ટીબીના સુષુપ્ત જંતુઓ પણ સ્ત્રીની ફર્ટિલિટી પર અસર કરે છે

આ સિવાય આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે ટીબીનો ઇલાજ કરાવવાથી આ સ્ત્રીઓમાંથી લગભગ ૩૦ ટકા સ્ત્રીઓ IVFની મદદ વગર નૉર્મલ રીતે મા બની શકી. જાણીએ આ રિસર્ચ અને જનનાંગોના  ટીબી વિશે જેને કારણે સ્ત્રીની ફર્ટિલિટી પર અસર પડે છે

TB1

જિગીષા જૈન

શું તમે બાળક માટે છેલ્લાં પાંચ-સાત વર્ષથી પ્રયત્ન કરો છો, પરંતુ તમને ફળ નથી મળી રહ્યું?

શું એવું બન્યું છે કે તમે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVF કે બીજી કોઈ ટ્રીટમેન્ટ પર છો, પરંતુ એમાં સફળતા નથી મળી રહી?

IVF માટે બે વખત પ્રયત્ન કરી ચૂક્યા છો, પરંતુ રિઝલ્ટ હાથ નથી આવ્યું?

તો તમને અને તમારા પાર્ટનર બન્નેને જનનાંગોનો ટીબી છે કે નહીં એની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. જરૂરી નથી કે ટીબીના જંતુઓ ઍક્ટિવ હોય તો જ એટલે કે તમને ટીબી ખરેખર થયો હોય તો જ એ તમારી ઇફર્ટિલિટીના કારક હોય. જોકે એવું પણ શક્ય છે કે તમારા ગર્ભાશયમાં ટીબીના જંતુ સુષુપ્ત અવસ્થામાં પણ હોય તોય તમારા માટે એ ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. હાલમાં જ એક ભારતીય રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું છે. આજે જાણીએ આ નવા રિસર્ચ બાબતે અને ટીબી અને ઇન્ફર્ટિલિટી વચ્ચેના સબંધ વિશે.

ટીબી અને ઇન્ફર્ટિલિટી

ભારતને ટીબીનું કૅપિટલ માનવામાં આવે છે. ટીબીના જંતુઓ શરીરનાં જુદાં-જુદાં અંગો પર અસર કરે છે અને એ ભાગમાં ટીબી થાય છે. જો એ ફેફસાં પર અસર કરે તો એને ફેફસાંનો, કરોડરજ્જુ પર અસર કરે તો કરોડરજ્જુનો અને જનનાંગો પર અસર કરે તો જનનાંગોનો ટીબી કહેવાય છે. જનનાંગોનો ટીબી સ્ત્રી અને પુરુષ બન્નેને જ અસર કરે છે. વળી એ ચેપી પણ છે. આજ સુધી મેડિકલ સાયન્સ જે જાણતું હતું અને જે સાબિત થઈ ચૂક્યું છે એ સત્ય એ છે કે જો સ્ત્રીઓને જનનાંગોનો ટીબી થાય તો એની પહેલી અસર તેની બન્ને ફેલોપિયન ટ્યુબ્સ પર થાય છે. ગર્ભ ધારણ કરવામાં આ ટ્યુબ ઘણી મહત્વની કામગીરી ભજવે છે. જો એ ડૅમેજ થઈ જાય તો પ્રેગ્નન્સીની શક્યતા આપોઆપ ઘટી જાય છે. આ સિવાય તેના ગર્ભાશયના મુખ પર અને ગર્ભાશયની લાઇનિંગ પર પણ અસર થતી હોય છે જેને કારણે તે બાળકને નવ મહિના પોતાના ગર્ભાશયમાં રાખી ન પણ શકે. આ પરિસ્થિતિ પણ ઇન્ફર્ટિલિટીમાં ઉમેરો કરે છે. આ સત્યોથી મેડિકલ સાયન્સ અવગત હતું. જોકે આ એ ટીબીની વાત છે જે ટીબીમાં જંતુ ઍક્ટિવ હોય છે. જે સ્ત્રીનાં જનનાંગોમાં ટીબીના જંતુઓ ઍક્ટિવ હોય અને એને કારણે તેને જનનાંગોનો ટીબી થયો હોય એ સ્ત્રીને ઇન્ફર્ટિલિની તકલીફ  હોઈ શકે છે.

ઓવરી પર અસર

જોકે હાલમાં જે રિસર્ચ થયું છે એ મુજબ જો ગર્ભાશયમાં સુષુપ્ત અવસ્થામાં પણ ટીબીના જંતુઓ હોય તો એ ફર્ટિલિટી પર અસર કરે છે. સ્ત્રીના શરીરમાં નિશ્ચિત માત્રામાં અંડકોષ રહેલા હોય છે. આ અંડકોષની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને પર સ્ત્રીની ફર્ટિલિટીનો આધાર રહેલો હોય છે. હ્યુમન રીપ્રોડક્શન નામની જર્નલમાં છપાયેલા આ રિસર્ચમાં પહેલી વાર એ સાબિત કરવામાં આવ્યું કે ગર્ભાશયમાં રહેલા ટીબીના સુષુપ્ત જંતુઓ ઓવરી પર પણ અસર કરે છે જેને લીધે ઓવરીમાં રહેલા સ્ત્રીના અંડકોષની ક્વૉન્ટિટી એટલે કે એનું પ્રમાણ ઘટી જાય છે. જો સ્ત્રીની ઓવરીમાં અંડકોષ કે એગની સંખ્યા ઘટી જાય તો મેનોપૉઝ જલદી આવી જાય છે અને એ રીતે તેની મા બનવાની શક્યતા બચતી નથી. શ્રેયસ હૉસ્પિટલ, કોલ્હાપુરના ડિપાર્ટમેન્ટ ઑફ રીપ્રોડક્ટિવ મેડિસિનના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પદ્મરેખા જીર્ગેને તેમની પ્રૅક્ટિસ દરમ્યાન જોયું હતું કે તેમની પાસે આવતી ઇન્ફર્ટાઇલ સ્ત્રીઓની ઓવરીમાં અંડકોષ કે એગની સંખ્યા ઓછી છે. તેમને એવી કઈ-કઈ પરિસ્થિતિઓ છે જેને કારણે ઓવરીમાં એગની સંખ્યા ઘટી શકે છે એ બાબતે રિસર્ચ કરવાની ઇચ્છા હતી. એમાં પણ ખાસ એવી પરિસ્થિતિઓ જેનો ઇલાજ હોય. આ સ્ત્રીઓની તપાસ કરતાં જોયું ત્યારે ખબર પડી કે એ સ્ત્રીઓને લેટન્ટ ટીબી હતો એટલે કે તેમના ગર્ભાશયમાં ટીબીના જંતુઓ સુષુપ્ત અવસ્થામાં મળ્યા. આમ આ સબંધ સ્પક્ટ થયો. આ પહેલાં સુષુપ્ત ટીબીના જંતુઓ અને ફર્ટિલિટી પર ક્યારેય કોઈ સ્ટડી થયો નથી.

રિસર્ચ

આ સ્ટડીમાં ઇન્ફર્ટિલિટીનો પ્રૉબ્લેમ ધરાવતી ૨૧થી ૩૮ વર્ષની ૮૮૪ સ્ત્રીઓને લેવામાં આવી હતી જેમાંથી ૪૩૧ના ગર્ભાશયમાં સુષુપ્ત અવસ્થામાં ટીબીના જંતુ મળ્યા હતા અને  ૪૫૩ના શરીરમાં ટીબીના જંતુ નહોતા. આ સ્ત્રીઓને ઇન્ફર્ટિલિટીની તકલીફ ઍવરેજ બે વર્ષથી વધુ સમયથી હતી અને ઓછામાં ઓછા ૬ પ્રયત્નો IVF કે એ પ્રકારની બીજી ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ ચૂકી હતી. આ બાબતે વાત કરતાં ડૉ. પદ્મરેખા જીર્ગે કહે છે, ‘ટીબીના જંતુઓ સુષુપ્ત અવસ્થામાં હોય અને શરીરને કોઈ હાનિ પહોંચાડી શકે એવું આજ સુધી કોઈ જગ્યાએ સાબિત નથી થયું. ભારતમાં ટીબી એટલો બહોળી માત્રામાં ફેલાયેલો છે કે કોઈ પણના શરીરમાં આ જંતુ સુષુપ્ત અવસ્થામાં હોઈ શકે છે. એ એટલી મોટી વાત નથી, પરંતુ જો આ જંતુ ગર્ભાશયમાં હોય તો સ્ત્રીની ઓવરી પર પણ અસર કરી શકે છે એ આ રિસર્ચમાં જોવા મળ્યું.’

ટેસ્ટ મહત્વની છે

આ બાબતે વાત કરતાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થના સાયન્ટિસ્ટ અને આ રિસર્ચમાં ડૉ. જીર્ગે સાથે કામ કરનારા ડૉ. દીપક મોદી કહે છે, ‘જે પણ સ્ત્રીને ઇન્ફર્ટિલિટીની તકલીફ છે તે જો ટીબીની કલ્ચર-ટેસ્ટ કરાવશે તો એમાં એના જંતુ પકડાતા નથી. એટલે આ સ્ત્રીઓએ PCR નામની ટેસ્ટ કરાવવી જરૂરી છે જે ટીબીની મૉલેક્યુલર-ટેસ્ટ ગણાય છે. એ સાવ સાધારણ ટેસ્ટ નથી એટલે ચારથી પાંચ વર્ષથી બાળક માટે પ્રયત્ન કરતી હોય છતાં જે સ્ત્રીઓને પરિણામ ન મળતું હોય તેમણે આ ટેસ્ટ કરાવવી. જો એમાં ટીબીના જંતુઓ સુષુપ્ત કે ઍક્ટિવ કોઈ પણ અવસ્થામાં હોય તો તેને ટીબીની ટ્રીટમેન્ટ આપવી જોઈએ.’

TB1

ઇલાજથી મળ્યું પરિણામ

આ રિસર્ચમાં જોવા મળ્યું કે જે સ્ત્રીઓનું નિદાન થયું અને એના પછી તેમણે ટીબીની ટ્રીટમેન્ટ લીધી એ પછી બાવન ટકા સ્ત્રીઓ સફળ રીતે મા બની. એમાંથી ૩૦ ટકા સ્ત્રીઓ એવી હતી જેમણે ટીબીનો ઇલાજ થયા પછી નૉર્મલ રીતે ગર્ભ ધારણ કર્યો અને IVFની પણ જરૂર ન પડી. એની સરખામણીમાં જે સ્ત્રીઓને ટીબી હતો જ નહીં એવી સ્ત્રીઓમાંથી ૪૦.૫ ટકા સ્ત્રીઓ જ મા બની શકી. આ બાબતે વાત કરતાં ડૉ. જીર્ગે કહે છે, ‘આ રિસર્ચમાં સાબિત થયું કે ટીબી જેમને છે એવી સ્ત્રીઓનું યોગ્ય નિદાન થાય અને તેમનો વ્યવસ્થિત ઇલાજ થાય તો ગર્ભ રહેવાની શક્યતા ઘણી વધી જાય છે. જોકે સ્ટડીમાં એ સાબિત નથી થયું કે ઇલાજ થઈ જવાથી ઓવરીમાં એગની સંખ્યા જે ઘટી રહી છે એ બંધ થાય છે કે નહીં. જોકે એ પણ હકીકત છે કે ઇલાજ થયા પહેલાં ઓવરી પર ટીબીની જે અસર છે અને એને કારણે જે એગની સંખ્યા ઘટી ગઈ છે એ ઇલાજ પછી વધી શકતી નથી. એ જે નુકસાન થઈ ગયું એ થઈ ગયું. આમ એ પણ જરૂરી છે કે નિદાન સમય પર થાય.

નિદાન વગર ઇલાજ ન જ કરાવો


ઘણી વાર એવું થાય છે કે જે સ્ત્રીઓને બાળક ન થતું હોય તેમને ટીબીની સમસ્યા હોઈ શકે છે એ શક્યતા હેઠળ લોકો ફક્ત કલ્ચર-ટેસ્ટ કરાવે છે, પરંતુ એના દ્વારા જે સુષુપ્ત ટીબીના જંતુઓ છે એ પકડતા નથી. આ જંતુઓ હાનિકારક હોય શકે છે એ બાબત અહીં સમજવી અને માનવી જરૂરી છે. આ વાત પર ભાર આપતાં ડૉ. દીપક મોદી કહે છે, ‘કોઈ પણ પ્રકારના ટીબીના નિદાન માટે મૉલેક્યુલર-ટેસ્ટ કરવી જરૂરી છે એવું વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સમાં નોંધાયું છે. ટેસ્ટ થોડી પેચીદી પ્રક્રિયા છે, જ્યારે ઇલાજ સરળ છે. લગભગ ૬ મહિનાનો કોર્સ હોય છે. જોકે આ ટેસ્ટ ન કરાવીને ઇલાજ ચાલુ કરી દેવો એ અત્યંત જોખમી વસ્તુ છે. આપણા દેશમાં જે રીતે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી ફેલાયો છે એનું કારણ નિદાન વગરનો ઇલાજ જ છે. એ સસ્તો ઉપાય લાગે છે, પરંતુ લાંબા ગાળે એ મોંઘો ઉપાય સાબિત થાય છે એટલે એવી ભૂલ ક્યારેય ન કરવી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK