મુંબઈમાં તમારું ડ્રીમ હોમ ખરીદવું આ વર્ષે વધુ મુશ્કેલભર્યું થઈ જશે

ટૂરિસ્ટ સીઝન આવતાંની સાથે ઇન્ડિયાની બહાર રહેતા ને એનઆરઆઇ જેમને શહેરમાં અપાર્ટમેન્ટ ખરીદવાની ઇચ્છા હોય છે તેમની પૂછપરછ શરૂ થઈ જાય છે. આ બાજુ રિયલ એસ્ટેટ માર્કેટ પણ આ દરમ્યાન ઝડપથી સોદો કરવાની ઇચ્છા ધરાવે છે

ભારતમાં અત્યારે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીની મોસમ ચડતી છે. નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે મોટી સંખ્યામાં ટૂરિસ્ટો અને એનઆરઆઇ ભારતમાં આવતા હોય છે. એ સમયે રિયલ એસ્ટેટ સેક્ટર પણ ઝડપથી સારું ટ્રેડિંગ કરવાની આશા ધરાવે છે. આમાંથી મોટા ભાગના તેમના વસવાટ દરમ્યાન શહેરમાં અપાર્ટમેન્ટ ખરીદવાનું પસંદ કરે છે. સુનીલ મંત્રી ગ્રુપના ચૅરમૅન સુનીલ મંત્રી કહે છે કે એનઆરઆઇ અને ટૂરિસ્ટ જેઓ સામાન્ય રીતે આ સીઝન દરમ્યાન ફ્લૅટ ખરીદતા હોય છે તેમની ઇન્કવાયરી આવવાની શરૂ થઈ ગઈ છે. જોકે હકીકત જોવા જઈએ તો ડ્રીમ હોમ ખરીદવું અને એ પણ મુંબઈ જેવા મસમોટા શહેરમાં આ વર્ષે કદાચ વધુ મુશ્કેલભર્યું થઈ જશે. લોકો માટે ફ્લૅટ લેવો એક સપનું જ છે. ૧૯૯૧ના ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સમાં મ્યુનિસિપલ કમિશનરે આ જુલાઈ મહિનામાં પ્રપોઝ્ડ અમેન્ડમેન્ટ લાવવાનું વિચાર્યું હતું એને કારણે મુંબઈના બિલ્ડરો અને ડેવલપરો અત્યંત નારાજ છે. ટૂંકમાં તમારા સપનાનું ઘર કદાચ વધુ મોંઘું થશે. કમિશનરે આ પ્રસ્તાવમાં કરેલા સૂચન પ્રમાણે કૉર્પોરેશન જે ફ્રી એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) બિલ્ડરોને બાલ્કની, ફ્લાવરબેડ અને એવી મોટી ઍમેનિટીઝ માટે આપે છે એમાં ૧૦૦ ટકા પ્રીમિયમનો વધારો થશે.

રિયલ એસ્ટેટના એક્સપર્ટ્સ એવું માને છે કે આને લીધે મુંબઈની રિયલ એસ્ટેટનો ભાવ ઊંચકાશે અને ઘરો નાનાં થતાં જશે. કો-ઑપરેટિવ સોસાયટીઝ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ ઍડ્વોકેટ વિનોદ સંપટ કહે છે, ‘હું આ પ્રસ્તાવની તરફેણમાં છું. બિલ્ડરો શા માટે મફતમાં આ સગવડો મેળવે? અત્યાર સુધી તેઓ મફતમાં સગવડો મેળવતા હતા, પણ હવે તેમણે આ માટે પૈસા ચૂકવવા જોઈએ.’

અફૉર્ડેબલ

પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપર નિરંજન હીરાનંદાની માને છે કે આ અમેન્ડમેન્ટ પરવડી શકે એવા હાઉસિંગ સેક્ટર પર અસર કરશે. તેઓ કહે છે કે આ ભાવવધારો ઓછા ભાવનાં ઘરોમાં રોકાણ કરનારા મધ્યમવર્ગીય ગ્રાહકે ચૂકવવું પડશે. બીજી બાજુ વિનોદ સંપટ માને છે કે આ અમેન્ડમેન્ટ મિડલ ક્લાસ ફૅમિલીને જોખમમાં નહીં મૂકે. તેઓ કહે છે કે આમ પણ આકાશને આંબતા રિયલ એસ્ટેટના વધતા ભાવને લીધે લોકોને શહેરમાં પોતાનું ઘર લેવાનું નથી પરવડતું અને એને લીધે તેમણે મુંબઈની બહાર જગ્યા લેવા જવું પડે છે.

સુનીલ મંત્રી તેમના આ વિધાન સામે વિરોધ નોંધાવતાં કહે છે, ‘મને લાગે છે કે મધ્યમવર્ગીય કુટુંબ એમાંના ઘણા લાભોથી વંચિત રહી જશે. આ બાજુ ડેવલપર એફએસઆઇના ઉમેરાયેલા રૂલ્સ અને રેગ્યુલેશન કરતાં પહેલાં વધુ જગ્યા મેળવતા હતા. દાખલા તરીકે ટેરેસ એરિયા. આ જગ્યા તેઓ ૧/૩ અથવા ૧/૨ પ્રાઇઝમાં ગ્રાહકોને વેચવાની કોશિશ કરતા હતા, પણ હવે એવું શક્ય નહીં થાય એટલે કૉમન મૅન અને મધ્યમવર્ગ આ સગવડમાંથી બાકાત થઈ જશે અથવા તો એના માટે તેમણે વધુ કિંમત ચૂકવવાની રહેશે.’

પ્રાઇઝ

ઘણા એવું માને છે કે બિલ્ડર અથવા ડેવલપર જે પ્રીમિયમ ગવર્નમેન્ટને ચૂકવતા હોય છે એ આખરે તો ગ્રાહકના ખિસ્સામાંથી જ જાય છે. આને લીધે શહેરના ઘણા ઊભરતા પ્રોજેક્ટને હાનિ પહોંચશે. હૅબિટેટ ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મિહિર ધ્રુવ કહે છે, ‘ડેવલપરો દ્વારા થતો ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સનો દુરુપયોગ કાબૂમાં રાખવા ગવર્નમેન્ટે આ અમેન્ડમેન્ટ લેવાનું પગલું લીધું છે. જ્યાં સુધી મધ્યમ વર્ગની વાત છે તો એ સમજી લેવું જોઈએ કે ચર્ચગેટથી બોરીવલીના વિસ્તારમાં ડેવલપર એક બીએચકેના ફ્લૅટ નથી બનાવતા, પણ વીટીથી મુલુંડની વચ્ચે એની ખૂબ જ ડિમાન્ડ છે એટલે આ અમેન્ડમેન્ટ આ વિસ્તારને અસર કરશે. વળી ફ્લૅટની કિંમત ડિમાન્ડ અને સપ્લાયના ગૅપને કારણે પણ વધી ગઈ છે. એટલી હદે કે અફૉર્ડેબલ સેક્ટરનો અર્થ પણ બદલાઈ ગયો છે. ગવર્નમેન્ટ ઑથોરિટી મુંબઈને એક વલ્ર્ડ ક્લાસ શહેર બનાવવા ઇચ્છે છે, પણ તે એ ભૂલી ગઈ છે કે વલ્ર્ડ ક્લાસ શહેરમાં એફએસઆઇ પર મર્યાદા નથી હોતી. આ પગલું હકીકતમાં કોઈ પણ રીતે રિયલ એસ્ટેટ સેક્ટરના ભાવ ઓછા કરવામાં મદદ નથી કરતું.’

બીજા માને છે કે ૧૦૦ ટકા પ્રીમિયમ રીડેવલપમેન્ટની સ્કીમને અસર કરે જ છે. ડીકે રિયલ્ટર્સના મૅનેજિંગ ડિરેક્ટર દક્ષેશ કડકિયા કહે છે, ‘અત્યાર સુધી બિલ્ડરો ટેનન્ટ એરિયા પર પચાસ ટકાનો ફાયદો મેળવતા હોય અને જો પૂરેપૂરું પ્રીમિયમ ફ્લાવરબેડ, બાલ્કની જેવા પચીસ ટકાના એરિયા પર ભોગવવું પડે તો બે વસ્તુ થઈ શકે. એક તો તેમના દ્વારા ભરાયેલો આ વધારાનો પૈસો તેઓ વેચાણમાંથી વસૂલ કરશે અને બીજું, અમુક સગવડ આપવામાં ઘટાડો થશે અને ભાવવધારાનો બોજ ચોક્કસ વધશે. અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર દ્વિધામાં છે. નવેમ્બરથી જાન્યુઆરી આ ત્રણ મહિનામાં અમને રિયલ એસ્ટેટની કિંમત માટે ખાસ કરીને બહારથી ઘણી ઇન્ક્વાયરી આવે છે. આ અમેન્ડમેન્ટ જો લાગુ કરવામાં આવશે તો આપોઆપ જ રિયલ એસ્ટેટના ભાવ વધી જશે, પણ ફરી પાછો અહીં એક વળાંક આવે છે કે કોઈ ખરીદદાર જ નહીં હોય તો આ કિંમત ફરી પાછી ઓછી થશે.’

ફ્રીબીઝ

મિડિયાના રિપોર્ટ્સ અનુસાર સિવિક બૉડીએ બિલ્ડર અને ડેવલપરો પર ભારે પ્રતિક્રિયા દર્શાવતાં કહ્યું હતું કે ગેરકાયદે રીતે રિયલ એસ્ટેટના ભાવ વધારવાનો તમને કોઈ હક નથી. આટલાં વર્ષોથી કૉર્પોરેશન તરફથી તેમને આ બધી વસ્તુ ફ્રી ઍમેનિટીઝ તરીકે મળતી હતી એ છતાં તેઓ ફ્લાવરબેડ અને બાલ્કની માટેની કિંમત ખરીદનાર પાસેથી વસૂલ કરતા હતા. ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સમાં બદલાવનો પ્રસ્તાવ મૂકતાં સુધરાઈના કમિશનર સુબોધકુમાર કહે છે, ‘અમને જાણ થઈ છે કે બાલ્કની અને ફ્લાવરબેડની જગ્યા ગ્રાહકો પોતાના લિવિંગ એરિયામાં બદલી નાખે છે એટલે આ વસ્તુ કાયદાનું ઉલ્લંઘન કરે છે. ગ્રાહક તો પહેલેથી આ વિસ્તારના પૈસા આપી જ દેતો હોય છે, પણ બિલ્ડરને આ બધી વસ્તુ મફતમાં મળતી હોય છે. લોકો મફત એફએસઆઇનો ગેરલાભ ઉઠાવે છે. હવે  એફએસઆઇ પર પ્રીમિયમ ભરીને બિલ્ડર ફ્લાવરબેડ, બાલ્કની જેવી બીજી સગવડો વેચી શકશે.’

જોકે બીજા ઘણા પ્રૉપર્ટી એક્સપર્ટ્સની આ મુદ્દા પર વિચારણા જુદી-જુદી છે. રિયલ એસ્ટેટ એક્સપર્ટ અને ‘અકૉમોડેશન ટાઇમ્સ’ના એક્ઝિક્યુટિવ એડિટર ડૉ. સંજય ચતુર્વેદી કહે છે, ‘જૂના ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ પ્રમાણે જોઈએ તો મફતમાં મળેલી ઍમેનિટીઝ માટે બિલ્ડર ગ્રાહક પાસેથી એની કિંમત વસૂલ ન કરી શકે. અત્યાર સુધી બિલ્ડર અને ડેવલપરે આ બધા નિયમોનું ઉલ્લંઘન જ કર્યું છે અને કૉર્પોરેશન જ્યારે સો ટકા પ્રીમિયમ આ ફ્રી એફએસઆઇ પર લે છે તો એક રીતે એનો અર્થ એમ થયો કે તમે ખોટું કરવાની પરવાનગી આપો છે એટલે આ અમેન્ડમેન્ટ બિલ્ડરોને કાયદાકીય રીતે ગ્રાહકો પાસેથી મફતમાં આપવાની સગવડો પર પૈસા લેવાની પરવાનગી આપે છે. એને બદલે જો કૉર્પોરેશને આ બાબત પર સતત ધ્યાન રાખી આવી સગવડ સામે ગ્રાહક પાસેથી પૈસા નથી લેવાતા એનું ધ્યાન રાખે તો વધુ ઉત્તમ.’

લક્ઝુરિયસ પ્રોજેક્ટ કે સ્ટાન્ડર્ડ?

ડેવલપરો કહે છે કે હવે તેઓ પોતાનો પ્રોજેક્ટ અલગ રીતે શરૂ કરવાની યોજના ઘડશે. આ યોજનામાં કૉમન એરિયા પર પણ ખરીદનાર વ્યક્તિને ચાર્જ લગાડવામાં આવશે અને ઘરનો એરિયા નાનો થઈ જશે. ડેવલપરે હવે પોતાના વિચાર સ્પષ્ટ રાખવા પડશે કે લક્ઝુરિયસ પ્રોજેક્ટ કરવો છે કે સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ? અને એ પ્રમાણે એરિયા આપવો પડશે. હકીકતમાં તો હવેના બિલ્ડિંગમાં દાદર, પૅસેજ અને લિફ્ટનો

વિસ્તાર નાનો થઈ જશે. નવા બાંધકામમાં હવે પૅસેજ અને કૉમન એરિયા નાના થઈ જશે. બાલ્કની અને ટેરેસ પણ હવે પહેલાં જેવી નહીં રહે, કારણ કે એ પણ એરિયાના કૅલ્ક્યુલેશનમાં આવશે, જે પચીસ ટકા સુધી જ મર્યાદિત રહેશે. આ બધી વસ્તુ આપણાં ઘરોને ખાબોચિયા જેવાં બનાવી દેશે. સુનીલ મંત્રી કહે છે કે મને લાગે છે કે ખુલ્લો વિસ્તાર અને મોટી જગ્યા હવે અદૃશ્ય થતી જશે અને એકદમ નાનાકડાં ઘર નજીકના ભવિષ્યમાં દેખાવાં માંડશે. અત્યાર સુધી આ ફ્રી ઍમેનિટીઝ માટે બિલ્ડરો ગ્રાહકો પાસે વસૂલી કરતા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK