કુપોષણ પાછળ જવાબદાર કારણોને સમજી લો

સામાન્ય રીતે લાગે કે જે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક ન મળતો હોય તો એવાં બાળકોને કુપોષણ હોય છે. જોકે એવાં બાળકો પણ છે જેમને પોષણયુક્ત ખોરાક મળે છે, પરંતુ છતાં તેઓ કુપોષણના શિકાર છે. આવા કુપોષણ પાછળ જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે. આ કારણોને શોધીને એનો ઇલાજ કરવાથી કુપોષણ દૂર થાય છે

childજિગીષા જૈન


પહેલી સપ્ટેમ્બરથી લઈને ૭ સપ્ટેમ્બર સુધી નૅશનલ ન્યુટ્રિશન વીક ચાલી રહ્યું છે ત્યારે આપણે ગઈ કાલે જાણ્યું કે કુપોષણ છે શું અને ભારતમાં એ કેટલું વ્યાપક રીતે ફેલાયેલું છે. આજે આપણે કુપોષણ વિશે વધુ સમજીશું. કુપોષણનો સાદો અર્થ થાય પોષણની કમી. પોષણ જે બાળકમાં ઓછું હોય એને કુપોષિત કહેવાય છે. આપણે ત્યાં ઉંમર અને હાઇટ મુજબ બાળકનું વજન ઓછું હોય તો તેને કુપોષિત બાળક કહે છે. લોકો માને છે કે બાળક કુપોષિત છે એનો અર્થ એ કે બાળકને વ્યવસ્થિત ખાવા મળતું નથી. એ હકીકત છે. આપણે ત્યાં લાખો ગરીબોના ઘરમાં કુપોષિત બાળકો રહે છે જેમને બે ટંક વ્યવસ્થિત ખાવા પણ નથી મળતું, પરંતુ શું આ બાળકો જ કુપોષિત છે? ના, કુપોષણ જે બાળકને હોય એનું કારણ ફક્ત એક જ નથી કે તેને ખાવા મળતું નથી. એવું પણ હોઈ શકે કે બાળકને ખોરાક મળે છે પણ પોષણ નહીં અથવા એવું પણ હોઈ શકે કે કોઈ રોગ કે તકલીફને કારણે બાળકના પેટમાં ખોરાક ટકતો જ ન હોય. આ પ્રકારના કુપોષણને સેકન્ડરી કુપોષણ કહે છે જે વિશે આજે સમજીશું.

જુદા-જુદા રોગો જવાબદાર

ઘણાં બાળકો લાંબા સમય માટે નહીં પરંતુ થોડા સમય માટે કુપોષણનો શિકાર બને છે જેને સેકન્ડરી કુપોષણ કહે છે. આ પ્રકારનું કુપોષણ માંદગીને કારણે આવતું હોય છે. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. સમીર સદાવર્તે કહે છે, ‘ભારતમાં ટીબી, ડાયેરિયા અને ટાઇફૉઇડ જેવા રોગોને કારણે બાળકોમાં કુપોષણ આવતું હોય છે. આ અત્યંત સામાન્ય રોગો છે. સામાન્ય રીતે એક બાળકને ડાયેરિયા થાય અને બે દિવસ પણ એની અસર રહે તો તેનું દોઢથી બે કિલો વજન ઊતરી જતું હોય છે અને તે સાજું થઈ જાય પછી પણ ૧૫ દિવસ થાય છે એટલું વજન પાછું વધારતાં. વળી સમજવા જેવી વાત એ છે કે આવા ઇન્ફેક્શનને કારણે કુપોષણ થાય છે અને આ કુપોષણ જેમને છે એ બાળકોને આ ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે રહે છે. આમ આ એક સાઇકલ છે જે સતત ચાલતી રહે છે. આ રીતે બાળકના સ્વાસ્થ્યને વધુ હાનિ થાય છે. અહીં સમજવા જેવી વાત એ છે કે જો તમારું બાળક કુપોષણનો શિકાર હોય તો એનો અર્થ એ નથી કે તેને ફક્ત ખોરાક સારો નથી મળતો. એની પાછળનાં કારણો જુદાં-જુદાં હોઈ શકે છે એટલે આ કારણોની તપાસ કરવી અને જો એ હોય તો એને દૂર કરવાં.’

હાઇજીનનો અભાવ


ભારતમાં બાળકોને ડાયેરિયા અને ડિસેન્ટ્રીને લીધે આવતું કુપોષણ ઘણું વધારે હોય છે. એક સમય હતો કે આ રોગને કારણે મૃત્યુ પામનારાં બાળકોની સંખ્યા પણ ખૂબ વધુ હતી, પરંતુ ધીમે-ધીમે યોગ્ય ઇલાજને કારણે એ ઓછી થઈ ગઈ છે. આ બાબતે ડૉ. સમીર સદાવર્તે કહે છે, ‘ડાયેરિયાથી આવતું કુપોષણ રોકવું હોય તો મહkવનું એ છે કે આપણે બાળકોને હાઇજીનનું જ્ઞાન આપીએ. જમતાં પહેલાં હાથ ધોવાનું રાખીએ એટલું જ નહીં, જે વ્યક્તિ જમવાનું બનાવે છે તે પણ હાથ સાબુ વડે ધોયા પછી જ જમવાનું બનાવે એ જરૂરી છે. આપણાં ટૉઇલેટ્સ સાફ રાખીએ. બહારનો ખોરાક ન ખવડાવીએ. આ પ્રકારની સાવચેતી રાખીશું તો આપણાં બાળકોને ડાયેરિયા જેવી તકલીફથી બચાવી શકીશું.’

કરમિયા

ભારતીય બાળકોમાં કરમિયાની તકલીફ ઘણી વધારે રહે છે. બાળકો જ નહીં, વયસ્ક લોકોમાં પણ આ તકલીફ જોવા મળે છે. આ કરમિયા પેટમાં રહીને બાળક જે પણ ખાય એનું પોષણ એ પોતે લઈ લેતા હોય છે. આમ જે બાળકોના પેટમાં કરમિયા છે તેમના શરીરમાં પોષણની કમી સર્જા‍ઈ શકે છે. એ વિશે સ્પક્ટતા કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘ઘણાં બાળકો એવાં છે જેમને કરમિયાની તકલીફ છે, પરંતુ એનાં ખાસ કોઈ ચિહ્નો દેખાતાં ન હોવાને કારણે અથવા આ બાબતે જાગૃતિ ન હોવાને કારણે મમ્મી-પપ્પા બાળકનો કરમિયાનો ઇલાજ કરાવતાં નથી અને એને કારણે જ કુપોષણની માત્રા વધે છે. આવા પેરન્ટ્સને લાગે છે કે બાળક જમે તો ઘણું છે, પરંતુ તેનું વજન વધતું નથી. આમ જો તમારું બાળક કુપોષણ ધરાવતું હોય તો સંભવ છે કે તેના કુપોષણ પાછળ કરમિયા જવાબદાર હોય. એ માટે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. સામાન્ય રીતે પણ દર છ મહિને કે એક વર્ષે બાળકને કરમિયામુક્ત કરવા માટે દવા લઈ લેવી. વળી ફક્ત બાળકે જ નહીં, બાળકના સંપૂર્ણ પરિવારે આ દવા લઈ લેવી.’

પાચન સંબંધિત પ્રશ્નો

જો બાળકને સતત અપચો, ગૅસ કે ઍસિડિટી જેવી સમસ્યા રહેતી હોય; સતત કબજિયાત રહેતી હોય તો તમે ગમે એટલો તેને પોષણયુક્ત આહાર આપો, પરંતુ એ પચવાનો નથી અને પચશે નહીં તો શરીર સુધી એ પહોંચશે નહીં. એટલે એ પણ જરૂરી છે કે બાળકોનું પાચન સ્ટ્રૉન્ગ હોય. આ બાબતે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘બાળકનું મેટાબૉલિઝમ સ્ટ્રૉન્ગ હોવું ખૂબ જ જરૂરી છે જેને સાદી રીતે આપણે ચયાપચયની ક્રિયા કે પાચન કહીએ છીએ. જોવા મળે છે કે જે બાળકો શાકભાજી અને ફળો વ્યવસ્થિત ખાતાં નથી તેમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે, કારણ કે તેમના ખોરાકમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે. ઘણાં બાળકોનો સામાન્ય પ્રૉબ્લેમ એવો હોય છે કે તેઓ પાણી ઓછું પીએ છે જેને લીધે પાચન વ્યવસ્થિત થતું નથી. તો ઘણાં બાળકો આખો દિવસ બેઠાડુ જીવન જીવે છે. સ્કૂલમાં આખો દિવસ ભણે અને ઘરે આવીને ટીવી, મોબાઇલ કે આઇ-પૅડમાં ચોંટી રહે છે જેને લીધે ઍક્ટિવિટી કંઈ કરતાં જ નથી અને તેમનું પાચન મંદ પડી જાય છે. બાળકનું પાચન સ્ટ્રૉન્ગ કરવા માટે અને તેને કુપોષણથી બચાવવા માટે તેને પોષણયુક્ત ખોરાક આપવો પૂરતો નથી. બાળકોને દરરોજ ઓછામાં ઓછા એક કલાક રમવા દેવાં જોઈએ. એવું રમવાનું જેમાં ખૂબ દોડાદોડી હોય અને શરીરને બળ પડે, નહીં કે ફક્ત મગજથી રમવાનું. જે બાળકો દરરોજ એક-દોઢ કલાક રમે છે અને પોષણયુક્ત ખોરાક ખાય છે તેઓ કુપોષણના શિકાર બનતાં નથી.’

મમ્મીમાં પોષણની કમી

ભારતમાં બાળકો જન્મતાંની સાથે જ કુપોષિત હોવાનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે. જન્મજાત બાળકોના કુપોષણનું કારણ મમ્મીમાં રહેલું કુપોષણ હોય છે. આમ જો આપણે ઇચ્છતા હોઈએ કે જન્મથી બાળકમાં કુપોષણ ન આવે તો પહેલાં મમ્મીના પોષણની ચિંતા કરવી જરૂરી બને છે. મમ્મીમાં પોષણ ભરપૂર હોય તો બાળકના કુપોષિત રહેવાની શક્યતા એકદમ ઘટી જાય છે, કારણ કે ૯ મહિના બાળક મમ્મીના ઉદરમાં જ રહે છે અને મમ્મીનું પોષણ જ વાપરે છે. આ બાબતે સ્પક્ટતા કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિન્હા કહે છે, ‘સ્ત્રીને જ્યારથી બાળક પ્લાન કરે ત્યારથી વિટામિન ગ્, ફૉલિક ઍસિડ અને આર્યન-કૅલ્શિયમનાં સપ્લિમેન્ટ્સ ચાલુ કરી દેવામાં આવે છે એની પાછળનું કારણ જ એ છે કે મમ્મીમાં આ જરૂરી પોષણની કમી બિલકુલ ન રહે. જોકે આ સપ્લિમેન્ટ્સ ફક્ત પૂરતાં છે એમ ન કહી શકાય. મમ્મીને બૅલૅન્સ્ડ ન્યુટ્રિશન પણ મળવું જોઈએ. સારામાં સારો ખોરાક અને સાચી લાઇફ-સ્ટાઇલ સાથે સ્ત્રી સંપૂર્ણ હેલ્ધી હોય ત્યારે તે બાળકને જન્મ આપવા માટે વિચારે એ જરૂરી છે. જો પ્રેગ્નન્સી રહી જાય તો પણ જ્યારથી ખબર પડે ત્યારથી પોતાના પોષણ માટે સ્ત્રીએ જાગૃત રહેવું જ જોઈએ જો તે ઇચ્છતી હોય કે તેનું બાળક કુપોષિત ન હોય.’

સ્તનપાન ન કરાવીએ ત્યારે

સ્તનપાન નવજાત બાળકનો હક છે અને આ હક બાળકને સંપૂર્ણ પોષણ આપે છે. જન્મ પછીના તરત જ અથવા તો બે જ કલાકની અંદર જ્યારે તમે બાળકને સ્તનપાન કરાવો છો ત્યારથી લઈને છ મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન પર જ રાખવું જોઈએ. આ વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડ-લાઇન્સ કહે છે. આ બાબતે વાત કરતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘ઘણી મમ્મીઓ કામકાજી હોવાને કારણે બાળકનો આ હક તેને નથી આપી શકતી અને એને કારણે બાળક કુપોષિત રહી જાય છે. હવે તો ભારતનું સંવિધાન દરેક માને છ મહિનાની પગાર સાથેની રજા આપે છે. આ બાબતનો લાભ ચોક્કસ લેવો જોઈએ. આ સિવાય ઘણી સ્ત્રીને દૂધ ન આવવાની તકલીફો હોય છે અને એવી ફરિયાદો સાથે બાળકને ખૂબ નાની ઉંમરથી ફૉમ્યુર્‍લા મિલ્ક આપી દેવામાં આવે છે અથવા તો ચાર મહિના પછી તરત જ બહારનો ખોરાક શરૂ કરી દેવામાં આવે છે જે યોગ્ય નથી. દૂધ ન આવતું હોય અથવા દૂધને લગતી સમસ્યા સૉલ્વ કરી શકાય છે. જો તમે ખરેખર ઇચ્છતા હો કે તમારું બાળક કુપોષણનું શિકાર ન બને તો તેને ફક્ત છ મહિના સુધી સ્તનપાન અને પછી વર્ષ-દોઢ વર્ષ સુધી બહારના ખોરાકની સાથે પણ સ્તનપાન કરાવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK