બિલ્ડરને સજાની જોગવાઈ કરતા રિયલ એસ્ટેટ બિલને મળી મંજૂરી

ઘણી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલને મંજૂરી આપી દીધી છે અને એનાથી મોટો ફાયદો ઘર ખરીદનારાને થશે




ઘણી રાહ જોવડાવ્યા બાદ આખરે સોમવારે કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રેગ્યુલેટર નીમવાની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી આપી હતી. આ બિલને કારણે ઘર ખરીદનારા લોકોને ઘણો ફાયદો થવાનો છે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આને કારણે ટ્રાન્સપરન્સી આવશે એવી ધારણા છે. ૪૦૦૦ સ્ક્વેર મીટરથી વધુના તમામ પ્રોજેક્ટોને આ બિલ હેઠળ આવરી લેવામાં આવશે અને એથી દેશમાં મોટા ભાગના પ્રાઇવેટ રિયલ એસ્ટેટ ડેવલપરો એની હેઠળ આવરી લેવામાં આવશે.

ઘર ખરીદનારાઓને ફાયદો

આ બિલનું કાયદામાં રૂપાંતર થશે ત્યારે ઘર ખરીદવા માટે પરસેવાની કમાણીને રોકનારા લોકોને ભારે રાહત થશે. ઘણી વાર નાના બિલ્ડરો, ડેવલપરો અને બ્રોકરો ઘર ખરીદનારા લોકોને છેતરે છે અને તેમને ક્યાંય પણ ન્યાય મળતો નથી.

આ બિલમાં પ્રમોટરો માટે પણ આકરી જોગવાઈ છે. પ્રમોટરો ઘર ખરીદનારા લોકોને જે પ્રૉમિસ આપે એ સમયમાં તેમણે ઘર બાંધીને આપી દેવું પડશે. વળી રેગ્યુલેટરી ઑથોરિટીની સ્થાપના સાથે અપેલટ ટ્રિબ્યુનલ પણ ગ્રાહકો માટે ઉપયોગી સાબિત થશે અને એમાં ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. અત્યારે આવી ફરિયાદો માટે ગ્રાહકોને ર્કોટમાં અથવા ગ્રાહક અદાલતોમાં જવું પડે છે અને તેમને ન્યાય મળતાં ઘણી વાર લાગે છે.

ટ્રાન્સપરન્સી વધશે

પ્રોજેક્ટ વિશેની ગેરમાર્ગે દોરતી જાહેરાતો મૂકતા બિલ્ડરોને રોકવા માટે આ બિલમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. પ્રોજેક્ટ વિશે ખોટી માહિતી આપીને ખરીદદારને ગેરમાર્ગે દોરનાર બિલ્ડરોને ત્રણ વર્ષની જેલની સજાની પણ જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) બિલનો હેતુ રિયલ એસ્ટેટ સેક્ટરને એકસરખા અંકુશ હેઠળ લાવવાનો છે. વળી તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ જ પ્રોજેક્ટ લૉન્ચ કરવાની બાબત ડેવલપર માટે ફરજિયાત બનાવવામાં આવશે.

ફ્લૅટના કાર્પે‍ટ એરિયા બાબતે સ્પષ્ટતા કરવાનું બિલ્ડર માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ પાડવામાં આવશે. પરિણામે ફ્લૅટ ખરીદવા માગતા ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા સુપર બિલ્ટ-અપ એરિયાના વિચારને પણ રદ કરવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન શરૂ કરતાં પહેલાં તમામ જરૂરી મંજૂરી મેળવી હોવાની વિગતો વેબસાઇટ પર જાહેર કરવી પડશે. આમ કરવામાં નિષ્ફળ જનારાઓ પાસેથી પ્રોજેક્ટખર્ચના ૧૦ ટકા દંડ લેવામાં આવશે તથા વારંવાર આવો ગુનો કરનાર ડેવલપરને જેલભેગા કરવામાં આવશે. દરેક ડેવલપરે તેના પ્રોજેક્ટનું રેગ્યુલેટરી ઑથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે.

ડેવલપરોએ પ્રોજેક્ટ માટે બૅન્કમાં અલગ ખાતું ખોલવાનું રહેશે અને એમાં આ પ્રોજેક્ટમાં રોકાણ કરનારા લોકો પાસેથી આવતાં નાણાં રાખવાનાં રહેશે. તેઓ આ નાણાંને અન્ય પ્રોજેક્ટ માટે વાપરી નહીં શકે. ડેવલપરે તેના પ્રોજેક્ટ માટે એક સમયસીમા નક્કી કરવી પડશે અને એની અંદર જ પ્રોજેક્ટ પૂરો કરવો પડશે.

બન્ને પાર્ટીને ફાયદો

આ બિલનો ફાયદો ડેવલપરો અને તેમની પાસેથી ઘર ખરીદનારા લોકોને એમ બન્નેને થવાનો છે. ડેવલપરો તેમની ભૂલો માટે જવાબદાર ગણાશે, પણ જો ઘર ખરીદનારાએ પણ પેમેન્ટ કરવામાં કાળજી રાખવી પડશે. જો કોઈ ખરીદનાર પેમેન્ટ કરવામાં નિષ્ફળ જશે તો તેને પણ દંડની જોગવાઈ છે.

આ બિલમાં બ્રોકરોને પણ આવરી લેવામાં આવ્યા છે. બિલ્ડર જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ વિશે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે તેણે પ્રોજેક્ટની તમામ માહિતી આપવાની રહેશે. એમાં બ્રોકરોની વાત પણ સામેલ છે. આખા દેશમાં માત્ર કાર્પેટ એરિયાના હિસાબે જ જગ્યાનું વેચાણ થશે. ડેવલપરે ઘર ખરીદનાર સાથે મૉડલ સેલ એગ્રીમેન્ટ કરવાનું રહેશે. એમાં ડેવલપરે તમામ માહિતી આપવાની રહેશે. આ સિવાય ઘર ખરીદનાર માગે એ તમામ માહિતી પણ ડેવલપરે આપવાની રહેશે.

ડેવલપરો માટે મુશ્કેલી

આ બિલ બાબતે ઘણા ડેવલપરોએ નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ડેવલપરોને અનેક પ્રકારની મંજૂરીઓ લેવી પડતી હોય છે અને એમાંથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી. આ કામ ઝડપથી પતે એ માટે કોઈ સુવિધાની પણ જોગવાઈ નથી. આ સિવાય બિલ્ડરોએ જે ડિસક્લોઝરો આપવાનાં હોય છે એ પણ વધારે છે અને એમાં ઘણો સમય જાય છે. જોકે આ બિલને વટહુકમ દ્વારા અમલી બનાવી શકાય છે અથવા સંસદમાં રજૂ કરીને મંજૂર કરી શકાય છે. એક વાર એ મંજૂર થાય પછી પ્રેસિડન્ટની સહી થતાં એ કાયદાનું સ્વરૂપ લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK