મોબાઇલ અને મેઇલ્સની જેમ મગજ માટે પણ ડિલીટ અને સેવનું મહત્વ સમજો

લોકો પોતાનાં વિચારો-દલીલોનો કચરો આપણા પર ફેંકતા જ રહે છે. આમ મગજમાં રોજના ધોરણે જમા થતા રહેતા વિચારોમાંથી કોને ડિલીટ કરવા, કોને સાચવવા એ આપણે નહીં સમજીએ તો હૅન્ગ થઈ જઈએ એવું પણ બની શકે

brain1

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

રોજની જેમ લૅપટૉપ પર કામ કરી રહ્યો હતો, મારું મેઇલ-બૉક્સ ખુલ્લું હતું. અચાનક મેં સ્ક્રીનના ઉપરના ભાગમાં એક સૂચના વાંચી, જેમાં લખ્યું હતું કે મારા મેઇલ-બૉક્સમાં સ્પેસ પૂરી થવા આવી છે, મારે મેઇલ-બૉક્સમાં જગ્યા ખાલી કરવી પડશે અથવા નવી જગ્યા ખરીદવી પડશે. ઇન્ટરનેટમાં સચવાતી બાબતો માટે આમ તો જગ્યાની મર્યાદા નથી હોતી એમ માનવામાં આવે છે; પણ કમ્પ્યુટર, લૅપટૉપ હોય કે ઇન્ટરનેટ દરેકની જગ્યાની-સ્પેસની સીમા કે મર્યાદા હોય જ છે. આના પરથી વિચારો આવવાના શરૂ થયા. આપણું મગજ પણ કમ્પ્યુટર સમાન ગણાય છે, એમાં પણ કેટલું વરસોનું સંઘરાયેલું પડ્યું હોય છે અને ઉપરથી સતત નવું-નવું જમા થતું જાય છે. આપણું મગજ પણ આપણને હવે સ્પેસ નથી એની સૂચના આપે છે, પણ આ સૂચના લખીને નથી આવતી એથી આપણને સમજાતી નથી અને આપણે જગ્યાની શૉર્ટેજ હોવા છતાં નવી-નવી વાતો-બાબતો, વિચારો જમા કરતા જ જઈએ છીએ, સતત એકધારા-અવિરત. કમ્પ્યુટરમાં એક દિવસ એવો આવે છે કે વધુપડતી જગ્યા ભરાયા બાદ એ સ્લો યા હૅન્ગ થઈ જાય છે એમ આપણું મગજ પણ એક દિવસ હૅન્ગ થઈ જાય છે. કમનસીબે આપણને એનો પણ ખ્યાલ નથી આવતો, જે હવેના સમયમાં નવાં નામો સાથે આપણી સામે આવી ગયા છે અને બહુ મોડું થઈ ગયા બાદ હવે આપણે એના પ્રત્યે જાગી રહ્યા છીએ. એ પણ હજી બહુ ઓછા લોકો જાગ્યા છે, જ્યારે કે એનાથી પીડાય છે બહુબધા લોકો. આ હૅન્ગ થવાનાં લક્ષણોનાં નામ છે - સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શન, ઇરિટેશન, નવર્સ નેસ, બોરડમ વગેરે.

આપણે લૅપટૉપ-કમ્પ્યુટરની વાતની સાથે-સાથે આપણા મગજ નામના કમ્પ્યુટરની વાત પણ કરીએ જ્યાં આપણે હવેના સમયમાં સતત વિચારોની ફાઇલ અને ફોલ્ડરો જમા કરતા જઈએ છીએ અને આપણા શરીર તેમ જ મન માટે મુસીબતો ઊભી કરતા જઈએ છીએ. આપણી સામે રોજ પોતાના તરફથી અને બીજાઓ તરફથી વિચારોના ઢગલા થયા જ કરે છે. આમ તો થવાનું જ છે અને થતું રહેશે, જ્યાં સુધી આપણે આપણામાં પરિવર્તન નહીં લાવીએ. આ માટે આપણે જે મુખ્ય બાબત શીખવાની છે એ છે ડિલીટ કરવાની. મારા લૅપટૉપ પર સ્પેસની સમસ્યા સૂચના સ્વરૂપે આવી ગઈ કે મેં પહેલું કામ મેઇલ્સ ડિલીટ કરવાનું શરૂ કરી દીધું. આ કામ કરતાં-કરતાં જે શીખવા મળ્યું એ એ હતું કે સૂચના આવે ત્યાં સુધી રાહ ન જોવી, બલકે રોજ નિયમિત સ્વરૂપે ડિલીટ કરતા જવું. શું ડિલીટ કરવું અને શું સેવ કરવું (સાચવવું) એ આપણી વિવેકબુદ્ધિથી નક્કી કરવું. વધુમાં આપણે અમુક મેઇલ્સ આવે જ નહીં એવું ઇચ્છતા હોઈએ તો એને બ્લૉક પણ કરી શકાય. ઘણી વાર તો વાઇરસ ફેલાવતાં મેસેજ કે મેઇલ્સ પણ આવતાં હોય છે, જેને આપણે કુવિચારો અને ગેરમાર્ગે દોરનારા કે નકારાત્મક વિચારો પણ કહી શકીએ. જે આપણું મગજરૂપી કમ્પ્યુટર સાવ જ બગાડી નાખે એવું પણ કરી શકે. આને તો ઓપન પણ કરાય નહીં, ઊલટાનું એનાથી સાવચેત રહેવાય. જ્યારે અમુક આપમેળે સ્પૅમમાં ચાલ્યા જાય અને ટ્રૅશમાં પણ જમા થયા કરે. અહીંથી પણ એને ડિલીટ કરવા જરૂરી હોય છે. વાત માત્ર લૅપટૉપ કે કમ્પ્યુટરની નથી, બલકે આ જ વાત મોબાઇલ ફોનને પણ લાગુ પડે છે. એમાં પણ ડિલીટનું મહત્વ સમજવું જોઈશે.

આ જ રીતે આપણા પર વિચારોનો મારો વિવિધ માધ્યમથી ચાલતો જ હોય છે, લોકો સાથેની ચર્ચામાંથી. ઘણી વાર આવો મારો એકપક્ષી પણ ચાલતો હોય, ઘણા પોતાની ભડાસ કે ફ્રસ્ટ્રેશન કાઢવા પોતાના વિચારો કે દલીલોનો કચરો આપણા પર ફેંકતા જતા હોય છે. ઘણા બીજાઓની પંચાત અને નિંદાઓનો ઢગલો આપણા કાનમાં પધરાવવા આતુર હોય છે. આવા વિચારોનો કચરો આપણા પર ફેંકનારા આપણી આસપાસ જ હોય છે. એ હાઉસિંગ સોસાયટીમાંથી આવી શકે, ઑફિસમાંથી આવી શકે; ટ્રેન, બસ, ટૅક્સી, રિક્ષા, ફ્લાઇટ વગેરે મુસાફરી દરમ્યાન પણ આવી શકે. ક્યારેક વળી વિચિત્ર મિત્રો-પરિચિતો પાસેથી પણ આક્રમણ થાય. આપણે ન બોલવું હોય તો પણ લોકો આપણા મગજના દરવાજામાં ઘૂસી જઈને આપણને પરેશાન કરવા તૈયાર હોય છે.

જોકે દર વખતે બધાનો કે બીજાનો વાંક પણ નથી હોતો. આપણે પોતે પણ સામે ચાલીને રોજ કેટલોય કચરો ભેગો કરતા રહીએ છીએ. બીજાઓ પર પણ એ કચરાને ફેંકતા રહીએ છીએ. કવિ ડૉ. સુરેશ દલાલ વ્યંગમાં હંમેશાં કહેતા કે ઘણા લોકો આપણને વૉશબેસિન સમજીને તેમના વિચારોના કોગળા કરતા રહે છે. જોકે આપણે પણ જાણતા-અજાણતા આવું કરતા હોઈએ તો તરત અટકી જવું જોઈએ અને જાગ્રત થઈ જવું જોઈએ.

તાજેતરમાં ક્યાંક વાંચ્યું, મોટા ભાગની સ્ત્રીઓ આઠથી દસ પરિવારની ચિંતા કરતી હોય છે. એક પોતાનો પરિવાર, પિયરનો પરિવાર, ટીવી-સિરીયલના ચાર-પાંચ પરિવાર અને બાકીના બે-ચાર પાડોશીના પરિવાર. આવો વર્ગ પોતાના મગજમાં શું ભેગું કરશે, કેવું ભેગું કરશે? પોતાના બે પરિવાર સુધી વાત યોગ્ય છે, પણ બીજાઓના અને ટીવી-સિરિયલના પાત્રોના પરિવારની ચિંતા કરતા લોકોના મગજમાં જમા થતા કચરાનું શું કહેવું? આવો જ કચરો અમુક હદ સુધી વૉટ્સઍપ પર ફરતો-મુકાતો અને ફૉર્વર્ડ થતો જાય છે. આપણે બીજાનો અને બીજાઓ આપણો સમય લૂંટી લેવા, આપણા મગજમાં જાત-જાતના વિચારોનો કચરો નાખવા બેઠા જ છે, સતત સક્રિય પણ છે. ક્યાં-ક્યાંથી બચીશું?  સવાલ કે સમસ્યા માત્ર સ્ત્રીની જ નથી, પુરુષો પૉલિટિક્સના સમાચાર-ચર્ચામાં પડ્યા રહે છે. તો વળી ક્રિકેટની યા પછી છાપાંઓના સાચા-ખોટા સમાચારોની વાતોમાં ખૂંપેલા રહે છે. સમજાય ન સમજાય તેઓ આખા ગામને સલાહ-સૂચન કરતા રહે છે. પોતાના ઘરે જે ન થઈ શકતું હોય એ ઘરની બહાર લોકો પર ફેંક્યા કરે છે. યુવાનો ફિલ્મો અને ફ્લર્ટમાંથી બહાર નથી આવી શકતા. આ દરેક વર્ગ માટે કચરાના પણ પ્રકાર હોય છે. જેવી જેની પસંદ એવો કચરો જમા કરે, બીજાને આપે, બીજા પાસેથી મેળવે. જિસકી જૈસી સોચ.

brain

આનું સૉલ્યુશન સૉફ્ટવેર શું છે?

તો કરવાનું શું? વિચારો દોસ્તો, ચાહો તો ઉપાય સરળ છે. તમે બુફેમાં જાઓ ત્યારે તમારી પ્લેટમાં શું લેશો? નૅચરલી તમારી પ્લેટમાં તમે તમને ભાવતી વાનગી લેશો. જોકે એ માત્ર ભાવે છે એથી અમર્યાદિત પ્રમાણમાં તમે નહીં લો, પણ ખાઈ શકાય એટલી અને પચી શકે એવી લેશો. ભાવતી-સારી વાનગી ખાઈ શકાય એ માટે ન ભાવતી કે ઓછી ભાવતી વાનગીને છોડી દેશો, કારણ કે તમને ખબર છે કે પ્લેટ અને પેટમાં કેટલું જઈ શકે છે, કેટલું અને શું લઈ જવું સલાહભર્યું છે, સ્વાસ્થ્યવર્ધક છે. જો અહીં ભાન ભૂલ્યા તો અપચો, પેટમાં ગરબડ નક્કી. આટલું સરળ ગણિત સમજાઈ જાય તો જીવનમાં પણ શું ડિલીટ કરવું અને શું સેવ કરવું એ સત્ય સમજવાનું પણ સરળ થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK