ખીચડી ચડે કે સૂપ-સૅલડ?

જો ડિનરમાં બેમાંથી કોઈ એક ચીજની પસંદગી કરવાનું કહેવામાં આવે તો આ બેમાંથી હેલ્ધી ઑપ્શન કયો? ચાલો જાણીએ કે સ્વાદ, સંતુષ્ટિ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ડિનર-ડિશ તરીકે શું ઉત્તમ છે

khichdi

સેજલ પટેલ

બહુ ફેમસ ઉક્તિ છે જેનો ભાવાર્થ કંઈક એવો છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવો, લંચ રાજકુમારની જેમ કરવું અને ડિનર રંકની જેમ કરવું. વેઇટ-લૉસ માટેના ડાયટમંત્રમાં પણ એવું કહેવાય છે કે ડિનર તો હળવું જ હોવું જોઈએ અને એ માટે સૂપ-સૅલડ બેસ્ટ છે. હેલ્થ-કૉન્શ્યસ લોકો રાતના ભોજનમાં સૂપ-સૅલડ ખાઈને પોતે બહુ હેલ્ધી ઑપ્શન પસંદ કરી રહ્યા હોવાનું ફીલ કરે છે. શું આ યોગ્ય છે? આપણા વડવાઓ દાયકાઓથી રાતે ખીચડી-કઢી જેવું હળવું ભોજન કરતા આવ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય ખડતલ હતું એ આપણે અનુભવે જાણીએ છીએ.

તો શું આજના સંજોગોમાં ખીચડી-કઢી ઉત્તમ આહાર નથી? શું હવે ટ્રેડિશનલ વાનગીઓનું ભોજન કરવાથી મેદસ્વી કે અસ્વસ્થ થઈ જવાય?

રાતનું ભોજન હળવું હોવું જોઈએ એ વાત સાથે મૉડર્ન અને પૌરાણિક વિજ્ઞાન બન્ને એકમત છે, પણ રાતે સૂપ-સૅલડ લેવાં જોઈએ કે ખીચડી-કઢી? ઓવરઑલ પૌષ્ટિક આહાર કોને કહેવાય? એક તરફ શાકભાજી અને ફળોમાં રહેલાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ છે અને બીજી તરફ દાળ-ચોખાની બનેલી સાદી ખીચડી છે. એક આમ આદમીએ, એક ગુજરાતી કે ભારતીયે એ બેમાંથી શાની પસંદગી કરવી? આ વિશે જ્યારે પ્રખર આયુર્વેદ-નિષ્ણાત ડૉ. સંજય છાજેડને પૂછ્યું તો તેમણે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના ખીચડી-કઢીને રાતનું ઉત્તમ ભોજન ગણાવ્યું.

શા માટે ખીચડી-કઢી બેસ્ટ ડિનર-ડિશ છે એ વિશે વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મને સૂપ અને સૅલડ સાથે કોઈ વાંધો નથી, પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણી જીવનશૈલી અને શરીરની જરૂરિયાત જોતાં ખીચડી-કઢી ઉત્તમ છે. એની પાછળનાં કારણો માત્ર આયુર્વેદિક દૃષ્ટિકોણથી જ નહીં, મૉડર્ન ન્યુટ્રિશનની વાત કરું તો એ દૃષ્ટિએ પણ સૂપ-સૅલડની સામે ખીચડી-કઢી જ ચડિયાતી પુરવાર થાય. કોઈ પણ આહાર સંપૂર્ણ છે કે કેમ એ સમજવા માટે એનું ત્રણ ગુણોનું મૂલ્યાંકન થવું જોઈએ. એક છે આહારની ઉપયુક્તતતા, બીજું છે એનું આૈષધીય અને પોષક મૂલ્ય અને ત્રીજું સંતુષ્ટિ. મોટા ભાગે લોકો પહેલા બે ગુણો પર જ ભાર મૂકે છે અને એનું જ વિfલેષણ કરે છે, પરંતુ ભોજન ખાધા પછી સંતૃપ્તિનો ઓડકાર આવે એ બહુ જ મહત્વનું છે. જે-તે ખોરાક ખાધા પછી ભૂખ સંતોષે છે એ વધુ પોષક બને છે. હૈદરાબાદમાં આવેલી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યુટ્રિશનના અભ્યાસકર્તાઓએ દુનિયાભરની ડાયટનો સ્ટડી કરીને તારવ્યું છે કે ઇન્ડિયન ટ્રેડિશનલ ડાયટ છે એ સંતુલિત કૉમ્બિનેશન સાથે બન્યો છે.’

kadhi

પોષણ મળવું જરૂરી

શાકભાજી અને ફળો વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવા છતાં આહારમાં માત્ર એનું જ સેવન ઠીક નથી એ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મૉડર્ન ન્યુટ્રિશનની વાત કરીએ તો આહારમાં કાબોર્હાઇડ્રેટ, પ્રોટીન, ફૅટ અને વિટામિન્સ અને મિનરલ્સનું યોગ્ય સંતુલન હોવું જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી છે, પરંતુ એ પહેલાં શરીરને ઊર્જા અને પોષણ માટે કાબોર્હાઇડ્રેટ, પ્રોટીન, ફૅટનું સંતુલન પણ આવશ્યક છે. માત્ર વિટામિન્સ, મિનરલ્સ કે ફાઇબર જ મહત્વનાં હોત તો જરૂરી વિટામિન્સની ગોળીઓ ફાકી લેવાથી ચાલી જાત, પણ તમે જાણો જ છો કે કોઈ માત્ર આ ગોળીઓ પર જીવી નથી શકતું. જેમ એની અવગણના યોગ્ય નથી એમ માત્ર એનાથી જ શરીરને પોષણ મળશે એમ ધારી લેવું ઠીક નથી.’

છ રસોનું સંતુલન

આયુર્વેદમાં સંતુલિત ભોજન માટે છ રસોનું મહત્વ છે. વિવિધ રસો કેવી રીતે પાચનમાં મદદરૂપ છે એ વિશે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મધુર (મીઠો), અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો) અને કષાય (તૂરો) એમ છ રસોનું ભોજનમાં સંતુલન હોવું જરૂરી છે. કોઈ પણ એક રસ વધુ માત્રામાં ભોજનમાં થઈ જાય તો એનાથી પાચનવ્યવસ્થા ખોરવાય છે. ભોજનની શરૂઆત મધુર રસ એટલે કે મીઠાથી થવી જોઈએ અને ભોજનનો અંત અમ્લ એટલે કે ખટાશથી થવો જોઈએ. જ્યારે તમે ડિનરમાં માત્ર સૂપ અને કાચાં શાકભાજીનું સૅલડ જ લો છો ત્યારે કષાય રસ વધી જાય છે. તૂરો રસ પિત્તનું આધિક્ય કરે છે. આજકાલ લોકો કોઈ પણ પ્રકારના ગળપણને દુશ્મન માને છે, પણ હકીકતમાં મધુર રસ શરીરની ઊર્જા અને પોષણ માટે બહુ જ જરૂરી છે. મધુર રસ શરીરને સ્ફૂર્તિમય અને ઊર્જામય રાખવા માટે આવશ્યક છે. ખીચડી-કઢીમાં મધુર અને અમ્લ બન્ને રસોનું સંતુલિત સંયોજન છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામોથી ખીચડી જેવી વાનગીઓ ફેમસ છે. એ તમામમાં ખીચડી સાથે ખટાશનું સંયોજન થાય છે. સાઉથમાં પોંગલની સાથે ટમાટર કે આમલીની ચટણી, મહારાષ્ટ્રમાં કોકોનટ-કોકમની સોલકરી, ગુજરાતીઓમાં ખાટીમીઠી કઢી એમ હળવી ખટાશનું સંયોજન છે. ટૂંકમાં, પાચન અને પોષણ બન્નેની દૃષ્ટિએ ખીચડી-કઢી એ ઉત્તમ ઑપ્શન છે.’

soup

ઊર્જાનો સ્રોત

તમે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિની પૌરાણિક આહારશૈલી જોશો તો એમાં કાબોર્હાઇડ્રેટ્સનો ભરપૂર ઉપયોગ થાય છે. એનું કારણ શું? કાબોર્હાઇડ્રેટ શરીરને એનર્જી આપવાનો ઉત્તમ સ્રોત છે. આહાર પચે અને એમાંથી જરૂરી પોષક તkવો લોહીમાં શોષાઈ જાય એ પછીથી રહી જતો કચરો સરળતાથી આંતરડાંમાંથી સરી જાય એ માટે ફાઇબરની જરૂર પડે છે. ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ખોરાકમાં ફાઇબરની જરૂર પણ છે, પણ માત્ર ફાઇબરથી શરીરનું પોષણ નથી થતું. બીજું, ગુજરાતીઓ વેજિટેરિયન હોય છે એટલે જો તમે સૅલડ જ ડિનરમાં ખાઓ તો કાકડી, ટમેટાં, ગાજર, કોબી, લેટસ, કાંદા, બીટ જેવી જ ચીજો હશે; જ્યારે પિમના દેશોમાં જે સૅલડ ખવાય છે એમાં પણ સંતુલન હોય છે. ત્યાંની આબોહવાને ધ્યાનમાં રાખીને લોકો સૅલડમાં પણ નૉન-વેજ આઇટમોના ટુકડા ઉમેરતા હોય છે. તેઓ સૂપમાં પણ દાળ, ચિકન કે મીટનો સ્ટૉક વાપરે છે જે આહારની પોષણ-વૅલ્યુ વધારે છે. તમે માત્ર વિદેશમાં સૂપ-સૅલડ ફેમસ છે એટલે આપણે પણ ખાવાં જોઈએ એવી સીધી ગણતરી ન માંડી શકો. ઇટાલિયન રિસોટો હોય કે સ્પૅનિશ પાએલા જેવી ડિશ એ એક પ્રકારની ખીચડી જ છે. એ પણ કમ્પ્લીટ ફૂડ છે.’

ડાયાબિટીઝવાળા માટે ખીચડી?


જેમને લોહીમાં શુગર વધી જવાની તકલીફ હોય એવા લોકોએ ચોખા ન ખાવા અથવા ઓછા ખાવા જોઈએ એવી સલાહ અપાય છે. શું આવા દરદીઓ ખીચડી ખાઈ શકે? એના જવાબમાં ડૉ. સંજય કહે છે, ‘અવશ્ય ખાઈ શકે. ધ્યાન એ રાખવું જોઈએ કે ખીચડીમાં વપરાતા ચોખા હાથછડના હોય અને એક કે એથી વધુ વર્ષ જૂના હોવા જોઈએ. નવા ચોખા ખાવાને કારણે ડાયાબિટીઝ થાય છે, જૂના ચોખાથી નહીં. આપણે ત્યાં બાસમસી અને સુપર પૉલિશ્ડ ચકચકતા ચોખા ખાવાનું ચલણ વધ્યું છે એ જોખમી છે. એવા ચોખા ડાયાબિટીઝ ન હોય એવા લોકોએ પણ ન ખાવા. સ્થાનિક વિસ્તારમાં ઊગતા અને એક વર્ષથી જૂના ચોખા ડાયાબિટીઝના દરદીઓ પણ ખાઈ શકે છે. હકીકતમાં બૉઇલ્ડ, હાથછડના, અનપૉલિશ્ડ, બ્રાઉન ચોખા ડાયાબિટીઝના દરદીઓ માટે વધુ ગુણકારી છે કેમ કે એમાં ખૂબ અલભ્ય એવાં વિટામિન્સ રહેલાં છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK