નવરાત્રિના નવ દિવસ પાણી વધુ પીઓ

આવા સમયે સ્નાયુ ખેંચાઈ જવાની તકલીફ ઘણી થતી હોય છે. એને ટાળવા ભરપૂર પાણી પીવું જરૂરી છે. આ સિવાય નવરાત્રિમાં બીજું શું ધ્યાન રાખવું જેનાથી હેલ્થ પર અસર ન થાય એ આજે જાણી લઈએ

water

જિગીષા જૈન

નવરાત્રિમાં ગરબે ઘૂમવાની મજા જ કંઈક અનેરી છે. એક સમય હતો જ્યારે સ્થાનિક લોકો ચોકમાં ભેગા થતા. માતાજીની આરતી કરીને નાની છોકરીઓ અને સ્ત્રીઓ ઢોલકના તાલે, મંજીરા અને ખંજરી વગાડતાં-વગાડતાં ગરબા કરતી. છેલ્લે કેસર-ઇલાયચીનું સરસ કઢેલું દૂધ બનતું અને બધા એ પીને છૂટા પડતા. આમ આ પર્વ એક આરાધના-પર્વ બની રહેતું. આજે નવરાત્રિ ગ્લોબલ ડાન્સ-ઉત્સવ બની ગયો છે. મોટા-મોટા પાર્ટી-પ્લૉટમાં અલ્ટ્રાસોનિક સ્ટિરિયો સાઉન્ડ વચ્ચે સતત નવ રાત સુધી મૉડર્ન સ્ટાઇલમાં ગરબે ઘૂમવા અઢળક લોકો આવે છે. ત્યાં જ મલ્ટિક્વિઝિન વાનગીઓ ઝાપટે છે, કોલ્ડ ડ્રિન્ક્સનાં ટિન પર ટિન ખાલી કરે છે. રાત્રે ૧-૨ વાગ્યા સુધી ભટકે છે અને તહેવારમાં જલસા કરે છે. સમય બદલાય એમ પરિવર્તન તો આવવાનું જ છે, પરંતુ આ પરિવર્તનમાં હેલ્થ બગડે એ યોગ્ય નથી. કઈ રીતે અમુક બાબતોનું ધ્યાન રાખીને આપણે નવરાત્રિમાં જલસા પણ કરી શકીએ અને હેલ્થની કાળજી પણ રાખી શકીએ એ આજે જાણીએ.

સહેલું નથી

ગુજરાતીઓના લોહીમાં ગરબા છે, પરંતુ આ લોહીને ગરમ કરવામાં સમય તો લાગે જ છે. આજે અચાનક જ કોઈ વ્યક્તિને આખી રાત ગરબા રમવાનું કહીએ તો એ તેના માટે સહેલું તો નથી જ, કારણ કે આજનું આપણું જીવન બેઠાડુ જીવન થઈ ગયું છે. ભલે સવારથી-રાત સુધી આપણી પાસે શ્વાસ લેવાનો પણ સમય ન હોય એટલા આપણે વ્યસ્ત રહેતા હોઈએ, પરંતુ શરીર પાસેથી આપણે ખાસ કામ લેતા નથી. આપણું મોટા ભાગનું કામ મગજ જ કરતું હોય છે. ઑફિસમાં બેઠા-બેઠા કમ્યુટર પર કામ હોય કે સ્કૂલ-કૉલેજ-ક્લાસિસમાં બેઠા-બેઠા ભણવાનું હોય, દરેક જગ્યાએ આપણું જીવન બેઠાડુ બની ગયું છે. આવા જીવનમાંથી જો અચાનક જ કોઈ કહે કે બે-ત્રણ કલાક ગરબા રમવાના છે તો ઉત્સાહ ભલે પાંચગણો હોય, પરંતુ શરીર એટલું રમી શકે એ જરૂરી નથી. આદર્શ રીતે તો તમારે નવરાત્રિ પહેલાંનાં મહિનાથી કાર્ડિયો-એક્સરસાઇઝ કરવી જોઈએ. વધુ નહીં તો દિવસનો ૧ કલાક તો ખરું જ, પરંતુ જો એ શક્ય ન બન્યું હોય તો પણ આ બાબતે થોડી કાળજી જરૂરી છે.

તકલીફ

નવરાત્રિ દરમ્યાન કલાકો સુધી ગરબા એ જ વ્યક્તિ રમી શકે છે જે ફિઝિકલી ફિટ હોય. બાકી જે લોકો નથી તે પણ ગરબા તો રમે જ છે, પરંતુ તેમને કોઈ ને કોઈ તકલીફ ઊભી થઈ જતી હોય છે. એ વિશે વાત કરતાં ઉપાસની હૉસ્પિટલ, મુલુંડના ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘રૂટીનમાં જે લોકો ડાન્સ કરતા નથી તેમને ઘણા દિવસે નાચતા હોવાથી પગના મસલ્સ કડક થઈ જાય અને દુખાવો થાય એ તો નૉર્મલ બાબત છે, પરંતુ ગરબામાં રમતા-રમતા પગમાં ક્રૅમ્પ આવે, નસ ખેંચાઈ જાય કે પગ મચકોડાઈ જાય એવા નાના બનાવોથી માંડીને ફ્રૅક્ચર અને હાડકું એની જગ્યા પરથી ખસી જવાના બનાવો પણ સામાન્ય રીતે બનતા જોવા મળે છે. આ સિવાય બ્લડ-પ્રેશર લો થઈ જવાના બનાવો પણ બનતા હોય છે. એને લીધે વ્યક્તિ બેભાન થઈ જઈ શકે છે, ચક્કર આવી જાય કે પડી જાય એવું પણ બને. ડાયાબિટીઝના ઘણા દરદીઓને પણ શુગર એકદમ જ ઘટી જાય એવી શક્યતા બને છે. આ તકલીફો ગંભીર રૂપ ધારણ કરી શકે છે. એટલે આ બાબતે સાવચેત રહેવું જરૂરી છે.’

પાણી અને ખોરાક

ગરબા રમતા હોય ત્યારે ખેલૈયાઓને ખબર પડતી નથી, પરંતુ એ સમયે ખૂબ પરસેવો થાય છે અને શરીરમાં પાણીની કમી સરજાઈ શકે છે. આ બાબતે સાવધાન કરતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘નવરાત્રિના નવ દિવસ જે લોકો ગરબા રમવાના હોય એ લોકોએ આ દિવસો દરમ્યાન પાણીનું ખાસ ધ્યાન રાખવું. દિવસનું ૩ લીટર પાણી ચોક્કસ પીવું. બાકી ગરબા રમવા જાઓ એ પહેલાં નારિયેળપાણી પી શકાય છે. ગરબામાં સાથે લીંબુપાણીની બૉટલ રાખો. મોટા ભાગના લોકો એક ભૂલ કરે છે અને એમાં ખાસ તો ગરબા ભૂખ્યા પેટે રમવાની ભૂલ. એ હકીકત છે કે તમારે બે-ત્રણ કલાક ગરબા રમવા હોય તો હેવી ખોરાક નડે, પરંતુ સાવ ભૂખ્યા પેટે જો તમે ગરબા રમવા લાગી જાઓ તો પણ બરાબર નથી. ખાસ કરીને અમુક લોકો બપોરે લંચ કરે પછી કંઈ જ ખાતા નથી અને સીધું રાત્રે ૧૦ વાગ્યે ગરબા પતે પછી જ ખાય છે. ત્યાં સુધીમાં તેમને એટલી ભૂખ લાગી જાય છે કે તે ખોરાક પર તૂટી પડે છે અને એ પણ સંપૂર્ણ જન્ક અને ફાસ્ટ ફૂડ પર. આમ એ લોકો પોતાનું ભારે નુકસાન કરે છે.’

શું કરવું?

જો તમને સતત ક્રૅમ્પ આવતા હોય કે બીજી કોઈ દુખાવાની તકલીફો હોય તો શું ધ્યાન રાખવું અને એનાથી બચવા શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘જો તમને આવું અવારનવાર થતું હોય તો ગરબા રમતાં પહેલાં અમુક સ્ટ્રેચ ઘરે કરીને જાઓ એટલે શરીર પર લોડ ન પડે. મહત્વની વસ્તુ એ છે કે તમારું શરીર તમને અમુક ચિહ્નો બતાવે છે, જેમ કે દુખાવો કે હાંફ ચડવી કે પછી ખૂબ પરસેવો વળવો અને થાક લાગવો. આવાં સામાન્ય ચિહ્નોને સમજો અને એ રીતે કામ લો. શરૂઆતના ૧-૨ દિવસ પ્રૅક્ટિસ થાય એ રીતે બ્રેક લઈ-લઈને રમો. ધીમે-ધીમે સ્પીડ અને કૅપેસિટી વધારો. સાંધામાં દુખાવો ચાલુ થાય તો રમવાનું બંધ કરી દો અને ચાર દિવસથી વધારે દુખાવો રહે તો ડૉક્ટરને મળો.’

શું ખાવું અને શું નહીં

આદર્શ રીતે જો ૭ વાગ્યે ગરબા રમવાના હોય તો પાંચ-સાડાપાંચ વાગ્યા આસપાસ થોડો હેવી નાસ્તો કરવો. એમાં પૌંઆ, ઉપમા, ઇડલી-સાંભાર, મિક્સ વેજ પરાઠા કંઈ પણ ખાઈ શકાય.

રમી લીધા પછી પણ ભૂખ લાગે જ છે અને નવરાત્રિના ગ્રાઉન્ડ પર જે સ્ટૉલ્સ હોય છે એનું ભાત-ભાતનું ખાવાનું જોઈને મન લલચાય છે, પરંતુ જીભ અને મન પર થોડો કન્ટ્રોલ રાખવો બેસ્ટ ગણાશે.

બજારમાં તૈયાર મળતી લીંબુ શરબતની બૉટલ નહીં, ઘરેથી તૈયાર કરેલી તાજા લીંબુનો રસ અને ફક્ત સંચળ કે મીઠું નાખીને તૈયાર કરેલા લીંબુપાણીની બૉટલ જ સાથે રાખવી. કોલ્ડ ડ્રિન્ક, પૅકેજ્ડ જૂસ કે અન્ય ઠંડાં પીણાં કરતાં આ ઑપ્શન લાખગણો સારો છે.

બહારનું ખાવા કરતાં ઘરની કોઈ પણ વસ્તુ ખાવી બેસ્ટ રહેશે. આદર્શ રીતે તો રાત્રે ડ્રાયફ્રૂટ મિલ્ક બસ થઈ જવું જોઈએ, પરંતુ જો ભૂખ લાગી હોય તો ભૂખ્યા ન રહેવું. વેજિટેબલ સૂપ જેવું કંઈ લઈ શકાય છે.

જો બહાર ખાવું પડે તો જન્ક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવા કરતાં બાફેલો, શેકેલો, ઓછા તેલ-બટરવાળો, ગરમ બનાવેલો અને મેંદા વગરનો જ ખોરાક ખાવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK