કઈ રીતે રાખશો તમારા દિલને હેલ્ધી?

આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે હાર્ટ-હેલ્થ વિશે વાત કરીએ. દિલની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે. જો આપણે દિલને સાચવીશું તો દિલ પણ આપણને સાચવી લેશે. મૂળભૂત બાબતોને સમજી એને નિયમોમાં ઢાળીને અનુસરીશું તો દિલને જવાન રાખવું અઘરું નહીં બને. આજના દિવસે થોડા જાગ્રત બનીએ અને દિલની કાળજી રાખવાનું પ્રણ લઈએ

heartજિગીષા જૈન

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં જે રોગ દ્વારા સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે એના વિશે જાગૃતિ વધારવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ હકીકત છે કે આજની તારીખે હાર્ટ-ડિસીઝ દુનિયામાં નંબર વન કિલર છે. આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય છે, કારણ કે એ ધબકતું રહે છે એટલે જ આપણા શરીરમાં જીવન ધબકતું રહી શકે છે. એ ધબકતું અટકે એટલે જીવન ત્યાં જ અટકી જાય છે. આ હૃદયને હેલ્ધી રાખવાની જવાબદારી આપણી છે. એ જવાબદારીને સમજીએ અને પૂરી રીતે નિભાવીએ એ માટે જ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થાય છે. આ વર્ષે આ ઉજવણીની થીમ છે શૅર ધ પાવર. તમે કઈ રીતે તમારા હૃદયને પાવરફુલ બનાવો છો એ બાબતોને બીજા લોકો સાથે વહેંચો અને તેમને પણ હાર્ટને હેલ્ધી રાખવાની પ્રેરણા આપો એવા હેતુસર આ થીમ નક્કી કરવામાં આવી છે. નાનકડા બદલાવ તમારા જીવનમાં મોટાં પરિવર્તનો લાવી શકે છે. આ નાના બદલાવ કયા છે જેનો જીવનમાં સમાવેશ કરીને આપણે હાર્ટને હેલ્ધી રાખી શકીએ એ જાણીએ વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની અને સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ કાર્ડિઍક સર્જ્યન ડૉ. બિપિનચંદ્ર ભામરે પાસેથી.

સ્મોકિંગ અને આલ્કોહૉલ છોડો

જો તમારે હાર્ટનું ધ્યાન રાખવું છે તો સૌથી પહેલાં કુટેવોથી મુક્તિ મેળવવી જરૂરી છે. સ્મોકિંગને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક ચાર ગણું વધી જાય છે. સ્મોકિંગની સીધી અસર વૅસ્ક્યુલર તંત્ર એટલે કે લોહીની નસો પર થાય છે. એના થકી લોહીની નળીઓ સાંકડી થતી જાય છે જેની સીધી અસર શરીરમાં થતા લોહીના પરિભ્રમણ પર પડે છે. આલ્કોહૉલ પણ એક એવી કુટેવ છે જે સીધી નહીં તો આડકતરી રીતે પણ હૃદય પર અસર કરે છે. આલ્કોહૉલ ઓબેસિટી માટે જવાબદાર બને છે અને ઓબેસિટી હૃદયરોગને આવકારનારા રોગોને તાણી લાવે છે. આમ તકલીફો વધે છે.

રેગ્યુલર ટેસ્ટ જરૂરી 

ઘણા લોકોને એવું લાગે છે કે તે તેમના શરીરને ઘણું સારી રીતે ઓળખે છે. જો ડૉક્ટર કહે કે હવે ત્રીસના થયા, હવે આ રેગ્યુલર ચેક-અપ જરૂરી છે તો પણ ટેસ્ટ નહીં કરાવે. કહેશે કોઈ ચિહ્નો જ નથી પછી શું? ચિહ્નોની રાહ જોવાય એવા રોગો હવે રહ્યા નથી. હાર્ટ-હેલ્થ પર બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, ઓબેસિટી જેવાં તત્વો ઘણી વધુ અસર કરે છે. આ બધામાં ઓબેસિટી એક એવું તત્વ છે જે દેખાય આવે. છતાં બૉડી માસ ઇન્ડેક્સ ન કાઢો ત્યાં સુધી ઓબેસિટીનું રિસ્ક સમજાતું નથી. બાકીના પ્રૉબ્લેમ જેમ કે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ એ ટેસ્ટ દ્વારા જ ખબર પડે છે. જો તમે એ નહીં કરાવો તો એ સાઇલન્ટ બનીને તમારા હાર્ટને અસર પહોંચાડતાં રહેશે. માટે ૩૦ વર્ષની ઉંમર પછી વર્ષે એક વાર, ૪૫ પછી વર્ષે બે વાર અને કોઈ તકલીફ આવી જ જાય તો રેગ્યુલર ટેસ્ટ કરાવતા રહેવી જરૂરી છે.

જેમને રોગ છે એ રહે વધુ સાવધાન

જે લોકોને પહેલેથી બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવો પ્રૉબ્લેમ છે તેમણે તો ગફલતમાં રહેવું પોસાય જ નહીં. આ બન્ને રોગ તમારા હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે માટે એને ગંભીરતાથી લો. ડાયાબિટીઝ અતિ હોય તો લગભગ દરરોજ જ ટેસ્ટ કરવી જરૂરી છે. એક વખત દવાઓ સાથે સ્ટેબલ થઈ ગયા પછી પણ દર બે મહિને એક વખત ટેસ્ટ કરવી જરૂરી છે. એવું જ બ્લડ-પ્રેશરનું છે. દર બે મહિને ડૉક્ટરની એક વિઝિટ તો લેવી જ. જો તમે તમારાં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલને દવા અને લાઇફ-સ્ટાઇલ મૉડિફિકેશન દ્વારા કાબૂમાં રાખશો તો હાર્ટ પરનું રિસ્ક ઘણું ઓછું કરી શકશો.

તેલ-ઘી કેટલાં?

હાર્ટની વાત આવે ત્યારે સીધી આજકાલ ચાલતી જાહેર ખબરો યાદ આવી જાય. તેલ અને ઘી ન ખાવાં એવું દરેક ડૉક્ટર હાર્ટ-હેલ્થ માટે કહે છે અને જાહેર ખબરો કહે છે કે આ તેલ સારું છે, તમે ખાઓ. ઊલટું તેલની કંપનીઓ જ સૌથી વધુ હાર્ટ-હેલ્થ માટેનાં જાગૃતિ અભિયાન ચલાવતી હોય છે. હકીકતમાં શું કરવું અને કેટલું તેલ કે ઘી ખાઈ શકાય? આ માટે કેટલાક નિશ્ચિત માપદંડ છે, જે અનુસાર એક હેલ્ધી વ્યક્તિ દરરોજ ૩૦-૪૦ ગ્રામ તેલ અને બે ચમચી ઘી પણ ખાય શકે છે. એનાથી વધુ પ્રમાણમાં એ લેવું ન જોઈએ. બાકી ડાયટમાં શાકભાજી અને ફળો વધુ ખાવાં જોઈએ.

હાર્ટ પાસે મહેનત કરાવો

હૃદય પણ એક સ્નાયુ છે. જો એ સ્નાયુને મજબૂત કરવા હોય તો એને કસવા પડે, કસરત કરવી પડે. હૃદયને મજબૂત રાખવા માટે કાર્ડિયો-એક્સરસાઇઝ જરૂરી છે. જો તમે ખાસ કસરત કરવાના આદી ન હો તો કંઈ વાંધો નહીં, હાર્ટ માટે આજથી શરૂઆત કરી શકો. હાર્ટ માટેની બેસ્ટ એક્સરસાઇઝ એટલે અઠવાડિયામાં પાંચ દિવસ થતો ૪૫ મિનિટનો બ્રિસ્ક-વૉક એટલે કે ઝડપી ચાલવાનું. આ રીતે કૅપેસિટી વધે પછી દોડવાનું, સ્વિમિંગ વગેરે ચાલુ કરી શકાય.

બેઠાડુ જીવન છોડો

સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલના રિપોર્ટ અનુસાર ૪૦ ટકા અમેરિકનને હાર્ટ-ડિસીઝ થવાનું કારણ તેમનું બેઠાડુ જીવન છે. ઓબેસિટી કરતાં પણ આ કારણ વધુ મહત્વનું છે. ઘણા લોકોનું વજન વધારે નથી હોતું છતાં તેમના બેઠાડુ જીવનને કારણે તેઓ હાર્ટ-ડિસીઝના ભોગ બને છે. જો તમે ઑફિસમાં કામ કરતા હો તો પણ વચ્ચે થોડી-થોડી વાર બ્રેક લઈને લટાર મારી શકાય છે. સતત બેઠા રહેવાથી ચરબી પેટ પર જમા થતી જાય છે. ફાંદ એ હાર્ટ-ડિસીઝને આવકારનારું ખૂબ જ મહત્વનું પરિબળ છે.

કોના પર રિસ્ક વધુ?

હાર્ટ-હેલ્થ માટે કોણે ચિંતા કરવાની જરૂર છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘કેટલાંક રિસ્ક ફૅક્ટર છે. જેમ કે ઉંમર વ્યક્તિની વધુ હોય, જો એ પુરુષ હોય, જો તેની ફૅમિલીમાં હાર્ટ-ડિસીઝ હોય તો આવી વ્યક્તિઓને હાર્ટ-પ્રૉબ્લેમ થવાની શક્યતા વધુ છે, પરંતુ એનો અર્થ એવો ન હોય શકે કે આ વ્યક્તિઓએ જ હાર્ટનું ધ્યાન રાખવાનું છે. આજકાલ સ્ત્રીઓમાં પણ ઘણા હાર્ટ-પ્રૉબ્લેમ જોવા મળે છે એટલું જ નહીં, વધુ ને વધુ યુવાન લોકો હાર્ટ-ડિસીઝના ભોગ બની રહ્યા છે. પહેલાં એક સમય એવો હતો કે ૫૦ વર્ષ પછી હાર્ટ ચેક-અપ લોકો કરાવતા. હવે ૩૦ વર્ષ પછી પણ રેગ્યુલર ચેક-અપ કરાવો તો કદાચ અમુક કેસમાં લાગે કે મોડું થઈ ગયું. આમ રિસ્ક ફૅક્ટર હવે ધીમે-ધીમે નોંધપાત્ર નથી રહ્યાં. દરેક વ્યક્તિએ પોતાના હાર્ટનું ધ્યાન રાખવું જરૂરી છે. એની સાથે-સાથે જો રિસ્ક ફૅક્ટર છે જ તો-તો એ વ્યક્તિએ બમણું સાવધાન રહેવું જરૂરી છે.’

સર્વેનાં કેટલાંક રસપ્રદ તારણો

સફોલાલાઇફ ૨૦૧૭ અને હાઇપરટેન્શન સોસાયટી ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ડૉ. શશાંક જોશી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ઘણાં રસપ્રદ તારણો બહાર આવ્યાં હતાં. જે આ મુજબ છે:

૧. ૭૮ ટકા મુંબઈકર એવું માને છે કે તેમના કામના કલાકો વધુ હોવાની અસર તેમના હાર્ટ પર પડી રહી છે.

૨. ૭૦ ટકા મુંબઈકરોનું માનવું છે કે તેઓ સારી ઊંઘ નથી લઈ શકતા.

૩. ૬૬ ટકા મુંબઈકરો માને છે કે તેમની પાસે સમય જ નથી હાર્ટની ચિંતા કરવાનો, કારણ કે તેમનો મોટા ભાગનો સમય ટ્રાવેલિંગમાં જતો રહે છે.

૪. ૭૦ ટકા મુંબઈકરો માને છે કે તેમને કામને લીધે સ્ટ્રેસ ખૂબ રહે છે. ૬૬ ટકા એવું માને છે કે ઘર અને પરિવારને કારણે સ્ટ્રેસ વધુ છે.

૫. ૫૬ ટકા મુંબઈકરો કહે છે કે તેમની પાસે એક્સરસાઇઝ કરવા કે ચાલવા જવા માટે જગ્યા જ નથી.

૬. ૯૦ ટકા પુરુષોએ કબૂલ્યું કે તેમની જીભ પર તેમનો કોઈ કન્ટ્રોલ નથી. જ્યારે ટેસ્ટી કંઈ જુએ તો તે લલચાઈ જાય છે અને ખાઈ લે છે. ભલે એ અનહેલ્ધી છે એવી ખબર પડે તો પણ.

૭. ૮૦ ટકા સ્ત્રીઓ એવું માને છે કે ઘર અને બાળકોમાંથી તેમને પોતાના માટે સમય જ મળતો નથી કે તે પોતાની હેલ્થ માટે વિચારે.

૮. ૬૬ ટકા મુંબઈકરો માને છે કે હેલ્ધી ફૂડ ટેસ્ટી નથી હોતું.

૯. ૬૬ ટકા સ્ત્રીઓ માને છે કે હેલ્ધી રહેવું એનો અર્થ એમ કે વધુ ખર્ચ કરવો અને આ ધારણાને લીધે તેઓ હેલ્થ પ્રત્યે ખાસ ધ્યાન નથી આપતી.

૧૦. ૭૮ ટકા સ્ત્રીઓ એમ માને છે કે હેલ્ધી ફૂડ ખાવું હોય તો તેમણે પોતાના મતે અલગથી રસોઈ કરવી પડે, જે તેમને મંજૂર નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK