બ્રેકફાસ્ટ બનાવવાનો સમય નથી એટલે બ્રેકફાસ્ટ નથી કરતા?

સમય નથી એને કારણે ઊઠ્યા પછીના ત્રણ-ચાર કલાક સુધી તમે કંઈ નહીં ખાઓ તો ચોક્કસ એની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. આજે જાણીએ જાણીતા ડાયટિશ્યન્સ પાસેથી કે જ્યારે સમય ન હોય ત્યારે બ્રેકફાસ્ટ કઈ રીતે કરવો? સાથે જાણીએ કેટલીક ઝડપી અને હેલ્ધી રેસિપીઓ, જે સહેલાઈથી બનાવી શકાય છે અને સવારે સીધી ખાઈ શકાય છેજિગીષા જૈન 

મુંબઈના ભાગતા-દોડતા જીવનમાં જ્યાં શ્વાસ લેવાનો પણ સમય નથી ત્યાં પોતાનું ધ્યાન રાખવું મુશ્કેલ બની જાય છે. એવા ઘણા લોકો છે જે સવારે ૬ વાગ્યે ઊઠે છે અને લોકલ પકડીને કામે ભાગે છે. સવારે ૯ વાગ્યે ઑફિસ પહોંચવા ઘણું લાંબું ટ્રાવેલિંગ કરવું પડે છે એવા અઢળક લોકો છે. ઍવરેજ દરેક વ્યક્તિ મુંબઈમાં સવારે ૧ કલાક ટ્રાવેલિંગમાં કાઢે છે. સવારના ઊઠ્યા હોય એટલે ભૂખ તો લાગવાની જ એ સહજ છે, જોકે નાસ્તો બનાવવાનો સમય અહીં કોને છે. મોટા ભાગના લોકો ઑફિસ પહોંચીને નાસ્તો કરે છે. જેમાં મોટા ભાગે ઑઇલી નાસ્તો જ મળે છે. આલૂ પરાંઠાં, સમોસા, વડાપાંઉ અને નહીંતર બ્રેડ. ઘણા સ્ટેશનની પાસે પૌંઆ, ઉપમા, શીરો કે ઈડલી-સાંભાર મળતાં હોય છે એ ખાય છે. પરંતુ દરરોજ બહાર નાસ્તો કરવો સૌને પોસાય નહીં તો કેટલાકને ભાવે નહીં. હેલ્ધી પણ ગણાય નહીં. આ બધો વિચાર કરીને કેટલાક સવારનો નાસ્તો જ રહેવા દેતા હોય છે. ઘણા લોકો ઘરની બહાર જલદી-જલદી નીકળી જાય અને બનાવેલો નાસ્તો પણ રહી જાય એવા કિસ્સાઓ પણ બનતા હોય છે, કારણ સહજ છે કે પત્ની બિચારી સવારે ઊઠીને પણ બનાવે; પરંતુ બનાવતા જેટલો સમય લાગે એટલો સમય પતિ પાસે ન હોય એટલે તે નાસ્તો કર્યા વગર જ ભાગે. ઘણા લોકો એવા છે જે પૅકેટ-નાસ્તા કરતા હોય છે. સવારે ચા બનાવી અને ડબ્બા ઉઘલીને બેસી ગયા. ચકલી, ચેવડો, ગાંઠિયા કે મમરા જેવો સૂકો નાસ્તો કરી લેતા હોય છે. ટાઇમ ન બચે તો એક પૅકેટ સાથે લઈ લે છે. રસ્તામાં કે ચાની ટપરીએ ખાઈ લે છે. આ બધાનો કોઈ ઉપાય કરવો તો જરૂરી છે.

ન ખાઈએ ત્યારે 

જ્યારે આપણે બ્રેકફાસ્ટ નથી કરતા ત્યારે શરીરમાં શું થાય છે એ સમજવું જરૂરી છે. જઠરમાં સમયે-સમયે પાચકરસોનો સ્રાવ થાય છે. જ્યારે આપણે બ્રેકફાસ્ટ કરતા નથી ત્યારે આ પાચકરસો વેસ્ટ થઈ જાય છે. એની સાથે-સાથે શરીરમાં ઍસિડની માત્રા વધી જાય છે. વળી એક ટંક ખોરાક ન ખાવાને કારણે ભૂખ વધુ લાગે છે અને જરૂરી હોય એના કરતાં વ્યક્તિ બપોરે વધુ જમી લે છે. આજકાલના ટીનેજર્સમાં પ્યુબર્ટી પિરિયડ ખૂબ જલદી આવી જાય છે એટલું જ નહીં, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ આજકાલનો ખૂબ જ કૉમન પ્રૉબ્લેમ બની ગયો છે. આ ઇમ્બૅલૅન્સ અને બ્રેકફાસ્ટ વચ્ચેનો સંબંધ સમજાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ કરે છે ત્યારે તેને સ્નૅક્સ એટલે કે તળેલું જન્ક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવાની ઇચ્છા થતી નથી, કારણ કે તેનું પેટ ભરાયેલું છે અને મગજ શાંત છે. એનાથી ઊલટું જ્યારે તમે વ્યવસ્થિત ખાતા નથી ત્યારે અશાંત મગજ તમને તીખું, તળેલું, તામસિક ફૂડ ખાવા માટે ઉશ્કેરે છે. આ ઉપરાંત જે લોકો સવારે બ્રેકફાસ્ટ નથી કરતા એ લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને એ સમયે સ્નૅક્સ વધુ ખાય છે. આમ અપૂરતી ઊંઘ, એને કારણે થતું સ્ટ્રેસ, જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ વસ્તુઓનો અતિરેક હૉર્મોન્સમાં ઇમ્બૅલૅન્સ ઊભું કરે છે.’

મગજને અસર

બ્રેકફાસ્ટ ન કરવાને લીધે શરીરનું ટાઇમ-ટેબલ વીંખાય છે અને એ વીંખાયેલું ટાઇમ-ટેબલ તમારી હેલ્થને વિપરીત અસર કરે છે. બ્રેકફાસ્ટ ન કરવાથી મગજનો ખોરાક એની જરૂરિયાત મુજબ એ સમયે એને મળતો નથી જેની ઘણી વિપરીત અસર મગજ પર થાય છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘બ્રેકફાસ્ટ નહીં કરવાથી શરીરની રિધમ ખોરવાય છે, જેને કારણે અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ થાય છે. ઊંઘનો કોઈ પણ જાતનો પ્રૉબ્લેમ મગજ પર ઘણી વધુ અસર કરે છે. ખાસ કરીને મૂડ-સ્વિંગ, ચીડિયાપણું, સ્ટ્રેસ, ગુસ્સો ખૂબ વધી જાય છે. આ ઉપરાંત એની સાઇકોલૉજિકલ અસર પણ થાય છે. વ્યક્તિ પોતાની અંદર ખૂબ આળસ અનુભવે, ઉત્સાહમાં ઘટાડો થાય. આમ બ્રેકફાસ્ટ નહીં કરવાથી માણસના સંપૂર્ણ વ્યક્તિત્વને અસર થાય છે.’

સમયનું મહત્વ

ઘણા લોકો ઊઠ્યા પછી ઘરેથી ફક્ત ચા પીને નીકળે અને ઑફિસ જઈને નાસ્તો કરે. આ દરમ્યાન તેમના ૩-૪ કલાક જતા રહે છે. સવારે ૬ વાગ્યે ઊઠેલી વ્યક્તિ જો ૯-૧૦ વાગ્યે નાસ્તો કરે તો એ હેલ્ધી ન ગણાય. ઊઠ્યા પછીની ૪૫ મિનિટની અંદર તમારા પેટમાં કંઈક તો જવું જ જોઈએ. કંઈ નહીં તો એકાદ ફળ કે ડ્રાયફ્રૂટ, પરંતુ ઊઠ્યા પછી આટલા કલાકનો ગૅપ યોગ્ય નથી.

શું કરવું?

આમ આ વસ્તુ સહજ છે કે બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે, પરંતુ જો ગરમ બ્રેકફાસ્ટ બનાવવાનો સમય ન મળે તો શું કરવું? આ પ્રૉબ્લેમનો હલ બતાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ગરમ નાસ્તો બેસ્ટ છે, પરંતુ જો એનો સમય ન મળે તો નાસ્તો જ ન કરવાની કે પૅકેટ-ફૂડ ખાવાની કોઈ જરૂરત નથી. જૂના સમયમાં પણ બધા લોકો ગરમ નાસ્તો ન બનાવતા. રાતનાં થેપલાં, પરોઠાં કે રોટલા પડ્યાં હોય એ જ સવારે ખાતા. એને હેલ્ધી બનાવવા એમાં શાક ઉમેરવું સારું. એટલે કે વેજિટેબલ પરોઠાં કે ભાજીનાં થેપલાં બનાવી શકાય. આ સિવાય મૂઠિયાં બનાવીને રાખી દેવાય. સવારે વઘારી નાખવાનાં અથવા તો એને જ ગરમ કરીને ખાઈ શકાય. સિરિયલ્સ, દહીં અને ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ બનાવતાં પણ જરાય વાર ન લાગે. જો ગરમ જ ખાવું હોય તો સવારે લંચ માટે જે રોટલી-શાક બનાવ્યાં હોય એ પણ ચાલે. બપોરે જમવામાં ખાલી દાળ-ભાત ખાઈ લેવાં. મગ રાત્રે બાફી રાખવા અને સવારે બે મિનિટમાં વઘારીને ખાખરા સાથે ખાઈ શકાય. રાત્રે કાંદા-ટમેટાં સુધારી રાખો તો સવારે પૌંઆ બનતાં પાંચ મિનિટ થાય. રવો શેકીને રાખો તો સીધો છાશમાં વઘારીને ઉપમા તૈયાર થઈ શકે છે. થોડું મૅનેજમેન્ટ રાખશો તો પ્રૉબ્લેમ નહીં થાય, પરંતુ બ્રેકફાસ્ટ છોડો નહીં અને બને ત્યાં સુધી ઘરનો જ કરો.’

બે ઇન્સ્ટન્ટ વાનગીની રેસિપી

સવારે જેની પાસે બ્રેકફાસ્ટ બનાવવાનો બિલકુલ સમય નથી અને એને કારણે બ્રેકફાસ્ટ મિસ કરે છે એવા લોકો માટે આ બે રેસિપીઝ ઘણી મદદરૂપ રહેશે, જે બનાવવામાં સમય લાગતો જ નથી અને એ અત્યંત હેલ્ધી રેસિપીઝ છે. રાત્રે કે પહેલેથી જ તૈયારી કરી રાખો. સવારે ફટાફટ ખાઈને નીકળી જાઓ. જાણીએ આવી સરળ અને ઉપયોગી રેસિપીઝ ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી.

breakfast1

ઓવરનાઇટ ઓટ્સ ચિયા પૂડિંગ


સામગ્રી

+ પાંચ ચમચી ઓટ્સ

+ ૧ ચમચી ચિયાનાં બીજ

+ ૧ ચમચી કિસમિસ

+ ૧ ચમચી કાતરેલી બદામ

+ અડધો કપ સુધારેલું ફ્રૂટ (કેરી, કેળાં, સફરજન, ચીકુ, પીચ કંઈ પણ ચાલે)

+ ૧ કપ જાડું દહીં

+ ૧ ચમચી મધ

રીત

ઓટ્સ, બદામ, કિસમિસ, ચિયાનાં બીજ આ બધી જ વસ્તુ એક બોલમાં કે ડબ્બામાં એકસાથે ભેળવી લો અને એની ઉપર અડધો કપ ફ્રૂટ ઉમેરો અને ઉપરથી મધ ઉમેરો. આ બધી વસ્તુને ભેળવીને ફ્રિજમાં મૂકી દો. સવારે ઠંડું ખાઓ. જો ડબ્બામાં ભરશો તો રસ્તામાં પણ ખાઈ શકશો. નહીં તો તૈયાર હેલ્ધી નાસ્તો ઘરે કરીને જ નીકળો. કંઈ પણ સવારે બનાવવાની જરૂર જ નહીં પડે. રાત્રે બનાવીને રાખી દેવાનો અને સવારે ખાઈ લેવાનો.

breakfast2

બનાના સ્મૂધી બોલ


સામગ્રી

+ ૧ કેળું

+ ૧ કપ જાડું દહીં

+ ૧ ચમચો ગ્રેનોલા

+ ૧ ચમચી ચિયા સીડ્સ

+ ૧ ચમચી મધ

+ ગ્રેનોલા બનાવવા માટે

+ ૧૦૦ ગ્રામ બદામ ઝીણી સુધારેલી

+ ૫૦ ગ્રામ અખરોટ સુધારેલા

+ ૫૦ ગ્રામ અળસીનાં બીજ

+ ૫૦ ગરમ તરબૂચનાં સૂકવેલાં બીજ

+ ૫૦ ગ્રામ અમરન્થનાં બીજ

+ ૫૦ ગ્રામ સફેદ તલ

+ ૫૦ ગ્રામ ખજૂર ઠળિયા કાઢેલો

અને સુધારેલો

+ ૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ

+ ૩૦૦ ગ્રામ રોલ્ડ ઓટ્સ

+ ૫૦ મિલીલીટર મધ

+ ૧ ચમચી વૅનિલા એક્સ્ટ્રૅક્ટ


ગ્રેનોલા બનાવવાની રીત

એક મોટા પૅનમાં બધાં જ બીજ અને બદામ ભેગાં કરીને ધીમા તાપે શેકો. જ્યાં સુધી અળસીના બીજ ફૂટવાનું બંધ થાય ત્યાં સુધી શેકો અને પછી ઠંડું પાડવા બાજુ પર મૂકી દો. પૅનમાં ઓટ્સને પણ શેકી લો. બધા નટ્સ, કાળી દ્રાક્ષ અને ખજૂર ઓટ્સમાં ભેળવો. ગૅસ બંધ કરીને બધું ભેગું કરી દઈને એના પર મધ અને વૅનિલા એક્સ્ટ્રૅક્ટ નખો. આ સૂકી સામગ્રીમાં મધ એકદમ ઓગળી જાય ત્યાં સુધી ભેળવો. આ મિક્સચર હજી પણ છૂટું જ રહેશે. એને બેકિંગ શીટ ઉપર પાથરો અને ૧૮૦ ડિગ્રી ઉપર ૫-૭ મિનિટ બેક કરો. એને ઠંડું પાડો અને ઍરટાઇટ કન્ટેનરમાં સાચવી રાખો. આમ આ ગ્રેનોલા બનાવીને રાખી મૂકી શકાય છે. 

સ્મૂધી બનાવવાની રીત

સવારે કેળાને દહીં સાથે બ્લેન્ડ કરીને એક જારમાં કે ડબ્બામાં ભરી લો. સવારે આટલું કરતાં તમને બે મિનિટ પણ નહીં થાય. એની ઉપર ગ્રેનોલા ભભરાવો. ચિયા સીડ્સ અને મધ પણ ઉમેરો અને સ્મૂધી ખાવા માટે તૈયાર છે.

breakfast


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK