શિયાળામાં તમારું બાળક વારંવાર કરે છે પથારી ભીની?

પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં ક્યારેક આવું થાય એ ખાસ ચિંતાજનક નથી, પરંતુ જો એનાથી મોટી વયે વારંવાર રાતે ઊંઘમાં યુરિન થઈ જવાની તકલીફ હોય તો જરૂર ડૉક્ટરને કન્સલ્ટ કરવા

bed

સેજલ પટેલ

સાત વર્ષની નિયા ઘણી વાર સવારે ઊઠે ત્યારે પોતાને શરમજનક સ્થિતિમાં જુએ છે. તેની પથારી ભીની થઈ ગઈ હોય છે. શિયાળામાં બેડવેટિંગની ફ્રીક્વન્સી પણ વધી ગઈ છે. ઘણી વાર તો પથારીની ભીનાશથી જ તે જાગી જાય છે. બસ, એ પછી તેનું મગજ ભયગ્રસ્ત રહે છે કે હમણાં મમ્મી જોશે અને ચિલ્લાશે. ધારો કે ઘરમાં બહારના બે મહેમાન આવ્યા હોય તો-તો હાલત વધુ કફોડી થઈ જાય. ક્ષોભને કારણે ધરતી મારગ આપે તો સમાઈ જઉં એવું ફીલ કરતી હોય. જેવી મમ્મીને ખબર પડે એટલે તેનો પહેલો બોલ હોય, ‘તને કહ્યું’તું કે રાતે સુસુ કરીને પછી સૂજે, પણ કહ્યું માને તોને? આટલી ઢાંઢી થઈ ગઈ, પણ પથારી ભીની કરે છે. આમ જ રહેશે તો તારું શું થશે?’

મમ્મીના આવા બોલ બાળકના મગજમાં પોતાના જ ભવિષ્ય માટે ભય પેદા કરે છે. તેને લાગે છે કે પોતે કંઈક ખોટું કરી નાખ્યું છે. નિયાની વાત કરીએ તો અઠવાડિયામાં બે વાર તો તેની આવી સ્થિતિ થાય જ છે અને પછી એ આખો દિવસ તે સ્કૂલમાં પણ ગુમસૂમ રહે છે. તેને લાગે છે કે પોતાનામાં કંઈક ગરબડ છે. આ જ કારણોસર બીજા પરિવારોની સાથે ફરવા જવાનું હોય તો એ તેને નથી ગમતું. કોઈ સંબંધીને ત્યાં જવાનું હોય તો તેની મમ્મી રાતે સૂતા પહેલાં છાનીમાની ડાઇપર પહેરાવી દે છે. તેના દેખતાં તેની મમ્મી પોતાના સંબંધીઓમાં પથારી ભીની થવાની આદત વિશે ચર્ચા કરે છે ત્યારે તો નિયા શરમથી પાણી-પાણી થઈ જાય છે.

પેરન્ટ્સનો સપોર્ટ મસ્ટ

બાળકોમાં પથારી ભીની કરવાની સમસ્યા ઘણી કૉમન છે અને છતાં એના વિશે જાગૃતિ લાવવાને બદલે એનો છાનામાના જ નિવેડો લાવવાની કોશિશ કરવામાં આવે છે. અઢી દાયકાથી વધુનો અનુભવ ધરાવતા પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બેડવેટિંગ બાબતે પેરન્ટ્સનો અભિગમ કેવો છે એ સૌથી મહત્વની બાબત છે, કેમ કે પેરન્ટ્સના વર્તનની બાળમાનસ પર ખૂબ ઊંડી અસર રહે છે. એટલે જ બાળકની પથારી ભીની કરવાની સમસ્યા લઈને આવતા પેરન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે. જ્યારે પણ બાળક પથારી ભીની કરે ત્યારે મમ્મી તેને ઉતારી પાડે કે ધમકાવે તો એનાથી બાળક વધુ ઍન્ગ્ઝાયટીનો ભોગ બની શકે છે. બીજા લોકોની સામે બાળકની આવી આદતની ચર્ચા કરવી, રાતે ભીનું થઈ જવા બાબતે તેને વારંવાર સંભળાવ્યા કરવું, હવે જો રાતે સુસુ કરી નાખી તો ક્યાંય લઈ નહીં જાઉં એવી ધમકી આપવી એનાથી સ્થિતિ સુધરવાને બદલે બગડે છે. બાળક કદી જાણીજોઈને પથારી ભીની કરતું નથી, તેનાથી થઈ જાય છે. આ બાબતે સમજણભર્યો અને સપોર્ટિવ અભિગમ બહુ જ જરૂરી છે.’

મોટા ભાગે બાળક સમજુ થાય એ પહેલાં જ તેને પથારીમાં પેશાબ ન કરાય એવી ટ્રેઇનિંગ આપવાનું શરૂ કરવું જોઈએ. રાતે સૂતા પહેલાં બાથરૂમ કરીને સૂવું અને જરૂર પડ્યે રાતના પણ એકાદ વાર ઉઠાડીને બાથરૂમ કરાવી શકાય. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સામાન્ય રીતે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તે ક્યારેક-ક્યારેક પથારી ભીની કરતું હોય તો એ નૉર્મલ છે. જો આ સમયગાળા દરમ્યાન યોગ્ય બાથરૂમ-ટ્રેઇનિંગ આપવામાં આવે તો કોઈ જ કૉમ્પ્લેક્સ વિના આદત પડી જાય છે. જો એ પછીથી પણ ફ્રીક્વન્ટ બેડવેટિંગ ચાલુ હોય તો એના માટે તપાસની જરૂર છે.’

કારણો શું?

અત્યાર સુધી એવું મનાતું હતું કે મોટી ઉંમરે પથારી ભીની કરવા પાછળ સાઇકોલૉજિકલ કારણો જવાબદાર હોય છે, પણ દરેક કેસમાં એવું નથી હોતું. વિવિધ કારણો વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘પાંચ વર્ષથી મોટાં બાળકો પણ જો અવારનવાર બેડવેટિંગ કરતાં હોય તો કેટલીક તપાસો કરવી જરૂરી છે. અમે મોટા ભાગે યુરિન કલ્ચર રિપોર્ટ કરાવીએ અને સોનોગ્રાફી કરાવીએ. મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે મોટી વયનાં પથારી ભીની કરતાં બાળકોમાં બ્લૅડરની સાઇઝ નાની હોય છે. ઘણી વાર બ્લૅડરનું સંકોચન બહુ ઝડપથી થતું હોય છે. બ્લૅડર અને મૂત્રનલિકા વચ્ચે સ્ફિન્ક્ટર એટલે કે વાલ્વ જેવી રચના હોય છે જે યુરિન પર કન્ટ્રોલ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે બ્લૅડર ફુલ થાય એ પછી પણ જો યુરિન રોકી રાખવું હોય તો એ ભાગના મસલ્સનું સંકોચન કરીને સ્ફિન્ક્ટર ટાઇટ કરી શકાય છે, પરંતુ કેટલીક વાર બાળકોમાં એ વાલ્વ ઢીલો હોય છે એટલે યુરિન લીક થઈને કપડાં ભીનાં થઈ જાય છે. સામાન્ય રીતે યુરિન-ટેસ્ટ અને સોનોગ્રાફીથી અંદાજ આવી જાય છે કે શું તકલીફ છે. ૯૫ ટકા કેસમાં જોવા મળે છે કે બાળક દસ-બાર વર્ષનું થાય ત્યાં સુધીમાં પથારી ભીની કરવાનું સદંતર બંધ કરી દે છે.’ 

કૉમ્પ્લિકેશન્સ શું?


એક રીતે જોવા જઈએ તો પથારી ભીની કરવાની આદત સામાન્ય છે, પરંતુ વધતી ઉંમર છતાં એ કન્ટ્રોલમાં ન આવે તો એની પાછળ અવયવગત કૉમ્પ્લિકેશન્સ હોવાની સંભાવના વધે છે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘જેમને દસ વર્ષની વય પછી પણ યુરિન પરનો જોઈએ એવો કન્ટ્રોલ ન આવે તેમની MRI ટેસ્ટ કરાવવામાં આવે છે. કેટલાંક બાળકોમાં માત્ર રાતે જ નહીં, દિવસે પણ તેઓ બાથરૂમ પહોંચે એ પહેલાં કપડાં ભીનાં થઈ જાય છે. રાતની સમસ્યાને નૉક્ટરનલ એનયુરેસિસ કહેવાય છે, જ્યારે ડાઇયુરેસિસ નામની તકલીફ હોય તો દિવસે પણ કપડાં ભીનાં થાય છે. આવી સમસ્યા હોય તો કૉમ્પ્લિકેશન્સ વધે છે. ઘણી વાર સ્પાઇનના બે મણકાની વચ્ચેથી પસાર થતી નર્વ્સમાં તકલીફ હોય તો પણ ડાઇયુરેસિસ થાય છે. કેટલીક વાર ડાયાબિટીઝ ઇન્સિપીડસ નામની તકલીફ પણ હોય છે. જોકે એમાં પથારીમાં પેશાબ થવાને બદલે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડે છે.’

આયુર્વેદિક સારવાર

રાતે પથારી ભીની કરવાની સમસ્યાને આયુર્વેદમાં શય્યામૂત્ર કહે છે એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘મોટી વય સુધી બેડવેટિંગની સમસ્યા ધરાવતા લોકોમાં કૃમિ અને વધુપડતો કફ બનવાની સમસ્યા પણ જોવા મળે છે. પરેજીરૂપે ગળ્યું, ચીકણું, ભારે ખાવાનું ન લેવું. દૂધ પણ કફ કરે છે એટલે જો બાળકને દૂધ આપતા હો તો પાણી નાખીને પાતળું કરીને એમાં આદું નાખીને જ આપવું. ગળપણ આપવાનું ઓછું કરી દેવું. જો અવયવગત ખામી ન હોય તો કેટલાંક દ્રવ્યોનું સંયોજન આ સમસ્યા પર અકસીર છે. આમળાં, હળદર, બહેડાં, સિતોપલાદી અને અરડૂસા વીસ-વીસ ગામ લેવાં અને દસ-દસ ગ્રામ વાવડિંગ અને ત્રિકટુ ચૂર્ણ લેવું. બધું બરાબર મિક્સ કરીને ભરી રાખવું. આ ચૂર્ણ સવાર-બપોર-સાંજ પંદરથી વીસ દિવસ સુધી આપવાથી પેશાબ પરનો કન્ટ્રોલ આવી જાય છે. આ ઔષધ મોટા લોકોમાં પણ એટલું જ અકસીર છે.’

સારવાર શું?

મોટા ભાગના કેસમાં કેવી કાળજી રાખવી અને દવાઓ લેવી એ વિશે ડૉ. પંકજ પારેખ સલાહ આપે છે.

૧. સૌથી પહેલાં તો સૂતા અગાઉ બ્લૅડર સંપૂૂર્ણ ખાલી થાય એ માટે બાથરૂમ કરાવવાની આદત પાડવી

૨. બાળકને અડધી રાતે ઉઠાડીને યુરિન પાસ કરાવવાની આદત નાનપણથી જ પાડવી

૩. રાતના સૂવાના બે કલાક પહેલાંથી પાણી ઓછું પીવા આપવું. રાતના સમયે ચા-કૉફી કે સૉફ્ટ ડ્રિન્ક્સ જેવાં ડાઇયુરેટિક પીણાં પીવા ન આપવાં

૪. રાતના પેશાબ પર કન્ટ્રોલ વધારવા માટે ઍન્ટિ-ડાઇયુરેટિક હૉમોર્ન્સની ગોળી આપવામાં આવે છે. એનાથી યુરિનનું પ્રોડક્શન જ ધીમું પડે છે. આ માટે દવાઓની સાથે નાકમાં નાખવાનું સ્પ્રે પણ આવ્યું છે જે બાળકને સૂતાં પહેલાં આપવાથી ફાયદો થાય છે

૫. જેમને સોનોગ્રાફી કે MRI રિપોર્ટમાં અવયવગત અથવા તો નર્વ્સ દબાવાની ખામી હોય તેમના માટે સર્જરી જ વિકલ્પ રહે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK