બન્ને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ એકસાથે કરાવાય કે નહીં?

૬૨ વર્ષનાં સરોજબેનને ઘૂંટણની તકલીફ છેલ્લાં આઠ-નવ વર્ષથી હતી.

knee

જિગીષા જૈન

કેસ-૧

૬૨ વર્ષનાં સરોજબેનને ઘૂંટણની તકલીફ છેલ્લાં આઠ-નવ વર્ષથી હતી. છેલ્લે તો એવી હાલત થઈ ગઈ હતી કે ઘરમાં જ હરફર કરી શકતાં. બહાર જવાનું થાય અને થોડું પણ ચાલવું પડે એ રાત્રે દુખાવો એટલો વધે કે સૂઈ પણ ન શકે. દીકરાઓ ઘણા સમયથી સમજાવવાની કોશિશ કરતા હતા કે ઘૂંટણનું ઑપરેશન કરી નાખીએ, પરંતુ ઑપરેશનથી સરોજબહેનને ડર લાગતો હતો. માંડ રાજી થયાં સર્જરી માટે અને ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરના જણાવ્યા મુજબ સરોજબહેનના બન્ને ઘૂંટણમાં એકસરખી તકલીફ હતી. વળી ભગવાનની દયાથી બીજી કોઈ બીમારી નહોતી અને ડૉક્ટરે તેમને સલાહ આપી કે તમે બન્ને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ એકસાથે જ કરાવો તો ઘણું સારું રહેશે. જોકે સરોજબહેને ના પાડી. બે સર્જરી એકસાથે એવું સાંભળતાં જ તેઓ વધુ ડરી ગયાં. તેમણે સાથે ઑપરેશન ન જ કરાવ્યું. મનમાં તેમને એમ પણ હતું કે એક ઘૂંટણ પણ ઠીક થઈ જાય તો ઘણું, આપણે ક્યાં પહાડ ચડવા જવું છે, સામાન્ય ચાલી શકાય એટલે બસ. તેમનું એક ઘૂંટણનું ઑપરેશન થઈ ગયું, પરંતુ જોઈએ એવી રિકવરી ન આવી. એનું કારણ એ છે કે એક ઘૂંટણ તો ઠીક થઈ ગયો, પરંતુ બીજાની હાલત તો એવી જ હતી. દુખાવો તો રહેતો જ હતો. પોતાની ભૂલ સમજાઈ અને પછી સરોજબહેને છ મહિનાની અંદર બીજા ઘૂંટણની સર્જરી પણ કરાવી લીધી. એ પછી ધીમે-ધીમે રિકવરી આવ્યા બાદ આજે તેઓ દુખાવા વગર વ્યવસ્થિત ચાલી શકે છે. સરોજબહેનને અફસોસ એ છે કે તેમણે ડર્યા વગર બન્ને સર્જરી સાથે કરાવી હોત તો આટલો સમય વેડફાયો ન હોત અને આજે છે એના કરતાં વધુ સારું રિઝલ્ટ મળ્યું હોત.

કેસ-૨


૬૫ વર્ષના દીપકભાઈને છેલ્લાં પાંચ વર્ષથી ઘૂંટણની તકલીફ હતી અને એ પણ બન્ને ઘૂંટણમાં એકસરખી તકલીફ હતી. દીપકભાઈએ જીવનમાં ઘણાં રિસ્ક ખેડ્યાં હતાં અને કોઈ પણ કામ એક ઘા અને બે કટકાની જેમ જ કરતા. તેમણે બાયલેટરલ ની-ટ્રાન્સપ્લાન્ટ વિશે સાંભળ્યું હતું. જ્યારે ડૉક્ટર પાસે સર્જરી માટે ગયા ત્યાં સુધીમાં તેમણે બન્ને ઘૂંટણના એકસાથે ઑપરેશન વિશેની ખાસ્સી તપાસ કરી લીધી જ હતી અને એવું મન બનાવીને ગયા હતા કે ડૉક્ટરને કહી દે કે તમે બન્ને ઘૂંટણનું ઑપરેશન સાથે જ કરી દો, કંઈ વાંધો નહીં. તેમણે તો પૈસાની વ્યવસ્થા પણ કરી દીધી હતી. તેઓ જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે ડૉક્ટરે તેમની હિસ્ટરી તપાસી. તેમણે કહ્યું કે બન્ને ઘૂંટણની સર્જરી સાથે નહીં કરી શકાય. દીપકભાઈને ઘણા લાંબા સમયથી ડાયાબિટીઝ હતો જે ખાસ સખત કન્ટ્રોલમાં ન રહેતો. એ કન્ટ્રોલમાં ન રહેવાને કારણે તેમના પર બન્ને સર્જરી સાથે કરવાનું રિસ્ક ઘણું વધારે ગણાય એમ હતું. ડૉક્ટર એવું રિસ્ક લેવા માગતા નહોતા એટલે તેમને બન્ને સર્જરી સાથે કરવાની ના પાડવામાં આવી.

બન્ને ઘૂંટણની તકલીફ

ઉપરના બન્ને કેસને સમજવા ખૂબ જરૂરી છે. મોટા ભાગે આપણને કોઈ તકલીફ થાય તો આપણે બીજા એવા લોકોને શોધીએ છીએ જેમને આ પ્રકારની જ તકલીફ થઈ હોય અને તેમણે શું ઇલાજ કર્યો અને તેમનો અનુભવ કેવો રહ્યો એ જાણવું આપણા માટે ઘણું જ મહત્વનું થઈ જતું હોય છે. ફલાણાને પણ ઘૂંટણની તકલીફ હતી. તેમણે તો બન્ને ઘૂંટણનું ઑપરેશન સાથે જ કરાવ્યું હતું, આપણે પણ કરાવી શકીએ કે ઢીંકણાને પણ મારા જેવી જ તકલીફ હતી, પરંતુ તેમણે તો એક જ ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું છે અને અત્યારે જો કેટલા સરસ ચાલવા માંડ્યા. ડૉક્ટર તો કહ્યા કરે કે બન્ને ઘૂંટણનું સાથે ઑપરેશન કરવાનું, પરંતુ એની જરૂર હોતી નથી. આ પ્રકારનું વર્તન કે વિચાર તદ્દન અયોગ્ય છે. દરેક દરદીની તકલીફ અલગ હોય છે અને એને કારણે જ દરેકનો ઇલાજ સરખો ન હોઈ શકે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી આજકાલ ઘણી જ સામાન્ય બનતી જાય છે. ઘણા જાણીતા સર્જ્યન દિવસનાં દસથી પંદર ઑપરેશન કરતા હોય છે. ભગવાને આપણને ઘૂંટણ બે આપ્યા છે અને એની સમસ્યા પણ એવી છે જે લગભગ બન્નેમાં સાથે જ ઉદ્ભવતી હોય છે. ઘૂંટણની આ સામાન્ય સમસ્યા વિશે સમજાવતાં ઉપાસની હૉસ્પિટલ, મુલુંડના જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘સામાન્ય રીતે સમજીએ તો ઘૂંટણ જ્યારે વધુ ઘસાઈ જાય ત્યારે ની-રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડે છે. લગભગ પચાસ ટકા કે એથી વધુ લોકોમાં ઘૂંટણની જે સમસ્યા જોવા મળે છે એ બન્ને ઘૂંટણની એકસરખી તકલીફ હોય છે. એટલે કે જે ઘસારો લાગ્યો છે એ બન્ને ઘૂંટણમાં એકસરખો જ છે. બાકીના બચ્યા એ લોકોમાં એવું હોય છે કે એક ઘૂંટણની તકલીફ બીજા કરતાં વધુ હોય છે. એનું કારણ તેમનું પૉસ્ચર હોઈ શકે છે. ઘણા લોકો એક પગ પર વધુ ભાર આપીને ચાલતા હોય એવું પણ બને છે જેને લીધે એક પગમાં વધુ અને બીજા પગમાં ઓછી તકલીફ એવું થઈ શકે છે.’

સર્જરીનો નિર્ણય કઈ રીતે લેવાય?

જો તકલીફ બન્ને ઘૂંટણમાં હોય તો એ બન્નેનો ઇલાજ જરૂરી છે એ હકીકત છે, પરંતુ એનો અર્થ એ નથી કે બન્ને ઘૂંટણની સર્જરી એકસાથે જ કરવી પડે. એ કઈ રીતે નક્કી થાય કે બન્ને ઘૂંટણની સર્જરી એકસાથે કરવી જોઈએ કે એક પછી એક? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘જો વ્યક્તિ ૭૦ વર્ષથી નાની ઉંમરની હોય, જો વ્યક્તિને બીજી કોઈ ખાસ બીમારી ન હોય તો તેના બન્ને ઘૂંટણનું એકસાથે ઑપરેશન કરવાનું રિસ્ક ડૉક્ટર લેતા હોય છે; પરંતુ જો દરદી મોટી ઉંમરનો હોય કે તેનું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન હોય, તેને હાર્ટ-પ્રૉબ્લેમ હોય તો બન્ને સર્જરી સાથે કરવાનું રિસ્ક ઘણું મોટું હોય છે જે લેવાનું હિતાવહ નથી. મોટા ભાગે પંચાવનથી ૬૦ વર્ષની વ્યક્તિઓનું ની-રિપ્લેસમેન્ટ વધુ થતું હોય છે અને આ ઉંમરે ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રૉબ્લેમ જેવા રોગો સામાન્ય રીતે હોય છે. આ પરિસ્થિતિમાં પણ જો ડાયાબિટીઝ સતત કન્ટ્રોલમાં જ રહેતો હોય અને હાર્ટ સ્ટેબલ હોય તો ઘણી વાર બન્ને ઑપરેશન સાથે કરી શકાય.’

ફાયદા અને રિસ્ક


બન્ને ઘૂંટણનું ઑપરેશન એકસાથે કરાવવાના ફાયદા પણ છે અને એની સાથ રિસ્ક પણ જોડાયેલું છે. આ બન્ને સમજીને નિર્ણય લેવો જરૂરી છે. આમ તો આ ઑપરેશન સાથે જોડાયેલાં રિસ્ક-ફૅક્ટર્સ જોઈને સર્જ્યન્સ એક પછી એક ઘૂંટણનું ઑપરેશન કરવાનું વધુ પસંદ કરે છે. છતાં બન્ને ઑપરેશન સાથે કરવાના ઘણા ઠોસ ફાયદાઓને પણ નકારી ન શકાય.

ફાયદા

સૌથી મહત્વનો ફાયદો આ સર્જરી કરાવવાથી એ આવે છે કે રિકવરી આ સર્જરીમાં બેસ્ટ આવે છે. સર્જરી પછી ફિઝિયોથેરપીની મદદથી જ્યારે વ્યક્તિ ધીમે-ધીમે ચાલવાનું શરૂ કરે છે તો તે ઘણું જ વ્યવસ્થિત રિઝલ્ટ મેળવી શકે છે. એક જ ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવીએ ત્યારે બીજાની તકલીફ ઊભી જ હોય છે માટે એકસાથે એ પરિણામ મેળવી શકાતું નથી

દરેક ઘૂંટણની રિકવરી પાછળ ચારથી છ અઠવાડિયાંનો સમય લાગે છે. એટલો જ સમય તમારે બન્ને ઘૂંટણ માટે અલગ-અલગ આપવો અને અલગ-અલગ ફિઝિયોથેરપી લેવી એના કરતાં એક જ સમયમાં બન્ને ઘૂંટણની તકલીફ દૂર થઈ શકે છે

ની-રિપ્લેસમેન્ટ બન્ને ઘૂંટણમાં કરાવીએ તો એ ઘણું કૉસ્ટ-અફેક્ટિંગ પણ ગણી શકાય, કારણ કે એમાં હૉસ્પિટલના જે બે વારના પૈસા છે એ ઓછા થઈ જતા હોય છે. ઑપરેશન થિયેટરથી માંડીને ભરતી થવાનો ખર્ચ બે વારને બદલે એક જ વાર કરવો પડે છે

જોવા મળે છે કે જે એક પછી બીજી સર્જરી કરાવે છે એ વ્યક્તિઓની શારીરિકની સાથે માનસિક યાતના વધે છે, કારણ કે એક સર્જરી પછી પણ તેમને પેઇનથી છુટકારો મળતો નથી. વળી બીજી સર્જરીનું ભારણ સતત તેમના પર રહે છે

રિસ્ક

કોઈ પણ સર્જરી પોતાનામાં એક રિસ્કી પ્રોસીજર છે અને જો બે સર્જરી એકસાથે કરવામાં આવે તો એ રિસ્ક બેવડાય છે. શરીર અને મન બન્ને એના માટે સજ્જ હોવાં અત્યંત જરૂરી છે. નાનીઅમથી ચૂંક મોંઘી પડી શકે છે. પલ્મનરી એમ્બોલિઝમ, ઘામાં ઇન્ફેક્શન જેવાં કોઈ પણ કૉમ્પ્લિકેશન્સ આમાં આવી શકે છે

આ સર્જરી પછી ૪૮ કલાક સુધી વ્યક્તિને હાર્ટ-પ્રૉબ્લેમ આવવાનું રિસ્ક ઘણું વધી જાય છે. એટલે જરૂરી છે કે આ વ્યક્તિને સતત ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવે અને ઇન્ટે્સિવ કૅર યુનિટની ફૅસિલિટીવાળી જગ્યાએ જ ની-રિપ્લેસમેન્ટ કરવામાં આવે જેથી કૉમ્પ્લિકેશન આવે તો તરત સારવાર મળી શકે

એક આંકડા મુજબ ૪૦ ટકા લોકો જેમનું ડબલ ની-રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હોય છે તેમને સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર પડે છે, કારણ કે આ સર્જરીમાં બ્લડ-લૉસ વધુ થવાની સંભાવના રહે છે

શરૂઆતમાં બન્ને ઘૂંટણ નબળા હોવાને કારણે અચાનક જ દરદીને લાગે છે કે હું તો કઈ રીતે ભો થઉં. ફિઝિયોથેરપીના શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ આ સર્જરી પછી આકરા હોય છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK