થોડોક દુખાવો થાય અને તમે પેઇનકિલર ખાવા લાગો છો?

આજકાલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું પેઇન સહન નથી કરવું હોતું અને એને કારણે નાનીઅમથી તકલીફમાં પણ પેઇનકિલર ખાવા લાગે છે. નૉનસ્ટેરૉઇડલ ઍન્ટિઇન્ફ્લૅમેટરી ડ્રગ્સ જેને NSAID કહે છે એ દરેક મેડિકલ સ્ટોર પર વગર પ્રિસ્ક્રિપ્શને વેચાતી હોય છે. એને કારણે ડૉક્ટરને પૂછ્યા વગર લોકો એ ખાઈ લેતા હોય છે. આજે જાણીએ એને કારણે થતું નુકસાન

Pills

જિગીષા જૈન

ઑફિસમાં ખૂબ જ કામ છે અને આગલા બે કલાકમાં પ્રેઝન્ટેશન પતાવવાનું છે ત્યાં અચાનક જ માથાનો દુખાવો ચાલુ થઈ ગયો. આ દુખાવાને લીધે કામ પર અસર થાય એ નહીં પોસાય. એક પેઇનકિલર લઈ લઉં છું. વાહ, પાંચ મિનિટમાં તો રાહત થઈ ગઈ.

આજે રિક્ષાની સ્ટ્રાઇક હતી. સ્ટેશનથી ઑફિસ અને ઑફિસથી સ્ટેશન એમ અઢી-અઢી કિલોમીટર મળીને કુલ પાંચ કિલોમીટર ચાલીને જવું પડ્યું એમાં થાકી રહ્યા. રાત્રે ઘરે આવીને એટલા પગ દુખતા હતા કે પેઇનકિલર લઈને સૂવું પડ્યું. બીજા દિવસે એકદમ સરસ હતું બધું.

હવે પહેલાં જેવી નાચવાની આદત રહી નથી. લગ્નના જોશમાં ખૂબ ગરબા કર્યા, પરંતુ ઘરે જઈને સાવ નંખાઈ ગયા જેવી હાલત હતી. એક ગોળી ખાધી, પણ બે કલાક સુધી કોઈ અસર ન થઈ એટલે રાત્રે ઊઠીને બીજી બે પેઇનકિલર વધુ ફાકી ત્યારે માંડ ઊંઘી શકી.

આજનાં બાળકો સાવ નબળાં છે. ૧૫ વર્ષની ઉંમરે ફુટબૉલ રમવાના અભરખા ખૂબ, પણ પછી ઘરે આવીને પગ પછાડશે કે દુખે છે, શું કરું. જ્યારે ફુટબૉલ રમવા જાય ત્યારે ઘરે આવીને નાટક ચાલુ. આજે તો તે રમવા ગયો ત્યારથી જ એક ગોળી ખવડાવીને મોકલ્યો જેથી આવે ત્યારે તેનાં કોઈ નાટક જોવાં નહીં.

અચાનક જ કમર પકડાઈ ગઈ, હવે કાલે ફરવા જવાનું છે તો આ કમર લઈને ક્યાં ફરીશ? એક કામ કરોને, તમને ડૉક્ટરે ગયા મહિને પેઇનકિલર લખી આપી હતીને એ જ હું લઈ લઉં છું. બધી તો તમે ખાધી પણ નહોતી એટલે પત્તું બચ્યું છે તો કામ પણ લાગશે. અત્યારે ક્યાં હવે બીજા ડૉક્ટરને બતાવવા જવાના.

માનસિક રીતે હું એકદમ સ્ટ્રૉન્ગ, પણ આ શારીરિક પેઇન મારાથી સહન ન થાય. માસિક દરમ્યાન દર મહિને પાંચ દિવસ પેઇનકિલર ખાઈ જ લઉં, જેથી ખોટી પીડા સહન ન કરવી.

આવા કેટકેટલા બનાવો આપણા જીવનમાં આવે છે જ્યારે આપણે પેઇન એટલે કે દદર્નોર સામનો કરવો પડે છે. જીવન જ એવું થઈ ગયું છે કે શરીર પાસેથી આપણે જરૂર કરતાં વધુ કામ લેતા થઈ ગયા છીએ અને એને જેટલો આરામ મળવો જોઈએ એટલો આપતા નથી એટલે શરીરમાં સાંધા હોય કે સ્નાયુઓ કે પછી હાડકાં, એમાં દુખાવો સતત રહ્યા જ કરે છે. વળી આ સમય એવો છે જ્યારે સહનશીલતા ઘણી ઘટી ગઈ છે. થોડીક નાનકડી તકલીફ પણ લોકો સહન કરવા તૈયાર નથી હોતા. માનસિકતામાં એટલો બદલાવ આવ્યો છે કે સહન કરવું લોકોને કારણ વગરનું લાગે છે. શા માટે  કોઈ પણ જાતનું પેઇન સહન કરવું જ જોઈએ એ માનસિકતા લોકોમાં ઘર કરી ગઈ છે. એને કારણે સામાન્ય જનતામાં પેઇનકિલર્સનો ઉપયોગ વધ્યો છે. આ વધતો ઉપયોગ શું તકલીફો લાવી શકે છે એ આજે સમજીએ.

NSAID

પહેલાં તો એ જાણીએ કે કયા પ્રકારની પેઇનકિલર્સ વધુ માત્રામાં લોકો લઈ રહ્યા છે? એનો જવાબ આપતાં ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના ઇન્ટેન્સિવ કૅરના ડિરેક્ટર ડૉ. રાહુલ પંડિત કહે છે, ‘મોટા ભાગે લોકો એવી જ પેઇનકિલર્સ વધુ ખાતા હોય છે જે કેમિસ્ટ પાસે વગર પ્રિસ્ક્રિપ્શને મળી જાય છે, જેને નૉનસ્ટેરૉઇડલ ઍન્ટિઇન્ફ્લૅમેટરી ડ્રગ્સ એટલે કે NSAID કહે છે; જેમાં આઇબુપ્રુફેન, ડાઇક્લોફિનેલ જેવી દવાઓ આવે છે. બાકીની જે પેઇનકિલર્સ છે જેમાં ઓપિઓડ છે કે ઍસ્પિરિન છે. એ પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી અને એને લોકો ગમે તેમ ખાતા પણ નથી. પરંતુ NSAIDને લોકો ખરેખર મન પડે ત્યારે ખાવા લાગ્યા છે, જે બિલકુલ યોગ્ય વાત નથી. એનાથી ઘણું નુકસાન થઈ શકે છે, જે સમજવું જરૂરી છે.

આદત

આમ તો સમજીએ તો એકાદ ગોળી બેત્રણ મહિને એક વાર ખાઈ લીધી તો એમાં ખાસ નુકસાન થતું નથી, પરંતુ સમજવાની વાત એ છે કે જ્યારે વ્યક્તિ નાની-નાની વસ્તુઓમાં ગોળીઓ લેવા મંડે છે ત્યારે તેને લાગે છે કે ગોળી લેવામાં કોઈ જ વાંધો નથી અને પછી ધીમે-ધીમે તે વધુ પ્રમાણમાં ગોળીઓ લેવા લાગે છે. આ એક આદત છે કે વ્યક્તિમાં ધીમે-ધીમે ડેવલપ થતી દેખાય છે. આ વાત સાથે સ્પષ્ટતા કરતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારના કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. અનિલ બલ્લાણી કહે છે, ‘એ વાત સાચી છે કે એકાદ દવાથી કંઈ થતું નથી, પરંતુ આ આદત બનાવવી યોગ્ય નથી. આવી આદતને કારણે એવા લોકો પણ હોય છે જે સતત મહિનાઓ સુધી પેઇનકિલર્સ ખાતા હોય છે, જે યોગ્ય નથી. જૂના પ્રિસ્ક્રિપ્શન પર દવા લેવી, એક અસર ન કરે તો એકથી વધારે દવાઓ જાતે જ લઈ લેવી, એક વ્યક્તિને આપેલી દવા બીજી વ્યક્તિએ પણ લેવી આવી અઢળક ભૂલો લોકો કરતા હોય છે; જે ખૂબ નુકસાનકારક છે.’

ઉપયોગિતા

ઘણા લોકો એવા છે કે જે પેઇનકિલર્સ ખાવાનું પસંદ જ નથી કરતા. કંઈ પણ થાય, દાંત ભયંકર દુખે તો સહન કર્યા કરે, ઍક્સિડન્ટ થયો હોય અને હાડકાં ભાંગ્યાં હોય; પરંતુ તો પણ પેઇનકિલર્સ ન જ ખાવાની જીદ લઈને બેસે છે. એના વિશે વાત કરતાં ડૉ. અનિલ બલ્લાણી કહે છે, ‘પેઇનકિલર્સ ખૂબ જ ઉપયોગી દવાઓ છે. જો આપણે NSAID દવાઓની વાત કરતા હોઈએ તો એ ફક્ત પેઇનને દૂર નથી કરતી, પરંતુ ઍન્ટિઇન્ફ્લૅમેટરી દવાઓ છે. શરીરમાં આવી પડેલા ઇન્ફ્લમેશનને દૂર કરે છે, જે જરૂરી હોય છે. જે લોકો માને છે કે તેઓ પેઇન સહન કરી શકે છે, તેમને જરૂર નથી આ દવાઓની તેઓ ભૂલ કરે છે. ઇન્ફ્લૅમેશન હટાવવા માટે આ દવાઓ જેટલો સમય આપી હોય એટલી લેવી જોઈએ. રૂમેટૉઇડ આર્થ્રાઈટિસ, બીજા ઑટો ઇમ્યુન ડિસીઝ કે કોઈ સર્જરી થઈ હોય તો લાંબા સમય સુધી પેઇનકિલર્સ ખાવી પડે છે. પરંતુ એ ડૉક્ટરની દેખરેખ હેઠળ ખાવાની હોય છે.’

નુકસાન કે સાઇડ-ઇફેક્ટ

ડૉ. રાહુલ પંડિત પાસેથી જાણીએ કે વધુ માત્રામાં પેઇનકિલર્સ લેવાને કારણે શરીરને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે.

પેઇનકિલર્સ કિડની પર ઘણી અસર કરે છે. અમારી પાસે મહિને એક દરદી એવો આવે છે જેને વધુપડતી પેઇનકિલર્સ ખાવાને કારણે કિડની પર અસર થઈ હોય અને રિપોર્ટમાં ક્રીઆટનીન ગરબડ આવ્યું હોય.

આ સિવાય વ્યક્તિને વધુપડતી પેઇનકિલર્સ ખાવાને કારણે પેટની લાઇનિંગ પર અસર થાય છે અને ગૅસ્ટ્રિક અલ્સર થવાની શક્યતા વધુ રહે છે, જેનાં શરૂઆતી લક્ષણોમાં ઍસિડિટી વધી જાય છે. પેટમાં દુખાવો થાય છે.

વધુપડતી પેઇનકિલર્સ ખાવાને લીધે શરીર પર આ દવાની અસર ઘટતી જાય છે. જેમ કે પહેલાં એક ગોળી ખાવાને લીધે જે બધું મટી જતું હતું એ ધીમે-ધીમે બે ગોળી ખાવા છતાં પણ મટતું નથી. આમ દવાઓ વધુ ને વધુ લેવી પડતી જાય છે અને એને કારણે નુકસાન વધુ થતું જાય છે.

જો કોઈ દરદીને હાર્ટની તકલીફ હોય કે બ્લડ-પ્રેશરની તકલીફ હોય તો તેને બ્લડથિનર મેડિસિન આપવામાં આવતી હોય છે, જે દવા લોહીને પાતળું રાખે છે. આ દવાઓમાં મુખત્વે ઍસ્પિરિન કે વૉર્ફરિન હોય છે. હવે જ્યારે આ દવાઓ લેતી વ્યક્તિ પેઇનકલર ખાય છે ત્યારે પેઇનકિલર પોતે પણ લોહીને પાતળું બનાવે છે. આમ લોહીને પાતળું બનાવવાની દવાનો ઓવરડોઝ થઈ જતો હોય છે. આવી વ્યક્તિએ તો ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારેય પેઇનકિલર ખાવી ન જ જોઈએ નહીંતર તેમનું નુકસાન ખૂબ વધી જઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK