સ્ત્રીઓને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થાય છે ત્યારે લાઇફ-સ્ટાઇલ બદલવાથી જ એ થાય છે ઠીક

મુંબઈમાં ફૅમિલીથી દૂર રહેતી ૨૪ વર્ષની CA દિવ્યા પટેલને આ રોગ આવ્યો અને હૉર્મોન્સની ગોળીઓ ખાવાને બદલે તેણે પ્રયત્ન કરીને તેની લાઇફ-સ્ટાઇલ બદલી. રિઝલ્ટ એ આવ્યું કે તેનો બે વર્ષ જૂનો આ રોગ બે મહિનામાં જ દૂર થઈ ગયો

PCOS

જિગીષા જૈન

૨૪ વર્ષની દિવ્યા પટેલ મુંબઈમાં એકલી રહેતી કામકાજી મહિલાઓમાંની એક છે જે આ શહેરમાં પોતાનાં સપનાંઓ પૂરાં કરવા માટે આવી છે. દિવ્યાનાં માતા-પિતા ઇન્દોરમાં રહે છે અને એ પોતે છેલ્લાં ૮ વર્ષથી મુંબઈમાં રહે છે. અહીં રહીને જ તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની અને હાલમાં એક કંપનીમાં કામ કરે છે. સવારે ૧૦ વાગ્યે ઑફિસ જાય છે અને રાત્રે ૮-૧૦ વાગ્યા સુધી કામ કરતી હોય છે. કામ વધુ હોવાને કારણે શનિવારે રજા મળતી નથી અને રવિવારે પણ ઘેરબેઠાં કામ જ ચાલુ હોય છે. મુંબઈની હવામાં જ ખંત છે અને એટલે જ અહીં રહેલી દરેક વ્યક્તિ કામ અને ફક્ત કામમાં જ ગૂંથાયેલી રહે છે. વળી આજની કૉર્પોરેટ જિંદગી એવી છે કે બસ, માણસ સતત કામ કર્યા જ કરે અને એ કૉર્પોરેટ કલ્ચરમાં ઊછરતા યુવાનોને કંઈ ને કંઈ તકલીફ આવે છે, જેને ફેસ કરવી પડી રહી છે. PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ એક એવી જ તકલીફ છે જેનો ભોગ આજની યુવાન છોકરીઓ બની રહી છે. દિવ્યાને પણ આ રોગ ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં આવ્યો. આ રોગમાં ઓવરીમાં નાની-નાની ગાંઠો જોવા મળે છે, જેને લીધે માસિક અનિયમિત બની જાય છે. એનો ઇલાજ જરૂરી છે, કારણ કે એ આગળ જતાં ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે.

નિદાન


પોતાને PCOS છે એવી કઈ રીતે ખબર પડી એ વિશે વાત કરતાં દિવ્યા પટેલ કહે છે, ‘મારું માસિક અનિયમિત બનતું જતું હતું. છેલ્લાં બે વર્ષથી મને આ પ્રૉબ્લેમ હતો, પરંતુ કામની વ્યસ્તતાને કારણે એના પર હું ધ્યાન આપી શકતી નહોતી. હું ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં ગાઇનેકોલૉજિસ્ટ પાસે ગઈ અને ત્યાં તેમણે મને હિસ્ટરી પૂછી. છેલ્લા થોડા સમયમાં મારું વજન વધી ગયું હતું. મારા મોં પર વાળ ઊગી આવ્યા હતા. આ લક્ષણોને લીધે ડૉક્ટરે કહ્યું કે મને PCOS છે. તેમણે મને એક દવા ચાલુ કરવાની કહી અને કહ્યું કે થોડી ડાયટ બરાબર કર, બાકી આ દવાથી મટી જશે. એ દવા વિશે મેં ઘરે આવીને સર્ચ કર્યું તો ખબર પડી એ હૉર્મોન્સ માટેની દવા હતી, જેની અમુક સાઇડ-ઇફેક્ટ્સ પણ હતી. હું નહોતી ઇચ્છતી કે કોઈ સાઇડ-ઇફેક્ટ્સવાળી દવા ખાઉં. એટલે મેં એ દવા ન લીધી. એ સમયે મારી એક એક્ઝામ પણ હતી અને એટલે મેં એના પર વધુ ધ્યાન આપવાનું વિચાર્યું અને કંઈ ન કર્યું.’

લાઇફ-સ્ટાઇલ


દિવ્યા મુંબઈમાં મિત્રો સાથે ઘર રેન્ટ પર રાખીને રહે છે. ઘરમાં કુક આવે અને તે જે બનાવે એ પોતે લંચમાં સાથે લઈ જાય. બાકી ઑફિસમાં જે મળે એ ખાઈ લે. બ્રેકફાસ્ટ ક્યારેક કરે ક્યારેક ન કરે. બ્રેડ-બટર, પીત્ઝા, સમોસા કે રસ્તે ચાલતાં જે મળ્યું એ ખાઈ લીધું. કામ હોય ત્યારે કલાકો કંઈ ન ખાય અને પછી મોડી રાત્રે ખાવા બેસે. જ્યારે સમય મળે ત્યારે ખાય અને જે મળે એ ખાઈ લે. આ ખાવું અને આ ન ખાવું જેવું એકલા બૅચલર લાઇફ જીવતા, પરિવારથી દૂર રહેતા આજના યુવાનોની આવી જ લાઇફ હોવાની, જે દિવ્યા જીવી રહી હતી. પરંતુ એને કારણે તે મુસીબતમાં મુકાઈ હતી. નેટ પર જ સર્ચ કરીને તેને લાગ્યું કે મારે કોઈ ડાયટિશ્યનને બતાવવું જોઈએ. ડિસેમ્બરમાં થોડો સમય મળ્યો એટલે તેણે ડાયટ શરૂ કરી. અઠવાડિયામાં વધુ નહીં તો ચાર દિવસ તેણે એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું. તેણે પ્રૉપરલી ફૉલો કર્યું. પહેલા દોઢ મહિનામાં તો ફક્ત દોઢ જ કિલો વજન ઊતર્યું, પરંતુ આગળ જતાં બીજા બે મહિનામાં પાંચ-છ કિલો વજન ઊતર્યું, લગભગ ૭ ઇંચ જેટલો ઘેરાવો પણ ઘટ્યો અને તેનું માસિક એકદમ રેગ્યુલર થઈ ગયું. છેલ્લા ૪ મહિનાથી તેને માસિક સંબંધિત કોઈ તકલીફ નથી. તેના વાળ પણ જે મોઢા પર ઊગી આવ્યા હતા એ જતા રહ્યા છે, જેના લીધે કહી શકાય કે હૉર્મોનલ બૅલૅન્સ પ્રૉપર છે.

પ્રયત્ન અનિવાર્ય

આ રિઝલ્ટ લાવવા માટે દિવ્યાએ મહેનત પણ ઘણી સારી કરી, જેના વિશે વાત કરતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જે લોકો એકલા રહે છે અને પેરન્ટ્સ પણ સાથે ન હોય તેમના માટે પોતાના ખોરાકનું ધ્યાન રાખવું મુશ્કેલ છે. આજકાલના યુવાનો આ બાબતે બિલકુલ જાગૃત નથી હોતા અને જાગૃતિ હોય તો પણ એ બાબતે પ્રયત્નશીલ નથી હોતા. જે છોકરી દિવસના ૧૦-૧૨ કલાક ફક્ત કામ જ કરતી હોય અને ખોરાકને જેણે કોઈ દિવસ પ્રાધાન્ય જ ન આપ્યું હોય એવી છોકરીએ સવારથી રાત સુધી સમય-સમય પર શું ખાવું અને એ બધું જ સવારે બનાવડાવીને સાથે ઑફિસ લઈ જવા જેટલી જહેમત ઉઠાવવી એ પ્રયત્ન જ ઘણો સરાહનીય છે. હેલ્થ માટે નાની ઉંમરથી જ જ્યારે તમે પ્રયત્નશીલ બનો છો ત્યારે રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને એ લાંબા ગાળા સુધી ટકે પણ છે.’

બૅલૅન્સ

PCOSના દરદીને ડાયટ કરવાનો અર્થ એ નથી કે સીધું વજન ઊતરવા મંડે. આ વાત સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘PCOS થાય એનો સીધો અર્થ એ કે સ્ત્રીના શરીરમાં હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ થઈ ગયું છે. એ ઇમ્બૅલૅન્સને ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ સાથે બૅલૅન્સ કરવું જરૂરી છે. એક વખત એ બૅલૅન્સ થાય એટલે બધા જ પ્રૉબ્લેમ એની મેળે ઠીક થતા હોય છે. નૉર્મલ વેઇટલૉસ અને PCOSના વેઇટલૉસમાં આ જ મોટો ફરક છે. ફક્ત વજન ઘટાડવા માટે જ ડાયટ જરૂરી નથી, બીમારીને ઠીક કરવા માટે ક્યૉરેટિવ કારણોસર પણ ડાયટનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યક્તિ યોગ્ય સમયે પોષણયુક્ત ખોરાક લે, સમય પર સૂવે, પૂરતી ઊંઘ લે અને સાથે એક્સરસાઇઝ પણ કરે ત્યારે શરીરને બૅલૅન્સમાં રાખી શકે છે. દિવ્યાના કેસમાં પણ અમને શરૂઆતનો દોઢ મહિનો ધીરજ રાખવી પડી હતી. બધું વ્યવસ્થિત ફૉલો કરવાને લીધે બે મહિનાની અંદર તેના પિરિયડ્સ રેગ્યુલર ચાલુ થઈ ગયા અને એટલે તરત જ વજન પણ ઊતરવા લાગ્યું.’

લાઇફ-સ્ટાઇલ બદલવાથી મળે છે રિઝલ્ટ


PCOS આજકાલ અત્યંત સામાન્ય થતી જતી બીમારી છે. ઓવરીમાં નાની-નાની અસંખ્ય ગાંઠો ઊપસી આવે છે, કારણ કે સ્ત્રીના શરીરમાં હૉર્મોનલ બૅલૅન્સ બગડે છે; પુરુષ હૉર્મોન્સનો વધારો થાય છે. આ ઇમ્બૅલૅન્સ પાછળ ફક્ત ને ફક્ત લાઇફ-સ્ટાઇલનાં કારણો જ જવાબદાર છે. ખોટો ખોરાક, બેઠાડુ જીવન, અપૂરતી ઊંઘ અને વધુપડતું સ્ટ્રેસ તથા ચિંતાને કારણે શરીરમાં હૉર્મોન્સનું બૅલૅન્સ બગડે છે. આ બૅલૅન્સ બગડવાને કારણે આ રોગ આવે છે. એ વિશે સમજાવતાં વાશીનાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આ રોગનો ફક્ત દવાઓથી ઇલાજ શક્ય નથી. હૉર્મોન્સની દવાઓ થોડી ઉપયોગી થઈ શકે, પરંતુ એનાથી રોગ જડથી જશે નહીં; કારણ કે આ રોગનો ઇલાજ જ લાઇફ-સ્ટાઇલમાં સુધાર છે. હૉર્મોન્સને બૅલૅન્સ અંદરથી કરવા પડે છે, જે દવાઓથી પૂરી રીતે થાય નહીં. આ રોગને ગંભીરતાથી લેવો જરૂરી છે, કારણ કે જો એનો યોગ્ય ઇલાજ ન થયો તો આગળ જતાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે થાઇરૉઇડ, ડાયાબિટીઝ જેવી સમસ્યા આવે અને ભવિષ્યમાં ઇન્ફર્ટિલિટીનો પ્રૉબ્લેમ પણ આવી શકે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK