ખોરાકમાં નજીવા બદલાવ તમને આપી શકે છે ઘણા હેલ્ધી ફાયદાઓ

યોગ્ય ડાયટ એ પોતાનામાં એક અત્યંત વ્યાપક વિષય છે. શું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું આ પ્રશ્નોમાં મૂંઝાવાને બદલે શરૂઆત અમુક નાના-નાના ફેરફારોથી કરી શકાય છે. જો એ ફેરફારો કરીશું તો એનાં મોટાં પરિણામો મળી શકે એમ છે. જાણીએ બદલાવ કયા છે

dieat


જિગીષા જૈન

કાલે આપણે જોયું કે હેલ્ધી લાઇફ માટે ઘણા લોકો જાણતા હોય છે કે તેમને શું કરવાની જરૂર છે, પરંતુ એટલો સમય અને ધ્યાન આપી શકતા નથી ત્યારે તેમને લાગે છે કે હેલ્થ માટેના જરૂરી બદલાવ મુશ્કેલ છે. જેમ કે એક કલાક એક્સરસાઇઝ ન કરી શકીએ તો એની જગ્યાએ આપણા રોજિંદા જીવનમાં આપણે શું બદલાવ લાવવા જેનાથી હેલ્ધી લાઇફ તરફ આપણે આગળ વધી શકીએ એ સામાન્ય અને સહજ બદલાવો કાલે આપણે જોયા. ડાયટ પણ એક એવી વસ્તુ છે જે વિશે વ્યક્તિ વિચારી-વિચારીને ગાંડી થઈ શકે છે. શું ખાવું અને શું ન ખાવુંનું એક લાંબુ લિસ્ટ છે એટલું જ નહીં; ક્યારે ખાવું, કેટલું ખાવું એ પણ ધ્યાન રાખવું જરૂરી છે.

દરરોજ સવારે ઊઠીને રોટલા ખાવાવાળા લોકોને જો કહીએ કે દૂધ સાથે કૉર્નફલેક્સ ખાઈ લો તો કહેશે કે પેટ જ ભરાયું નહીં અને જે બિલકુલ જ બ્રેકફાસ્ટ નથી કરતા તેમના માટે તો એક કપ કૉર્નફ્લેક્સ ખાઈ શકવા એ પણ અઘરો ટાસ્ક છે. વળી જેટલા લોકો એટલી વાત. કોઈ કહેશે કારેલાનું જૂસ સારું તો કોઈ કહેશે દૂધીનું. કોઈ કહેશે બ્રેકફાસ્ટ પેટ ભરીને કરો તો કોઈ કહેશે બ્રેકફાસ્ટ નહીં, લંચ પેટ ભરીને કરો. વળી ઘરની દરેક વ્યક્તિ માટે અલગ-અલગ બનાવવું પણ સહેલું નથી. કામ કરતા હો તો દરેક વસ્તુ ઘરની જ બનેલી ખાવી એ પણ શક્ય નથી એટલું જ નહીં બહાર જતાં-આવતાં, પાર્ટીઝમાં પણ જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડથી બચવું ઘણું અઘરું છે. તો ડાયટ સંબંધિત કયા પ્રકારના એવા બદલાવ છે જેનાથી આપણે હેલ્ધી જીવનની શરૂઆત કરી શકીએ? એવા કયા બદલાવ છે જેને સરળતાથી આપણે અપનાવી શકીએ અને લાભદાયી પણ નીવડે? આ પ્રશ્નોના જવાબ મેળવીએ ન્યુટ્રિવિટી ડૉટ ઇનના ફાઉન્ડર અને વેઇટ-મૅનેજમેન્ટ સ્પેશ્યલિસ્ટ કેજલ શેઠ પાસેથી.

ફ્રૂટ જૂસ પીવાને બદલે ફ્રૂટ ખાઓ

ફ્રૂટ જૂસમાંથી તમને ફ્રૂટનાં તત્વો તો મળે જ છે, પરંતુ ફ્રૂટનું ફાઇબર મળતું નથી. વળી જો જૂસ તમે ઘરે બનાવો અને પીઓ જેમાં શુગર અને આઇસ ન નાખો તો હજી ઠીક છે, પરંતુ બહારનાં જૂસ મળે છે અને ખાસ કરીને પૅકેજ્ડ જૂસ છે એ તો ન જ લેવાં જોઈએ એટલું જ નહીં; જ્યારે તમે આખું ફ્રૂટ ખાઓ છો ત્યારે એમાં રહેલાં ફાઇબર્સને કારણે ફ્રૂટનું પાચન ધીમું થાય છે, પેટ ભરાયેલું લાગે છે અને એની શુગર લોહીમાં ધીમે-ધીમે રિલીઝ થાય છે. આમ એ ફ્રૂટ ખાવું ઘણું હેલ્ધી છે, જૂસ પીવું હેલ્ધી ગણાશે નહીં.

તળવા કરતાં શેકો

તળેલા પદાર્થોમાં વધુ કૅલરી હોય છે. જ્યારે એ જ પદાર્થોને શેકવામાં આવે કે સાંતળવામાં આવે તો એ કૅલરીની માત્રા ઘટાડી શકાય છે. ભજિયાં ખાવાને બદલે ચીલા ખાવા. સાથે સાંતળેલી શાકભાજી લઈ શકાય. પૂરી ખાવાને બદલે રોટલી ખાવી. મગફળી તળેલી ખાવાને બદલે શેકેલી ખાવી. પૌંઆનો ચેવડો તળીને નહીં, શેકીને ખાવો. જો તમારુંં તળેલું ખાવાનું બંધ થઈ જશે તો પણ ઘણા હેલ્થ-પ્રૉબ્લેમને તમે ટાળી શકશો.

ફૅન્સી ફૂડને બદલે લોકલ ફૂડ ખાઓ

બજાર હવે ગ્લોબલ બનતું જાય છે. દુનિયાના દરેક ખૂણાની વસ્તુ આપણે ત્યાં મળતી થઈ ગઈ છે. જુદી-જુદી પ્રાંતની શાકભાજી, ફળો, ધાન્ય અહીં મળે છે અને જુદા-જુદા દેશોની ક્વિઝીન ખાવાના લોકો શોખીન હોય છે, પરંતુ હકીકત એ છે કે જે પ્રાંતમાં તમે રહેતા હો ત્યાં જે ઊગતું હોય એ ખાવું તમારા માટે બેસ્ટ છે. કીનોઆ ભલે સુપર ફૂડ ગણાતું, પરંતુ એની જગ્યાએ નાચણી ખાવું વધુ હેલ્ધી છે. કિવીના ગુણો ભલે વધુ હોય, પરંતુ આપણે ત્યાં ઊગતી કેરી વધુ ગુણકારી છે. જે અહીં ઊગે છે અઢળક માત્રામાં એ તમારા શરીરને, અહીંની આબોહવાને અનુકૂળ વસ્તુઓ છે એટલે એ જ ખાવાનું પસંદ કરો.

પ્લેટ મોટી નહીં, નાની લો

દરેક વ્યક્તિની આમ તો જરૂરત જુદી-જુદી હોય છે. મજૂર લોકો ૩ મોટા-મોટા રોટલા ખાઈ જઈ શકે છે અને ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં જ ચેર પર બેસીને કામ કરતી વ્યક્તિ ઘઉંની બે પાતળી રોટલી ખાય તો પણ તેને વિચાર કરવો પડે કે એને પચાવશે કઈ રીતે. પરંતુ હકીકત એ છે કે અને ઘણાં રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે જ્યારે તમારી પ્લેટ ઘણી મોટી હોય ત્યારે તમે વધુ ખોરાક ખાઈ લો છો. ઓવર ઈટિંગથી બચવા માટે નાની પ્લેટ વાપરો. નાની પ્લેટ હશે તો તમને થોડું ખાવામાં પણ સંતોષ થશે.

આઇસક્રીમને બદલે ફ્રૂટ કે દહીં ખાઓ

આઇસક્રીમમાં એવી ઘણી વસ્તુઓ છે જે હેલ્ધી ન માની શકાય. જેમ કે ખાંડ અને ક્રીમ. ઉપરાંત એને જમાવવા માટે વાપરવામાં આવતાં જુદાં-જુદાં કેમિકલ પણ હાનિકારક જ હોય છે. એના બદલે ગાઢું દહીં અથવા પાણી નીતારેલું કપડામાં બાંધેલું જાડું દહીં લઈને એમાં ફ્રૂટ્સ ક્રશ કરીને નાખી શકાય છે અથવા ટુકડા કરીને નાખીને ખાઈ શકાય છે. ડિઝર્ટ તરીકે આઇસક્રીમ ખાવાને બદલે આ એક હેલ્ધી ઑપ્શન છે.

સાથે મળીને ઘરે ડિનર બનાવો

ઘણાં કપલ્સ એકબીજા સાથે સમય ગાળવા માટે બહાર જમવા જવાનું પસંદ કરતાં હોય છે જેમાં તેમનો આશય એકબીજા સાથે રહેવાનો વધુ અને ખાવા-પીવાનો ઓછો હોય છે. છતાં જ્યારે બહાર જઈએ ત્યારે રૉન્ગ ફૂડ ખાવાને કારણે અનહેલ્ધી ડેટ મનાવવી એના કરતાં ઘરે બન્ને જણ સાથે જમવાનું બનાવી શકે છે. આ રીતે સાથે સમય પણ વ્યતીત કરવા મળશે અને જુદા પ્રકારની મજા પણ આવશે. તમે કોઈ પણ રીતે જો બહારનું જમવાનું ટાળી શકતા હો તો એ બેસ્ટ ઉપાય છે. ઘરે બનાવો અને ઘરનું ખાઓ એ સૌથી હેલ્ધી ઑપ્શન છે.

સૉફ્ટ ડ્રિન્ક્સને બદલે ફ્રૂટ ઇન્ફ્યુઝડ પાણી પીઓ 

દરેક વ્યક્તિને કંઈ ને કંઈ પીવાનો શોખ હોય છે, પરંતુ તમે શું પીઓ છો એ ખૂબ મહત્વનું છે. કોલા ડ્રિન્ક્સ કે શરબત કે ઠંડાં પીણાં પીવાને બદલે લીંબુપાણી કે નારિયેળપાણી, છાશ બેસ્ટ ઑપ્શન છે. એ સિવાય આજકાલ ફ્રૂટ ઇન્ફ્યુઝડ વૉટર પણ ઘણા લોકો પીએ છે જે હેલ્ધી ઑપ્શન છે. ફ્રૂટ જેમ કે ખાટાં ફળો- સંતરાં, મોસંબી, બેરીઝ, તરબૂચ, ચીભડું વગેરે ઇન્ફ્યુઝ કરવા માટે સરળ ઑપ્શન છે. પાણીમાં એ નાખીને રાખી દો. થોડા સમયમાં એ પાણીમાં પોતાની ફ્લેવર છોડે છે. આ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે

ટીવી જોતાં-જોતાં જમવાને બદલે ફૅમિલી સાથે બેસીને જમો

જો તમારું ધ્યાન જમવામાં નથી અને બીજી જગ્યાએ છે તો એનો અર્થ એ છે કે તમે વધુ જમવાના એટલું જ નહીં, જમવાનો આનંદ પણ લઈ નહીં શકો. આ બન્ને બાબતો અનહેલ્ધી છે એટલે ટીવી જોતાં-જોતાં કે મોબાઇલ પર વાત કરતાં-કરતાં ખાવું નહીં. પહેલાંના લોકો એને અન્નનું અપમાન ગણતા. આજે સમય બદલાયો છે, પરંતુ હજી પણ આ નિયમો એટલા જ લાગુ પડે છે. ફૅમિલી સાથે બેસીને જમશો તો ફૅમિલી બૉન્ડિંગ પણ સારું રહેશે અને જમવામાં પણ ધ્યાન રહેશે.

બટર અને મેયોને બદલે બાંધેલું દહીં અને અવાકાડો વાપરો

બ્રેડ કે સૅન્ડવિચ બનાવતી વખતે એમાં બટરના થર કરવા કરતાં બાંધેલું દહીં વાપરીએ એ વધુ હેલ્ધી છે. બાંધેલા દહીંમાં એનું ટેક્સચર ઘણું ક્રીમી બની જતું હોય છે એટલે બટરની જેમ ખાવાની મજા એટલી જ આવે છે, પરંતુ એ બહારના પ્રોસેસ્ડ બટર કરતા ઘણું હેલ્ધી છે. એ જ રીતે મેયોનીઝ ખાવા કરતાં અવાકાડોનું દળ લઈને એને થોડું ફેંટી લઈને ક્રીમ જેવું બનાવી લઈ વાપરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK