શરીરને અચાનક લાગતા ઝટકાથી પ્રોટેક્ટ કોણ કરે છે ખબર છે? જવાબ : પાણી

કારણ કે પાણીનાં અનેક કામમાંથી એક કામ શૉક-ઍબ્સૉર્બરનું પણ છે. એ સિવાય માનવશરીરમાં રહેલા ૭૦ ટકા પાણીની આવશ્યકતા શું છે, શરીરની કઈ ક્રિયાઓ માટે પાણી જરૂરી નહીં પણ બહુ જ જરૂરી છે એ આજે જાણીએ

water

રુચિતા શાહ

જો પાણી ન હોત તો? તો આપણે પણ ન હોત, સિમ્પલ. જલ હૈ તો કલ હૈ વાતનો અત્યારે ભરપૂર પ્રચાર શરૂ થયો છે. પરંતુ કાલ નહીં, પણ આજ માટે જળ વિના જીવવું સંભવ નથી. જળ જ જીવન છે એ અમસ્તું પ્રાસ બેસાડવા માટે બોલાતું સુવાક્ય નથી, પણ હકીકત છે. જીવમાત્ર માટે તેના અસ્તિત્વની ફર્સ્ટ પ્રાયોરિટી છે જળ. જો પાણી નહીં હોય અને ઓછું હશે તો એ વિષય ગંભીર નહીં, અતિ ગંભીર છે. એના તરફનું દુર્લક્ષ આપણને સાવ તહસનહસ કરી નાખશે એ વાત જેટલી વહેલી સમજાય અને પાણીનો બગાડ જેટલો અટકાવી શકાય એટલું આપણા હિતમાં છે. એની ગંભીરતાને કારણે જ આજે વિશ્વમાં વૉટર ફોરમો શરૂ થઈ છે અને સાથે મળીને પાણીને બચાવવાની દિશામાં ચર્ચાઓ થઈ રહી છે. શું કામ આપણા બધા માટે પાણી આટલું જરૂરી છે એનાં બે-ત્રણ પ્રૅક્ટિકલ કારણો જાણી લઈએ પહેલાં. આપણી પૃથ્વીનો લગભગ ૭૧ ટકા હિસ્સો પાણીનો બનેલો છે, જેમાંથી લગભગ ૯૭ ટકા પાણી સમુદ્રરૂપે છે. એમાંથી પણ વાપરી શકાય એટલું તો માત્ર ૦.૩ ટકા પાણી જ છે. યસ, પીવાનું પાણી માત્ર ૦.૩ ટકા જેટલું જ છે. અત્યારે આ પાણી પણ આપણે બગાડવા માટે હાથ ધોઈને પાછળ પડ્યા છીએ. નદીઓમાં સુએજનું પાણી, ગંદો કચરો વગેરે નાખીને નાળાનું રૂપ આપી દીધું છે. માત્ર મુંબઈમાં આ જ સ્થિતિ છે એવું નથી, આખા દેશની અને દુનિયાની પણ આ જ અવસ્થા છે. પીવાના પાણીનો સૌથી મોટો સ્રોત ગણાતી નદીઓ ગંદકીથી ખદબદી રહી છે ત્યારે પાણી વિનાની અવસ્થા કેવી ગંભીર સમસ્યા લાવી શકે છે એની એક કલ્પના કરવા માટે પાણીની આપણા જીવનમાં, આપણા શરીરમાં કેટલી મહત્તા છે એની આજે વર્લ્ડ વૉટર ડે નિમિત્તે વાત કરીએ.

પાણીનું પ્રમાણ


આપણું શરીર પાણીથી બનેલું છે એમ કહીએ તો ચાલે. બેશક, પાણી જેવું વહી નથી જતું; કારણ કે એને બોન્સ, સ્કિન, માંસ જેવાં તત્વોએ શેપ આપી રાખ્યો છે. પરંતુ આ તમામ તત્વો પાણીનું જ કૉમ્બિનેશન છે. માનવશરીરમાં લગભગ ૫૦થી ૭૫ ટકા પાણીનો હિસ્સો હોય છે. આ પ્રમાણ ઉંમર અને તમારા શરીરના બાંધા મુજબ હોય છે. નવજાત શિશુના શરીરમાં લગભગ ૭૮ ટકા પાણીનો ભાગ હોય છે, પુરુષોના શરીરમાં લગભગ ૫૫થી ૬૫ ટકા ભાગ પાણીનો છે અને મહિલાઓના શરીરમાં ફૅટનું પ્રમાણ વધારે હોવાથી લગભગ ૫૦થી ૫૫ ટકા પાણીનો ભાગ હોય છે. આ પ્રમાણ બદલાતું રહે છે. સ્થૂળ પુરુષના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હશે કોઈ પાતળી વ્યક્તિની તુલનાએ.

ક્યાં હોય છે પાણી?

શરીરની સ્વસ્થતા જાણવા માટે બૉડી વૉટરની માત્રા બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિનરલ વૉટરની બૉટલ કે માટલામાં જેમ પાણી ભરેલું હોય એ રીતે કંઈ પાણીનો ભરાવો શરીરમાં થતો નથી, પણ એ કોઈક સ્વરૂપમાં હોય છે. જેમ કે આપણું શરીર કોષોનું બનેલું છે, પણ આ કોષો શેના બનેલા છે? તો પાણીના. શરીરમાં રહેલા કુલ પાણીમાંથી બે તૃતીયાંશ ભાગ કોષોમાં હોય છે. એ સિવાય બ્લડ પ્લાઝમાથી લઈને શરીરમાં ઝરતાં વિવિધ હૉમોર્ન્સ, મોઢાની લાળ જેવા તમામ ફ્લુઇડ પાણીના મિશ્રણથી બનેલા છે. એચ. એચ. મિશેલ નામના બાયોલૉજિસ્ટે જર્નલ ઑફ બાયોલૉજી કેમિસ્ટ્રીમાં શરીરમાં રહેલા પાણી પરનો એક અભ્યાસ રજૂ કર્યો છે. એ મુજબ શરીરના કયા અવયવોમાં પાણીનો ભાગ કેટલા ટકા છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ અનુસાર આપણું હૃદય ૭૩ ટકા પાણીથી બનેલું છે. ફેફસાં ૮૩ ટકા, સ્કિનમાં ૬૪ ટકા, મસલ્સ અને કિડનીમાં ૭૯ ટકા પાણી છે. અરે, આપણાં હાડકાંઓમાં પણ ૩૧ ટકા પાણી છે. પાણીનો મહત્વનો ગુણ એ છે કે એ વિવિધ ન્યુટ્રિઅન્ટ્સને ઓગાળવાની ક્ષમતા ધરાવે છે અને એની વહનક્ષમતા છે. પાણી બ્લડ પ્લાઝમા વાટે ટ્રાન્સપોર્ટરનું કામ કરી શકે છે. શરીરમાં ઍર-કન્ડિશનિંગનું કામ પણ પાણી જ કરે છે. એટલે કે શરીરના ટેમ્પરેચરને મેઇન્ટેન રાખવાનું કામ પાણી દ્વારા થાય છે. આપણને થતો પસીનો અને એ પસીનામાં નીકળતું પાણી એ બૉડી-કૂલિંગ માટેની શરીરની ઑટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા થતી એક ઍક્ટિવિટી જ છે. આપણને શક્તિ પ્રદાન કરવાનું કામ કરતાં કાબોર્હાઇડ્રેટ્સ, પ્રોટીન્સ અને વિટામિન્સ જેવાં તત્વોને લોહીમાં સમાવવાનું અને એને શરીરના જુદા-જુદા હિસ્સામાં ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પાણી કરે છે. આખા શરીરમાં ઑક્સિજન પહોંચાડવાની જવાબદારી પણ પાણીના શિરે છે. શરીરના કચરાને યુરિન અને સ્ટૂલના માધ્યમે શરીરની બહાર ફેંકવાનું કામ પણ પાણી જ કરે છે. મગજ, કરોડરજ્જુ તેમ જ ગર્ભમાં રહેલા બાળક માટે અચાનક લાગતા ઝટકાથી બચાવવાનું અને શૉક-ઍબ્સૉર્બર તરીકેનું કામ પણ પાણી જ કરે છે. સાંધાઓને લુબ્રિકેટ કરવાનું અને ખોરાકના પાચન માટે મહત્વપૂર્ણ એવી સલાઇવા બનાવવાનું કામ પણ પાણી દ્વારા થાય છે.

ભગવાનની મરજી : પાણી બચાવો


આજે વર્લ્ડ વૉટર ડે છે ત્યારે પાણીની બચત માટે મુંબઈમાં શરૂ થયેલા અનોખા અભિયાનની વાત પણ કરી લઈએ. પાણી બચાવવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી લડત આપતા અને ઘરે-ઘરે જઈને વહેતા નળને સુધારવાનું કામ કરી ચૂકેલા આબિદ સુરતીએ વધુમાં વધુ લોકોને પાણી બચાવવાની દિશામાં સક્રિય કરવા માટે એક નવો રસ્તો શોધ્યો છે. તેમની દૃષ્ટિએ પાણી બચાવવાની વાત માત્ર પર્યાવરણવાદીઓએ નથી કરી, પરંતુ ધર્મગુરુઓ અને ભગવાને પણ પાણીની મહત્તાને પોતાની રીતે પ્રગટ કરી જ છે. આપણે માત્ર એ તરફ ધ્યાન નથી આપ્યું. તેઓ કહે છે, ‘પાણીને બચાવવાની વાત ધર્મ અને ધર્મગુરુઓએ કરી જ છે. ઇસ્લામમાં મોહમ્મદ પયગંબરે કહેલું કે નહેરની બાજુમાં બેઠા હો તો પણ તમને પાણી બગાડવાનો અધિકાર નથી. આ વાતની જ્યારે મને ખબર પડી ત્યારે થયું કે મોહમ્મદ પયગંબરે છેક દોઢ હજાર વર્ષ પહેલાં આ વાત કહી છે તો હવે તો લોકો આ વાત વધુ શ્રદ્ધાથી સ્વીકારશે. એક પ્રયોગરૂપે અમે મીરા રોડની એક મસ્જિદમાં હાથ-પગ ધોવાના સ્થાને ઉર્દૂ અને હિન્દીમાં આ જ વાત લખેલાં પોસ્ટર લગાડી દીધાં. મુસ્લિમો નમાજ પઢતા પહેલાં હાથ-પગ ધોઈને જ જાય, જેને વજૂ કરના એવું કહેવાય છે. તમે માનશો નહીં કે એક મહિનામાં ત્યાંના મૌલવી પાસેથી અમને જાણવા મળ્યું કે પહેલાં મસ્જિદમાં વજૂ માટે લગભગ બે ટાંકી પાણી વપરાતું હતું, જે હવે માત્ર ૨૫ ટકા જ વપરાય છે. એનો અર્થ એવો થયો કે લોકોને વાત મગજમાં ઊતરી. ગણેશ વિસર્જન માટે પણ અમે આવાં પોસ્ટર બનાવ્યાં હતાં. હવે જૈન ધર્મના ભગવાન મહાવીરના પણ આવા કોઈ સંદેશને હાઇલાઇટ કરવાની વાત લઈને એક ગ્રુપ મારી પાસે આવી ગયું છે. મારી એક જ વાત છે કે ધમોર્માં પણ વિષયની ગંભીરતા લખાઈ છે, પણ આપણું ધ્યાન નથી. મારો વિચાર એટલો જ છે કે આ વિચારને આપણે મુંબઈથી દેશભરમાં અને દેશમાંથી વિશ્વભરમાં પ્રસરાવીએ અને ઈશ્વરની ઈચ્છા પણ આ જ છે એ વાત પર ભાર મૂકીએ તો કદાચ પાણી બચાવવાની વાતને લોકો વધુ ગંભીરતાથી લેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK