઠોળને સ્પાઇસી બનાવવા ગરમ મસાલાનો ઉપયોગ કરો.

ખાસ નોંધ

મસાલાને શેકવાથી એમાંથી ભેજનું પ્રમાણ ઊડી જાય છે તેમ જ કડક બને છે. મસાલામાંથી મસાલા બનાવતી વખતે મીઠું છેલ્લે જ નાખવું. મસાલા ગરમ હોય ત્યારે મીઠું નાખવાથી પાણી છૂટે છે એ વાતનો ખયાલ રાખવો.

હાઈ-ગ્રેડ મશીનમાં તૈયાર કરવામાં આવેલા ફાઇન મસાલા એ ચાYયા બાદ બચેલો કૂચો છે, જ્યારે ગૃહિણીઓ દ્વારા વિવિધ પ્રકારના મસાલાને ભેળવીને ખાસ પ્રકારનો એક મસાલો તૈયાર કરવામાં આવે છે એ ઘઉંના થૂલા સમાન પોષક અને સ્વાદિષ્ટ હોય છે. રસોઈમાં બારે મહિના એકસરખો સ્વાદ જોઈતો હોય તો પોતાની નજર હેઠળ મસાલા તૈયાર કરવામાં જ શાણપણ છે.

- કુકિંગ-એક્સપર્ટ કેતકી સૈયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK