હેલ્ધી લાઇફની શરૂઆત કઈ રીતે કરશો?

નાના-નાના બદલાવને જો તમે અપનાવશો તો મોટાં પરિણામો સુધી પહોંચી શકશો. શરૂઆતમાં ભરાતી આ પા-પા પગલીઓ એક દિવસ તમને દોડતા અને કૂદતા પણ કરી શકે છે. જાણીએ કેટલીક સરળ અને સહજ હેલ્થ-ટિપ્સ જેને આપણે રોજિંદા જીવનમાં સમાવી શકીએજિગીષા જૈન

જ્યારે આપણે હેલ્થની વાત કરીએ છીએ ત્યારે ક્યારેક એવું બને છે કે આપણી ખૂબ જ ભાગદોડવાળી જિંદગીમાંથી સમય કેમ કાઢીશું એ પ્રશ્ન આપણને પજવે છે. બીજું એ થાય કે અમુક આપણી વર્ષો જૂની આદતોને તિલાંજલિ આપવી આપણને અઘરી લાગે છે. એટલે આપણે સમજીએ છીએ કે કસરત કરવી, હેલ્ધી ખોરાક લેવો વગેરે વાતો સાંભળવામાં જેટલી સારી લાગે છે એટલી કરવામાં મુશ્કેલ બની જતી હોય છે. એનો નિયમ એવો છે કે જો બધું જ એકસાથે બદલવા જશો તો ખૂબ અઘરું પડશે, પરંતુ નાના-નાના બદલાવ તમને મોટાં પરિણામો સુધી પહોંચાડી શકે છે. જો બદલાવ નાના હશે તો અપનાવવામાં સરળ હશે, પરંતુ જો એ મોટા હશે તો શરૂઆતમાં તો તમે ખેંચી કાઢો; પરંતુ એ લાંબો સમય સુધી ચાલશે એવું કહી શકાય નહીં. હેલ્થની બાબતમાં એ જરૂરી છે કે જે પણ બદલાવ તમે લાવો એ ટકી રહે. શરૂઆત ભલે ધીમી હોય, પરંતુ જો એ નિયમિત ટકી રહે તો મંઝિલ સુધી લઈ જઈ શકે છે.

શરૂઆત કરીએ કસરતથી. આદર્શ રીતે દરરોજ ૪૦-૪૫ મિનિટની કસરત કરવી જોઈએ. ઘણા લોકો જિમ, યોગ, ઝુમ્બા, સ્વિમિંગ, પિલાટેઝ, ઍરોબિક્સ જેવી એક્સરસાઇઝના ક્લાસમાં જતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા છે જે અલગથી એના માટે સમય નથી કાઢી શકતા. જવાબદારીઓ એવી હોય છે કે સવારે ઊઠીને લોકલ પકડવાની લાયમાં ગાર્ડનમાં મૉર્નિંગ વૉક કરવી એ તો જાણે અશક્ય સપનું લાગે છે. જો તમે કસરત માટે અલગથી સમય ફાળવી નથી શકતા તો તમારે શું કરવું એ જાણીએ ફિઝિયોશ્યૉર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ વિભૂતિ કાણકિયા અને ન્યુ એજ યોગા, વિલે પાર્લેનાં યોગગુરુ સંધ્યા પતકી પાસેથી. 

health

જેટલું ચાલી શકાય એટલું ચાલો

આજે આપણને બધાને બસ જલદી પહોંચી જવાની ઉતાવળ હોય છે. એટલે જો સ્ટેશનથી ઘર અડધો કિલોમીટર પણ હોય તો પણ રિક્ષા શોધતા ફરીએ છીએ. આ આદત સુધારવી જરૂરી છે. સમય ક્યાંય ભાગી નથી જવાનો. રિક્ષા શોધવામાં જે પાંચ મિનિટ વેડફાઈ રહી છે એ પાંચ મિનિટ જો તમે ચાલવા લાગશો તો જેટલા સમયમાં રિક્ષા તમને ઘરે પહોંચાડશે એટલા જ સમયમાં તમે ચાલીને ઘરે પહોંચશો. સવારે ઑફિસ પહોંચવાની ઉતાવળને કારણે રિક્ષા કરવાની અને રાત્રે ઑફિસથી મોડું થઈ ગયું એ બહાનાસર નહીં ચાલવાનું એ હવે છોડવું પડશે. અડધો કિલોમીટર કે ૧ કિલોમીટર જેટલું અંતર તો આરામથી ચાલી શકાય છે. શરૂઆતમાં ૨-૪ દિવસ તકલીફ પડશે, પરંતુ પછી આદત પડી જશે. ફક્ત સ્ટેશનથી ઘરનો રસ્તો જ નહીં, આવાં નાનાં અંતરો ચાલી નાખવાની આદત અત્યંત હેલ્ધી છે. એ અપનાવો.

tips1

વજન ઉપાડો

આજનો જમાનો ઑનલાઇન થઈ ગયો છે. બધું જ હોમ ડિલિવરીમાં ઘરે આવી જાય છે. બજાર જઈને કશું જ ખરીદવાનું કે એ ભાર ઉપાડીને ઘરે આવવાનો ટ્રેન્ડ સાવ નાશવંત બનતો જાય છે. આ સુવિધાઓ આપણને વધુ નબળા બનાવતી જાય છે. ૩-૪ કિલ્લો શાકભાજી લીધી હોય તો ગૃહિણીઓ શાકવાળાને કહેશે કે ભાઈ ઘરે પહોંચાડી દેજે. કરિયાણું લેવાનું પણ હવે લોકો મૉલથી કે ઑનલાઇન પસંદ કરે છે જેથી સરળતાથી ઘરે આવી જાય. વજન ઉપાડવાથી સ્નાયુઓ સ્ટ્રૉન્ગ બને છે. જિમમાં જઈને લોકો જે સ્નાયુ બનાવવાની મહેનત કરે છે એ મજૂર વર્ગ કામ કરીને કરતો હોય છે. સ્નાયુ મજબૂત તો હાડકાં મજબૂત રહે છે. આમ વધુ નહીં તો શરૂઆત બે-ત્રણ કિલોથી કરી શકાય. 

tips1

દાદરા ચડો

એક્સરસાઇઝમાં દાદરા ચડવાની એક્સરસાઇઝ ઘણી જ ફાયદાકારક છે. અફકોર્સ એના માટે તમને ઘૂંટણની કોઈ તકલીફ ન જ હોવી જોઈએ. જો હોય તો એ ટાળવું અનિવાર્ય છે. પરંતુ બાકીના લોકો માટે લિફ્ટને બદલે દાદરા પસંદ કરવા એ સરળ અને સચોટ ઉપાય છે. ઘણા કહેશે કે તેમની ઑફિસ વીસમા માળે છે તો શું કરવું? શરૂઆત હંમેશાં થોડાથી કરવી. બે માળ સુધી ચડી શકો તો ચડી જાઓ અને પછી લિફ્ટ લઈ લો. જરૂરી નથી કે વીસેવીસ માળ તમે ચડીને જ જાઓ. એક અઠવાડિયું બે માળ ચડ્યા હો તો બીજા અઠવાડિયે ત્રીજો માળ ચડી શકો. આમ ધીમે-ધીમે કૅપેસિટી વધારો.

tips5

મોબાઇલ-સોશ્યલ મીડિયાના કલાકો ફિક્સ રાખો

ફોનમાં નોટિફિકેશન આવે ત્યારે તરત એને જોઈ જ લેવાની ટેવ તમારા માનસિક સ્વાસ્થ્ય અને શાંતિને ખોરવે છે. એના બદલે દર ૩ કલાકે ૧ વાર મોબાઇલ અડવો કે ફક્ત રાત્રે કે ટ્રાવેલિંગ કરતી વખતે બસમાં કે ટ્રેનમાં બધા મેસેજ ચેક કરી લેવાની ટેવ વધુ સારી છે. બને તો મેસેજ ચેક કરવાનો કે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ થવાનો એક નિશ્ચિત સમય રાખો. એ દરમ્યાન જ એને અડવાનું, બાકી નહીં. આ રીતે તમારું મગજ ખોટી વાતોમાં બિઝી નહીં રહે અને તમારું કામ તમે એકાગ્રતાથી ઝડપી કરી શકશો, જેને કારણે માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

tips6

ઑફિસમાં દર કલાકે ૧૦ મિનિટ ઊભા થઈ જાઓ

ઑફિસમાં જે લોકો કામ કરે છે તે મોટા ભાગે બેઠાડુ જીવન જીવતા હોય છે. એક જ જગ્યાએ ૪-૫ કલાક સતત બેઠા રહે છે, જેને લીધે સ્વાસ્થ્ય પર ગાઢ અસર પડે છે. ઑફિસનું કામ તો છોડી શકાતું નથી, પરંતુ એ બેઠાડુ જીવન છોડીને દર કલાકે ૧૦ મિનિટ ઊભા થઈ જવું જોઈએ. શક્ય હોય તો એક લટાર મારી લેવી. એમ ન હોય તો ઊભા રહેવું. અમુક સ્ટ્રેચ કરી લેવા; જેથી ગરદન, પીઠ અને કમરના સ્નાયુઓને રાહત મળે.

tips7

સવારે વહેલા ઊઠો

સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ બ્રહ્મસૂત્ર સમજી શકાય. જ્યારે આપણે કુદરતના ભાગરૂપે જીવીએ ત્યારે આપણે સૌથી સ્વસ્થ જીવન જીવી શકીએ. સૂર્ય ઊગે અને એ સાથે જ સમગ્ર પૃથ્વી અને દરેક જીવ ઍક્ટિવ બનતો હોય છે. જો તમે સવારે ૧૦ વાગ્યા સુધી પથારીમાંથી હલતા ન હો તો સ્વાસ્થ્ય પર અસર પડવાની જ છે. સવારે વહેલું ઊઠવા માટે રાત્રે વહેલું સૂવું પણ જરૂરી છે. રાત્રે વહેલું સૂવા માટે ડિનર રાત્રે જલદી કરવું પણ જરૂરી છે. આમ દરેક બાબત એકબીજા સાથે સુસંગત છે. એક સારી ટેવ બીજી ઘણી સારી ટેવોને ખેંચી લાવે છે.

tips3

ઉજાણીપ્રિય બનો

બાળકોની પાર્ટીમાં જઈને હું શું કરીશ? પહેલાં ખૂબ ગરબા રમતી, પણ હવે તો આ ઘૂંટણનો દુખાવો છે એટલે નથી જતી. રવિવાર માંડ સૂવા મળે છે એમાં પિકનિક ક્યાં જવાના? આવા પ્રશ્નોને આવજો કહી દો. જે જીવનને એક ઉત્સવની જેમ જુએ છે એ લોકો સૌથી વધુ હેલ્ધી રહે છે. ભલે ઘૂંટણ દુખે, હું ત્યાં બેસીને જોઈશ અને મજા કરીશ. બાળકોની પાર્ટીમાં દોડાદોડ કરતાં ને નિખાલસ બાળકોને હસતાં જોઈને જે ખુશી મળશે એ બીજે ક્યાં મળવાની? લોકોને મળવાથી, વાતો કરવાથી, ઘરની બહાર નીકળવાથી માનસિક સ્વાથ્ય બેસ્ટ રહેશે એટલું જ નહીં, એ મોકળાશ તમારામાં જીવંતતા લાવશે.

tips4

પ્રાણાયામ કરો

આમ તો સવારે ઊઠીને પહેલું કામ પ્રાણાયામ જ કરવું જોઈએ. પરંતુ સવારે ઊઠીને જો એ શક્ય ન બનતું હોય તો ઑફિસના કલાકોમાં પણ ૧૦ મિનિટ બ્રેક લઈને એ કરી શકાય છે. બસ, ફક્ત એ બાબતનું ધ્યાન રાખવું કે પ્રાણાયામ પહેલાં નિષ્ણાત પાસેથી શીખી લેવા. કારણ કે જો ખોટી રીતે કરશો તો ફાયદો નહીં થાય અને નુકસાન પણ થઈ શકે છે. એટલે એક વખત સમય કાઢીને શીખી લો. પ્રાણાયામ અને ક્રિયાઓ અત્યંત સરળ હોય છે, અઘરી નથી હોતી અને કોઈ પણ વ્યક્તિ એ કરી શકે છે.

(આવતી કાલે આપણે જોઈશું ખોરાકમાં કરી શકાય એવા સરળ બદલાવ)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK