ડિજિટલ ગેમ્સ સ્ટ્રેસ-બસ્ટર કે સ્ટ્રેસ-બૂસ્ટર?

બ્રિટન અને તાઇવાનના સંશોધકોએ કરેલા એક અભ્યાસ મુજબ કોઈ પણ ડિજિટલ સાધનો પર રમવામાં આવતી ગેમ્સ યંગસ્ટર્સમાં ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ-લેવલ વધારવાનું કામ કરી રહી છે.

games

રુચિતા શાહ

મોબાઇલમાં રહેલી એક ગેમ શું કરી શકે છે એનું સૌથી ખોફનાક રૂપ બ્લુ વ્હેલ ગેમના કિસ્સાઓમાં આપણે જોઈ ગયા છીએ. કોઈ એક ગેમ વ્યક્તિ પાસે આપઘાત કરાવી દે અને વિશ્વની સરકારોએ એમાં હસ્તક્ષેપ લઈ એને બંધ કરાવવાની નોબત સુધી આવવું પડે એ ઘટના જ પાવર ઑફ ગેમ દર્શાવે છે. જોકે બ્લુ વ્હેલ એક જ નથી, હિંસક ન હોય એવી અઢળક ગેમ આજે પણ વિવિધ મોબાઇલ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે, જેણે લોકોની રાતોની ઊંઘ ઉડાડી દીધી છે, જેણે સંબંધોમાંથી હૂંફને ખતમ કરી નાખી છે, જેણે બાળકોનું ભણવું-ગણવું છોડાવી દીધું છે. મોબાઇલ, ટૅબ્લેટ, કમ્પ્યુટર, લૅપટૉપ જેવાં કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર સતત વિસ્તરી રહેલું ગેમિંગ વિશ્વ મૂળભૂત રીતે તો આપણા એન્ટરટેઇનમેન્ટ માટે શરૂ થયું હતું, પણ એન્ટરટેઇનમેન્ટ? આજે ખરેખર એમાં એન્ટરટેઇનમેન્ટ જેવું તત્વ રહ્યું છે? સામાન્ય લુડો અને સાપસીડી જેવી રમતો પણ જો ડિજિટલ પ્લૅટફૉર્મ પર રમવામાં આવે તો એના નુકસાન છે કે ફાયદા? કઈ રીતે એ વ્યક્તિને બદલવાનું કામ કરે છે એ વિષય પર આજે થોડીક ચર્ચા કરીએ.

સાયન્ટિફિક કારણ

આજે વિશ્વભરમાં અબજો રૂપિયાનો બિઝનેસ ધરાવતી વિડિયો ગેમનો પાયો ૧૯૫૮માં એક અમેરિકન ફિઝિસિસ્ટે નાખ્યો હતો. ટેનિસ નામની એક ગેમ બનાવી હતી. જોકે એ સામાન્ય વ્યક્તિ રમી શકે એટલી સરળ નહોતી. એ પછી સેકન્ડ પ્રયાસ સફળ રહ્યો રાલ્ફ બેર નામના એક એન્જિનિયરનો. આ જ ભાઈને ફાધર ઑફ વિડિયો ગેમની ઉપમા મળી. આજે આ જ વિડિયો ગેમની દુનિયા હવે તો કલ્પનાતીત ફૂલીફાલી છે. જોકે મનોરંજન અને ટાઇમ કિલિંગ માટે રચાયેલી વિડિયો ગેમ્સ આજે ક્રીએટિવિટી અને રિલેશનશિપ કિલર બનીને મોબાઇલ દ્વારા એક-એક વ્યક્તિના પૉકેટ સુધી પહોંચી ગઈ છે. વિડિયો ગેમ્સ સ્ટ્રેસ આપવાનું કામ કરે છે એવું એક રિસર્ચ ઘણા વખત પહેલાં તાઇવાનના કેટલાક સંશોધકોએ કર્યું હતું. થોડાક સમય પહેલાં બ્રિટિશ સંશોધકોએ આ રિસર્ચને પીઠબળ આપીને એમાં થોડુંક વધુ કામ કર્યું. તેમને જાણવા મળ્યું કે વધુપડતી ડિજિટલ ગેમ રમતા લોકોનું ઍન્ગ્ઝાયટી લેવલ ખૂબ હાઈ હોય છે. આ મહારથીઓનું કહેવું છે કે ઘણી રમતો મગજ સમક્ષ ફાઇટ ઑર ફ્લાઇટ જેવી સ્થિતિ ઊભી કરે છે. એટલે કે શૂટિંગની કે વૉરઝોનને લગતી ગેમ હોય ત્યારે પ્લેયરે એમાં ભાગ લેવો કે એમાંથી ભાગી છૂટવું એનો નિર્ણય લેવાનો હોય છે. જ્યારે પણ આવા સંજોગો ઊભા થાય ત્યારે એડ્રિનલિન નામના ખાસ હૉમોર્નનો સ્રાવ વધારવાનો સંદેશ બ્રેઇન શરીરને આપે છે, જેથી સંજોગોનો સામનો કરવો કે સંજોગોથી પીછો છોડાવવો એનો નિર્ણય લઈ શકાય. હવે સમસ્યા ત્યાં ઊભી થાય જ્યારે ગેમ રમતી વ્યક્તિ આવાં ખોટાં સિગ્નલ આપીને બૉડી પાસે આ વિશિષ્ટ હૉમોર્ન તો જગાડે, પણ આ હૉમોર્નનો ઉપયોગ થાય એવી કોઈ ઍક્ટિવિટી તે ન કરે જેથી આ હૉમોર્ન્સનો ભરાવો શરૂ થાય. એડ્રિનલિનનો ઓવરલોડ વ્યક્તિમાં ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર જેવી સમસ્યાઓ ઊભી કરવા માટે જવાબદાર છે અને એટલે જ વિડિયો ગેમ રમતી કોઈ પણ ઉંમરની વ્યક્તિનું સ્ટ્રેસ-લેવલ ઑટોમૅટિકલી વધી જાય છે એવું આ સંશોધકોનું માનવું છે.  

બધા જ પકડમાં

આજે નાનાં બાળકોથી લઈને ઘણા વડીલોને પણ ગેમ રમીને સમયને વેડફતાં તમે જોયાં હશે. બાળકોના હાથમાં તો પેરન્ટ્સ જ મોબાઇલ ધરી દેતા હોય છે, જેથી તેમના મગજનું દહી ન થાય. બાળક શાંતિથી એક ખૂણામાં બેસી રહે અને માતા-પિતા પોતાની ઍક્ટિવિટી શાંતિથી કરી શકે એ સરળ ઉપાય ગેમ દ્વારા ઉપલબ્ધ થયો છે. જોકે આ બાબત ગંભીર છે એ ન કહો તો પણ સમજી શકાય છે. એની ગંભીરતા વિશે ન્યુરોસાઇકોલૉજિસ્ટ પ્રાંજલિ પ્રધાન કહે છે, ‘મારી પાસે એવા ઘણા પેરન્ટ્સ આવે છે જેમનું કહેવું છે કે બાળક કોઈની સાથે હળતો-મળતો નથી. તે એક જગ્યાએ શાંતિથી બેસતો નથી, તેને ભણવું ગમતું જ નથી. ત્રણ-ચાર વર્ષનાં બાળકોમાં ગેમનું આ અટ્રૅક્શન આપમેળે નથી આવ્યું. એ મા-બાપે જ ઇમ્પ્લાન્ટ કર્યું છે. વિડિયો ગેમ્સને કારણે આજે બાળકો હાઇપરઍક્ટિવ થઈ રહ્યાં છે. ક્યાંક પેરન્ટ્સ લાચાર છે કે બહાર ગાર્ડન કે ઓપન ગ્રાઉન્ડ રહ્યાં નથી, કોઈના પર ભરોસો કરી શકાય એવો માહોલ નથી એટલે કુદરતી ગેમ્સ રમવાને કારણે કમ સે કમ મોબાઇલમાં તો બાળકો ટાઇમપાસ કરે એ તેમને વધુ સુરક્ષિત બાબત લાગે છે.’

ધીરજ ખૂટે

મોબાઈલ ગેમ રમતી વ્યક્તિમાં ધીરજનો અભાવ હોય છે અને એ લોકો માટે ઍક્ચ્યુઅલ વર્લ્ડ સાથે તાલમેલ સાધવાનું અઘરું બને છે. આ વાતને વધુ ખુલાસાપૂર્વક જણાવતાં પ્રાંજલિ કહે છે, ‘વિડિયો ગેમ કે અન્ય કોઈ પણ ગેમ તમે શરૂઆતમાં રમો તો મજા જ આવે. બની શકે કે પ્રારંભિક તબક્કામાં તમારા રિફ્લેક્સને તેજ કરવાનું કામ પણ એ કરે. જોકે લાંબા ગાળે એનું નુકસાન વધુ છે. મારી દૃષ્ટિએ સૌથી મોટું નુકસાન એટલે ધીરજનો ગુણ ન કેળવાય. ગેમ્સથી ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તાત્કાલિક આનંદ મળી જાય છે. જે પણ પરિણામ આવે એ ઝડપથી આવે, જેથી વ્યક્તિમાં ધીરજ ખૂટવા માંડે છે. તેને લાઇનમાં ઊભા રહેવું ન ગમે, તેને કોઈ વસ્તુ લેવા જાય અને રાહ જોવી પડે તો ન ગમે. બીજું, સતત ડિજિટલ દુનિયાના અચેતન વિશ્વમાં કમ્ફર્ટેબલ થયેલી વ્યક્તિને સાચોસાચ પોતાની અપેક્ષાથી વિપરીત બિહેવ કરી શકનારા સચેતન વિશ્વમાં સંવાદ સાધવાનું અઘરું પડતું હોય છે.’

સંબંધો માટે જોખમી

પુષ્કળ પ્રકારની ગેમ હવે મોબાઇલમાં ઉપલબ્ધ છે. પઝલથી લઈને શૂટિંગ, રેસિંગ, ગૅમ્બલિંગ અને સેક્સની પણ. કેટલીક રમતો એવી પણ છે જેમાં તમે તમારા ઇમૅજિનરી પાર્ટનર સાથે સમય પસાર કરી શકો એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય. જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. હિતેશ શાહ આ વિશે કહે છે, ‘શરૂઆતમાં આ પ્રકારની ગેમ ગેઇન થયું હોય એવી લાગણી આપે, પરંતુ લાંબા ગાળે એ પેઇન આપવાનું કામ કરે છે. ઍડ્વેન્ચર અને વાયલન્સ જેવી ગેમની સાથે આજકાલ લોકોમાં ખૂબ જ પૉપ્યુલર થઈ રહેલી સેક્સ્યુઆલિટીને લગતી રમતો સંબંધોમાંથી હૂંફ ઉડાવવાનું કામ કરી રહી છે. આજે એ પરિસ્થિતિ છે કે અઢળક લોકોને રિયલ રિલેશનશિપ માટે કોઈ એક્સાઇટમેન્ટ જ નથી રહ્યું. તેમનું બધું જ ધ્યાન વચ્યુર્અલ સેક્સ-લાઇફ પર હોય અને બાજુમાં સૂતેલી પત્નીને હાથ લગાડવાનું મન ન થાય. હા, આવા કેસ અમારી પાસે ઘણાં વષોર્થી આવતા થયા છે. પતિ-પત્ની એકબીજામાં રસ ન લઈ શકે એટલે સંબંધોમાં અંતર ઊભું થાય અને પછી ડિપ્રેશન સુધી પણ વાત પહોંચે.’

આજે બિઝી બનવું ખૂબ ટ્રેન્ડમાં છે. સતત મોબાઇલમાં માથું નાખીને લોકો એવું જતાવવાનું કામ કરતા હોય છે કે પોતે વ્યસ્ત છે. આ વ્યસ્તતા દર્શાવવા એકબીજા સાથેનો લોકોનો પર્સનલ ટચ મિસિંગ છે. જોકે બિઝીનેસ વચ્ચે પ્રોડક્ટિવિટી ક્યાંય દેખાતી નથી. ગેમ તમારા વિચારોને ખૂબ મોટા પાયે પ્રભાવિત કરતી હોય છે. સર્જનાત્મકતાને ધીમે-ધીમે ખાઈ જવાનું કામ ગેમ-ઍડિક્શન કરી શકે છે અને કરી રહી છે.

આટલું કરી શકાય

બાળકો આસપાસ હોય ત્યારે તમે મોબાઇલ પર ન હો એની ખાસ કાળજી રાખો અને તમારી ગેમ કે મોબાઇલ કરતાં બાળકો તમારા માટે વધુ મહત્વનાં છે એવો એહસાસ તેમને અચૂક આપો.

નાનાં બાળકો માટે મોબાઇલ પર ગેમ રમવા માટેની એક સમયમર્યાદા નક્કી કરો.

બાળકો કઈ ગેમ રમી રહ્યાં છે એના પર તમારું ધ્યાન તો હોવું જ જોઈએ.

ક્યારેક બાળકો ડિજિટલ ગેમ રમતાં હોય તો એવી ગેમ પસંદ કરો જેમાં તેમના બ્રેઇનનું ડેવલપમેન્ટ થતું હોય અને તમે પણ તેમની સાથે રમી શકતા હો. ધારો કે સાપસીડી છે કે ફાઇન્ડ ધ વર્ડ્ઝ જેવી કોઈ રમત હોય તો એ તમે બાળક સાથે મળીને રમશો તો એમાં તમારું બૉન્ડિંગ પણ સ્ટ્રૉન્ગ થશે અને બાળકના બ્રેઇનને પણ શાર્પ બનવાની તક મળશે.

સેક્સ્યુઆલિટીને લગતી કોઈ પણ રમતમાં વિવેકબુદ્ધિનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વચ્યુર્અલ સૅટિસ્ફૅક્શન અને રિયલ સૅટિસ્ફૅક્શન વચ્ચેનો ભેદ જાતે પણ સમજવો જોઈએ અને તમારાં ટીનેજ સંતાનો પણ જો આ રસ્તે વળી ગયાં હોય તો તેમને પણ ફ્રેન્ડ્લી અપ્રોચ સાથે આ ભેદ સમજાવવો જરૂરી છે.

બાળક કોઈની સાથે હળતો-મળતો નથી. તે એક જગ્યાએ શાંતિથી બેસતો નથી, તેને ભણવું ગમતું જ નથી. ત્રણ-ચાર વર્ષનાં બાળકોમાં ગેમનું આ અટ્રૅક્શન આપમેળે નથી આવ્યું, એ મા-બાપે જ ઇમ્પ્લાન્ટ કર્યું છે

- પ્રાંજલિ પ્રધાન, ન્યુરોસાઇકોલૉજિસ્ટ


આજે એ પરિસ્થિતિ છે કે અઢળક લોકોને રિયલ રિલેશનશિપ માટે કોઈ એક્સાઇટમેન્ટ જ નથી રહ્યું. તેમનું બધું જ ધ્યાન વચ્યુર્અલ સેક્સ-લાઇફ પર હોય અને બાજુમાં સૂતેલી પત્નીને હાથ લગાડવાનું મન ન થાય

- ડૉ. હિતેશ શાહ, સેક્સોલૉજિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK