ADHD ધરાવતાં બાળકોને કયા પ્રકારનો ઇલાજ આપી શકાય?

અટેન્શન ડેફિસિટ હાઇપર-ઍક્ટિવિટી ડિસઑર્ડર એટલે કે ADHD એક પરિસ્થિતિ છે જેની સાથે બાળક જન્મે છે એટલે મોટા ભાગે એ તકલીફ જીવનપર્યંત રહે છે. જોકે એનો ઇલાજ એ માટે જરૂરી છે કે આ બાળકોને ભણવામાં, વર્તન કરવામાં કે પોતાને મૅનેજ કરવામાં મદદ મળી રહે. આ માટે દવાઓ, બિહેવિયરલ થેરપી અને કેટલાક અંશે ઑક્યુપેશનલ થેરપી પણ ઉપયોગી છે

adhdજિગીષા જૈન

ગઈ કાલે આપણે જોયું કે અટેન્શન ડેફિસિટ હાઇપર-ઍક્ટિવિટી ડિસઑર્ડર - ADHD ધરાવતાં બાળકોનાં મુખ્ય લક્ષણો કયાં છે. આ લક્ષણો દ્વારા જો તેમનું નિદાન થાય તો એનો શું ઇલાજ હોઈ શકે છે એ વિશે માહિતી આજે આપણે મેળવીશું. મહત્વનું એ છે કે આપણે સમજીએ કે ADHD એક કન્ડિશન છે જેની સાથે બાળક જન્મે છે માટે એ સંપૂર્ણ રીતે દૂર કરી શકાતી નથી. આપણે ફક્ત આ બાળકોને તેઓ ભણી શકે, યોગ્ય વર્તન કરી શકે અને પોતાને મૅનેજ કરી શકે એ માટેની ટ્રેઇનિંગ આપી શકીએ છીએ. આ ટ્રેઇનિંગથી ઘણી મદદ મળે છે. ADHD ધરાવતા ઘણા લોકો ખૂબ જ સરસ અને સફળ જીવન જીવી શકે છે અને જીવતા જ હોય છે. ઘણી વ્યક્તિઓને એવું પણ હોય છે કે બાળક હોય ત્યારે ચિહ્નો દેખાતાં હોય, પરંતુ મોટા થયા બાદ એની અસર ઘણી જ ઓછી થઈ જાય. ઘણા એવા પણ હોય છે જેમના પર અમુક પ્રકારનો ઇલાજ જ માફક આવે છે અને થોડા સમય પછી એની અસર ઘટે તો ઇલાજ બદલવો પણ પડે છે.

દવાઓ

ADHDમાં ક્યારેક અમુક દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થાય છે. ક્યારેક એટલા માટે કે દરેક બાળક પર એ દવાઓ કામ કરે જ એવું હોતું નથી. અમુક બાળકો પર દવાઓ કામ કરે છે, અમુક પર નહીં. એક પ્રકારની દવાઓ આવે છે જેને સ્ટિમ્યુલન્ટ્સ કહે છે. બીજી નૉન-સ્ટિમ્યુલન્ટ દવાઓ પણ છે જે છ વર્ષથી ઉપરનાં બાળકોને અપાતી હોય છે. આ સિવાય ઑમેગા ૩ ફૅટી ઍસિડનાં સપ્લિમેન્ટ્સ પણ આ બાળકોને ઘણાં ફાયદાકારક સાબિત થાય છે. જરૂરી નથી કે તમારા બાળકનું નિદાન થયું કે તેને ADHD છે તો ડૉક્ટર તેને દવાઓ આપી જ દેશે. બાળક અને તેની જરૂરિયાત પર એ નર્ભિર કરે છે. દવાઓ સિવાય પણ અમુક ખાસ થેરપી છે જે તેમને ઘણી મદદ કરી શકે છે. ધી અમેરિકન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ માને છે કે પ્રી-સ્કૂલનાં બાળકોને દવાઓ આપતાં પહેલાં બિહેવિયરલ થેરપી આપવી જોઈએ.

શા માટે થેરપી?

જીદ કરવી, બેધ્યાનપણું હોવું, એક જગ્યાએ બેસીને કામ ન કરવાની વૃત્તિ, સામાજિક રીતે જેને યોગ્ય ન કહી શકાય એવું વર્તન ADHDનાં બાળકો કરતાં હોય છે. બિહેવિયરલ થેરપી દ્વારા આપણે એ બદલી શકીએ છીએ અને ધીમે-ધીમે બાળકને યોગ્ય વર્તન કરતાં શીખવી શકીએ છીએ. એ વિશે વાત કરતાં બિહેવિયરલ થેરપિસ્ટ બીનલ શાહ કહે છે, ‘આપણે એ સમજવું પડશે કે કોઈ પણ પ્રકારના વર્તન પાછળ આપણી કોઈ ને કોઈ જરૂરિયાત રહે છે. જેમ કે જો આપણે પંખો ચાલુ કરવા ઊભા થયા તો એનો અર્થ એ છે કે આપણને ગરમી થાય છે માટે આપણે એમ વર્તન કર્યું. બાળકોની પણ જરૂરિયાત હોય છે, પરંતુ એ જરૂરિયાત પૂરી કરવા માટે કયા પ્રકારનું વર્તન કરવું જે યોગ્ય પણ હોય અને એનાથી જરૂરિયાત પણ પૂરી થાય એ બાળકોને સમજાતું નથી એટલે તેઓ ખોટું વર્તન કરી બેસે છે. ADHD જીવનપર્યંત રહેતી પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિમાં બિહેવિયરલ થેરપીનો ઉપયોગ એ છે કે આ બાળકોના યોગ્ય વર્તનને આપણે વાળી શકીએ, તેમને યોગ્ય વર્તન શીખવી શકીએ. ADHDની કન્ડિશન સાથે જ આ બાળકો પાસેથી કઈ રીતે કામ લેવું એ આપણે સમજી શકીએ. આમાં ફક્ત બિહેવિયરલ જ નહીં, ઑક્યુપેશનલ થેરપી પણ એટલી જ મહત્વની છે.’

એનર્જીને ચૅનલાઇઝ કરો

આવાં બાળકોમાં એનર્જીનો ભંડાર હોય છે. એવું લાગે કે તેઓ થાકતાં જ નથી. સતત ભાગતાં રહેતાં અને ભાંગફોડિયાં બાળકોની એનર્જીને ઓછી કરી નથી શકાતી, પરંતુ એ એનર્જીનો સદુપયોગ થાય એ મહત્વનું છે. એ એનર્જીને તમારે સાચી દિશામાં વાળવી પડે અને એ કઈ રીતે વાળવી એ જ મહત્વનું છે. એ વિશે સમજાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. હીના ભટ્ટ કહે છે, ‘ADHDવાળાં બાળકોને કોઈ પણ ટાસ્ક આપો એ પહેલાં અમુક ફિઝિકલ વર્ક કરાવવું અત્યંત જરૂરી છે. જેમ કે રનિંગ કે જમ્પિંગ જેવી સામાન્ય ઍક્ટિવિટીથી લઈને થોડા અઘરા ટાસ્ક. જેમ કે હાઈ જમ્પ કે એક નિãત જગ્યાએથી બીજી જગ્યા સુધીનો જમ્પ, એકદમ પાતળી સર્ફેસ પર ચાલવું, લંગડી, એક પગે એક જ જગ્યાએ ઊભા-ઊભા કૂદકા મારવા કે પછી યોગ કે ટ્રેડિશનલ એક્સરસાઇઝ જેવું કંઈ પણ જે બાળકને કરવામાં મજા આવતી હોય એ કરાવવું જરૂરી છે. ફિઝિકલ ઍક્ટિવિટીથી તેમની એનર્જી‍ આ ઍક્ટિવિટીમાં વપરાય છે અને એ બાળકો થોડાં શાંત બને છે. પછી તમારે તેમને બેસાડીને કામ લેવું હોય કે એક જગ્યાએ બેસીને ભણાવવાં હોય તો એ ઉપયોગી થાય છે. ADHDનાં બાળકોને ભણાવવા કે તેમને એક જગ્યાએ બેસાડીને કામ કરાવવા માટે આ પદ્ધતિ અતિ ઉપયોગી છે. ટૂંકમાં, તમે તેમને હાઇપર ઍક્ટિવિટી કરતાં રોકો એના કરતાં એક કલાક તેમની પાસેથી તેમને ગમતું ફિઝિકલ કામ લો તો એ રીતે તેમની અંદરની એનર્જી‍ વેડફવાને બદલે ચૅનલાઇઝ થશે.’

આવેગશીલતાને કાબૂમાં કઈ રીતે કરવી?

આવાં બાળકો બિલકુલ રાહ જોઈ શકતાં નથી. લાઇનમાં ઊભા રહેવું કે કોઈ બોલે ત્યાં સુધી ચૂપ રહેવું અને પછી જ બોલવું એ તેમને સમજાતું નથી. એ તેમને શીખવવું જરૂરી છે. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિક ઑક્યુપેશનલ થેરપિસ્ટ ઉષા ભોજને કહે છે, ‘તેમના આવેગોને શાંત કરવાનું અને ધીરજ લાવવાનું કામ જરૂરી છે. તેમનામાં ધીરજ ધીમે-ધીમે લાવી શકાય છે. તેમને રાહ જોતાં શીખવવી પડે છે. મોટા ભાગે જ્યારે એ લોકો રાહ નથી જોઈ શકતા ત્યારે અમે તેમને કોઈ લાલચ કે બહાનું આપીને રોકવાનો પ્રયાસ કરીએ છીએ અને ધીમે-ધીમે તેમને રાહ જોતાં શીખવીએ છીએ. કોઈ બોલતું હોય તો વચ્ચે ન બોલવું, કોઈ પૂછે ત્યારે જ જવાબ આપવો, પહેલેથી ન બોલી દેવું આ બધું ધીમે-ધીમે ડેવલપ કરી શકાય છે. બાળકોને ધીરજ શીખવવા માટે ટેબલટૉપ ઍક્ટિવિટી જેમ કે દોરામાં મોતી કે બીડ્સ પરોવવાં, સ્ટૅમ્પિંગ કે પેપરને પન્ચિંગ કરવું, અમુક ક્રાફ્ટ અને ડ્રૉઇંગ જેવી ઍક્ટિવિટી ઘણી મદદરૂપ થાય છે. આ સિવાય કૉãગ્નટિવ ઍક્ટિવિટી ઘણી ઉપયોગી થઈ શકે છે. આ બાળકોમાં બેધ્યાનપણું ખૂબ હોય છે જે એનાથી દૂર થાય છે.’

વર્તનને કઈ રીતે વાળશો?

ADHDનાં બાળકો પાસેથી કઈ રીતે કામ લઈ શકાય એ સમજાવતાં બીનલ શાહ કહે છે, ‘સામાન્ય રીતે લોકો કામ કરે છે, કારણ કે તેમને સૅલેરી મળે છે. આ એક માનવસ્વભાવ છે. કંઈક કરીએ એટલે કંઈક મળવાનું છે જેને રુશવત નહીં પરંતુ રિવૉર્ડ કહે છે. જેમ કે એક બાળકને કાટૂર્‍ન જોવું ખૂબ જ ગમે છે. તે દરરોજ તેને ગમતી ઍક્ટિવિટી કરવાનું જ છે, પરંતુ તમે તેને કહો કે આ બે શબ્દ શીખી લે પછી કાટૂર્‍ન જોવા મળશે તો તે માની જશે. બીજા દિવસે ચાર શબ્દ શીખ્યા પછી કાટૂર્‍ન જોવાનું કહો. આમ તે ધીરજ શીખશે, કામ કરતાં શીખશે. આ સિવાય ધીમે-ધીમે આપણે બાળકને તેનું કામ તેની જાતે કરતાં, કામનું શેડ્યુલ બનાવતાં પણ શીખવી શકીએ. શરૂઆત ફક્ત એક કલાકથી કરીએ. જેમ કે બાળકને કહીએ કે આ એક કલાક તું પ્લાન કર તારી રીતે. એમ ધીમે-ધીમે તેને પ્લાન કરવાની અને એ પ્રમાણે વર્તવાની આદત પાડી શકાય.’

પેરન્ટ્સની ટ્રેઇનિંગ ખૂબ જરૂરી

ઑક્યુપેશનલ કે બિહેવિયરલ થેરપીઝ બાળક માટે થોડો સમય ચાલુ રાખી શકાય, પરંતુ જીવનભર એ શક્ય નથી. વળી થેરપિસ્ટ પાસે બાળક અમુક કલાક હોય. બાકી તો પેરન્ટ્સ પાસે જ રહેવાનું છે એટલે જરૂરી છે કે પેરન્ટ્સને ટ્રેઇનિંગ મળે. એ વિશે વાત કરતાં ઉષા ભોજને કહે છે, ‘થેરપીનો ઉપયોગ જ એ છે કે તમે બાળક પાસેથી કઈ રીતે કામ કઢાવી શકો. ADHD ધરાવતાં બાળકો એકદમ નૉર્મલ લાઇફ જીવી શકે છે જો તેમને ટ્રેઇનિંગ બરાબર મળે અને એ ટ્રેઇનિંગ અમે બાળકને શીખવી શકીએ, પરંતુ એનું ઍપ્લિકેશન પેરન્ટ્સે કરવાનું હોય છે. નૉર્મલ લાઇફમાં કઈ રીતે બાળકને ટ્રેઇન કરવું એ માટે પહેલાં અમારે પેરન્ટ્સને ટ્રેઇન કરવા પડે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK