કઠોળ અને ધાન્યને ફણગાવીને વાપરશો તો ૧૦ ટકા વધુ પોષણ મળશે

તમારી ડેઇલી ડાયટમાં એક વાર વિવિધ પ્રકારનાં સ્પ્રાઉટ્સનો સમાવેશ કરશો તો રોગપ્રતિકારક શક્તિ સુધરશે, વેઇટલૉસમાં મદદ થશે, ત્વચા-વાળ સુંદર થશે

grain

સેજલ પટેલ

શાકાહારી લોકોના ખોરાકમાં ઘઉં, જુવાર, બાજરી, નાચણી જેવાં ધાન્ય અને મગ, મઠ, ચણા, વાલ, રાજમા જેવાં કઠોળનો ઉપયોગ વિશેષ થાય છે. આવાં ધાન્ય, કડધાન્ય કે કઠોળનું વૈવિધ્ય જાળવીએ તો એ શરીરની તમામ જરૂરિયાતોની પૂર્તિ કરી શકે છે. જોકે આ જ ચીજોની ગુણવત્તામાં વધારો કરવો હોય તો એને ફણગાવવાં જોઈએ અને આવાં ફણગાવેલાં ધાન્ય અને કઠોળ બાળક, યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ સૌ માટે સુપાચ્ય અને સેહતમંદ બની શકે છે. શિયાળો આવાં સ્પ્રાઉટ્સ માટે બેસ્ટ છે.

રોજના કોઈ પણ એક ભોજનમાં સ્પ્રાઉટ્સનો સમાવેશ તો કરવો જ જોઈએ એવી સલાહ આપતાં ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આમ જોવા જાઓ તો સ્પ્રાઉટ્સ એ બારેમાસનું સુપરફૂડ છે, પરંતુ વિન્ટરમાં એ વિશેષ મહkવનાં છે. શાકાહારીઓ માટે તો સ્પ્રાઉટ્સ એ પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. શિયાળામાં દિવસના કોઈ એક મીલમાં એનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.’

ફણગાવવાથી શું થાય?

ધાન્ય અને કઠોળને પલાળીને એમાંથી સફેદ મૂછો જેવાં અંકુર ફૂટે છે એને આપણે સ્પ્રાઉટ્સ કહીએ છીએ. મોટા ભાગનાં ઘરોમાં મગ-મઠ અને ચણા જેવાં કઠોળ ફણગાવવામાં આવતાં હશે. દરેક ધાન્ય કે કઠોળ એકસરખા સમયમાં અંકુરિત નથી થતાં. મગ-મઠ જેવાં કઠોળમાં ઝડપથી ફણગા ફૂટે છે જ્યારે ચણા, રાજમા, વાલ, ચોળા જેવા કઠોળને વધુ સમય લાગે છે. સામાન્ય રીતે ધાન્ય અને કઠોળને ઓવરનાઇટ પલાળી રાખવાં. દાણાનું બાહ્ય આવરણ સૉફ્ટ થાય એ પછી એમાંથી પાણી કાઢી લેવું. સુતરાઉ કાપડમાં ટાઇટ બાંધીને બીજા આઠથી દસ કલાક રાખવામાં આવે તો એમાંથી સફેદ મૂછો જેવાં અંકુર ફૂટે છે. આખીયે પ્રક્રિયાને કારણે જે-તે ધાન્ય અને કઠોળની ન્યુટ્રિશન-વૅલ્યુ વધે છે એ સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ફણગાવવાની પ્રક્રિયા એ એક પ્રકારનું પ્રી-ડાઇજેશન છે. એનાથી ખોરાક સુપાચ્ય બને છે. કઠોળ અને ધાન્ય પલળે અને અંકુરિત થાય એનાથી એમાં રહેલી પ્રોટીનની માત્રામાં આઠથી ૧૦ ટકા જેટલો વધારો થાય છે. ફણગાવવાને કારણે વિટામિન-B૧૨ નું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે શાકાહારી લોકોને ભોજન દ્વારા આ વિટામિન બહુ જ ઓછું મળે છે. શાકાહારીઓમાં આ વિટામિનની કમીને કારણે અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ થાય છે. ફણગાવેલાં કઠોળ અને ધાન્યથી આ વિટામિન સારીએવી માત્રામાં મળી શકે છે. સામાન્ય રીતે ૩૦ ગ્રામ મગમાંથી જો ૬.૫ ગ્રામ જેટલું પ્રોટીન મળતું હોય તો ફણગાવવાની પ્રોસેસ પછી એમાંથી ૭.૫ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. વળી આ પ્રોટીન એટલું સુપાચ્ય ફૉર્મમાં હોય છે કે એ શરીરમાં ઍબ્સૉર્બ થવાની પ્રક્રિયા પણ સરળ હોય છે. આ જ વાત માત્ર પ્રોટીન પૂરતી જ લાગુ નથી પડતી, જે-તે ધાન્યમાં રહેલાં વિટામિન્સ પણ અંકુરિત થવાની પ્રક્રિયા દરમ્યાન વધે છે.’

grain1

પોષક તત્વોમાં વધારો

અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના ફૂડ-સાયન્ટિસ્ટોનું કહેવું છે કે ધાન્ય અને કઠોળ જ્યારે ડ્રાય હોય છે ત્યારે એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયરેક્ટ શરીર વાપરી ન શકે એવાં લૉક થયેલાં હોય છે. મતલબ કે એમાં કેટલાક ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે ધાન્ય-કઠોળના પોષણને શરીરમાં ઍબ્સૉર્બ થવામાં અવરોધ પેદા કરે, પરંતુ ફણગાવવાની પ્રક્રિયા દરમ્યાન આ ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ નાશ પામે છે. સંશોધકોનું કહેવું છે કે અંકુરણની પ્રક્રિયાને કારણે ધાન્ય અને કઠોળમાં ગ્લુકોરાફેનિન નામનો એન્ઝાઇમ ૧૦ ગણો વધે છે. આ એન્ઝાઇમ પાચનની ક્રિયા સરળ બનાવે છે અને શરીરમાં પેદા થતાં નકામાં અપદ્રવ્યોનું ઉત્સર્જન કરવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમને કારણે મેટાબોલિઝમ સારું થાય છે. સાદા કઠોળથી આંતરડાંમાં ગૅસ પેદા થઈ શકે છે, પરંતુ આ એન્ઝાઇમને કારણે પાચન સુધરે છે. અંકુરણની પ્રક્રિયાથી ધાન્ય અને કઠોળમાં વિટામિન-C, વિટામિન-Aનું પ્રમાણ વધે છે એટલું જ નહીં, આ વિટામિન્સ શરીમાં સરળતાથી શોષાઈ જાય એવા ફૉર્મમાં આવે છે.

સ્પ્રાઉટ્સનો લોટ

ફણગાવેલાં ધાન્ય અને કઠોળ વાપરવાની રીતમાં પણ વૈવિધ્ય રાખી શકાય છે. મોટા ભાગે કઠોળ ફ્રેશ સ્પ્રાઉટ્સ તરીકે વપરાય છે, પરંતુ ધાન્યને ફણગાવીને એનો લોટ વાપરવાથી પણ પોષણ સુધરે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ખાસ કરીને નાનાં બાળકોને વધુ ન્યુટ્રિશનની જરૂર હોય છે. નવજાત શિશુને ખાવાનું આપવાનું શરૂ કરતા હો ત્યારે ઘઉં, નાચણીની રાબ આપવામાં આવે છે. રાબ માટેનો લોટ બનાવતાં પહેલાં ધાન્યને ફણગાવીને સૂકવવામાં આવ્યાં હોય તો એનાં ગુણો બમણા થાય છે. અંકુરિત ધાન્યનું પ્રી-ડાઇજેશન શરૂ થઈ ચૂક્યું હોવાથી બાળક એને સરળતાથી પચાવી શકે છે અને પોષણ સારું મળે છે. વૃદ્ધો માટે પણ આ રીતે ધાન્યને ફણગાવીને લોટ તૈયાર કરવામાં આવે તો ઓછા ખોરાકમાં વધુ પોષણ મેળવી શકે છે. લોટ બનાવવા માટે ફણગાવેલાં ધાન્યને તડકે સૂકવી દેવાનાં. ત્યાર બાદ સહેજ શેકીને એને કરકરા દળી લેવાં. પોષણ વૅલ્યુ વધારવા માટે રોજબરોજના રોટલી-પરાઠાના લોટમાં પણ તમે વિવિધ કઠોળ કે મલ્ટિગ્રેઇનને ફણગાવીને એનો લોટ મેળવી શકો છો.’

સ્પ્રાઉટ્સના હેલ્થ-બેનિફિટ્સ

વેઇટલૉસ માટે ઉત્તમ સવારના બ્રેકફાસ્ટમાં કે ઈવનિંગ-સ્નૅક્સમાં ફણગાવેલાં કઠોળનો ઉપયોગ કરવાથી ઓછી કૅલરીમાં વધુ પોષણ મળે છે. લાંબો સમય પેટ ભરાયેલું લાગે છે. શિયાળામાં ભૂખ વધુ લાગતી હોય છે એટલે આચરકૂચર અથવા તો અનહેલ્ધી ફૂડ ખાઈ લેવાની સંભાવના વધે છે. એવા સમયે જો સવારના સમયમાં ફણગાવેલાં કઠોળ લેવામાં આવે તો પેટ ભરાયેલું રહે છે અને શરીરને ધીમે-ધીમે લાંબો સમય એનર્જી મળતી રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

સાદા ધાન્ય અને કઠોળનું અંકુરણ કરવાથી એમાં રહેલાં પોષક તkવોનું પ્રમાણ વધે છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હીમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

હાર્ટ-હેલ્થ સુધરે

ફણગાવવાથી ધાન્ય અને કઠોળ ફૂલે છે. એમાં રહેલું ફાઇબર સૉલ્યુબલ બને છે અને સરળતાથી પચે છે અને સારણ પણ થાય છે. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય જળવાય તો રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલની જમાવટ થઈને સાંકડી-કડક થવાની સંભાવના ઘટે છે.

ત્વચા-વાળ નિખરે


અંકુરિત ધાન્ય અને કઠોળમાં રહેલાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો મૅક્સિમમ ફાયદો મળતો હોવાથી વાળ અને ચામડી સ્વસ્થ રહે છે. 

બાળકના વિકાસમાં ઉત્તમ


નાનાં બાળકોના હાડકાં અને સ્નાયુઓનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે સ્પ્રાઉટ્સથી ગ્રોથ માટે જરૂરી પોષણ પણ મળે છે.

કઈ-કઈ ચીજો ફણગાવી શકાય?

ધાન્ય : ઘઉં, જુવાર, બાજરી, જવ, નાચણી, આલ્ફાલ્ફા, સોયબીન, મેથી, કીન્વાહ

કઠોળ : મગ, મઠ, ચોળા, ચણા, રાજમા, વાલ, અડદ

સ્પ્રાઉટ્સનું શું-શું બને?

આખાં : સૅલડ, ભેળ, ખીચડી,

લોટ : રાબ, સૂપ, રોટલી-થેપલાં, ચિલ્લા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK