સીતાફળ ભાવે છે, પરંતુ મન મારીને ખાતા નથી?

સીતાફળમાં શુગર વધુ છે એટલે ડાયાબિટીઝના દરદીઓ ન ખાઈ શકે. સીતાફળ કફ કરે છે, એની તાસીર ઠંડી છે. આ બધાની વચ્ચે હકીકત એ છે કે સીતાફળમાંથી ઘણુંબધું પોષણ મળે છે. તો કઈ રીતે એ ખાવું કે એનાથી નુકસાન ન થાય અને એના ગુણોનો લાભ પણ મળે

custard

જિગીષા જૈન

અત્યારે શિયાળાની ઠંડક શરૂ થઈ ગઈ છે અને એની સાથે-સાથે શિયાળુ ફળો પણ આવવાનાં શરૂ થઈ ગયાં છે. એમાં સૌથી પહેલી શરૂઆત સીતાફળે કરી છે. છેલ્લા પંદરેક દિવસથી ખૂબ જ સારી ક્વૉલિટીનાં દેશી સીતાફળ મળવાનું શરૂ થઈ ગયું છે. એની સાથે-સાથે જામફળ એટલે કે પેરુ પણ મળવા લાગ્યાં છે. સંતરાંની શરૂઆત તો થઈ છે, પરંતુ સારી ક્વૉલિટીનાં રસાળ સંતરાં હજી મળતાં નથી. શિયાળુ ફળોને ઘણા લોકો ઠંડી તાસીરનાં માને છે અને ખાતા નથી. એની સાથે-સાથે ઘણા લોકો આ ફળોને કફવર્ધક માને છે એટલે ખાતા નથી. બીજા કેટલાક હેલ્થ-કૉન્શ્યસ લોકો આ ફળો અને એમાં પણ ખાસ સીતાફળની કૅલરી જોઈને એને ખાતા નથી. કહેશે કે આ ફળમાં ખૂબ કૅલરી છે, જાડા થઈ જવાય એટલે ખાતા નથી. તો કેટલાક લોકો કહેશે કે સીતાફળમાં ખૂબ શુગર છે એટલે ખવાય નહીં. ડૉક્ટરો પણ જેને ડાયાબિટીઝ છે એવા લોકોને સીતાફળ ખાવાની ના પાડશે. જોકે હકીકત શું છે? સીતાફળ ખવાય કે નહીં? ખાવું હોય તો કઈ રીતે ખવાય એ આજે સમજીએ.

શુગર


પહેલાં તો ડાયાબિટીઝ હોય તો સીતાફળ ખવાય કે નહીં એ પ્રશ્નનો હલ સમજીએ. મોટા ભાગના ડાયાબેટોલૉજિસ્ટ દરદીઓને કહે છે કે પાંચ ફળ તમે ન ખાઈ શકો. એમાં કેરી, કેળાં, ચીકુ, સીતાફળ અને ફણસ આવે છે; કારણ કે એમાં શુગર વધુ રહે છે. સીતાફળની શુગર વિશે વાત કરતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘સીતાફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૪ છે, જે વધુ ન કહેવાય; પરંતુ એનો ગ્લાયસેમિક લોડ વધારે છે. એને સરળ રીતે સમજીએ તો એમાં શુગર ખૂબ વધારે માત્રામાં નથી, પરંતુ શુગર પેટમાં જાય એટલે સીધી લોહીમાં ભળી જાય છે. આમ ડાયાબિટીઝના દરદીઓ માટે એ હાનિકારક સાબિત થઈ શકે છે. જોકે એનો અર્થ એ નથી કે ડાયાબિટીઝના દરદીઓએ ખાઈ જ ન શકે. હા, ડાયાબિટીઝના જે દરદીઓની શુગર ૨૫૦થી ૩૦૦ સુધી રહેતી હોય અથવા જેઓ ઇન્સ્યુલિન લેતા હોય એ દરદીઓ સીતાફળ ન ખાય એ સારું, પરંતુ ડાયાબિટીઝના દરેક દરદીએ સીતાફળ ન જ ખવાય એવું નથી હોતું.’

મૅનેજમેન્ટ


જો ડાયાબિટીઝના અમુક દરદીઓ સીતાફળ ખાઈ શકે તો ડૉક્ટરો કેમ સીધી ના જ પાડી દે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા કહે છે, ‘ડાયાબિટીઝનું મૅનેજમેન્ટ પેચીદું હોય છે. એક-એક કૅલરીનું ધ્યાન રાખવાનું હોય છે. દરેક દરદી નિષ્ણાત પાસે જઈને ડાયાબિટીઝને કઈ રીતે મૅનેજ કરવું એ શીખતો નથી. જેને એ આવડે છે એ વ્યક્તિ આ ફળો ખાઈ શકે છે. જોકે ડૉક્ટરો હંમેશાં સેફ રહેવા અને રાખવા માગતા હોવાને કારણે સીધી ના પાડતા હોય છે જે દરદીના હિતમાં છે. જે વ્યક્તિને તેનો ડાયાબિટીઝ મૅનેજ કરતાં ન આવડતું હોય તેણે આ ફળો ન ખાવાં જોઈએ, પરંતુ જેમની શુગર એકદમ કન્ટ્રોલમાં રહેતી હોય એ વ્યક્તિ તકેદારી રાખીને આ ફળો ખાઈ શકે છે. જો એ મૅનેજ કરતાં ન આવડતું હોય તો પહેલાં નિષ્ણાતની મદદ લેવી અને પછી તેમની સલાહ પ્રમાણે જ ફળો ખાવાં.’

સીતાફળના ગુણો

સીતાફળ ન ખાઓ તો શું ફરક પડે છે? એવો પણ પ્રશ્ન આવે. આ પ્રશ્નનો જવાબ આપતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘દરેક ફળ વિટામિન્સ, મિનરલ્સ અને ખનિજ તkવોનો ભંડાર છે. વળી સીઝનમાં આવ્યું છે આ ફળ એનો અર્થ એ કે એ ખાવું જ જોઈએ. શિયાળાની સીઝનમાં આ ફળની જરૂર શરીરને છે એટલે જ કુદરત આપણને એ ફળ આપી રહી છે. સીતાફળમાં ફક્ત વધુ કૅલરી અને શુગર જ નથી. એમાં અઢળક ગુણો છે જે શરીરને જરૂરી પોષણ આપે છે. કૅલરી અને શુગરને કારણે આ ફળના ગુણોને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. જેમને શુગર નથી એ લોકોએ તો વગર છોડ્યે સીતાફળ ખાવું જ જોઈએ. એની કૅલરી માટે અમે એવું કહીએ છીએ જેમ કે સીતાફળમાં વધુ કૅલરી છે તો ખોરાકમાં કૅલરી ઘટાડી દેવાની જેનાથી દૈનિક કૅલરીમાં વધારો ન થાય. એની સાથે-સાથે વર્કઆઉટ વધુ કરી લેવાનો ઑપ્શન પણ વિચારી શકાય. સીતાફળ કસરત કર્યા પછી પણ ખાઈ શકાય છે. પેટના અલ્સરને એ ઠીક કરે છે. દાંતના પ્રૉબ્લેમ્સ થતા અટકાવે છે. આ સિવાય કબજિયાત માટે, હાડકાં મજબૂત કરવા અને સાંધાના દુખાવામાં પણ એ ઉપયોગી છે. ઇમ્યુન-સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરવામાં પણ સીતાફળ ઉપયોગી છે.’

ઠંડું પડે?


દરેક વ્યક્તિની પોતાની તાસીર હોય છે અને ફળની પણ પોતાની તાસીર હોય છે. ફળો મોટા ભાગે ઠંડી તાસીરનાં જ હોય છે. આ ઠંડી તાસીર એટલે શું એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘ફળો ઍન્ટાસિડનું કામ કરે છે જેનો અર્થ એ છે કે એ ઍસિડને શાંત કરે છે. જે લોકોને પિત્ત કે ઍસિડિટીની તકલીફ રહે છે તેમના માટે ફળો ખૂબ ઉપયોગી છે. જોકે એનો અર્થ એ નથી કે શરીરમાં ઠંડી પેદા કરે છે અને એને લીધે શરદી થઈ જાય કે માંદા પડાય. ફળો પોષણનો બેસ્ટ સોર્સ છે અને સીઝનમાં તો એને ખાવાં જ જોઈએ. જો તમને ખૂબ શરદી થઈ ગઈ હોય અને તબિયત સારી ન જ હોય તો તમે એટલા દિવસ સીતાફળ ન ખાઓ. જેમને કફ વધી ગયો હોય તે બીમારી પૂરતું સીતાફળ ન ખાય એ બરાબર છે, પરંતુ શરદી થઈ જશે કે શરીરમાં કફ બનશે એમ વિચારીને સીતાફળ ન ખાવાં એ મૂર્ખામી છે. ઘણા લોકો આવાં કારણોસર નાના બાળકને એ ખવડાવતા નથી. આવું ન કરવું જોઈએ. ફળો ખાવાં જ જોઈએ.’

ફળ ખાવા માટેના બેઝિક નિયમો


ફળ ખાવાના અમુક નિયમો છે, પછી એ સીતાફળ હોય કે સંતરું. જોકે નિયમોને તોડીને તમે ફળ ખાઓ તો એ નુકસાન કરી શકે છે. આ બેઝિક નિયમો જાણીએ ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેના હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી

૧. ફળ હંમેશાં એકલું જ ખાવું. જમવા સાથે કે દૂધ સાથે ન ખાવું. એનો અર્થ એ કે ઊઠીને તરત ફળ ખાઈ શકાય. સવારે નાસ્તા અને જમવાની વચ્ચેના સમયમાં ખાઈ શકાય અને સાંજે ચાર-પાંચ વાગ્યે પણ ખાઈ શકાય.

૨. ફળ સાંજે પાંચ વાગ્યા પછી ન જ ખાવાં.

૩. ફળ બને તો આખું જ ખાવું. જૂસના ફૉર્મમાં લેવા કરતાં આખું ખાવું વધુ યોગ્ય છે.

૪. ફળ ખૂબ જ પોષણયુક્ત છે એનો અર્થ એ નથી કે વધુપડતું ખાઈ લો. પ્રમાણભાન ન ભૂલો. ૧૦૦ ગ્રામ ફ્રૂટ આદર્શ માપ છે. એનાથી વધુ એક સમય પર ન ખાવું. આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ બેથી ત્રણ ફળો ખાઈ શકાય છે.

૫. હંમેશાં સીઝનલ ફળો જ ખાવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK