યુવાન વર્કિંગ કપલ્સને ધ્યાનમાં રાખીને 1BHK તરફ વળતા ડેવલપરો

૬૦૦ સ્ક્વેરફૂટના ૫૦ લાખથી લઈને ૭૦ લાખ રૂપિયાના ફ્લૅટ્સની ડિમાન્ડ-સપ્લાય વધશે





(જયેશ ચિતલિયા)

રાજ અને ઈશા બન્ને મૅરેજની તૈયારીમાં છે. આ તૈયારીના ભાગરૂપે બન્ને જણ ફ્લૅટ શોધી રહ્યાં છે. બન્ને જણ વર્કિંગ હોવાથી પોતાના બજેટ મુજબ આગળ વધવા વન બી.એચ.કે.નો ફ્લૅટ જોઈ રહ્યાં છે. વિકી અને મોનાનાં મૅરેજને જસ્ટ એક જ વરસ થયું છે. અત્યાર સુધી સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ તેઓ હવે અલગ વન બી.એચ.કે.ની તલાશમાં છે. આવાં અનેક યુવાન કપલોની જરૂરિયાત-ડિમાન્ડને પગલે વન બી.એચ.કે.નો ટ્રેન્ડ પુન: શરૂ થઈ રહ્યો છે. છેલ્લાં અમુક વરસમાં પ્રૉપર્ટીના અસાધારણ ઊંચા ગયેલા ભાવોએ તેમ જ બદલાયેલા સામાજિક માહોલે ફરી ૮૦ અને ૯૦ના દાયકાનું સર્જન કર્યું છે જ્યારે વન બી.એચ.કે. સતત ડિમાન્ડમાં રહેતા અને બનતા પણ હતા. આ સંજોગો જોઈને બિલ્ડરો-ડેવલપરો પણ ફરી વન બી.એચ.કે.ના ફ્લૅટ બાંધવા સક્રિય બન્યા છે.

રિયલ એસ્ટેટ માર્કેટનાં સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૦૦૦ના દાયકા દરમ્યાન વન બી.એચ.કે. બનવાના જાણે બંધ જ થઈ ગયા હોવાનો માહોલ હતો, પરંતુ ફ્લૅટોના એક્સ્ટ્રા-ઑર્ડિનરી હાઈ ભાવને લીધે પરિસ્થિતિ બદલાતી ગઈ અને આખરે ઊંચા ભાવોએ લેવાલી લગભગ બંધ થઈ ગઈ ત્યારે ચિંતામાં મુકાઈ ગયેલા ડેવલપર વર્ગે‍ બજેટ ફ્લૅટ અને અફૉર્ડેબલ હાઉસિંગ તરફ વળવાનું શરૂ કર્યું, જેના ભાગરૂપે હવે વન બી.એચ.કે.ની માર્કેટ ખીલી રહી છે. સારા લોકેશનમાં વન બી.એચ.કે. ફ્લૅટ એક કરોડ રૂપિયાની અંદર મળી જાય છે, જ્યારે કે ટૂ બી.એચ.કે. કે એથી મોટા ફ્લૅટ કરોડ રૂપિયાની ઉપર ગયા હોવાથી મિડલક્લાસના ગજાની બહાર ચાલ્યા ગયા છે. પરિણામે વર્તમાન સમયમાં યુવાન કપલ માટે વન બી.એચ.કે. તમામ દૃષ્ટિએ આદર્શ ચૉઇસ સાબિત થઈ રહ્યા છે. બીજી બાજુ લોઅર માર્જિન (ઓછા નફા)ને લીધે વન બી.એચ.કે.થી દૂર થઈ ગયેલા બિલ્ડરો પાછા આ સેગમેન્ટ તરફ વળવા લાગ્યા છે. ઇકૉનૉમીના સંજોગો, વારંવાર આવતી ક્રાઇસિસ, જૉબ લૉસ, પે કટ વગેરે જેવાં કારણોને પગલે કપલો સાવચેતીભર્યા અભિગમ સાથે આગળ વધવા નાના ફ્લૅટ્સ પસંદ કરતા થયાં છે.

તાજેતરમાં યોજાયેલાં વિવિધ પ્રૉપર્ટી ઍક્ઝિબિશન્સમાં પણ વન બી.એચ.કે. ફ્લૅટ્સની ડિમાન્ડ અને સપ્લાય બન્ને જોવા મળી હોવાનું જણાવતાં સાધનો ઉમેરે છે કે નાહર ગ્રુપ, રુસ્તમજી, મૅરથૉન રિયલ્ટી, કાણકિયા સ્પેસ, હબટાઉન વગેરે ડેવલપર્સ તરફથી વન બી.એચ.કે. ઑફર થવા લાગ્યા છે. ડેવલપર વર્ગના મતે હવેના સમયમાં પ્રૉપર્ટીઝ ડેવલપ કર્યા બાદ વણવેચાયેલી પડી રહે તો એનો વ્યાજબોજ ભારે પડે છે. એને બદલે પ્રૉપર્ટી વેચાય તો નાણાં ઝડપથી છૂટાં થાય છે અને નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આસાની રહે છે. વન બી.એચ.કે.નો આ ટ્રેન્ડ મુંબઈ ઉપરાંત બૅન્ગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ વગેરે જેવાં શહેરોમાં પણ વિકસી રહ્યો છે. મુંબઈમાં મુલુંડ, જોગેશ્વરી, મલાડ જેવાં સબબ્ર્સમાં આ પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આ વન બી.એચ.કે.નો એરિયા આશરે ૬૦૦થી ૬૫૦ સ્ક્વેરફૂટનો હોય છે, જેની કિંમત અંદાજે ૭૦થી ૭૫ લાખ રૂપિયા આસપાસ થાય છે. હવેના સમયમાં આ ટ્રેન્ડ વધુ વિકસે એવી સંભાવના છે.

માર્કેટના જાણકારોના મતે ૫૦થી ૭૦ લાખ રૂપિયાના બજેટના ફ્લૅટ્સ મધ્યમ યુવાવર્ગ માટે બેસ્ટ બની રહે છે. યુવા પ્રોફેશનલ વર્ગ માટેનો આ ટ્રેન્ડ હવે લાંબો સમય ચાલશે એવી ધારણા છે. બિલ્ડર-ડેવલપર વર્ગમાં પણ એ સભાનતા આવી ગઈ છે કે હવે પછીના સમયમાં ન્યુક્લિયર ફૅમિલીઝની સંખ્યા વધતી જવાની અને એમાં પણ વર્કિંગ કપલમાં વન બી.એચ.કે. ફ્લૅટ્સની ડિમાન્ડ સતત રહેશે. આમ હવે વધુ ને વધુ બિલ્ડર્સ-ડેવલપર્સ આ ક્ષેત્રે ઝંપલાવે તો નવાઈ નહીં.

બી.એચ.કે. = બેડરૂમ હૉલ કિચન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK