હાર્ટના દરદીઓમાં ૨૫ ટકા દરદીઓ ૨૫-૪૦ વર્ષની વયના હોય છે

આજે ૨૫ વર્ષની જુવાનજોધ વ્યક્તિને પણ હાર્ટ-અટૅક આવી જાય છે. ખાસ કરીને ૨૫-૪૦ વર્ષ જેવી નાની ઉંમરમાં હાર્ટ-પ્રૉબ્લેમ્સ જોવા મળે છે. નિષ્ણાતોના મતે આજથી પાંચ વર્ષ પહેલાં કુલ હાર્ટના દરદીઓમાં યુવાન દરદીઓનું પ્રમાણ ૧૦-૧૫ ટકા જેટલું હતું, જ્યારે આજે એ વધીને ૨૫ ટકા જેટલું થઈ ગયું છે. દર વર્ષે આ ટકાવારીમાં વધારો નોંધાતો જાય છે, જે દર્શાવે છે કે આપણા યુવાનો વધુ ને વધુ હાર્ટ-પ્રૉબ્લેમ્સનો શિકાર બનતા જઈ રહ્યા છે

heart

જિગીષા જૈન

એક સમય હતો જ્યારે હાર્ટ અને હાર્ટની બીમારીઓ વિશે કોઈ ખાસ વિચારતું નહીં, કારણ કે હાર્ટ એક એવું અંગ માનવામાં આવતું જે હંમેશાં હેલ્ધી જ રહેતું. હાર્ટ-અટૅક કે હાર્ટ- પ્રૉબ્લેમ્સ ખાસ ઊભા થતા જ નહીં અને જો હાર્ટ-અટૅક આવતા તો પણ લોકોને સમજ પડતી નહોતી કે આ હાર્ટ-અટૅક છે, કારણ કે આ બાબતે જાગૃતિ નહોતી. ધીમે-ધીમે એવો સમય આવ્યો કે ૬૦-૭૦ વર્ષની ઉંમરે લોકોને અટૅક આવતા. એ સમયે પણ ઉંમરને કારણે આવેલા આ રોગ પર ખાસ ધ્યાન આપવામાં ન આવતું. પરંતુ આજનો સમય જુદો છે. મોટી ઉંમર અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ જે હતો એ એટલો સ્પેસિફિક રહ્યો નથી. છેલ્લાં ૨૦-૩૦ વર્ષમાં સમાજનો આખો ચિતાર જ બદલાઈ ગયો છે. આજથી વીસ વર્ષ પહેલાં ૪૨-૪૫ વર્ષની વ્યક્તિને હાર્ટ-અટૅક આવતો ત્યારે લોકોને નવાઈ લાગતી, પરંતુ આજે તો ૩૦-૩૨ વર્ષે પણ લોકોને હાર્ટ-અટૅક આવે છે અને ડૉક્ટર દરદીને સાંત્વના આપતા જણાય છે કે ચિંતા ન કરો, આજકાલ આ કૉમન થઈ ગયું છે. એનાથી પણ વધુ ખરાબ ત્યારે લાગે છે જ્યારે અખબારમાં બાવીસ વર્ષની ઉંમરની વ્યક્તિના હાર્ટ-અટૅકના સમાચાર વાંચીએ છીએ.

નાની ઉંમરે હાર્ટ-ડિસીઝ

હાલમાં એલ. એચ. હીરાનંદાણી હૉસ્પિટલના ૨૦૧૨ અને ૨૦૧૭ના કેસની હિસ્ટરી તપાસવામાં આવી ત્યારે અમુક એવાં તારણો મળ્યાં, જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ૨૦૧૨માં કૉરોનરી આર્ટરી ડિસીઝને લગતા કુલ ૩૬૮ દરદીઓ તેમને ત્યાં દાખલ થયા હતા, જેમાંથી ૭૨ દરદીઓ ૫૦ વર્ષની ઉંમરથી નીચેના હતા. ૨૦૧૭ના આંકડાઓ તપાસતાં ખબર પડી હતી કે કુલ ૪૦૦ કૉરોનરી આર્ટરી ડિસીઝના દરદીઓમાંથી ૯૮ દરદીઓ હતા, જે ૫૦ વર્ષની ઉંમરથી નીચેના હતા. આ આંકડાઓ વિશે વાત કરતાં એલ. એચ. હીરાનંદાણી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હૃષીકેશ પાટીલ કહે છે, ‘આ આંકડાઓ આપણને સમજાવે છે કે કૉરોનરી આર્ટરી ડિસીઝ વધુ ને વધુ લાઇફ-સ્ટાઇલ ડિસીઝ બની રહ્યો છે. ઉંમરને કારણે તમને આ રોગ થાય તો આ બાબતે કંઈ ખાસ ન કરી શકાય, પરંતુ આપણે આપણા જીવનને એટલી હદે બદલી નાખ્યું છે કે નાની ઉંમરે એક એવા રોગની ઝપેટમાં આપણે આવી રહ્યા છીએ જેમાં મૃત્યુનું રિસ્ક ઘણું મોટું છે.’

યુવાનોમાં અટૅકનું પ્રમાણ

યુવાનોમાં કૉરોનરી આર્ટરી ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે એ બાબતે સહમત થતાં ડૉ. હસમુખ રાવત કહે છે, ‘ભારતીય લોકો પર હાર્ટ-અટૅકનો ખતરો ચારગણો જોવા મળે છે જેમાં શહેરી લોકોમાં હાર્ટ-અટૅકનું પ્રમાણ ૧૨ ટકા જેટલું જોવા મળે છે. વળી ૨૫ ટકા હાર્ટ-અટૅક ૪૦ વર્ષથી નીચેની વ્યક્તિઓને આવતા હોય છે. ત્રીસ વર્ષના લોકોને આજકાલ ૪૦-૫૦ વર્ષે જે રોગ થતા હોય છે એ રોગ થવા લાગ્યા છે. આ ખરેખર ખૂબ ગંભીર વાત ગણાય કે આપણા યુવાન લોકો ૨૫થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે જ હાર્ટ-અટૅકનો ભોગ બને છે. આ બાબતે જાગૃતિ અનિવાર્ય છે.

સ્ત્રીઓમાં પણ નાની ઉંમરે

નાણાવટી સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠકે કરેલા એક રિસર્ચ મુજબ સ્ત્રીઓ પર કૉરોનરી આર્ટરી ડિસીઝનું રિસ્ક કેટલું વધી રહ્યું છે. ૫૦-૬૦ વર્ષ પછી સ્ત્રીની પોસ્ટ-મેનોપૉઝલ ઉંમર ગણાય છે, જેમાં સ્ત્રી પર હાર્ટ-ડિસીઝનું રિસ્ક પુરુષ જેટલું જ ગણાય છે, પરંતુ ૪૫-૫૦ વર્ષ પહેલાંની ઉંમરે જ્યારે સ્ત્રીઓનો મેનોપૉઝ આવ્યો હોતો નથી એ સમય દરમ્યાન સ્ત્રીને હાર્ટ-અટૅક આવે નહીં એવું માનવામાં આવતું હતું એ વાતને ખોટી પુરવાર આ રિસર્ચમાં કરવામાં આવી. ૩૨-૮૦ વર્ષની ૩૨૫૦ સ્ત્રીઓને લઈને થયેલા આ રિસર્ચમાં જોવા મળ્યું કે કુલ વીસ ટકા સ્ત્રીઓને કૉરોનરી હાર્ટ-ડિસીઝની તકલીફ છે, જેમાં ૬૩ ટકા સ્ત્રીઓ ૬૦-૮૦ વર્ષની ઉંમરની હતી અને લગભગ ૩૦ ટકા સ્ત્રીઓ એવી હતી, જેનો મેનોપૉઝ શરૂ થયો નહોતો. આ રિસર્ચના આંકડાઓ વિશે વાત કરતાં ડૉ. લેખ પાઠક કહે છે, ‘મારા અનુભવ પ્રમાણે વાત કરું તો ૯૦ની સાલ આસપાસ ૧૦૦માંથી ૨-૩ સ્ત્રીઓને હાર્ટની બીમારી થતી હતી. ૨૦૦૦ની સાલ સુધીમાં આ સંખ્યા ૧૦ ટકા જેટલી થઈ હતી અને પાછલાં કેટલાંક વર્ષોમાં આ સંખ્યા વધીને ૨૦-૨૫ ટકા જેવી થઈ ગઈ છે. આમ દિવસે ને દિવસે આ સંખ્યામાં વધારો થતો જાય છે.’

સ્પોટ્સર્મૅસનને હાર્ટ-ડિસીઝનો ખતરો

જે યુવાન લોકો અચાનક જ મૃત્યુ પામે છે તેમના મૃત્યુ પાછળ મોટા ભાગે કાર્ડિઍક પ્રૉબ્લેમ રહેલા હોય છે, જેનું નિદાન શક્ય બનતું નથી. ખાસ કરીને જે ઍથ્લીટ છે કે સ્પોર્ટ્સ પર્સન છે તેમને એટલા હેલ્ધી માનવામાં આવે છે કે કોઈને શંકા પણ થતી નથી કે આ વ્યક્તિને હાર્ટ-પ્રૉબ્લેમ આવી શકે. પરંતુ યુવાન વયે ઍથ્લીટ કાર્ડિઍક પ્રૉબ્લેમથી મરી જાય એવા ઘણા કિસ્સાઓ જાણીતા છે. આ લોકોની ફિઝિકલ ઍક્ટિવિટી ઘણી વધારે છે, જેને લીધે તેમના હાર્ટને વધુ કામ કરવું પડે છે. ઍથ્લીટને જે હાર્ટ-પ્રૉબ્લેમ આવે એમાં હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપથીની તકલીફ વધુ હોય છે, જે ઍથ્લીટ્સમાં કાર્ડિઍક અરેસ્ટમાં પરિણમે છે અને અચાનક મૃત્યુ માટેનું કારણ બનતી હોય છે. જોકે વ્યવસ્થિત ટ્રેઇનિંગ લેનારા ઍથ્લીટ્સમાં આ તકલીફ જોવા મળતી નથી. મોટા ભાગે બાસ્કેટબૉલ કે ફુટબૉલ રમતા પ્લેયર્સમાં આ તકલીફ જોવા મળે છે.

(આવતી કાલે આપણે જોઈશું યુવાનોમાં હાર્ટ-ડિસીઝ વધવાનાં કારણો અને એના ઉપાયો વિશે.)

નાની ઉંમરે બાયપાસની જરૂર


નાની ઉંમરે હાર્ટ-અટૅક આવે છે એ તો ખરેખર ગંભીર બાબત છે જ, પરંતુ એનાથી પણ વધુ ગંભીર બાબત વિશે વાત કરતાં ડૉ. હસમુખ રાવત કહે છે, ‘જ્યારે હાર્ટ-ડિસીઝ નાની ઉંમરે થાય છે ત્યારે એમાં મોટા ભાગે એક જ નળીમાં તકલીફ હોય એવું માનવામાં આવે છે, કારણ કે આટલી નાની ઉંમરે જો હાર્ટ-પ્રૉબ્લેમ હોય તો એનો અર્થ એ થયો કે હજી પ્રૉબ્લેમ નાના પાયે હોવો જોઈએ. પરંતુ ના, એવું નથી હોતું. આપના હૃદયમાં ત્રણ કૉરોનરી આર્ટરી છે, જેમાંથી એકમાં જ તકલીફ હોય તો એન્જિયોપ્લાસ્ટી કરીને બ્લૉકેજ હટાવી દેવામાં આવે છે; જે ખાસ મોટી તકલીફ ન ગણી શકાય. પરંતુ નાની ઉંમરે પણ ૪૦ ટકા દરદીઓમાં ત્રણેય કૉરોનરી આર્ટરીની તકલીફ જોવા મળે છે, જેને કારણે યુવાન વયે બાયપાસની જરૂર પડે છે. બાયપાસ એક સર્જિકલ પ્રોસીજર છે, જે યુવાન વયે કરાવવી ગંભીર ગણી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK