ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન બન્નેનું વ્યાપક પ્રમાણમાં સ્ક્રીનિંગ અનિવાર્ય છે

આ વધારાની પાછળનું મુખ્ય કારણ એ હતું કે લોકો આ બન્ને રોગ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને ટેસ્ટ કરાવીને ચોક્કસ નિદાન મેળવી રહ્યા છે. આ જાગૃતિ આજના સમયમાં અનિવાર્ય છે. ઉંમરના બાધ વગર આ બન્ને રોગોની ટેસ્ટ લોકો કરાવે અને સમયસર એનું નિદાન મેળવે એ આજના સમયની તાતી માગ છે

heart

જિગીષા જૈન

સરકારના નૅશનલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેઠળ ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મળેલા આંકડા અનુસાર એક વર્ષની અંદર ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના કેસ ડબલથી પણ વધુ થઈ ગયા છે. નૅશનલ હેલ્થ પ્રોફાઇલ ૨૦૧૮ હેઠળ જે મસમોટો સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ થયો છે. આ સ્ક્રીનિંગ પ્રોગ્રામ નૉન-કમ્યુનિકેબલ ડિસીઝનો છે એટલે કે સાદા શબ્દોમાં સમજીએ તો જે ચેપી રોગ નથી એનો સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે. સરકારના કહેવા મુજબ એમનાં રાજ્ય કક્ષાનાં ક્લિનિક્સમાં આ સ્ક્રીનિંગ થયું છે. આ સિવાય સરકારનું કહેવું છે કે ઘરે-ઘરે જઈને પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. એમાં આ આંકડાઓ ભેગા કરવામાં આવ્યા છે અને એ દર્શાવે છે કે ભારતમાં આ બન્ને રોગોનો વ્યાપ કેટલો વિશાળ છે અને આ બાબતે આપણે કંઈ ન કર્યું તો હેરાનગતિ આપણે જ ભોગવવી પડશે. ૨૦૧૬માં ડાયાબિટીઝના કેસ કુલ ૧૩.૨ લાખ જેટલા નોંધાયા હતા એની સામે ૨૦૧૭માં ડાયાબિટીઝના કેસ કુલ ૩૦ લાખ જેટલા નોંધાયા હતા. એનો અર્થ એ થયો કે ડાયાબિટીઝના કેસમાં ૧૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. એ જ રીતે ૨૦૧૬માં ૧૬.૯ લાખ લોકોને હાઇપરટેન્શન, જેને હાઈ બ્લડ-પ્રેશર કહે છે એનું નિદાન થયું હતું. જ્યારે ૨૦૧૭માં ૩૬.૫ લાખ લોકોને હાઇપરટેન્શન છે એવું નિદાન કરવામાં આવ્યું હતું. એનો અર્થ એ થયો કે આ એક વર્ષની અંદર એમાં ૧૧૬ ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડાઓ નિદાનના આંકડાઓ છે. એટલે કે એવા લોકો જેને ખબર નહોતી કે તેમને આ રોગ છે તેમનું નિદાન થયું હતું. આ આંકડાઓને સમજીએ તો એનો એક સીધો અર્થ એ કે દેશમાં આ બન્ને રોગનો વ્યાપ વધી રહ્યો છે. બીજો અર્થ એ કે કદાચ વ્યાપ તો પહેલાં પણ વધારે હતો, પરંતુ આ બન્ને રોગોનાં ખાસ લક્ષણ નથી. એટલે જો ટેસ્ટ ન કરાવીએ તો ખબર જ ન પડે કે વ્યક્તિને રોગ છે. એનો સીધો અર્થ એ થાય કે લોકો ડૉક્ટર પાસે જઈને ચેક કરાવતા નહોતા એટલે આ રોગનું નિદાન થતું નહોતું. આજે એ રોગ સામે આવી રહ્યો છે. એ જતાવે છે કે આ બન્ને રોગોમાં સ્ક્રીનિંગ એટલે કે ટેસ્ટ કરાવવાનું મહત્વ ઘણું છે. આજે એના વિશે સમજીએ.

લક્ષણોની રાહ ન જુઓ

હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ બન્ને સાઇલન્ટ કિલર છે. આ બાબતે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ફિઝિશ્યન ડૉ. બહેરામ પારડીવાળા કહે છે, ‘આપણે ત્યાં લોકોને કોઈ ચિહ્ન દેખાય તો જ ડૉક્ટર પાસે જવાની માનસિકતા દેખાય છે. પરંતુ આ બન્ને રોગોનાં કોઈ ચિહ્ન છે જ નહીં. જો કોઈ વ્યક્તિને હાઇપરટેન્શન કે ડાયાબિટીઝ હોય તો તેને કોઈ કાળે નહીં ખબર પડે કે એને આ રોગ છે જ્યાં સુધી એ ટેસ્ટ નહીં કરાવે અથવા તો એ કોઈ મોટી તકલીફનો શિકાર ન બને. આજકાલ ઘણા કેસ જોવા મળે છે જેમાં વ્યક્તિને હાર્ટ- અટૅક આવે અને તે હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે ખબર પડે કે તેને આ બન્નેમાંથી એક કે બન્ને રોગ છે. એટલે અમે સલાહ એ જ આપીએ છીએ કે લક્ષણોની રાહ ન જુઓ અને વધુ નહીં તો દર ૬ મહિને કે વર્ષે ૧ વાર બન્ને રોગને ચેક કરાવી લો. થોડા સમય પહેલાં જ એક સર્વે થયો હતો, જેમાં ખબર પડી કે દરરોજ જનરલ પ્રૅક્ટિશનર પાસે આવતા લોકોમાંથી ૨૦-૩૦ ટકા લોકોને હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ નીકળે છે. આ એ લોકો છે જેમને આ રોગ વિશે કોઈ માહિતી નથી હોતી અને ટેસ્ટ દ્વારા ખબર પડે છે. આ એક મોટો આંકડો છે, જે ચિંતાનો વિષય છે.’

કઈ ઉંમરે?


આ બન્ને રોગોની ટેસ્ટ કઈ ઉંમરે કરાવવી જોઈએ? આ બાબતે સ્પક્ટતા કરતાં ડાયાબિટીઝ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ઑનરરી સેક્રેટરી અને ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચૅરમૅન ડૉ. અનિલ ભોરાસકર કહે છે, ‘એક સમય હતો જ્યારે અમે કહેતા કે ૫૦ વર્ષની ઉપરના લોકોએ રેગ્યુલર ટેસ્ટ કરાવવી. પછી ધીમે-ધીમે ૩૫ વર્ષના લોકોને પણ કહેવા લાગ્યા કે ટેસ્ટ કરાવો. આજની તારીખે હું એટલું જ કહીશ કે હવે ઉંમરનો કોઈ બાધ રહ્યો જ નથી. ઊલટું આજકાલ તો બાળકો આ રોગનો ભોગ ન બને એની ચિંતા વધુ છે. એમની પણ રેગ્યુલર ટેસ્ટ કરવી પડે એવો સમય આવી ગયો છે. જો તમારા ઘરમાં રેગ્યુલર વાર્ષિક ચેક-અપ થતું હોય તો ઉંમરને ધ્યાનમાં ન રાખતાં દરેક વ્યક્તિનો ડાયાબિટીઝ તો ચેક કરવો જ. હાઇપરટેન્શન જેવો રોગ હજી બાળકમાં જોવા ન મળે, પણ ડાયાબિટીઝ ઘણો વ્યાપક છે અને વધુ ને વધુ દરદીઓ આ રોગ સાથે સામે આવી રહ્યા છે.’

વ્યાપક સ્ક્રીનિંગનું મહત્વ


સરકાર સ્ક્રીનિંગ પર ધ્યાન આપી રહી છે એ સારી વાત છે. આ સાથે આખી મેડિકલ ફ્રૅટરનિટીએ પણ આ બન્ને રોગો પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે જો આપણે આ બન્ને રોગોનું નિદાન જલદી અથવા તો સમયસર કરી શકીશું તો લોકોને આ રોગથી થતી હાનિથી પણ બચાવી શકીશું. એ બાબતની ગંભીરતાને છતી કરતાં ગાડગે ડાયાબિટીઝ કૅર સેન્ટર, ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ડાયાબિટીઝ એક એવો રોગ છે, જેને શરૂઆતમાં એટલે કે પ્રી-ડાયાબેટિક સ્ટેજમાં પકડી પાડીએ તો એને જડથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત બ્લડ-પ્રેશર પણ જો ઉપર રહેતું હોય તો એના પર કન્ટ્રોલ લાવી શકાય છે. આ બન્ને રોગ એકદમ જ આવી જતા નથી, ધીમે-ધીમે વ્યક્તિના શરીરમાં પેસે છે. જો શરૂઆતમાં જ એને પકડી પાડીએ તો એને રોકી શકાય છે, પાછા મોકલી શકાય છે અને જો રોગ આવી જ ગયો હોય તો એને કન્ટ્રોલમાં લાવીને શરીરને થતું નુકસાન અટકાવી શકાય છે. આથી સ્ક્રીનિંગનું મહત્વ છે. તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો તેમની પાસે વજનકાંટો હોય છે, બ્લડ-પ્રેશર માપવાનું મશીન હોય છે; પરંતુ આજે એ સમય આવી ગયો છે કે દરેક ડૉક્ટરે એક ગ્લુકોમીટર પણ વસાવી લેવું જોઈએ. દરેક દરદી જે તમારી પાસે આવે છે તેનું શુગર-લેવલ ચેક કરવું જ ભલે તે બીજી તકલીફ માટે તમારી પાસે આવ્યા હોય. એ જરૂરી છે. ગ્લુકોસ્ટ્રિપ પહેલાં મોંઘી હતી. હવે તો એ પણ સસ્તી થઈ ગઈ છે. એટલે આ બાબતે બાંધછોડ ન કરવી. ટેસ્ટ કરવી જરૂરી છે.’

ટેસ્ટ નથી કરાવતા ત્યારે


જ્યારે આપણે એમ સમજીને ટેસ્ટ નથી કરાવતા કે અમને તો કંઈ થતું જ નથી ત્યારે શું થાય છે એ સમજી લેવા જેવું છે.

એટલે કે જો તમારું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહેતું નથી અને વધ્યા કરે છે કે વધેલું જ રહે છે પણ તમને ખબર પડતી નથી કારણ કે એનું કોઈ ચિહ્ન નથી તો એ વધેલું બ્લડ-પ્રેશર સાઇલન્ટ રહીને પણ તમારા શરીરમાં ઘણું નુકસાન કરી બેસે છે. ખાસ કરીને એ નસો પર અસર કરે છે. જે જગ્યાએ નસો નબળી થઈ હોય એ જગ્યાએ હાઇપરટેન્શનને લીધે એ ડૅમેજ થાય છે અને એને કારણે બ્લૉકેજ થવાની શક્યતા રહે છે. આ બ્લૉકેજને કારણે હાર્ટ-અટૅક કે મગજમાં સ્ટ્રોક આવી શકે છે.

જો તમને ડાયાબિટીઝ હોય એટલે કે શુગર કન્ટ્રોલમાં ન રહેતી હોય, પરંતુ તમને ખબર જ નથી એ વિશે અને તમે તમારી નૉર્મલ જિંદગી જીવો છો તો આ પરિસ્થિતિમાં ડાયાબિટીઝ તમારા શરીરમાં ઘણી ઊથલપાથલ મચાવી શકે છે. ડાયાબિટીઝ દરેક અંગને અસર કરતો રોગ છે. હાર્ટ, કિડની, આંખ, દાંત કોઈ પણ અંગને એ ખરાબ કરી શકે છે. આ સિવાય નસોની હેલ્થને ખરાબ કરે છે. શરીરને અંદરથી એકદમ નબળું બનાવે છે. હાર્ટ-અટૅક, કિડની-ફેલ્યર, લકવો કોઈ પણ જીવલેણ પરિસ્થિતિ માટે એ જવાબદાર બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK