વરસાદના બહાને વૉક પર જવાનું ટાળો નહીં

મોટા ભાગના દરદીઓ એક્સરસાઇઝના નામે વૉકિંગ જ કરતા હોય છે. વરસાદમાં એ શક્ય બનતું નથી ત્યારે ઘરમાં બેઠા રહેવા કરતાં એનો ઉપાય શોધવો જરૂરી છે. દરરોજની એક્સરસાઇઝ ડાયાબિટીઝના નિયંત્રણ માટે અનિવાર્ય છે એ સમજવું જરૂરી છે. બીજી એક્સરસાઇઝ ફાવે તો સારું નહીંતર પાર્કિંગમાં કે છેલ્લે ઘરમાં પણ વૉક કરવું, પરંતુ એક્સરસાઇઝ છોડવી નહીં

waljk

જિગીષા જૈન

ગયા ચોમાસામાં બાવન વર્ષના વસંતભાઈને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા, કારણ કે તેમની શુગર ૪૫૦ જેટલી થઈ ગઈ હતી. બે દિવસના હૉસ્પિટલ રોકાણ પછી એ માંડ કાબૂમાં આવી. સારું એ હતું કે ચેક કરતાં ખબર પડી ગઈ અને બીજું કંઈ નુકસાન થયું નહોતું. પરંતુ એકદમ વધી ગયેલી શુગર કોઈ મોટું નુકસાન પણ કરી શકતી હતી. વસંતભાઈને જ્યારે ડાયાબિટીઝનું નિદાન થયું ત્યારે પણ તેમની શુગર ૩૫૦ જેટલી વધુ હતી. એ પછી દવાઓ, ડાયટ પર કન્ટ્રોલ અને દરરોજ પાર્કમાં ૧ કલાક ચાલવા જવાના રૂટીને તેમની શુગર કન્ટ્રોલમાં લાવી હતી. નિયમિત અને શિસ્તબદ્ધ જીવનને કારણે સામાન્ય રીતે તેમની શુગર ૨૨૫-૨૫૦ની વચ્ચે રહેતી હતી. પરંતુ ગયા ઑગસ્ટ મહિનામાં તેમની શુગર એકદમ જ વધી ગઈ.

ડૉક્ટરે તપાસ કરી તો સમજાયું કે છેલ્લા બે મહિનાથી વસંતભાઈ ચાલવા જતા હતા એ બંધ છે, જેનું કારણ વરસાદ હતું. એકધારો અઠવાડિયું વરસાદ આવ્યો ત્યારે તેમણે ચાલવાનું બંધ કર્યું અને એને કારણે આદત છૂટી. ફરીથી શરૂ કરવા ગયા તો બીજા દિવસે ફરી વરસાદ આવ્યો એટલે તેમણે વિચાર્યું કે આ ચાર મહિના ધરમ-ધ્યાન કરીએ, ચાલવા જવું નથી. પરંતુ ઘરમાં બેઠાં-બેઠાં ઘૂંટણ જકડાવા લાગ્યાં અને એનો દુખાવો શરૂ થઈ ગયો. આમ વૉકિંગ તો બંધ થયું જ એની સાથે ઘરમાં ખૂબ કંટાળો આવતો એટલે રસોડામાં અવારનવાર આંટા મારતા થયા. જે મિત્રો ગાર્ડનમાં મળી નહોતા શકતા તેમને ઘરે બોલાવીને ઉજાણીઓ ચાલુ થઇ. ભૂખ વધુ લાગવા લાગી અને ખોટા ખોરાકનું ક્રેવિંગ વધી ગયું. એક્સરસાઇઝ બંધ, ડાયટ પર કન્ટ્રોલ ગયો અને ઘૂંટણના દુખાવાથી રાત્રે ન થતી સારી ઊંઘને કારણે વસંતભાઈનું વજન બે જ મહિનામાં ૬-૭ કિલો વધી ગયું અને એના પરિણામ સ્વરૂપે શુગર ૪૫૦ થઈ ગઈ.

ડૉક્ટરે વસંતભાઈને તેમની ભૂલ સમજાવી અને કહ્યું કે ગરમી હોય કે ધોધમાર વરસાદ, પરંતુ એક્સરસાઇઝ બંધ ન કરવી તમારા માટે અત્યંત જરૂરી છે. વસંતભાઈ આ વાતનું મહત્વ સમજ્યા અને ફરીથી જીવનમાં નિયમિતતા લાવ્યા, જેને કારણે આજે તે એકદમ સ્વસ્થ છે. આ વર્ષે ચોમાસું શરૂ થયું એ પહેલાં જ વસંતભાઈએ ગાર્ડનના મિત્રો સાથે નક્કી કર્યું છે કે દરરોજ ઘરની નજીક આવેલા મૉલમાં ચાલવા જશે. દરરોજ ૧ કલાક ચાલશે અને ૧ કલાક મિત્રો સાથે ત્યાં જ ગપ્પાં મારશે. છેલ્લાં બે અઠવાડિયાંથી તેઓ નિયમિત રીતે મૉલમાં ચાલવા માટે જાય છે.

કસરત ન કરવાથી ઊભા થતા પ્રૉબ્લેમ્સ

ખાસ કરીને જેને ડાયાબિટીઝ છે તેમને કસરત ન કરવાથી કે રેગ્યુલર વૉક પર ન જવાથી ઘણી અસર થાય છે, જે વસંતભાઈના કેસમાં બન્યું એ પરથી સમજી શકાય છે. આ વિશે વાત કરતાં ગાડગે ડાયાબિટીઝ કૅર સેન્ટર ગોરેગામના ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં નિયમિતતા અત્યંત જરૂરી છે. યોગ્ય ડાયટ, દરરોજની એક્સરસાઇઝ, પૂરતી ઊંઘ, સ્ટ્રેસનું યોગ્ય મૅનેજમેન્ટ અને જરૂરી દવાઓ બધું જ ખૂબ જરૂરી છે. વળી આ દરેક બાબત એકબીજા સાથે જોડાયેલી છે. જો તમે કસરત બંધ કરશો તો તમને ઊંઘ સારી નહીં આવે, ભૂખ વધુ લાગશે અને સ્ટ્રેસ-લેવલ પણ વધશે. રેગ્યુલર એક્સરસાઇઝ તમારા શરીરમાં ઇન્સ્યુલિનના નિયંત્રણ માટે અત્યંત જરૂરી છે. અમારી પ્રૅક્ટિસમાં અમે જોયું છે કે જે લોકો એક્સરસાઇઝ અને ડાયટ બાબતે નિયમિત અને નિયંત્રિત હોય છે તેમનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં જ રહે છે. વળી આમાં કોઈ એવો નિયમ પણ નથી ચાલતો કે અઠવાડિયું કે મહિનો એક્સરસાઇઝ ન કરી તો પણ ચાલે. બ્રેક જેવું કંઈ એમાં હોતું નથી. વળી ચોમાસાનો લાંબો બ્રેક તો ઘણો વધુ ગણાય. આમ જો તમે ઇચ્છતા હો કે ડાયાબિટીઝ પર કન્ટ્રોલ સારો જ રહે તો એક્સરસાઇઝ છોડો નહીં.

વૉકિંગના બદલે બીજી કસરતો?

ચોમાસું શરૂ થઈ ગયું છે અને એની સીધી અસર બીચ, પાર્ક અને ગાર્ડન પર દેખાય છે. સવાર-સાંજ સેહત બનાવવા માટે વૉક કરતી જનતાની જનસંખ્યા ઘટી ગઈ છે એનું કારણ આ વરસતો વરસાદ છે. દરરોજ વૉકર્સ અને જૉગર્સથી ઊભરાતા પાર્ક અને બીચ ખાલી દેખાય છે એનું કારણ વરસતો વરસાદ છે. એક રીતે વિચારીએ તો લાગે કે વરસાદ તો બહાનું છે, પરંતુ જો ચાલવાનું શક્ય ન હોય તો શું બીજી એક્સરસાઇઝ ન થઈ શકે? તર્ક તો સાચો છે, પરંતુ પ્રૅક્ટિકલી જોવા જઈએ તો ઘણી અડચણ છે. એ વિશે વાત કરતાં બોરીવલીમાં ડાયાબિટીઝ અને થાઇરૉઇડ કૅર સેન્ટરના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. કિરણ શાહ કહે છે, ‘જે લોકો ફક્ત ચાલે જ છે એટલે કે એક્સરસાઇઝના નામે વૉકિંગ જ તેમની એક્સરસાઇઝ છે એ લોકો મોટા ભાગે પચાસ વર્ષથી ઉપરના લોકો હોય છે જેમનાં હાડકાં નબળાં હોવાથી તે જિમમાં નથી જઈ શકતા. વળી મોટા ભાગના લોકોને ફાંદની તકલીફ હોય છે. જીવનભર કોઈ ખાસ કસરત કરી ન હોવાને લીધે અને મસમોટી ફાંદને લીધે તેઓ યોગ પણ ખાસ કરી શકતા નથી, કારણ કે એટલી ફલેક્સિબલ બૉડી તેમની હોતી નથી. જો તે યોગ શરૂ પણ કરે તો ૧ કલાક ચાલવાની અપેક્ષાએ તેમના દ્વારા કરવામાં આવતા યોગ ઓછા પડશે. આ સિવાય મોટા ભાગના વડીલોને ઘૂંટણની તકલીફ રહે છે, જેને કારણે તેઓ ઍરોબિક્સ કે ઝુમ્બા કે સામાન્ય પગથિયાં ચડવાની એક્સરસાઇઝ પણ કરી નથી શકતા. આ પરિસ્થિતિમાં વરસાદને કારણે બંધ થઈ જતા તેમના વૉકિંગ માટે કોઈ ખાસ ઉપાય રહેતો નથી.’

ચોમાસામાં કઈ રીતે કસરત કરવી એના વિકલ્પો જાણીએ

ઘણી સોસાયટીમાં પાર્કિંગ એરિયા ઘણો મોટો હોય છે ત્યાં વૉક કરી શકાય. આ સિવાય નજીકના મૉલમાં કે સ્પોટ્ર્સ કૉમ્પ્લેકસના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ વૉક લઈ શકાય. કંઈ જ ન મળે તો ઘરમાં જ એક કલાક ચાલવું, પણ વરસાદ છે એટલે કંઈ નહીં થાય એમ વિચારી એક્સરસાઇઝ સ્કિપ ન જ કરો.

કલાક નહીં, સ્ટેપ્સ ગણો. ઘણા લોકો એકદમ ધીમે અને શાંતિથી ચાલે છે. એક કલાક આરામથી ચાલવાથી ખાસ મદદ નથી થતી. જોકે એનો અર્થ એ પણ નથી કે ક્ષમતાની બહાર સ્પીડ વધારો. આજકાલ ફોનમાં સ્ટેપ્સ ગણી શકાય છે. જો વ્યક્તિ દરરોજનાં સાતથી દસ હજાર સ્ટેપ્સ એટલે કે પગલાં એકધારાં ચાલતી હોય તો તેનું વૉકિંગ બેસ્ટ ગણાશે. ઘરમાં પણ ચાલો તો પગલાં ગણી લેવાં.

જે લોકોને ઘૂંટણની વધુ તકલીફ નથી તેઓ દાદરા ચડી શકે છે. દાદરા ચડવા-ઊતરવા વૉકિંગ અને જૉગિંગ જેટલી જ ઇફેક્ટિવ કસરત છે.

યોગ અને ઍરોબિક્સ કસરતોની ખૂબ સારી DVD બજારમાં ઉપલબ્ધ હોય છે. એની મદદથી દરરોજ વીસ મિનિટથી લઈને અડધો કલાક કસરત કરવાથી સારો ફાયદો થાય છે.

ઘરે એકલા કસરત કરવાનો કંટાળો આવે તો ઘરે ચોમાસામાં ૪ મહિના ગ્રુપમાં કસરત કરવી જોઈએ, જેથી કસરત કરવાની મજા બરકરાર રહે.

જે લોકોને રમવામાં રસ હોય તેમના માટે આનાથી સારી કસરત કોઈ હોઈ જ ન શકે. ખાસ કરીને ટેબલ-ટેનિસ, બૅડ્મિન્ટન કે સ્ક્વૉશ જેવી રમતો શરીરને ખૂબ જ સારી કસરત પૂરી પાડે છે. આ રમતો ઇન્ડોર પણ છે અને એમાં સારી કસરત પણ થઈ શકે છે.

આ સિવાય જેમને સ્વિમિંગ આવડતું હોય અને ઇન્ડોર કે શેડવાળા સ્વિમિંગ-પૂલની વ્યવસ્થા હોય તો ચોમાસામાં એ બેસ્ટ ગણાશે. આ સિવાય ઍક્વા-એક્સરસાઇઝ પણ સ્વિમિંગ-પૂલમાં કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK