પ્રોટીન-શેકને બદલે સત્તુ અને એનર્જી‍ ડ્રિન્કને બદલે ભાતની કાંજી પીઓ

હેલ્થના નામે આજકાલ બજારમાં મળતી નવી પ્રોડક્ટ્સ તરફ આકર્ષાઓ એ પહેલાં આપણા પરંપરાગત ખાનપાન પર નજર નાખો. એમાંથી એવી રેસિપીઓ મળશે જે પોષણથી ભરપૂર અને ખૂબ ગુણકારી છે. વળી એ દરરોજ બનાવવી કે ખાવી સસ્તી અને સુલભ પણ છે. આજે જાણીએ કેટલીક દેશી રેસીપીઓના ગુણો વિશેજિગીષા જૈન


જૂનું એટલું સોનું એ વાત ઘણી જાણીતી છે. ફૂડ-ઇન્ડસ્ટ્રીની જ વાત કરીએ તો નવી-નવી ટેક્નિક અને નવા-નવા ખોરાક પાછળ ઘણા લોકો ઘેલા થયા છે, પરંતુ એમાંનો એક ભાગ એવો છે જે ઑથેન્ટિક રેસિપીઓ અને જૂના ખોરાકને વધુ ને વધુ મહત્વ આપવા લાગ્યો છે. મારી દાદીમાની આ રેસિપી છે એમ ગર્વથી બોલનારા ઘણા શેફ તમે જોયા હશે. પહેલાંના લોકો આપણા કરતાં વધુ શક્તિશાળી અને શરીરથી કસાયેલા હતા એ વાતમાં બેમત નથી. તેમનો ખોરાક પણ શ્રેષ્ઠ હતો અને તેમની લાઇફ-સ્ટાઇલ પણ. તેઓ જિમમાં નહોતા જતા કે પ્રોટીન-શેક નહોતા પીતા છતાં તેમના સ્નાયુઓ મજબૂત હતા. તેઓ રેગ્યુલર હેલ્થ-ચેકઅપ નહોતા કરાવતા છતાં તંદુરસ્ત રહેતા. આજે અમુક જૂની રેસિપીઓ વિશે વાત કરીએ જે એકદમ દેશી છે અને એ દેશી રેસિપીઓ પોષણથી ભરેલી છે. એ જૂના સમયમાં ઘરે-ઘરે ખવાતી, પરંતુ આજના સમયમાં ભાગ્યે જ લોકો એ ખાય છે. આ વસ્તુઓ ખાવાનું જો આપણે શરૂ કરી દઈશું તો ચોક્કસ હેલ્થને ચમકાવી શકીશું.

rice1

ભૈડકું

આ એક ગુજરાતી ડિશ છે જે બધા ગુજરાતીઓ જાણે છે. જુદાં-જુદાં ધાન્યોને શેકીને એને કરકરાં દળીને ભૈડકું બનાવવામાં આવે છે. જૂના સમયમાં વડીલો બીમાર લોકોને બીમારી પછી તાકાત લાવવા માટે અને બાળકોને શક્તિ માટે ભૈડકું ખવડાવતા હતા. એમાં બાજરો, ચોખા, મગની દાળ વગેરેને અલગ-અલગ શેકીને દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટ કરકરો રાખવો જરૂરી છે. એને સાવ બારીક પીસાય નહીં. આ લોટને તમે ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. પારંપરિક રીતે કડાઈમાં થોડુંક ઘી લઈને એમાં આ લોટને થોડોક શેક્યા પછી એમાં મીઠું-હળદર કે મનગમતા મસાલા નાખીને પાણી સાથે બેથી પાંચ મિનિટ પકવવામાં આવે છે. આ ભૈડકું કોઈ પણ જુદા-જુદા અનાજનું કૉમ્બિનેશન કરીને બનાવી શકાય છે. બાળકો માટે આ બેસ્ટ વસ્તુ છે, કારણ કે એ પોષણથી ભરપૂર છે અને સુપાચ્ય પણ છે. ભૈડકું ધાન્ય અને દાળ કે કઠોળનું મિશ્રણ છે જેમાં પૂરું પોષણ આવી જાય છે. ફક્ત પારંપરિક રીતમાં એમાં શાકભાજી નાખવામાં આવતાં નથી. જો એમાં શાકભાજી નાખો તો ચોક્કસ એને ડિનર કે લંચ તરીકે ખાઈ શકાય છે. તો એ સંપૂર્ણ પોષણ બની જાય છે. ભૈડકું ક્યારેય ખૂબ સ્પાઇસી બનાવતું નથી. છતાં જો એમાં સ્પાઇસ નાખવામાં આવે તો પ્રૉબ્લેમ પણ નથી. ખીચડી કરતાં પણ ભૈડકું વધુ સુપાચ્ય ગણાય, કારણ કે એમાં આપણે એને દળી લઈએ છીએ. અઠવાડિયામાં વધુ નહીં તો એક વાર આપણે ભૈડકું ખાઈ શકીએ.

rice2

રાબ

દરેક ગુજરાતી ઘરમાં દાદીમાના હાથે બનતી વાનગી છે રાબ. નવી પેઢી રાબને ભૂલી જ ગઈ લાગે છે. જ્યારે તાકાત જોઈતી હોય ત્યારે ગુજરાતી ઘરમાં રાબ બનાવવામાં આવે. કોઈ માંદું હોય તો રાબ, બાળક મોટું થઈ રહ્યું હોય ત્યારે પોષણ માટે રાબ, ઉપવાસ કર્યા પછી શરીરમાં જે નબળાઈ આવી હોય એને દૂર કરવા માટે રાબ પીવાય છે. આ રાબ પણ ઘણાં જુદાં-જુદાં ધાન્યોની બને છે. આપણે ત્યાં મોટા ભાગે ઘઉંની અને બાજરાની રાબ બને છે. મહારાષ્ટ્રમાં નાચણી એટલે કે રાગીની રાબ પણ પ્રસિદ્ધ છે. જૈનોને ત્યાં મોટા ભાગે ગુંદર, કોપરું અને બદામમાં પીપરીમૂળના ગંઠોડા નાખીને રાબ બનતી હોય છે. ઘીમાં ઘઉં, બાજરી કે નાચણીના લોટને શેકીને એમાં ગોળનું પાણી ઉમેરાય છે અને એને ઊકળવા દેવામાં આવે છે. ઘણા લોકો એમાં થોડું દૂધ પણ નાખે છે. આ રાબમાં સૂંઠ કે અજમો જેવા સ્પાઇસ પણ વપરાય છે. શિયાળામાં રાબ ખૂબ તાકાત આપે છે અને શરીરને ગરમાવો પણ આપે છે. આ બાબતે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘રાબ પણ એક એવી વાનગી છે જે દરેક વ્યક્તિ લઈ શકે છે; પરંતુ એમાં ઘી અને ગોળનું પ્રમાણ હોવાને કારણે જો તમે ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રૉબ્લેમના દરદીઓ હો તો સાવચેતીપૂર્વક લેવું. વધુ પ્રમાણમાં ન લેવું. અઠવાડિયામાં એક વખત જ્યારે જરૂર જણાય ત્યારે જેમ કે માંદા હો કે ખૂબ થાકી ગયા હો કે પછી પોષણની ખૂબ જરૂર લાગે ત્યારે રાબને તાકાત વધારવા માટે ચોક્કસ લઈ શકાય છે.’

rice3

સત્તુ

બિહારની આ અતિ પ્રસિદ્ધ રેસિપી છે જે બિહારના દરેક ઘરમાં ખવાતી હોય છે. ટ્રેડિશનલી બિહારની એક વાનગી છે લિટ્ટી-ચોખા જે રાજસ્થાનની દાળ-બાટી જેવી જ હોય છે. લિટ્ટી બિહારી બાટી હોય છે જે ઘઉંની જ બને છે, પરંતુ એમાં એનું ફીલિંગ એટલે કે પૂરણ સત્તુનું હોય છે. સત્તુ એટલે આપણા દેશી ચણાને શેકીને બનાવેલો લોટ. પારંપરિક રીતે દેશી ચણાને રેતીમાં શેકવામાં આવે છે અને એ શેકાઈ જાય પછી એનાં હાથેથી જેટલાં ફોતરાં નીકળે એ કાઢીને બાકીનાં ફોતરાં રહેવા દઈને એને દળી લેવામાં આવે છે. પહેલાંના સમયમાં તો એને હાથથી દળતા, પણ હવે મિક્સરમાં દળાય છે. આમ ગુજરાતીઓ સમજે તો એ આપણા દાળિયાનો લોટ સમજવો. જૈન લોકો આયંબિલ કરે ત્યારે આ લોટ ખાતા હોય છે. જોકે ગુજરાતી દાળિયાના લોટમાં ફોતરાં બિલકુલ હોતાં નથી. સત્તુમાં એ હોય છે. લિટ્ટી-ચોખાની વાનગી સિવાય સત્તુનો ઉપયોગ ડ્રિન્ક તરીકે કરવામાં આવે છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સત્તુમાં પાણી નાખીને એમાં મીઠું અને શેકેલું જીરું નાખીને પીવાતું હોય છે. આ એકદમ સાદી રીત છે. આ સિવાય એમાં પાણી નાખી લીંબુ, થોડી ખાંડ અને મીઠું નાખીને શિકંજી જેવું પણ ઘણા લોકો બનાવતા હોય છે. આ અત્યંત પોષણયુક્ત ડ્રિન્ક છે. મોંઘા પ્રોટીન-પાઉડર પીવા કરતાં સત્તુ પીવું વધુ સારું છે. એ નૅચરલ પ્રોટીન-પાઉડર છે જે તમને ઘણી તાકાત આપે છે. એટલું જ નહીં, એ શરીરમાં જઈને સરખી રીતે ઍબ્સૉર્બ થાય છે અને એ પ્રોટીન સુપાચ્ય છે. એ નૅચરલી સુપાચ્ય છે એટલે એને સુપાચ્ય બનાવવા કે ઍબ્સૉર્બ કરવા માટે કોઈ પ્રોસેસ કરવી પડતી નથી. આ ઉપરાંત સત્તુને રોટલીના લોટમાં સ્ટફ કરીને પરાઠા પણ બનતા હોય છે. સત્તુને જો ડ્રિન્ક તરીકે તમે પીવાના હો તો વર્કઆઉટ પછી પીઓ, જમવાના બે સમયની વચ્ચે ગમે ત્યારે પીઓ કે પછી સવારે નાસ્તા સાથે પણ લઈ શકાય. કોઈ પણ ઉંમરની વ્યક્તિને સત્તુ આપી શકાય છે. એમાં કોઈ ઉંમરબાધ નથી. તમને કોઈ પણ બીમારી હોય તોય સત્તુ લેવામાં કોઈ તકલીફ નથી હોતી. દરરોજ પીવું હોય તો દરરોજ સત્તુ લઈ શકાય છે.’

rice4

કાંજી

પહેલાંના લોકો કાંજીનો ઉપયોગ અતિ કરતા. કાંજી આમ તો ઘણા પ્રકારની હોય છે, પરંતુ ચોખાની અને સાબુદાણાની કાંજી ઘણી પ્રખ્યાત છે. સાબુદાણા એક પ્રોસેસ્ડ ફૂડ છે જેની કાંજી હેલ્ધી ન હોઈ શકે. એટલે ચોખાની કાંજી એકદમ હેલ્ધી ગણાય. ચોખાની કાંજી એટલે જ્યારે આપણે ભાતને ઓસાવીએ અને એ ઓસાવાને કારણે જે સ્ટાર્ચ એનો છૂટો પડે એ સ્ટાર્ચમાં મીઠું નાખીને પીએ એને કાંજી કહેવાય છે. ઘણા લોકો ભાતને ઓસાવીને જ ખાય છે અને માને છે કે ભાતને ઓસાવીને ખાવા હેલ્ધી છે. હકીકત એ છે કે ઓસાવાને કારણે એનો બધો સ્ટાર્ચ જ નહીં, એનું પોષણ પણ પાણીમાં જતું રહે છે. પહેલાંના સમયમાં ઓસાવેલા ભાતને પાણીને એટલે જ ફેંકવામાં આવતું નહીં, કારણ કે એ લોકોને આ પાણીની કદર હતી. એમને ખબર હતી કે આમાં ઘણું પોષણ છે. ગરમીના દિવસોમાં ખાસ એ ઘણું ઉપયોગી બને છે. એ એમ ને એમ ન ભાવે તો એમાં મીઠું, મરી, લીંબુ, જીરું કે તમને મનગમતું કોઈ પણ સ્પાઇસ નાખીને પણ પી શકાય છે. મોટા ભાગે બાળકો અને વૃદ્ધોને કાંજી અપાય છે, પરંતુ એવું નથી. કાંજી દરેક વ્યક્તિ માટે ગુણકારી છે. સવારે ઘરે ભાત બનાવો અને એનું પાણી ફેંકી ન દો. બૉટલમાં ભરીને ઑફિસમાં લઈ જાઓ અને આખો દિવસ કામમાં થાકી જાઓ ત્યારે પી શકો છો. એ બેસ્ટ એનર્જી‍ ડ્રિન્ક છે. બજારમાં મળતાં એનર્જી‍ ડ્રિન્ક પીવા કરતાં કાંજી પીવી વધુ સારી છે. ખાસ કરીને બાળકો રમીને આવે ત્યારે કે ખૂબ પરસેવો વળ્યો હોય, થાક લાગ્યો હોય ત્યારે કાંજી ઘણી ફાયદાકારક સાબિત થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK