બાળકના પોષણ પર અસર કરે એવી ખોરાકને લગતી કેટલીક તકલીફોનાં મેળવોપ્રૅક્ટિકલ સૉલ્યુશન

૭ વર્ષ સુધીની ઉંમર સુધી બાળકોનો ખોરાક પેરન્ટ્સ માટે એક ટેન્શનનો વિષય હોય છે. બાળકને પોષણયુક્ત ખોરાક ખવડાવવાની ઇચ્છામાત્રથી તેને પોષણયુક્ત ખોરાક ખવડાવી શકાતો નથી, કારણ કે તેમની આદતો અને ખોરાકને લઈને ઊભી થયેલી ઘણી સમસ્યાઓ વચ્ચે આવે છે. આજે નૅશનલ ન્યુટ્રિશન વીકના છેલ્લા દિવસે આ શ્રેણીના છેલ્લા મણકામાં જાણીએ બાળકોના ખોરાકને લગતા પ્રૉબ્લેમ્સનાં સૉલ્યુશન્સ વિશે

kids



જિગીષા જૈન

મુંબઈમાં જુહુ ચોપાટી ફરવા ગયા ત્યારે એક ફુગ્ગા વેચવાવાળો બાળક બહાર પાળી પર બેઠો હતો. તેની બાજુમાં ૩-૪ વર્ષનો તેનો ભાઈ હતો, જે અત્યંત દુર્બળ દેખાતો હતો. મને લાગ્યું કે કંઈક તેમને ખાવા માટે આપું. તો મેં બૅગમાંથી એક ઍપલ કાઢીને આપ્યું. બાળકે એ જોયું અને તેણે કહ્યું, મને આ નથી ખાવું. ગોલાની લારી તરફ આંગળી ચીંધીને કહ્યું, આ ખાવું છે. આવો અનુભવ તમારી સાથે પણ થયો જ હશે. સધ્ધર પરિવારોમાં ઊછરતા હોય કે પછાત પરિવારોમાં, દરેક બાળકની સાથે આ તકલીફ ઊભી જ છે. જે ખાવું જોઈએ એ પોતે ખાતું નથી અને નહીં ખાવાનું ખાય છે. એ બાળકને ગોલો એટલે ખાવાનું મન થયું હશે કે તેની નજર સામે હજારો લોકો આ રંગબેરંગી ગોલાઓ ખાય છે. એ જ રીતે આપણાં બાળકો પણ જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, પૅકેટ ફૂડ તરફ એટલે લલચાય છે કારણ કે દરરોજ જાહેરાતો થકી, સ્ર્ટોસમાં, પોતાના મિત્રો પાસે તે આ વસ્તુઓ જુએ છે. એક્સપોઝરનું મહત્વ અહીં સમજવા જેવું છે. આજે જ્યારે ભારતનાં ૬૦-૭૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે ત્યારે આ કુપોષણને હટાવવા માટે જરૂરી એ છે કે આપણે આપણાં બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક ખાતાં કરીએ. પરંતુ એ સરળ નથી જ એ તમામ પેરન્ટ્સ જાણે છે. જન્મથી લઈને લગભગ ૫-૭ વર્ષ સુધીનું બાળક થાય ત્યાં સુધી લગભગ તમામ પેરન્ટ્સની સૌથી મોટી તકલીફ એ બાળકનો ખોરાક હોય છે. બાળકના ખોરાકની આદતોને લઈને ઘણી સમસ્યાઓ આજના પેરન્ટ્સ અનુભવતા હોય છે અને આ સમસ્યાઓને કારણે બાળકોને ઇચ્છવા છતાં તે પોષણયુક્ત આહાર આપી શકતા નથી. આજે ચર્ચા કરીએ આ સમસ્યાઓની અને જાણીએ એના કેટલાક પ્રૅક્ટિકલ ઉપાયો ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી.

જમવામાં વાર લાગવી

મોટા ભાગના પેરન્ટ્સ બાળકને નિશ્ચિત માત્રામાં ખોરાક નક્કી કરી દે છે : જેમ કે બે રોટલી, એક વાટકો શાક, એક વાટકી દાળ અને ૧ ચમચો ભાત તારે બપોરે જમવામાં લેવાં. બાળકને આટલું ખવડાવવામાં એક કલાક સુધી તેઓ બિચારા બેઠા રહે છે. મોટા ભાગનાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને ખવડાવવા માટે તેમની મમ્મીઓ દિવસના ૪-૫ કલાક આપતી હોય છે. હકીકત એ છે કે બાળકને ખાવામાંથી રસ ઊડી જાય છે એટલે તે જમવામાં વાર લગાડે છે. રસ કેમ ઊડી જાય છે? બાળકના આખા દિવસના ૪-૫ કલાક ફક્ત ખાવામાં પસાર થઈ રહ્યા છે. એમાં તે કંટાળી જાય છે. આ પરિસ્થિતિમાં બાળક માટે એક ટાઇમ-લિમિટ બાંધી દો. વીસ મિનિટમાં તે જેટલું ખાશે એટલો જ ખોરાક તેને આપો. ભલે શરૂઆતમાં અડધું જ ભોજન જાય. આજે થોડું ખાધું છે, કાલે થોડું વધુ જલદી ખાશે; કારણ કે તેને ખબર છે કે પછી નહીં મળે ખાવા. આમ તે સમયસર ખાતાં શીખી જશે અને ખોરાકથી કંટાળશે નહીં. કલાકો સુધી બાળકને ખવડાવવાથી તેને પોષણ મળતું નથી. બાળક રસ વગર ખાશે તો એ ખોરાક તેને ગણકારવાનો નથી.

બાળક જમતું જ નથી

જ્યારે બાળક જમે જ નહીં તો પેરન્ટ્સને ઘણી ચિંતા થઈ આવે છે. ઘણાં બાળકો છે જેને કંઈ પણ આપો, તે ખાતાં જ નથી. તેમને ભૂખ જ નથી હોતી જાણે. આ પરિસ્થિતિ ગંભીર તો કહી શકાય, પરંતુ એનું તમે જેટલું સ્ટ્રેસ લેશો એટલા પ્રૉબ્લેમ વધશે; ઘટશે નહીં. બાળક જમતું ન હોવાનું એક કારણ એ છે કે તમે તેને દર બે કલાકે ખવડાવો છો. તેનો ખોરાક પચે અને ભૂખ લાગે એ પહેલાં તો તેની પાસે બીજો કોઈ ખોરાક હોય ખાવા માટે. આ યોગ્ય નથી. બાળકને ભૂખ લાગવા દો. ઘણા એવી દલીલ કરશે કે મારું બાળક તો આખો દિવસ રમ્યા કરશે, તેને ભૂખ લાગશે જ નહીં અને તે ખાવાનું માગશે જ નહીં. એકાદ દિવસ એવો જાય તો જવા દો. સો ટકા કોઈ બાળક આખો દિવસ ભૂખ્યું ન રહી શકે. તે ચોક્કસ માગશે. તે માગે ત્યારે જ તેને ખોરાક આપો. તમને લાગે કે તેને તો રમવું હોય એટલે તેને સમજ નહીં પડે કે તેને ભૂખ લાગી છે, પરંતુ એવું નથી. તેને સમજ પાડવી પડશે. તમે તેને ચાન્સ આપશો તો તે સમજ ડેવલપ કરશે. મને ભૂખ લાગી છે અને મારું પેટ ભરાઈ ગયું આ બન્ને વસ્તુઓની સમજ બાળકોમાં ડેવલપ કરવી પડે છે.

બાળક ખાવામાં ચૂઝી છે

ઘણા લોકો કહે છે કે મારું બાળક શાકભાજી ખાતું જ નથી. તો કોઈ કહે છે, મારા બાળકને ખાટાં ફળો ભાવતાં જ નથી, તે ફક્ત મીઠાં ફળો જ ખાય છે. ઘણા કહે છે, મારા બાળકને ગરમ રોટલી જ ચાલે, તેને ઠંડી આપો તો તે નથી ખાતું. હકીકત એ છે કે કોઈ બાળક જન્મથી ચૂઝી હોતું નથી. આ ખવાય અને આ નહીં એવા કન્સેપ્ટ તમે એક માતા-પિતા તરીકે અપનાવ્યા છે એટલે બાળક એવું બની ગયું છે. કોઈ એક દિવસ દૂધી ન ખાધી તો એ કહેવું યોગ્ય નથી કે તેને દૂધી નથી ભાવતી. બને કે ન પણ ભાવતી હોય, પરંતુ તમે તેના મનમાં એ ઠસાવો નહીં કે તને દૂધી નથી ભાવતી. ઊલટું તેને કહો કે મને તો આજે દૂધીનું શાક ખૂબ ભાવ્યું. તેને ન ભાવતી વસ્તુઓમાં પણ તેને રસ પડે અને તેનો ટેસ્ટ ડેવલપ થાય એવી કોશિશ કરો. બાળકની પસંદને મહત્વ ન આપો. તેનો કોઈ ટેસ્ટ હજી ડેવલપ થયો જ નથી કે તમે કહો કે તેને આ ભાવે કે આ ન ભાવે. જેટલાં નખરાં તમે ચલાવશો એટલું તે નખરાં કરશે એ યાદ રાખો.

કંઈ ખાવા માટે લલચાઈ જાય છે

મોટા ભાગનાં બાળકો ચૉકલેટ, આઇસક્રીમ, મીઠાઈઓ માટે લલચાઈ જાય છે. વડીલો એનો ફાયદો પણ ઉઠાવે છે. બાળક પાસેથી કામ કઢાવવા માટે તેઓ કહે છે કે તું આમ કરશે અને મારી વાત માનશે તો તને હું બે ચૉકલેટ આપીશ. ઘણાં બાળકોને ભણવા માટે, સારું વર્તન કરવા માટે, પોતાનું કામ જાતે કરવા માટે તેમના ફેવરિટ ફૂડની લાલચ આપવામાં આવે છે. તકલીફ એ છે કે આ ફેવરિટ ફૂડ અનહેલ્ધી છે. ભલે તમે તેને આ ફૂડ અઠવાડિયામાં એક વાર જ ખાવાની પરવાનગી આપી છે અને બાળક એ માને પણ છે, પરંતુ આ રીતે તમે તેને એ ફૂડ માટે લાલચ જન્માવો છો. તેના મનમાં એ વાત નાખો છો કે તમે કોઈ સારું કામ કરો તો તમને ચૉકલેટ મળે. એટલે ચૉકલેટને તમે મહાન બનાવી દીધી. જે ફૂડ અનહેલ્ધી છે એને મહાન બનાવવાનું જોખમકારી છે. રિવૉર્ડ કે અવૉર્ડ તરીકે તમારે ખોરાકને ન વાપરવો. બીજી ઘણી વસ્તુઓ છે જે એની જગ્યાએ તમે વાપરી શકો.

બાળક હેલ્ધી વસ્તુઓ ખાતું નથી


ઘણા પેરન્ટ્સની ફરિયાદ છે કે તેમનું બાળક હેલ્ધી ખોરાક જેમ કે શાકભાજી, ફળો, કઠોળ વગેરે ખાતું નથી, પરંતુ બાળક સામે આંગળી ચીંધવા પહેલાં એ જોવું જરૂરી છે કે તમે આ હેલ્ધી ખોરાક ખાઓ છો. એ વસ્તુ શક્ય જ નથી કે ઘરમાં દરેક વ્યક્તિ હેલ્ધી ખોરાક ખાતી હોય અને એ ઘરનું બાળક હેલ્ધી ન ખાતું હોય. તમે એવી અપેક્ષા બાળક પાસેથી ન રાખો કે તેને તમે કહો કે હેલ્ધી ખાવાનું છે તો તે ખાઈ લેશે. કહેલું અનુસરવું અઘરું છે. જોયેલું અનુસરવું સહજ છે. બાળક જે જોશે એ શીખશે. માતા-પિતા કે ઘરના લોકોની જે ખાવાની આદતો છે એ વગર કહ્યે બાળક અનુસરતું હોય છે. એટલે જરૂરી છે કે પહેલાં પોતે હેલ્ધી ખાતાં શીખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK