લોનના ડાઉન પેમેન્ટના પૈસા ક્યાંથી લાવશો?

તમે ફ્લૅટ ખરીદવા માગતા હો તો બૅન્કો તમને લોન આપવા માટે તૈયાર છે, પણ એ પહેલાં ભરવાના પૈસા માટે બચત ન કરી હોય તો અત્યારથી કરવા માંડો. એ માટે તમને મદદરૂપ થાય એવી કેટલીક ટિપ્સ

 

 

 

મુંબઈમાં જીવવાનું એટલું મોંઘું પડે છે કે પૈસા બચાવવાનું મુશ્કેલ છે, પણ જો આપણે ઘર ખરીદવાની ઇચ્છા રાખતા હોઈએ તો પૈસા બચાવવા જરૂરી છે. તમને ક્યારેય ઘરની કિંમતની સો ટકા લોન નથી મળતી. તમારે જે ૨૦ ટકા કૅશમાં ડાઉન પેમેન્ટ કરવાનું હોય છે. એ સિવાય પણ ડગલે ને પગલે તમારે પૈસા ખર્ચતા જ રહેવું પડે છે. એટલે જો તમે બચત કરવાની ટેવ ન ધરાવતા હો તો ઝડપથી બચત કરવા માંડો.

 

પ્લાન બનાવો

 

ડાઉન પેમેન્ટ માટે તમે પૈસા બચાવવાનું શરૂ કરો એ પહેલાં તમારા ખર્ચની એક યાદી બનાવો અને તમારી જરૂરિયાતો તથા ઇચ્છાઓ નક્કી કરો. જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ, પરંતુ ઇચ્છાઓનો અગ્રતાક્રમ નક્કી થઈ શકે. આમ કરવાથી તમે ડગલે ને પગલે બચત કરી શકશો. આ ઉપરાંત દર મહિનાની બચત માટેનો એક ટાર્ગેટ નક્કી કરો અને એ સિદ્ધ કરવાની કોશિશ કરો. હકીકતમાં દર મહિને એ ટાર્ગેટ કરતાં વધુ પૈસા બચાવવાની કોશિશ કરો.

 

ક્રેડિટ કાર્ડથી દૂર રહો

 

જો તમને દરેક ખરીદી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની આદત હોય તો એ બંધ કરો. તમે જ્યારે રોકડ ચૂકવીને ખરીદી કરો છો ત્યારે તમને એનો ખ્યાલ આવે છે કે તમે દરેક ચીજવસ્તુ કે સર્વિસ પાછળ કેટલા પૈસા ખર્ચો છો. એને લીધે તમે ખર્ચ ઓછો કરીને ડાઉન પેમેન્ટ માટેના પૈસા બચાવવાનું વિચારી શકો છો.

 

થોડું બલિદાન આપો

 

તમે દર શનિ-રવિએ મલ્ટિપ્લેક્સમાં મૂવી જોઈને પછી મોંઘી રેસ્ટોરાંમાં ડિનર લેતા હશો. તમે જો બહુ સમૃદ્ધ ન હો તો આ ખર્ચ તમારે ઓછો કરી નાખવો જોઈએ. એને બદલે ડી.વી.ડી. ભાડે લઈ આવો અને ઘરમાં પાર્ટી યોજો. જિમની મેમ્બરશિપ લેવાને બદલે જૉગિંગ શરૂ કરો.

 

જો ભાડે રહેતા હો તો

 

જો તમે ભાડાના ઘરમાં રહેતા હો અને એક-બે વર્ષમાં તમારા પોતાના ઘરમાં શિફ્ટ થવાનું વિચારતા હો તો તમારા ભાડાનો ખર્ચ ઘટાડો. જો તમે અપરિણીત હો તો પેઇંગ-ગેસ્ટમાં રહેવાનું શરૂ કરો અથવા કોઈક મિત્રને ત્યાં રહેવા જાઓ જેથી પૈસાની બચત થાય. જો તમે પરિણીત હો અને બાળકો પણ હોય તો પેરન્ટ્સની સાથે રહેવા જવાનું વધુ અનુકૂળ પડશે. તમારે તમારી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરવો પડશે, પરંતુ એનાથી જે પૈસા બચશે એ તમને બહુ જ ઉપયોગી નીવડશે.

 

તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારો

 

જો તમે ઘર ખરીદવા માગતા હો તો તમારા પૈસાને કામે લગાવવા જોઈએ. વધુ વ્યાજની ગૅરન્ટી આપતાં હોય એવાં અકાઉન્ટ્સ અને ફન્ડમાં પૈસા રોકો. જો વીસીમાં હો તો તમે થોડુંઘણું જોખમ લઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટ તોડીને કે ડિવિડન્ડની રકમમાંથી જ્વેલરી અને ઑટોમોબાઇલ્સ ખરીદવાનું કે રજાઓ ગાળવા જવાનું ટાળો. આમ કરવાથી તમારી પાસે વધુ પૈસા બચશે.

 

મૉલ કે શૉપિંગ કૉમ્પ્લેક્સથી દૂર રહો

 

ઘર માટે પૈસાની બચત કરવી હોય તો રીટેલમાં ખરીદી કરવાના શોખ પર કાબૂ રાખવો પડશે. જો તમને શૉપિંગ કરવાની આદત હોય તો તમારી હાલત વધુ ખરાબ થવાની. ડિસ્કાઉન્ટ મળતું હોય તો કોઈ પણ દુકાનમાં ઘૂસી જવાની લાલચને ટાળો. જો તમે તમારી જાત પર કાબૂ ન રાખી શકતા હો તો મૉલ કે શૉપિંગ કૉમ્પ્લેક્સથી દૂર રહો. આમ કરવાથી તમે તમારા ઘર માટે બે-ચાર હજાર રૂપિયા બચાવી શકશો.

 

સાઇડની આવક

 

ડાઉન પેમેન્ટ માટે તમને બહુ મોટી રકમની જરૂર પડવાની છે. એટલે જો તમારી નોકરી ઉપરાંત તમારી પાસે બીજી કોઈ આવડત કે કારીગરી હોય તો એમાંથી આવક ઊભી કરવાની કોશિશ કરો. તમારામાંના કેટલાક લોકો ટ્યુશન્સ કરી શકે તો કોઈ વર્કશૉપ્સનું આયોજન પણ કરી શકે છે. થોડા વધુ પૈસા પણ ઉપયોગી નીવડી શકે છે. આનો અર્થ ફક્ત એટલો કે થોડી વધારાની આવક ઊભી કરવા માટે તમારે તમારો ફુરસદનો સમય આના માટે વાપરવો પડે.

 

બિલો ઘટાડો

 

મુંબઈ જેવા શહેરમાં રહેવાનું બહુ મોંઘું છે એટલે પાણી, વીજળી અને સેલફોન જેવી દરેક બાબતમાં ખર્ચ ઘટાડવાનું વિચારવું જોઈએ. મિત્રોને મેસેજિસ ફૉર્વર્ડ કરવાની બિનજરૂરી પ્રવૃત્તિ બંધ કરો. ટૅક્સીને બદલે બસમાં પ્રવાસ કરો અને પેટ્રોલની બચત કરવા સહકર્મચારીઓ સાથે કાર-પૂલ બનાવો. આવી બચત બહુ ઉપયોગી નીવડશે.

 

ઇન્શ્યૉરન્સ કવર

 

નાની ઉંમરથી જ તમે મેડિકલ પૉલિસી લઈ લો. આનાથી તમને અને તમારા પરિવારના સભ્યોને બીમારી અને અકસ્માતો સામે કવર મળશે. યોગ્ય ઇન્શ્યૉરન્સ હશે તો કટોકટીના સમયમાં તમે પૈસા બચાવી શકશો, નહીં તો એ ખર્ચ તમારી બચતને ધોઈ નાખશે. તમારા ઑટોમોબાઇલ્સને પણ આ જ વાત લાગુ પડે છે. અગમચેતીનાં આવાં પગલાં લેવાથી ડાઉન પેમેન્ટ માટેના પૈસા બચાવી શકાશે.

 

પૈસા એકઠા કરો

 

જો તમારા ઘરમાં લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ હોય તો એ દરમ્યાન મર્યાદામાં ખર્ચ થાય એની તકેદારી રાખો. પ્રસંગની ઉજવણી નાના પાયે કરો અને મહેમાનોની યાદી ટૂંકી બનાવો. જો તમારા પેરન્ટ્સ કે સગાંવહાલાં તમારી પાછળ પૈસા ખર્ચવા માગતાં હોય તો તેમને કહો કે એ પૈસા તમને રોકડમાં આપે, જેથી એ તમે ઘર ખરીદવામાં ઇન્વેસ્ટ કરી શકો.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK