મહિલાઓને મેનોપૉઝ જ્યારે આવે એ પહેલાંના સમયમાં આવી શકે છે બૉડીપેઇનની સમસ્યા

આ દુખાવો હાડકાં, સાંધા કે સ્નાયુ કોઈ પણ જગ્યાએ આવી શકે છે. આ દુખાવો જીવનભર રહેતો નથી, એ જતો રહે છે. ફક્ત હૉર્મોનલ બદલાવ જ નહીં, મેનોપૉઝને કારણે દેખાતાં બીજાં લક્ષણોને કારણે પણ  આ દુખાવામાં વધારો થઈ શકે છે

upset

જિગીષા જૈન

૪૭ વર્ષનાં સંધ્યાબહેનને છેલ્લા એકાદ મહિનાથી શરીરમાં સખત કળતર રહેતું હતું. એવું લાગતું હતું કે શરીર તૂટ્યા કરે છે. ખાસ કરીને સવારે ઊઠે ત્યારે તેમની હાલત વધુ ખરાબ રહેતી. શરૂઆતમાં લાગ્યું કે કામ વધુ છે એટલે એવું થાય છે, પરંતુ આરામ પછી પણ તેમને સારું ન થયું. એટલું ઓછું હોય એમ ઘૂંટણમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો. આ સિવાય તે દિવસે ને દિવસે ખૂબ થાકતાં હતાં. ઘૂંટણનો દુખાવો ચાલુ થયો ત્યારે જ તેમને લાગ્યું કે હે ભગવાન, મને તો ઉંમરલાયક ચિહ્નો શરૂ થઈ ગયાં. આખો દિવસ તે ઘૂંટણની ચિંતામાં રહેવા લાગ્યાં. તેલ ઘસ્યા કરે. પોતાની મેળે જ તેમણે પગથિયાં ઊતર-ચડ કરવાનું ઓછું કરી નાખ્યું. ખાસ કરીને તેમને સવારે ઊઠે ત્યારે આ તકલીફ ખૂબ વધારે થતી. તેમને લાગ્યું કે તેમનું વજન વધારે છે એને કારણે આ તકલીફ વહેલી સામે આવી ગઈ છે. તે એટલાં ડરી ગયાં કે ની-રિપ્લેસમેન્ટ સર્જરી સીધી તેમને દેખાવા લાગી, જે તેમને નહોતી કરાવવી. વજન હવે ઓછું કરવું જ પડશે, પણ કઈ રીતે કરે એ તેમને સમજાતું નહોતું. છેલ્લાં ૧૦ વર્ષમાં જાતે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ વજન ઓછું થતું જ નહોતું. ઊલટું ધ્યાન રાખવા છતાં છેલ્લાં બે વર્ષમાં તો તેમનું વજન બિલકુલ ઓછું થયું જ નહીં. ડૉક્ટર પાસે ગયાં તો ડૉક્ટરે બધી તપાસ કરીને કહ્યું કે આ ઉંમરલાયક બદલાવ નથી, પરંતુ તમારો મેનોપૉઝ પહેલાંનો સમય ચાલી રહ્યો છે એટલે આ હાલત થઈ છે.

ચિહ્નો

સંધ્યાબહેનની જેમ ઘણી મહિલાઓ છે જે ૪૦-૪૨ વર્ષથી લઈને ૫૦-૫૫ વર્ષ સુધી એક નહીં તો બીજાં લક્ષણોને કારણે તકલીફમાં રહેતી હોય છે અને આ તકલીફ છે મેનોપૉઝ પહેલાંની તકલીફ. દરેક મહિલા પર એની અસર જુદી-જુદી હોય છે. સૌથી બેઝિક લક્ષણો છે એના વિશે લોકો ઘણા જાગૃત છે કે મેનોપૉઝ પહેલાં લાલ ચાઠાંઓ થઈ જાય છે અને મૂડ સ્વિંગ્સ પણ થાય છે. આ પ્રકારનાં લક્ષણો આવે તો આજકાલ સ્ત્રીઓ ગભરાતી નથી, કારણ કે તે આ પ્રત્યે જાગૃત છે કે આવાં લક્ષણો આવી શકે છે. પરંતુ મેનોપૉઝની એ ખાસિયત છે કે દરેક સ્ત્રીએ એની અસર જુદી વર્તાતી હોય છે. દરેક સ્ત્રીને આ બાબતે જુદાં-જુદાં લક્ષણો દેખાતાં હોય છે અને એની અસર પણ ઓછા-વત્તા અંશે જોવા મળતી હોય છે. મેનોપૉઝ પહેલાં જેને પેરિમેનોપૉઝલ સમય કહે છે એ સમયે કયા પ્રકારનાં લક્ષણો જોવા મળે છે એ બાબત વાત કરતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘મેનોપૉઝ પહેલાંનાં લક્ષણોમાં અમુક સામાન્ય છે. જેમ કે લાલ ચાઠાં, થાક, માસિક આવ્યા પહેલાં થતો વધુપડતો દુખાવો, વધુપડતું બ્લીડિંગ, અનિયમિત માસિક, સ્તન ઢીલાં પડવાં, સેક્સ પ્રત્યે અરુચિ, વજાઇનામાં ડ્રાયનેસ, ઉધરસ કે છીંક આવે ત્યારે યુરિન પાસ થઈ જવું, યુરિન માટે તાત્કાલિક ભાગવું પડે એવી હાલત હોવી, મૂડ-સ્વિંગ્સ અને ઊંઘમાં તકલીફ પડવી. આ બધાં જ લક્ષણો અત્યંત સામાન્ય છે. આ સિવાય એક લક્ષણ છે જેના વિશે મોટા ભાગની સ્ત્રીઓ જાણતી નથી. એ છે શરીરમાં દુખાવો કે કળતર. આ દુખાવો સ્નાયુનો પણ હોઈ શકે છે અને સાંધાનો પણ હોઈ શકે છે. આ દુખાવો થાકની સાથે જોવા મળે છે. આ બાબતે સ્ત્રીઓ જાગૃત નથી હોતી. તેઓ સમજી નથી શકતી કે આ દુખાવો તેમના મેનોપૉઝને કારણે છે.’

ચકાસણી

સાયન્સ હજી સુધી સાબિત નથી કરી શક્યું કે હૉર્મોનલ ફેરફાર આવે તો એની અસર હાડકાં અને સ્નાયુ પર કેમ થાય છે. એ સંબંધ સ્પક્ટ નથી થઈ શક્યો, પરંતુ ડૉક્ટર્સ આ વાત સાથે સહમત થાય છે કે દરદીઓમાં આ કારણોસર શારીરિક પેઇન જોવા મળે છે. એ વિશે વાત કરતાં ની ક્લિનિક, મુલુંડના ઑથોર્પેડિક સજ્ર્યન અને ખાસ ઘૂંટણના નિષ્ણાત ડૉ. મિતેન શેઠ કહે છે, ‘મોટી ઉંમરે એટલે કે ૫૫-૬૦ વર્ષ પછી સ્ત્રીઓને ઉંમર સંબંધિત આર્થ્રાઈટિસ જેવી તકલીફ આવે. ૪૫ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીમાં ઉંમરને કારણે થતું એટલે કે ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ કે ઑસ્ટિયોપોરોસિસ ન આવે. બીજી વાત એ કે જો આ ઉંમરે કોઈ સાંધામાં તકલીફ આવી કે શરીરમાં કળતર આવ્યું જે સરળતાથી બેચાર દિવસ કે ૧૦-૧૫ દિવસમાં જાય નહીં તો સ્ત્રીએ આ બાબતે ગંભીર બનવાની જરૂર રહે છે. આ તકલીફ વિશે ચકાસણી કરીએ ત્યારે ખબર પડે છે કે કોઈ કેસમાં આ રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસ હોઈ શકે છે, કારણ કે આ રોગ કોઈ પણ ઉંમરે સંભવી શકે છે. જો એ ન હોય તો હૉર્મોનલ કારણો પણ હોઈ શકે છે. એ હકીકત છે કે હૉર્મોનલ બદલાવ, અહીં હું શબ્દ બદલાવ વાપરું છું, ઇમ્બૅલૅન્સ નહીં, સામાન્ય બદલાવ પણ આવે તો એની અસર હાડકાં, સ્નાયુ અને સાંધા પર થઈ શકે છે. બધામાં નથી થતી, પરંતુ ઘણી સ્ત્રીઓમાં એ થાય છે.’

ફક્ત એક કારણ નહીં

જ્યારે સ્ત્રીઓમાં હૉર્મોનલ બદલાવ આવે છે ત્યારે ઘણાબધા ફેરફારો આવે છે અને આ બધા જ ફેરફારો એકબીજા સાથે કનેક્શન ધરાવે છે, જેને લીધે બૉડીપેઇન થાય છે. એ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘હૉર્મોન્સમાં આવેલો બદલાવ હાડકાં, સાંધા અને સ્નાયુઓને અસર પહોંચાડે જ છે; પરંતુ મેનોપૉઝનાં ચિહ્નો આ તકલીફને વધારે છે. મેનોપૉઝ આવ્યા પહેલાંનાં જે ચિહ્નો છે એમાં એક મહત્વનું છે વજન વધવું. આ સમયગાળામાં સ્ત્રીઓ ધ્યાન ન રાખે તો હૉર્મોન્સની ઊથલપાથલને કારણે તેમનું વજન વધી જતું હોય છે. આ વજનનો ભાર ઘૂંટણ અને લોઅર બૉડી પર આવે છે. આ વજન વધવાને કારણે અને મૂડ-સ્વિંગ્સ રહેવાને કારણે, ઇરિટેશનને કારણે તેમનો ખોરાક પણ જરૂરી નથી કે હેલ્ધી હોય. આ સિવાય એક્સરસાઇઝ આ ઉંમરે ભાગ્યે જ સ્ત્રીઓ કરતી હોય છે. જે સામાન્ય કામ પણ તે કરતી હોય એ પણ ઘૂંટણની સમસ્યા ચાલુ થવાને કારણે ઓછું થઈ જાય. આમ પ્રવૃત્તિ ઘટે એમ વજન વધે. વજન વધે અને તકલીફો વધે એટલે ડિપ્રેશન આવવા લાગે. આ પરિસ્થિતિમાં સ્ત્રી પડી રહે. પડી રહે એટલે શરીરમાં કળતર એમનેમ પણ વધવાનું છે. આમ આ બધું જ એકબીજા સાથે સુસંગત છે.’

ડૉક્ટર પાસે ક્યારે જશો?

૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું? આ પ્રશ્નનો જવાબ જાણીએ ડૉ. મિતેન શેઠ પાસેથી.

૧. જો તમને આ જૉઇન્ટ પેઇન ૩-૪ દિવસથી વધુ હોય, સતત આ પેઇન રહેતું જ હોય અને ઓછું ન જ થતું હોય, એક સાંધાથી લઈને બીજા સાંધા સુધી એ વિસ્તરી ગયું હોય, એની સાથે તાવ આવે કે વજન ઓછું થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ.

૨. ડૉક્ટર પાસે આ પેઇન લઈને જાઓ ત્યારે તે લક્ષણો પૂછશે અને ક્લિનિકલી ચકાસશે. જો જરૂર લાગશે તો અમુક ટેસ્ટ કરાવશે.

૩. ઘણી વખત આ ઉંમરમાં વિટામિન્સ, મિનરલ્સ કે પાણીની કમીને કારણે પણ આવું થતું હોય છે. ઘણા દરદીઓને તો જ્યારે અમે કહીએ છીએ કે દિવસનું ૩-૪ લીટર પાણી પીવાનું શરૂ કરી દો તો એની મેળે એ ઠીક થઈ જાય છે. આ સિવાય ઘણી વાર વિટામિન Dની ઊણપ પણ હોઈ શકે છે. કૅલ્શિયમની કમી થઈ જવાને લીધે પણ આવું થતું હોય છે.

૪. ઘણી વાર બધાં જ કારણો ભેગાં હોય છે. તો એ લાઇફ-સ્ટાઇલ સુધારવાથી ઠીક થઈ શકે છે.

૫. અમુક વાર પેઇન વધુ હોય તો ચિહ્નો સમજીને ઍન્ટિઇન્ફ્લૅમેટરી દવાઓ પણ દરદીને આપવી પડે છે, જેનાથી ઘણી રાહત મળતી હોય છે.

૬. પરંતુ એક વસ્તુ સમજવી જરૂરી છે કે જો હૉર્મોન્સને કારણે કે મેનોપૉઝનાં બીજાં ચિહ્નોને કારણે આ તકલીફ સરજાય હોય તો એ જીવનભર રહેતી નથી. એ થાડા સમયમાં મટી જાય છે. બાકીના રોગો જેમ કે આર્થ્રાઈટિસ કે ઑસ્ટિયોપોરોસિસને ઠીક કરી શકાતા નથી. 

શું કરવું?

જોવા મળે છે કે જે સ્ત્રીઓ પોતાની લાઇફ-સ્ટાઇલને સાચવી લે છે તેને મેનોપૉઝ આવતા પહેલાંની તકલીફો ઘણી ઓછી થઈ જાય છે. જો તમારી લાઇફ-સ્ટાઇલ ઠીક ન હોય તો તમારે શું ફેરફાર કરવા જોઈએ એ આજે જાણીએ ડૉ. બંદિતા સિંહા પાસેથી.

૧. ઉંમર અને તકલીફ ગમે તે હોય, શરીરને એક્સરસાઇઝ જરૂરી છે. વધુ નહીં તો અઠવાડિયામાં પાંચ દિવસ ૪૦ મિનિટની એક્સરસાઇઝ કરવી જ.

૨. સ્મોકિંગ ન જ કરવું અને આલ્કોહૉલ પણ ન જ લેવો.

૩. ઊંઘ પ્રત્યે બેદરકાર ન બનો. કોશિશ કરો કે રાત્રે ૧૦થી સવારે ૬ સુધીની સળંગ ઊંઘ મેળવી શકો. આ ખૂબ જ મહત્વની વાત છે. જે સ્ત્રીઓ આટલું કરે છે તેમની લાઇફ-સ્ટાઇલ પોતાની રીતે જ ઠીક થઈ જાય છે.

૪. ૪૦ની ઉંમરે પહોંચતાં પહેલાં જ જો તમે તમારું વજન પ્રમાણમાં લાવી દો તો બેસ્ટ ગણાશે, કારણ કે જો તમે જાડાં છો અને પેરિમેનોપૉઝલ સમયમાં હૉર્મોન્સને કારણે વજનમાં ઉમેરો થતો રહ્યો તો ચિહ્નો વધુ પ્રબળ બનશે.

૫. ડાયટને એકદમ બૅલૅન્સ્ડ રાખો. જરૂર પડે તો ડૉક્ટરને પૂછીને સપ્લિમેન્ટ ચાલુ કરી દો.

એક લક્ષણ છે જેના વિશે મોટા ભાગની સ્ત્રીઓ જાણતી નથી એ છે શરીરમાં દુખાવો કે કળતર. આ દુખાવો સ્નાયુનો પણ હોઈ શકે છે અને સાંધાનો પણ હોઈ શકે છે. આ દુખાવો થાકની સાથે જોવા મળે છે. આ બાબતે સ્ત્રીઓ જાગૃત નથી હોતી. તેઓ સમજી નથી શકતી કે આ દુખાવો તેમના મેનોપૉઝને કારણે છે

- ડૉ. બંદિતા સિંહા, ગાયનેકોલૉજિસ્ટ

મેનોપૉઝ આવ્યા પહેલાંનાં જે ચિહ્નો છે એમાં એક મહત્વનું છે વજન વધવું. આ સમયગાળામાં સ્ત્રીઓ ધ્યાન ન રાખે તો હૉર્મોન્સની ઊથલપાથલને કારણે તેમનું વજન વધી જતું હોય છે. આ વજનનો ભાર ઘૂંટણ અને લોઅર બૉડી પર આવે છે. આ વજન વધવાને કારણે અનેમૂડ-સ્વિંગ્સ રહેવાને કારણે, ઇરિટેશનને કારણે તેમનો ખોરાક પણ જરૂરી નથી કે હેલ્ધી હોય

- ડૉ. મિતેન શેઠ, ઑથોર્પેડિક સર્જ્યન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK