સ્ક્વૉટ્સ એટલે કે ઉભડક બેસવાની એક્સરસાઇઝ કરો એ પહેલાં આટલું જાણો

સ્ક્વૉટ્સ અત્યંત ઉપયોગી માનવામાં આવતી એક્સરસાઇઝ છે. એના અઢળક ફાયદાઓ છે. પરંતુ એને નિષ્ણાતની દેખરેખમાં કરવી જરૂરી છે. જો એમાં કંઈ પણ ખોટું કર્યું, ખાસ કરીને એનું ફૉર્મ કે પૉર ખોટું હોય તો ઘૂંટણની કે કમરની ઇન્જરીનો ડર રહે છે

squat

જિગીષા જૈન

સ્ક્વૉટ્સ શબ્દ જે લોકો એક્સરસાઇઝ કરે છે તેમના માટે નવો નથી અને જેમના માટે નવો છે એ આ વાંચીને મૂંઝાય નહીં, કારણ કે સ્ક્વૉટ્સ ભલે શબ્દ નવો છે; પરંતુ આ એક્સરસાઇઝ આપણા બધા માટે નવી નથી, કારણ કે સ્ક્વૉટ્સ એટલે બીજું કંઈ નહીં પરંતુ ઉભડક બેસવું. આપણાં ભારતીય ટૉઇલેટ્સમાં આપણે જે સ્ટાઇલથી બેસીએ છીએ એ સ્ટાઇલને જ સ્ક્વૉટ્સ કહેવાય છે. જોકે એમાં ઘણાં જુદાં-જુદાં વેરિએશન છે. ભારતીય ટૉઇલેટ્સમાં આપણે પૂરેપૂરું ઉભડક બેસીએ એને ફુલ સ્ક્વૉટ્સ કહે છે. જ્યારે કલ્પના કરો કે એક ખુરશી છે અને એના પર તમે બેઠા છો તો કઈ પોઝિશન આવશે? એને હાફ સ્ક્વૉટ્સ કહે છે. આ બન્ને મૂળભૂત એક્સરસાઇઝ છે. એના પરથી અગણિત વેરિએશન બનાવીને આજકાલ દરેક જગ્યાએ આ એક્સરસાઇઝ કરવાનું રેકમન્ડેશન હેલ્થ એક્સપર્ટ્સ આપે છે. સ્ક્વૉટ્સને આજની તારીખમાં ખૂબ જ ઉપયોગી એવી એક્સરસાઇઝ માનવામાં આવે છે. સ્નાયુઓને સશક્ત બનાવવા, ફૅટને બાળવા, મોબિલિટી અને બૅલૅન્સને સ્ટ્રૉન્ગ બનાવવા, પગ, બટ, હિપ્સ અને પેટના સ્નાયુઓને મજબૂત બનાવીને શેપમાં લાવવા, લોહીના પરિભ્રમણને વધારવા, પાચનશક્તિને મજબૂત કરવા, સ્થિતિસ્થાપકતાને વધારવા, પૉર સુધારવા, શરીરમાંથી કચરો વ્યવસ્થિત સાફ કરવા, હાડકાં અને સાંધાને મજબૂત કરવા, ચાલવા, દોડવા અને કૂદવાની ક્ષમતા વધારવા માટે નિષ્ણાતો આ એક્સરસાઇઝને કરવા માટેની હિમાયત કરતા હોય છે. લોઅર બૉડી એક્સરસાઇઝમાં આ એક્સરસાઇઝ ઘણી જ પ્રચલિત અને ઉપયોગી એક્સરસાઇઝ ગણાય, પરંતુ આ એક્સરસાઇઝ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો મોટું ડૅમેજ કરી શકે છે. આજે સમજીએ આ એક્સરસાઇઝને.

પહેલાંનો સમય

સ્ક્વૉટ્સને અત્યંત ઉપયોગી ગણાવતાં ફિઝિયોશ્યૉર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘આજે આપણે બધાને કહેવું પડે છે કે સ્ક્વૉટ્સ કરો એના ઘણા ફાયદા છે. પહેલાંના સમયમાં એવું કહેવું નહોતું પડતું, જેનાં ઘણાં કારણો છે. એક તો એ સમયમાં ભારતીય શૈલીનાં ટૉઇલેટ્સ હતાં. આજની જનરેશન સામે ભૂલથી પણ આ પ્રકારનાં ટૉઇલેટ્સ આવી જાય તો એ મૂંઝાઈ જાય છે કે કઈ રીતે એનો ઉપયોગ કરવો. ભારતીય ટૉઇલેટ્સમાં સ્ક્વૉટ્સની પોઝિશનમાં બેસીને એની મેળે એક્સરસાઇઝ થઈ જતી હતી. સ્ત્રીઓની જ વાત કરીએ તો ઓછામાં ઓછી ૧૦ વખત તે ટૉઇલેટ જતી હોય તો એટલી વાર તેને ઉભડક બેસવું પડતું. આ સિવાય કિચન બધાં નીચે સેટ હતાં. પ્લૅટફૉર્મ જેવું કંઈ નહોતું. આજે પણ ગામમાં જાઓ તો જોશો કે સ્ત્રીઓ કિચનમાં ઉભડક બેસીને કેટલું કામ કરતી હોય, કેટલી ઊઠબેસ કરતી હોય. એ સમયમાં એક્સરસાઇઝ કરવી પડતી નહોતી, કારણ કે જીવનશૈલી જ એવી હતી કે શરીર આપોઆપ કસાતું. પરંતુ આજની તારીખે આપણે આવું કંઈ જ કરતા નથી. એટલે સ્ક્વૉટ્સની એક્સરસાઇઝ કરવી પડે છે. ઉંમરલાયક અને નબળાં હાડકાં કે સાંધાવાળી વ્યક્તિઓ સિવાય મોટા ભાગે દરેક વ્યક્તિ આ એક્સરસાઇઝ કરી શકે છે. પરંતુ નાનાં બાળકોને જ્યારે તેમના સ્નાયુ અને સાંધાઓ ડેવલપ થઈ રહ્યા હોય ત્યારે આ એક્સરસાઇઝ ઘણો લાભ આપે છે. જો તેમને આ એક્સરસાઇઝ ન કરાવી હોય તો તેમને ભારતીય ટૉઇલેટ વાપરવાની આદત પાડો. તેમના માટે એ સરળ અને ઘણું ઉપયોગી સાબિત થશે.’

શું ધ્યાન રાખવું?


ઉભડક બેસતાં આપણને બધાને આવડે જ છે, પરંતુ સ્ક્વૉટ્સને જ્યારે તમે એક્સરસાઇઝના રૂપમાં કરતા હો તો સાવચેત રહેવું જરૂરી છે નહીંતર ઘૂંટણ પર બધું વજન આવે છે અને ફાયદો થવાને બદલે મોટું નુકસાન થઈ જાય છે. સ્ક્વૉટ્સ  એક અઘરી એક્સરસાઇઝ છે એમ સમજાવતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘ઉભડક બેસવાની આપણી આદત રહી નથી. જો ફુલ સ્ક્વૉટ્સ કહે તો હજી પણ સરળ છે, પરંતુ હાફ સ્ક્વૉટ્સ એટલેકે કાલ્પનિક ખુરશી પર બેઠા હો એ રીતે બેસવું તો ઘણું જ અઘરું છે. એમાં પણ એ પોઝિશનમાં જાતને સ્થિર કરવી, જેને આપણે હોલ્ડ કહીએ છીએ એ અઘરું છે. જે વ્યક્તિએ ક્યારેય એક્સરસાઇઝ નથી કરી તેના માટે આ એક્સરસાઇઝ અઘરી છે. ધીમે-ધીમે શરીરને મજબૂત બનાવતાં-બનાવતાં આ એક્સરસાઇઝ શરૂ કરી શકાય.’

ખતરો


આ એક્સરસાઇઝ કરવામાં ઇન્જરી થવાની શક્યતા ઘણી વધારે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે એને ખોટી રીતે કરો. એ વિશે વાત કરતાં ધ ની ક્લિનિક, મુલુંડના ઑર્થોપેડિક ની સર્જ્યન ડૉ. મિતેન શેઠ કહે છે, ‘સ્ક્વૉટ્સ એવી એક્સરસાઇઝ નથી જેને કોઈ પણ ગમે ત્યારે કરે. એનું ફક્ત એ કારણ છે કે જો તમારું ફૉર્મ ખોટું હશે તો તમે તમારું ઘૂંટણ ઇન્જર્ડ કરી બેસશો. સ્ક્વૉટ્સ હંમેશાં નિષ્ણાત પાસેથી શીખીને જ કરવા અથવા તો તેમની દેખરેખ હેઠળ જ કરવા. બીજું એ કે એની પહેલાં વૉર્મ-અપ કરવું અને સ્ટ્રેચિઝ પણ કરવા. એના ફાયદા ઘણા છે, પરંતુ કાળજી પણ એટલી જ જરૂરી છે. સ્ક્વૉટ્સ કરતી વખતે જે ખાસ ધ્યાન રાખવાનું છે એમાં એ જોવું જરૂરી છે કે તમારું ફૉર્મ ઠીક છે? તમે કેટલા રિપિટેશન કરો છો? તમે કેટલું હોલ્ડ કરો છો? મશીન ઉપર કરો છો કે એમનેમ કરો છો? આ બધું જ જ યોગ્ય હોય તો એ તમને ફાયદો કરે છે. આમાંથી કોઈ પણ વસ્તુ ઠીક ન હોય તો ઇન્જરી થવાની શક્યતા રહે છે. આમ જો તમે સ્ક્વૉટ્સ કરો અને તમારાં ઘૂંટણમાં ઢાંકણી ઉપર દુખાવો શરૂ થયો તો તરત જ આ એક્સરસાઇઝ બંધ કરો અને ડૉક્ટરને મળો.’

કોણે ન કરવી અથવા વધુ સાવચેતી રાખવી?


સ્ક્વૉટ્સ કોને નુકસાન પહોંચાડી શકે છે અને કયા લોકોએ આ બાબતે સાવધાન થવું જોઈએ એ જાણીએ ડૉ. મિતેન શેઠ પાસેથી.

ટીનેજર છોકરીઓ જેમના શરીરમાં હાલમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ચાલતું હોય તેમણે સ્ક્વૉટ્સ જેવી એક્સરસાઇઝ ન કરવી.

જે સ્ત્રીઓ ઓબીસ છે તેમણે પણ આ એક્સરસાઇઝ કરવામાં ખૂબ સાવચેતી રાખવી. એનું કારણ એવું છે કે આ સ્ત્રીઓના વજનને કારણે ઘૂંટણ પર પહેલેથી લોડ વધુ છે. એ લોડ વધારે હોવાને કારણે ઘૂંટણ થોડાં તો નબળાં પડ્યાં જ હોય છે. હવે જો આ સ્ત્રીઓએ સ્ક્વૉટ્સની એક્સરસાઇઝ ખોટી કરી તો ઘૂંટણની ઇન્જરી થવાનું રિસ્ક ઘણું વધી જાય છે.

જે વ્યક્તિનાં તળિયાં એકદમ ફ્લૅટ હોય તેમણે પણ આ એક્સરસાઇઝ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે તેમના પગની રચના જુદી છે. વ્યવસ્થિત શૂઝ પહેર્યા વગર કે ખોટી રીતે જો વ્યક્તિ સ્ક્વૉટ્સ કરે તો તેને ની-પેઇન થવાની પૂરી શક્યતા છે.

જેમનું જીવન બેઠાડુ છે, જે ઑફિસમાં લગભગ ૮-૧૨ કલાક બેસીને કામ કરે છે અથવા દિવસના જાગવાના ૧૮ કલાકમાંથી લગભગ ૧૨-૧૪ કલાક ફક્ત બેઠાં-બેઠાં કામ કરે છે તેમણે પણ આ એક્સરસાઇઝ ન કરવી, કારણ કે તમારા બેઠાડુ જીવનને કારણે તમારા સ્નાયુ નબળા છે. હવે આ નબળા સ્નાયુ સાથે તમે આ એક્સરસાઇઝ કરો તો તમને નુકસાન તો થવાનું જ છે.

જે વ્યક્તિનું પૉર સાચું નથી તેના પણ કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓ બિલકુલ સશક્ત નહીં હોય. ખોટા પૉરવાળા લોકોને સ્ક્વૉટ્સ કરાવવાથી પૉર સુધરી શકે છે અને એનાથી ઊંધું કે આ લોકો સ્ક્વૉટ્સ  કરે તો ઇન્જરી પણ થવાની શક્યતા ઘણી વધારે છે.

જેમને પહેલેથી જ લોઅર બૅક એટલે કે કમરનો દુખાવો હોય તેમણે સ્ક્વૉટ્સ ન કરવા, કારણ કે આ એક્સરસાઇઝ આ દુખાવાને વધારી શકે છે અને વધુ ડૅમેજ થઇ શકે છે.

જેમને હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય તેમને પણ આ એક્સરસાઇઝ ન કરવાનું સૂચન અમુક રિસર્ચ કરે છે, કારણ કે તેમનું માનવું છે કે આ એક્સરસાઇઝથી બ્લડ-પ્રેશર વધે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK