પ્રોજેક્ટની પરવાનગી માટેની મંજૂરીમાં થતા વિલંબનો ભાર કોણ સહન કરશે?

શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના યોગ્ય વિકાસ માટે સરકારે એની પૉલિસીઓને ફરી એક વાર વિચારી-તપાસી લેવાની જરૂર

 

રિયલ એસ્ટેટના પ્રોજેક્ટની પરવાનગી માટેની મંજૂરી આપવા બાબતે સરકાર પોતાના પગ પાછા ખેંચી રહી છે એ સમાચાર જૂના છે. જોકે લાલ બત્તી ધરનારી બાબત એ છે કે આ વિલંબને લીધે રિયલ્ટીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. હકીકતમાં હાલમાં જ થયેલી ક્રેડાઇ (ધ કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન્સ ઑફ ઇન્ડિયા) (CREDAI)ની નૅશનલ કૉન્ફરન્સમાં એક મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો તે એ જ હતો કે સરકાર દ્વારા અપાતી છેવટની મંજૂરીમાં થતો વિલંબ પ્રૉપર્ટીના ભાવવધારા તરફ દોરી જાય છે જે આખરે તો ગ્રાહકે જ ભરપાઈ કરવાનો આવે છે.


ભાવ પર ખાસ્સી અસર


ક્રેડાઇના નૅશનલ પ્રેસિડન્ટ લલિત જૈન કહે છે, ‘પ્રોજેક્ટની મંજૂરીમાં થતો વિલંબ એકલો જ આખા પ્રોજેક્ટને બધી રીતે લગભગ ૫૬ ટકા જેટલો અને નવા પ્રોજેક્ટને લગભગ ૬૧ ટકા વધુ મોંઘો કરી દે છે. એક અહેવાલ પ્રમાણે ચાલીસ ટકા જેટલાં ઘરો ફક્ત વહીવટી કાર્યવાહી વિલંબમાં મુકાવાને લીધે મોંઘાં બની જાય છે. એટલે અમે હાઉસિંગ પ્રોજેક્ટની મંજૂરી માટે થતી વહીવટી કાર્યવાહીઓની અડચણને દૂર કરવાની માગણી કરી છે.’


વન વિન્ડો ક્લિયરન્સ


એક સામાન્ય લાગણી છે કે દરેક સત્તાવાર વ્યક્તિ આપખુદ વલણ અજમાવે છે અને તેના આ અવ્યવહારુપણાની અસર વેપાર પર પડે છે. લાલાણી ગ્રુપના ડિરેક્ટર હુસેન લાલાણી કહે છે, ‘દરેક જણ જાણે જ છે કે કોઈ પણ ઇમારતની મંજૂરી મેળવવામાં લગભગ છ મહિનાથી વર્ષનો સમય નીકળી જાય છે. ત્યાં એટલીબધી એજન્સી છે જેમાંથી આપણને પર્યાવરણના ક્લિયરન્સથી માંડી રેલવેમાંથી એનઓસી (નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) વગેરે પ્રકારનું દરેક ક્લિયરન્સ જરૂરી છે. એમસીએચઆઇ (મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી) સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે ખૂબ પ્રોત્સાહન આપે છે. એમાં વળી નવો ડીસીઆર (ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સ) પણ વધુ ગૂંચવાડો ઊભો કરે છે. એમસીએચઆઇ પણ આના સરળ સુધારાઓ શોધે છે.’


આવાસ માટે અંતરાય


હાઉસિંગ પ્રોજેક્ટની મંજૂરી વખતે વહીવટી અવરોધોની સાથે જમીનસુધારણા, જુદા-જુદા પ્રકારના કરવેરા અને બાંધકામ ક્ષેત્રને લગતી બૅન્કિંગ નીતિઓમાં પણ સુધારાવધારા કરવા જેવી બાબતો જરૂરી છે. આવા પગલાને લીધે હાઉસિંગ ક્ષેત્ર વધુ બહેતર બનશે.


ક્રેડાઇના વાઇસ પ્રેસિડન્ટ રોહિત ગેરા કહે છે, ‘મંજૂરીમાં કોઈ પણ પ્રકારનો વિલંબ જમીનના પકડી રાખેલા ભાવને વધારે છે અને છેવટે એ વધારો પ્રોજેક્ટના ભાવવધારા તરફ દોરી જાય છે. મોટે ભાગે મંજૂરી મેળવવા માટેનો સમય છેક એક કૅલેન્ડર વર્ષથી શરૂ થઈ બીજા વર્ષ સુધી પહોંચે છે. આવા કેસમાં આગળ પણ બીજી અસરો થાય છે, કારણ કે ચાર્જિસ પ્રીમિયમ રેડી રેકનર પર આધાર રાખે છે અને એ રેડી રેકનર દરેક વર્ષના જાન્યુઆરી મહિનામાં વધે છે.’


તેમની વાતમાં સંમતિ પુરાવતાં મેફેર હાઉસિંગના નયન શાહ કહે છે, ‘સરેરાશ રીતે જોઈએ તો જે પંદરથી સોળ ટકા વ્યાજખર્ચ બિલ્ડરોએ સહન કરવાનો છે એ તેમણે લીધેલી બૅન્કલોન પરનો છે. આ ઉપરાંત સરેરાશ જોવા જઈએ તો વર્ષે લગભગ બારથી પંદર ટકા બાંધકામના ખર્ચમાં પણ વધારો થાય છે. મંજૂરીની પરવાનગીમાં વિલંબ બધી રીતે જોવા જઈએ તો કુલ મળીને ખર્ચમાં લગભગ ચાલીસ ટકાનો વધારો થાય છે.’
નેપ્ચ્યુનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર નયન ભેડા પણ લગભગ આવો જ સૂર પુરાવતાં કહે છે, ‘પ્રોજેક્ટની પરવાનગીમાં થતા વિલંબને લીધે આખા પ્રોજેક્ટખર્ચમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો અમે જોઈ શકીએ છીએ અને એમાં લેબર અને સાધનસામગ્રી બધા ખર્ચનો સમાવેશ છે.’


એક સમયમર્યાદાની જરૂર


ડીએસકે ડેવલપર લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડી. એસ. કુલકર્ણી કહે છે, ‘ખરી રીતે કહીએ તો નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય તો એની મંજૂરી માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે છે, પણ હકીકતમાં આખી કાર્યવાહી પૂરી કરવામાં લગભગ પંદર મહિના જેટલો સમય નીકળી જાય છે. ફાઇલ છેક એની છેલ્લી મંઝિલ સુધી પહોંચે એટલી વારમાં તો પ્રોજેક્ટ બનાવવા પાછળનો ભાવ સ્ક્વેરફૂટદીઠ અઢીસોથી ત્રણસો રૂપિયા જેટલો વધી ગયો હોય છે.’


 તેમની વાતમાં સૂર પુરાવતાં નયન શાહ કહે છે, ‘અમે સરકારને વિનંતી કરી છે કે આ પરવાનગી માટેની મંજૂરીની સમયમર્યાદા વધારીને નેવું દિવસની કરવી. નાનો પ્રોેજેક્ટ હોય તો ત્રીસ દિવસની અંદર અને મેગા પ્રોજેક્ટ માટેની મંજૂરી માટેની સમયમર્યાદા નેવું દિવસથી વધવી ન જોઈએ. એને લીધે આપમેળે ખર્ચમાં ઘટાડો થશે.’


ગ્રાહકોને ગેરલાભ


રશ્મિ હાઉસિંગના ડિરેક્ટર યોગેશ બોસમિયા કહે છે, ‘પ્રોજેક્ટના ભાવમાં વધારો થવાને લીધે માર્કેટમાં સુધારો થવાની ધારણા શક્ય નથી થઈ શકતી અને ગ્રાહકો એનો લાભ નથી મેળવી શકતા. મુંબઈમાં છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ પ્રોજેક્ટને મંજૂરી નથી મળી. પ્રૉપર્ટીની ડિમાન્ડ તો સખત છે, પણ એની સામે અમે માગણી પૂરી નથી કરી શકતા.’


આની બીજી પણ અસરો થાય છે, કારણ કે મંજૂરી મેળવતી વખતે ડેવલપરોએ પ્રીમિયમ ભરવું પડે છે. જેટલી મંજૂરી લંબાઈ જાય એટલો વધુ સમય ફન્ડ મેળવવામાં જાય, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કોઈ પણ ભોગે જરૂરી છે. એટલે પ્રોજેક્ટ મંજૂરી માટેની સમયમર્યાદા બાબતે સરકારે એની પૉલિસીઓને ફરી એક વાર વિચારી-તપાસી લેવાની જરૂર છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK