પ્રૉપર્ટી ખરીદવા બ્રોકરની જરૂર ખરી? હા. આ રહ્યાં એનાં દસ કારણો

સ્ટૉકમાર્કેટમાં શૅર ખરીદવા હોય તો લોકોને બ્રોકરની મદદ લેવી પડે છે. જોકે ફ્લૅટ ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે કેટલાક લોકો રિયલ એસ્ટેટ એજન્ટની સર્વિસ લેતા અચકાય છે. દરેક વ્યવસાયમાં થોડા ખરાબ લોકો તો રહેવાના જ. રિયલ એસ્ટેટ એજન્ટ તમને પ્રૉપર્ટીને લગતી યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે છે. પ્રૉપર્ટી ખરીદવા તમારે બ્રોકરની સર્વિસ શા માટે લેવી જોઈએ એનાં આ રહ્યાં દસ કારણો:




વિશાળ ડેટાબેઝ

તમારી પાસે ફુરસદ હોય તો તમે અખબારોમાં ફ્લૅટ કે પ્રૉપર્ટીના વેચાણ માટે આવતી ક્લાસિફાઇડ જાહેરખબરો વાંચી શકો છો. તમે એ ક્લાસિફાઇડ વાંચી જશો તો પણ કદાચ એક રિયલ એસ્ટેટ પાસેની યાદી પરની પ્રૉપર્ટી જોઈ નહીં શકો. ઉપરાંત ઘણા ફ્લૅટ ઓપન માર્કેટમાં નથી આવતા અને બારોબાર બ્રોકર મારફત વેચાઈ જાય છે.

જુદા-જુદા વિસ્તારોમાં તમારા બજેટ અને જરૂરિયાત મુજબના વિવિધ પ્રકારના ફ્લૅટની બાબતમાં એક બ્રોકર પાસે એની વધુ માહિતી હશે. બ્રોકર પાસેની યાદીમાંથી તમારા બજેટ અને જરૂરિયાત મુજબના ફ્લૅટની પસંદગી કરવામાં તમારો સમય બચશે અને નિરર્થક સંશોધનની કામગીરીમાંથી બચી શકશો.

પસંદગીની પ્રૉપર્ટી સુધીની સફર

ઘણી વખત એવું બને છે કે જે ફ્લૅટ વેચવાનો હોય એ બંધ પડેલો હોય છે અને એની ચાવી બ્રોકર પાસે રાખવામાં આવે છે. ફ્લૅટ વેચનાર પાર્ટી ત્યાં રહેતી હોય તો પણ બ્રોકર મારફત ફ્લૅટમાલિકની અપૉઇન્ટમેન્ટ લેવામાં સરળતા રહે છે. આવી અપૉઇન્ટમેન્ટ પછી તમે તમારા અનુકૂળ સમયે ફ્લૅટ જોવા જઈ શકશો.

પૂરતી જાણકારી

દરેક પ્રોફેશનમાં બને છે એમ વ્યક્તિ ક્વૉલિફાઇડ હોય અને આજીવિકા માટે એ વ્યવસાયમાં હોય એટલે પોતાના વિષયની પૂરી જાણકારી ધરાવતી હોય છે. સારા રિયલ એસ્ટેટ બ્રોકરો માર્કેટથી પૂરા માહિતગાર હોય છે. કાયદામાં થતા ફેરફાર અને ટૅક્સને લગતી પૉલિસીઓની તેમને ખબર હોય છે. પ્રૉપર્ટીના સોદાની આંટીઘૂંટીના સમયે તેઓ તમને સારું માર્ગદર્શન આપી શકશે.

વિસ્તારની અગત્યની માહિતી

તમે જે એરિયામાં ફ્લૅટ ખરીદવા વિચારતા હો એના વિશે બ્રોકરને પૂછો અને તે તમને ત્યાંની કરિયાણાબજાર, માર્કેટ, મૉલ, સ્કૂલ્સ, હૉસ્પિટલો તેમ જ બસરૂટ્સથી લઈને સંપૂર્ણ માહિતી આપી શકશે.

શંકાનું નિવારણ

તમે જે ચોક્કસ પ્રૉપર્ટી પસંદ કરી છે એ તમામ દાવા અને બોજાથી મુક્ત છે કે નહીં એની તમારા એજન્ટને જાણ હશે. સોદો ડન કરતાં પહેલાં પ્રૉપર્ટીનું ટાઇટલ ક્લિયર છે કે નહીં અને કન્વેયન્સ ડીડ થયું છે કે નહીં એ વિશે બ્રોકરને પૂછીને ખાતરી કરી લેજો. પ્રૉપર્ટી બાબત કોઈ કાનૂની કેસ ચાલે છે કે નહીં એની તેને ખબર હશે. જોકે કોઈ પણ પ્રકારની પ્રૉપર્ટી ખરીદતાં પહેલાં વકીલને કન્સલ્ટ કરવાનું ન ભૂલશો.

લોન મેળવવામાં પણ મદદરૂપ

વેચાણ માટેની પ્રૉપર્ટીની યાદી રાખવા ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રોકરો હોમલોન ઑફર કરતી ઇન્સ્ટિટ્યુશનો સાથે પણ ટાઇ-અપ રાખતા હોય છે. તમારી જરૂરિયાત મુજબ કઈ લોન શ્રેષ્ઠ રહેશે એ નક્કી કરવામાં તેઓ તમને મદદરૂપ બની શકશે.

તમને કેટલી લોન મળી શકે એમ છે એનો આગોતરો અંદાજ મેળવવા તમે બ્રોકરનો સંપર્ક કરી શકો છો. આવો અંદાજ મળતાં તમારા બજેટનો એક પાયો નક્કી થઈ જશે.

વાટાઘાટોમાં સહાય

તમારા સપનાનું ઘર નક્કી થઈ ગયા બાદ એના સોદા માટેની વાટાઘાટ બહુ પેચીદી હોય છે. આવા સમયે સોદો સરળતાથી પાર પડે એમાં બ્રોકરની કુશળતા કામ આવે છે. આ વખતે પરચેઝ ઍગ્રીમેન્ટ તપાસી જવા અને એનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરવા એક વકીલ રોકવાનું અજુગતું નહીં ગણાય.

અન્ય પ્રોફેશનલોની ભલામણ

જૂનો ફ્લૅટ ખરીદતા હો કે નવો, એમાં કેટલાક ઇન્ટીરિયર ફેરફાર કરવા પડે એ દેખીતું જ છે. તમને કદાચ બાથરૂમ કે કિચનમાં કેટલાક ફેરફાર કરાવવાની ઇચ્છા થઈ શકે છે. આવા સંજાગોમાં પણ બ્રોકરો ઇન્ટીરિયર ડેકોરેશન અને સિવિલ વર્ક કરતા પ્રોફેશનલો સાથે સંપર્ક ધરાવતા હોવાથી તમારો સમય બચશે અને સમસ્યા ઉકેલાઈ જશે.

અહીં એક સાવધાની રાખવાની સલાહ છે. બ્રોકરોને એ પ્રોફેશનલો પાસેથી કમિશન મળતું હોય એ શક્ય છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધવું.

પ્રૉપર્ટીની રીસેલ વૅલ્યુ

રિયલ એસ્ટેટની તેજીનો લાભ લેવાની ઇચ્છા હોય અને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રૉપર્ટી ખરીદતા હો તો તમારી પસંદગીના એરિયામાં ભવિષ્યમાં કેવી તક રહેશે એના વિશે બ્રોકરને કન્સલ્ટ કરી લેજો. તેમની જાણકારી, માર્કેટનો અનુભવ અને એરિયાના ડેવલપમેન્ટ પ્લાન્સની માહિતી મુજબ તેમની યાદીમાં એવી પ્રૉપર્ટી હશે. તેઓ તમને એ બાબતમાં સારું માર્ગદર્શન આપી શકશે.

પ્રૉપર્ટી વેચનારનો મિત્ર

પ્રૉપર્ટી વેચનાર માટે બ્રોકર એક નવો મિત્ર બની શકે છે. તેઓ તમારી પ્રૉપર્ટીની જાહેરખબર આપશે અને વેચાણ માટેની યાદી પર મૂકી આપશે. તમારી પ્રૉપર્ટીનો કેટલો ભાવ આવી શકે એમ છે એના વિશે તે તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. સંભવિત ગ્રાહક તમારી પ્રૉપર્ટી જોઈ શકે એ માટેનું આયોજન કરી આપશે અને છેવટની વાટાઘાટમાં તમને મદદ પણ કરશે.

આ બધી બાબતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે તમારી પાસેથી આખરી સોદાના બે ટકા જેટલી ફી લઈને બ્રોકર તમારા માથેથી ઘણો બોજો હળવો કરી આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK