કોણે વધાર્યું છે પુરુષોનું BP?

ભારતનાં સોળ રાજ્યોના દોઢ લાખથી વધુ લોકો પર દેશની અગ્રણી સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન્સે કરેલા અભ્યાસ પરથી ગયા મહિને જાહેર કરેલો રિપોર્ટ કહે છે કે મહિલાઓની તુલનાએ પુરુષોમાં હાઇપરટેન્શનના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છેï. કયા કારણે મહિલાઓ કરતાં પુરુષો વધુ પ્રમાણમાં હાઈ બ્લડ-પ્રેશરનો ભોગ બને છે અને એના ઉપાયો શું હોઈ શકે

BP

રુચિતા શાહ

દેશનાં સોળ રાજ્યોના એક લાખ બોતેર હજાર લોકોની વિવિધ હેલ્થ-કન્ડિશન પર અભ્યાસ કરતો એક સર્વે દેશની અગ્રણી હેલ્થ સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન્સ દ્વારા વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ના આંકડાઓ ધ્યાનમાં રાખતો એક સર્વે કરવામાં આવ્યો હતો. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘ડાયટ ઍન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઑફ અર્બન પૉપ્યુલેશન ઇન ઇન્ડિયા ઍન્ડ પ્રિવેલન્સ ઑફ ઓબેસિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ ઇન અર્બન મેન ઍન્ડ વિમેન’ના મથાળા હેઠળ આ સર્વેનો રિપોર્ટ ગયા મહિને પ્રકાશિત થયો છે; જે મુજબ મહિલાઓની તુલનાએ પુરુષોમાં હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા વધુ હોય છે. આપણા દેશમાં સૌથી વધુ હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો કેરળમાં છે અને સૌથી ઓછા બિહારમાં છે. એમાં પણ સરેરાશ ૩૧ ટકા પુરુષો અને ૨૬ ટકા મહિલાઓ હાઇપરટેન્શનથી ત્રસ્ત છે. આજે વિશ્વમાં લગભગ દોઢ અબજથી વધુ લોકો હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે વિશ્વમાં લગભગ ૭૫ લાખ લોકો હાઈ બ્લડ-પ્રેશરની બીમારીથી ઊભાં થતાં કૉમ્પ્લીકેશન્સને કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપેલા આ આંકડા મુજબ વિશ્વનાં કુલ ડેથનો ૧૩ ટકા હિસ્સો હાઈ બ્લડ-પ્રેશર લઈ લે છે. એક અભ્યાસ મુજબ છેલ્લા ચાલીસ વર્ષમાં હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓની સંખ્યા ડબલ થઈ છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકો હાઈ BPનો શિકાર વધુ બની રહ્યા છે અને એ જ કારણે એશિયા અને આફ્રિકાના દેશોમાં સૌથી વધુ હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓ જોવા મળી રહ્યા છે. હાઈ બ્લડ-પ્રેશરને કારણે હાર્ટ-અટૅક, સ્ટ્રોક અને કિડનીના રોગો થવાની સંભાવના વધી જાય છે.

શક્યતાઓ શું?


બેઠાડુ જીવન, સ્ટ્રેસ, પોષકતત્વયુક્ત ભોજનનો અભાવ અને જિનેટિક કારણો હાઈ બ્લડ- પ્રેશર માટે જવાબદાર છે એવું મોટે ભાગે માનવામાં આવે છે. જોકે એવું હોય તો સ્ત્રી અને પુરુષ બન્ને લગભગ સરખા પ્રમાણમાં આ પ્રકારના માહોલમાંથી પસાર થઈ રહ્યાં છે જ્યાં બન્નેની લાઇફ બેઠાડુ છે, બન્ને ભરપૂર સ્ટ્રેસનો સામનો કરી રહ્યાં છે, બન્ને પૂરતો પોષણયુક્ત આહાર લેવામાં થાપ ખાઈ રહ્યાં છે અને જિનેટિક કારણો પણ બન્ને માટે સરખાં જવાબદાર છે. તો શું કામ બ્લડ-પ્રેશરના રેશિયોના સર્વેક્ષણમાં સ્ત્રી અને પુરુષોના પ્રમાણમાં ભેદ છે? એ વિશેની એક શક્યતા દર્શાવતા જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આમાં સૌથી મહત્વનું કારણ અમારી દૃષ્ટિએ કોઈ હોય તો એ હૉમોર્નલ ઇમ્બૅલૅન્સનું હોઈ શકે. પુરુષોમાં પુરુષ-હૉમોર્ન ગણાતા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સ્ત્રીઓની તુલનાએ વધુ હોય છે. આ હૉમોર્નનો સ્વભાવ અગ્રેસિવ છે, જે બ્લડ-પ્રેશરને વધારવામાં નિમિત્ત હોઈ શકે છે, જ્યારે સ્ત્રીઓમાં પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજન નામનાં હૉમોર્ન હોય છે. જે તેમને શાંત અને ઠંડા રહેવામાં મદદ કરે છે. એક હૉમોર્ન છે જે પહેલેથી ઉગ્ર છે અને એનું પ્રમાણ વધે તો ઉગ્રતા પણ વધે અને એ હાઈ બ્લડ-પ્રેશર તરફ વાળે. આ બાયોલૉજિકલ ભેદ વચ્ચે સ્ટ્રેસ, બગડેલી ફૂડ-હૅબિટ અને લાઇફ-સ્ટાઇલ ઉમેરાય એટલે બ્લડ-પ્રેશરને બૂસ્ટ થવાનાં બીજાં વધારાનાં કારણો પણ મળી જાય છે.’

ડૉ. સુશીલ શાહની દૃષ્ટિએ માથા પરના વાળ ખરવા માટે પણ આ ટેસ્ટોસ્ટેરોનને જવાબદાર માનવામાં આવે છે. મોટે ભાગે જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય એ પુરુષોને કપાળની ઉપરના ભાગના વાળ ખરવાનું પ્રમાણ વધુ હોય છે. માથા પર ટાલ પાડવા માટે પણ ટેસ્ટોસ્ટેરોન કારણભૂત હોઈ શકે છે.

મહિલાઓમાં છે પણ..

જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટરની દૃષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષમાં રહેલાં હૉમોર્ન્સના પ્રમાણભેદને પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળતા બ્લડ-પ્રેશરના કિસ્સાઓને નિમિત્ત ગણી શકાય. જોકે સાથે તેઓ એ પણ સ્પષ્ટતા કરતાં કહે છે, ‘એસ્ટ્રોજન હૉમોર્ન મહિલાઓને બ્લડ-પ્રેશરથી પ્રોટેક્ટ કરે છે, પરંતુ એનું કોઈ પુખ્તા પ્રમાણ નથી. હાર્ટ-અટૅક માટે અને હૃદયને લગતી બીજી સમસ્યાઓ માટે પણ માત્ર બ્લડ-પ્રેશર જ જવાબદાર છે એવું ન કહી શકાય. બ્લડ-પ્રેશર પણ એને ઉત્તેજિત કરનારું એક કારણ છે. વ્યક્તિની બદલાઈ રહેલી લાઇફ-સ્ટાઇલ, ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડનું વધતું પ્રમાણ, વધી રહેલું પ્રદૂષણ, સ્ટ્રેસ અને એક્સરસાઇઝનો અભાવ અત્યારે લોકોમાં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટને લગતી સમસ્યાનાં મુખ્ય કારણો છે. આજે મહિલાઓમાં પણ હાર્ટ-પ્રૉબ્લેમ હોય છે. મહિલાઓ પણ બ્લડ-પ્રેશરનું પ્રમાણ હોય છે.’

મોટે ભાગે નિષ્ણાતોના મતે મહિલાઓ મેનોપૉઝ પછી બ્લડ-પ્રેશરનો શિકાર વધુ બનતી હોય છે, કારણ કે મેનોપૉઝ પછી સ્ત્રી-હૉમોર્ન ગણાતાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોનનું પ્રમાણ ઘટવા માંડે છે. એથી બ્લડ-પ્રેશર માટે રક્ષાકવચ હટવાથી તેમની માટે પણ આ સમસ્યા શરૂ થાય છે.

સ્ટ્રેસ પણ એક કારણ

બ્લડ-પ્રેશરના વધતા પ્રમાણમાં આપણી લાઇફમાં ઉમેરાયેલું સ્ટ્રેસ નામનું તત્વ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પુરુષો પોતાના સ્ટ્રેસને ઝડપથી બહાર નથી કાઢી શકતા. પુરુષો ખૂલીને રડી નથી શકતા. મનમાં ભરાયેલું સ્ટ્રેસ કોઈક રીતે તો બહાર આવવાના પ્રયત્ન કરે જ છે. એક્સરસાઇઝ ખૂબ મોટા પ્રમાણમાં સ્ટ્રેસ-બૂસ્ટર તરીકે લોકોની મદદ કરે છે, પરંતુ જ્યારે વ્યક્તિ એક્સરસાઇઝ ન કરવાને કારણે ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે શરીરની અંદરની ફંક્શનાલિટીને અસર કરવાનું શરૂ કરે છે. આ સંદર્ભમાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. એસ. એલ. ખન્ના કહે છે, ‘મોટે ભાગે લેડીઝ એક્સપ્રેસિવ હોય છે. સ્ત્રીઓ પોતાની સોશ્યલ સપોર્ટ સિસ્ટમ સમક્ષ પોતાના મનની વાત એક્સપ્રેસ કરી શકતી હોય છે, જેથી તેનું સ્ટ્રેસ શૅરિંગથી હળવું થતું હોય છે. બીજું, મહિલાઓની કમ્પેરમાં પુરુષોમાં સ્મોકિંગ, આલ્કોહૉલ જેવા વ્યસનનું પ્રમાણ આજે પણ આપણે ત્યાં વધારે પ્રમાણમાં છે. બગડેલી લાઇફ-સ્ટાઇલ, સ્ટ્રેસ અને વ્યસન શરીરને ઘણી રીતે નુકસાન કરે છે; જેમાં હાઈ બ્લડ-પ્રેશર પણ આવી ગયું. મનોચિકિત્સકની દૃષ્ટિએ તો એટલું જ કહીશ કે પુરુષોએ સ્ટ્રેસને બહાર કાઢવાનો માર્ગ શોધવાની ખાસ જરૂર છે. અત્યારની લાઇફમાં સ્ટ્રેસ આવે એવા સંજોગો ઊભા થતા રહેવાના છે; પણ આ સ્ટ્રેસ ટકે નહીં અને કોઈ પણ રીતે બહાર નીકળી જાય એવા પ્રયત્નોના ભાગરૂપે નિયમિત એક્સરસાઇઝ, શૅરિંગ અને કોઈ પણ હૉબીમાં ધ્યાન આપીને માઇન્ડને એક દિશા આપવાની ખાસ જરૂરિયાત છે.’

અન્ય આડઅસરો

બ્લડ-પ્રેશર આંખો માટે, કિડની માટે, હાર્ટ માટે અને બ્રેઇન માટે ખૂબ જોખમી નીવડી શકે છે જો ધ્યાન ન અપાય તો. જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘મારી પાસે બ્લડ-પ્રેશરને કારણે સ્ટ્રોકનો ભોગ બન્યા હોય એવા પેશન્ટનું પ્રમાણ છેલ્લા કેટલાક અરસામાં વધ્યું છે. એમાં પણ ૬૦ ટકા પુરુષો અને ૪૦ ટકા મહિલાઓ હોય છે. નૅચરલી પુરુષોનું પ્રમાણ વધારે છે. સ્ટ્રોક માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે, પણ હાઈ બ્લડ- પ્રેશરને હું પ્રાઇમ અને મહત્વનું કારણ માનું છું. સ્ટ્રોક ક્યારેક જીવલેણ હોઈ શકે; પણ ધારો કે એ માઇલ્ડ હોય તો પણ મેમરી લૉસ, પૅરૅલિસિસ જેવી કાયમી તકલીફો પણ આપી શકે છે.’ï

કિડનીની સમસ્યા માટે પણ હાઈ બ્લડ-પ્રેશર મુખ્ય વિલન છે. એ સંદર્ભમાં નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ કહે છે, ‘કિડનીની બીમારી હોય તો બ્લડ-પ્રેશર આવી શકે અને બ્લડ-પ્રેશર હોય તો કિડનીની સમસ્યા આવી શકે એમ વાઇસે વર્સા હોય છે. કિડનીના રોગોમાં તો આ એક સાઇકલ હોય છે. બ્લડ-પ્રેશર હોય અને જો પેશન્ટ કૅર ન કરે તો કિડનીની કાર્યશૈલી પર અસર થતી જ હોય છે. મહિલાઓની તુલનાએ હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લગભગ બે તૃતીયાંશ પુરુષોનું પ્રમાણ વધુ હોય છે.’

વાત વણસે એ પહેલાં...

મોટે ભાગે આપણે ત્યાં લોકો કૉમ્પ્લીકેશન્સ વધ્યા પછી સારવાર કરાવવા માટે દોડતા હોય છે. હાઈ બ્લડ-પ્રેશર જો પ્રારંભિક તબક્કામાં હોય તો એને વધુ સારી રીતે ટૅકલ કરી શકાય છે. એના માટે નિયમિત ચેકઅપ કરતા રહેવું અત્યંત જરૂરી છે.

હાઈ બ્લડ-પ્રેશરને જો નિયમિત દવા, કસરત અને ઓછામાં ઓછું સ્ટ્રેસ લઈને હૅન્ડલ કરવામાં આવે તો એનાં સંભવિત જોખમોને ટાળી શકાય છે.

કસરત, યોગ અને પ્રાણાયામ હાઈ બ્લડ-પ્રેશર ને સ્ટ્રેસ રિલીઝ કરવામાં અને રિલૅક્સ રહેવામાં ઘણા અંશે મદદ કરી શકે છે.

પોષકતત્વોયુક્ત સંતુલિત ડાયટ તમારા જીવનનો હિસ્સો હોય એ પણ અતિશય જરૂરી છે.

વજનને કાબૂમાં રાખવું પણ બ્લડ-પ્રેશરના દરદીઓ માટે આવશ્યક છે. ખૂબ પાણી પીવું, જેથી ખોરાક ઓછો લેવાય.

વ્યસનો છોડવાં.

પુરુષોમાં પુરુષ-હૉમોર્ન ગણાતા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સ્ત્રીઓની તુલનાએ વધુ હોય છે. આ હૉમોર્નનો સ્વભાવ અગ્રેસિવ છે, જે બ્લડ-પ્રેશરને વધારવામાં નિમિત્ત હોઈ શકે છે

ડૉ. સુશીલ શાહ, જનરલ ફિઝિશ્યન

સ્ટ્રોક માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે, પણ હાઈ બ્લડ-પ્રેશરને હું પ્રાઇમ અને મહત્વનું કારણ માનું છું

ડૉ. મનોજ રાજાણી, ન્યુરોલૉજિસ્ટ


હાર્ટ-અટૅક માટે અને હૃદયને લગતી બીજી સમસ્યાઓ માટે પણ માત્ર બ્લડ-પ્રેશર જ જવાબદાર છે એવું ન કહી શકાય. જોકે હાઈ બ્લડ-પ્રેશરથી હાર્ટને જોખમ તો રહે જ છે

ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર, કાર્ડિયોલૉજિસ્ટ


કિડનીની બીમારી હોય તો બ્લડ-પ્રેશર આવી શકે અને બ્લડ-પ્રેશર હોય તો કિડનીની સમસ્યા આવી શકે એમ વાઇસે વર્સા હોય છે

ડૉ. ભરત શાહ, નેફ્રોલૉજિસ્ટ

મનોચિકિત્સકની દૃષ્ટિએ તો એટલું જ કહીશ કે પુરુષોએ સ્ટ્રેસને બહાર કાઢવાનો માર્ગ શોધવાની ખાસ જરૂર છે

ડૉ. એસ. એલ. ખન્ના, સાઇકિયાટ્રિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK