નાની ઉંમરે યોગ શીખવાના છે અઢળક ફાયદાઓ

જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી યોગ વિશે એટલી જાગૃતિ વધી છે કે આજકાલનાં ગૅજેટસૅવી બાળકોએ પોતાનાં ગૅજેટ છોડીને યોગ શીખવાનું શરૂ કર્યું છે. યોગ બાળકોને કઈ રીતે ઉપયોગી થાય છે એ જાણીએ

yoga

જિગીષા જૈન

એક સમય હતો કે જ્યારે બાળકો તેમનો અભ્યાસ કરવા માટે ગુરુકુળ જતાં અને ત્યાં ગુરુ પાસે દરેક વિદ્યાનું જ્ઞાન લેતાં, જેમાં યોગ એ શિક્ષણનો મહત્વનો ભાગ ગણાતા. એટલે જ પહેલાંના લોકોનું જીવન યોગમય હતું. વચ્ચે એક સમય આવ્યો જ્યારે પãમી સંસ્કૃતિના અનુકરણ હેઠળ આપણી શિક્ષણપદ્ધતિ ઘણી બદલાઈ ગઈ અને યોગ અમુક સંસ્થાઓ પૂરતા સીમિત થઈ ગયા. અમુક સ્કૂલોને છોડીને કોઈ પણ સ્કૂલમાં યોગ શીખવાડાતા નહીં. જ્યારથી ૨૧ જૂને ઇન્ટરનૅશનલ યોગ ડે શરૂ થયો છે ત્યારથી યોગ માટેની જાગૃતિ ઘણી વધી છે. ઘણી સ્કૂલોમાં શીખવાડવાનું શરૂ થયું છે એટલું જ નહીં, સરકાર એવા નિયમો લાવવા તત્પર છે કે સ્કૂલો અને કૉલેજોમાં દર મહિને એક દિવસ યોગ સેશન આયોજિત કરવામાં આવે. સ્કૂલો યોગને આપણાં બાળકોના જીવનમાં કઈ રીતે વણશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ એવાં કેટલાંય બાળકો છે જેમને તેમનાં માતા-પિતાએ સ્પેશ્યલ યોગ શીખવા માટે પ્રેરિત કયાંર્‍ છે અને એટલું જ નહીં, તેઓ ખૂબ નાની ઉંમરથી યોગ શીખી રહ્યાં છે. આજે જેટલી પણ સંસ્થાઓ યોગ શીખવે છે એમાં એક બૅચ અલગથી બાળકોનો પણ બનવા લાગ્યો છે. યોગ ફૉર કિડ્સ કે કિડ્સ યોગ નામે ઠેર-ઠેર બાળકોના યોગ શરૂ થઈ ગયા છે. બાળકોને કરાવવામાં આવતી વિવિધ ઍક્ટિવિટીઝ જેમ કે ડ્રૉઇંગ, ડાન્સ, સ્કેટિંગની જેમ યોગ પણ એક કો-કરિક્યુલર ઍક્ટિવિટીનો ભાગ બની ગયા છે. હાલમાં વેકેશનમાં તો ખાસ યોગના વેકેશન બૅચિસ ઠેર-ઠેર ચાલતા હતા. આજે જાણીએ કે બાળકોને યોગ શીખવાથી શું ફાયદો થાય છે અને તેમને યોગ શીખવતી વખતે શું ધ્યાન રાખવાની જરૂર છે.

કઈ ઉંમરે?


નાની ઉંમરથી બાળકો યોગ શીખે એનાથી રૂડું તો શું હોઈ શકે, પરંતુ કઈ ઉંમરથી બાળકોએ યોગ શીખવા જોઈએ એ સમજવું મહત્વનું છે. એ બાબતે વાત કરતાં આયંગર યોગ અભ્યાસ, માટુંગાના યોગશિક્ષક ઝુબિન ઝર્થોãક્ટમાનેશ કહે છે, ‘આજકાલ યોગ વિશે ઘણી જાગૃતિ આવી છે અને એટલે જ નાનાં બેચાર ર્વષનાં બાળકોને પણ તેમનાં માતા-પિતા યોગ શીખવવા માગતાં હોય છે. પણ હકીકત એ છે કે યોગ આટલી નાની ઉંમરે ન શીખવા જોઈએ. યોગ શરૂ કરવાની ઉંમર આદર્શ રીતે ૬ ર્વષ પછીની ગણાય. ત્યાં સુધી બાળકોનું શરીર અને તેમનાં અંગ વ્યવસ્થિત ડેવલપ થયાં નથી હોતાં. વળી અંગો એકદમ નાજુક હોય છે. નાની ઉંમરે યોગ કરો તો નુકસાન થવાની સંભાવના વધારે છે. એટલે નાનાં બાળકોને યોગ ન શીખવવા. તેમને જરૂર જ નથી હોતી. ૬ ર્વષ પછી પણ ખૂબ જાળવીને ધીરે-ધીરે યોગ શરૂ કરવા. બેઝિક વસ્તુઓથી શરૂ કરવું અને ધીમી ગતિએ આગળ વધવું. ધારો કે ૬ ર્વષે યોગ શરૂ પણ કરો તો એ બાળકોને અઠવાડિયામાં ૧ વાર યોગ કરાવવા જોઈએ. વધુમાં બે વાર પણ ઠીક છે. એનાથી વધુ જરૂર હોતી નથી.’

કઈ રીતે શીખવવું?

યોગ અત્યંત ગંભીર લાગતી વસ્તુ છે. કદાચ આજની પેઢીનાં બાળકોને બોરિંગ પણ લાગી શકે. તો બાળકોને યોગ શીખવતી વખતે કઈ વાતું ધ્યાનમાં રાખવી જોઈએ? એ પ્રશ્નનો જવાબ આપતાં ભરત ઠાકુર આર્ટિસ્ટિક યોગ, અંધેરીના ફાઉન્ડર ભરત ઠાકુર કહે છે, ‘બાળકો ખૂબ સારા યોગી હોય છે. તેમનું શરીર અત્યંત ફ્લેક્સિબલ હોય છે, પરંતુ તેમનો અટેન્શન-સ્પાન ખૂબ નાનો હોય છે. તેમને કંટાળો ન આવે એ રીતે તેમને યોગ કરાવવા એ પણ એક કળા છે. વળી બાળકોને યોગ શીખવવા માટે એક વેલ-ડિઝાઇન થયેલો પ્રોગ્રામ જોઈએ જેનાથી તેમને જે જરૂર છે એ યોગ દ્વારા પૂરી થઈ શકે. તેમને એકદમ બેઝિકથી શરૂ કરવું જોઈએ. પ્રૉપર વૉર્મ-અપ કર્યા પછી જ આગળ વધાય. પ્રાણાયામ અને ધ્યાન શીખવવાની ઉતાવળ પણ બાળકો માટે ન કરવી જોઈએ. તેમને ધીમે-ધીમે આ માર્ગ તરફ લઈ જવાં.’

રોગમાં ઉપયોગી

બાળકો આજકાલ ઘણા જુદા-જુદા પ્રૉબ્લેમ્સમાંથી પસાર થઈ રહ્યાં હોય છે. સામાન્ય રીતે તો બાળકને યોગ મદદરૂપ થાય જ છે, પરંતુ વિશેષ પરિસ્થિતિઓમાં પણ યોગ બાળકને ઘણા મદદરૂપ થાય છે. એ વિશે વાત કરતાં સ્વયમ્ યોગ, વિલે પાર્લેનાં ફાઉન્ડર મોના છેડા કહે છે, ‘જે બાળકોને એકાગ્રતાની તકલીફ છે તેમને યોગ ઉપયોગી છે. આ સિવાય જે બાળકો અત્યંત હાઇપર ઍક્ટિવ છે એ બાળકો યોગ સાથે ઘણાં શાંત બને છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની તકલીફ આવી જાય છે, જે એક હૉર્મોનલ પ્રૉબ્લેમ છે. આવા પ્રૉબ્લેમ સામે યોગ તેમને રક્ષણ આપે છે અને તેમનાં હૉર્મોન્સને બૅલૅન્સ કરવાનું કામ પણ કરે છે. આ સિવાય જે બાળકોને ઍલર્જી‍ પ્રૉબ્લેમ છે, શ્વાસમાં તકલીફ હોય છે, વારંવાર માંદું પડતું હોય છે એવાં બાળકોની ઇમ્યુનિટી વધારવાનું કામ પણ યોગ કરે છે.’

સંપૂર્ણ વિકાસ  

યોગને કારણે બાળકની બૌદ્ધિક ક્ષમતાઓ ખૂબ સારી રીતે ખીલે છે. જેમ કે એકાગ્રતા વધે છે, ભણવામાં ધ્યાન જે પહેલાં ન હોય એ આવે છે, બાળક તેનું દરેક કામ રસ સાથે કરતું થાય છે. આ બાબતે વાત કરતાં યોગ ફૉર કિડ્સ, વિલે પાર્લેના યોગટીચર અને યોગ ફૉર હેલ્થ ઍન્ડ હૅપિનેસ નામની બુકના લેખક નરેન્દ્ર દોશી કહે છે, ‘બાળકોને આજકાલ ઓછું સ્ટ્રેસ નથી. ભણતરનો ભાર તેમના પર ઘણો છે. આ સિવાય વધતી જતી કૉમ્પિટિશન, મા-બાપને મળતો ખૂબ ઓછો સમય, ઓછા સમયમાં ખૂબ વધુ સિદ્ધ કરી લેવાનું પ્રેશર, ૮-૧૦ કલાકનું દરરોજનું ભણતર વગેરે બાળક માટે અત્યંત સ્ટ્રેસદાયક છે. નાની ઉંમરમાં તેમના પર જે પ્રકારનો બોજ છે તેઓ એ હૅન્ડલ નથી કરી શકતાં અને માનસિક રીતે નબળાં બનતાં જાય છે. આ સમસ્યાનું સમાધાન યોગ પાસે છે. યોગ તમારી શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધારે છે.’

વ્યક્તિત્વ પર અસર

યોગ કરવાથી બાળક શાંત બને છે, તેની એનર્જી‍ ચૅનલાઇઝ થાય છે અને સાચી દિશા તરફ વળે છે. એ વિશે વાત કરતાં મોના છેડા કહે છે, ‘યોગ સાથે તેના ઉત્પાત કે નખરાં બંધ થતાં જાય છે. આ ઉપરાંત બાળક એકદમ શિસ્તબદ્ધ થાય છે, કારણ કે યોગ જીવનશૈલી છે, ફક્ત એક્સરસાઇઝ નથી. વળી યોગ જે બાળકો એકલવાયાં રહેતાં હોય, કોઈની જોડે વાત ન કરે, શૅર ન કરે કે પોતાની લાગણી જલદીથી દર્શાવે નહીં એવાં હોય તેમને ખાસ્સી મદદ કરે છે. તેમને એ ખોલી નાખે છે. બાળકનો મૂળભૂત સ્વભાવ છે સહજતા. યોગ તેને તેના સ્વભાવમાં સ્થિર કરે છે. આ સિવાય યોગથી બાળકનું પૉર ઠીક થાય છે. તેનામાં આત્મવિશ્વાસ છલકાય છે.’

સ્કૂલમાં યોગની જરૂર 

આજનાં ઘણાં બાળકો ગૅજેટના પ્રેમમાં હોય છે. આખો દિવસ મોબાઇલ અને આઇપૅડ જોડે ચોંટેલાં હોય છે. તેમને તેમના શરીર થકી તેમના મન સુધી લઈ જવાનું કામ યોગ કરે છે. એને કારણે ગૅજેટ્સ તો છૂટી જ જાય છે; પરંતુ બાળકની શારીરિક, બૌદ્ધિક અને માનસિક ક્ષમતાઓ ખીલે છે. ઘણાં બાળકો એવાં હોય છે જે ખૂબ આળસુ હોય છે. તેમના શરીર અને મન પર આળસ છવાયેલી હોય છે, જે દૂર થાય છે અને સાથે-સાથે ક્રીએટિવિટી પણ જાગે છે. ઘણી સ્કૂલોમાં આજકાલ યોગ સાથે કલાને જોડીને શીખવવામાં પણ આવે છે. એ વિશે વાત કરતાં બોરીવલીનાં યોગશિક્ષક સીમા જૈન કહે છે, ‘અમુક સ્કૂલોમાં આજકાલ વાર્ષિક કાર્યક્રમ યોજાય એમાં યોગના જુદા-જુદા પોઝને મ્યુઝિક પર ડાન્સની જેમ બેસાડવામાં આવે છે અને યોગને કલાત્મક રીતે રજૂ કરાવવામાં આવે છે, જે એક રસપ્રદ રીત છે. મહત્વનું એ છે કે સ્કૂલ-લેવલ પર યોગ રેગ્યુલર શીખવવામાં આવે. પરંતુ થાય છે એવું કે ભણવાનું એટલું વધી ગયું છે કે બાળકો એક ઉંમર પછી ઇચ્છતાં પણ હોય તો પણ યોગ કરી નથી શકતાં, જે પરિસ્થિતિ બદલાવી જોઈએ. જો આપણે ઇચ્છતાં હોઈએ કે બાળકનો સવાર઼્ગી વિકાસ થાય તો યોગ તેમને નાનાં હોય ત્યારથી શીખવવા જરૂરી છે.’

આજકાલ યોગ બાબતે ઘણી જાગૃતિ આવી છે અને એટલે જ નાનાં બેચાર ર્વષનાં બાળકોને પણ તેમનાં માતા-પિતા યોગ શીખવવા માગતાં હોય છે. યોગ શરૂ કરવાની ઉંમર આદર્શ રીતે ૬ ર્વષ પછીની ગણાય. નાની ઉંમરે યોગ કરો તો નુકસાન થવાની સંભાવના વધારે છે

ઝુબિન ઝર્થોãક્ટમાનેશ, આયંગર યોગશિક્ષક

બાળકોને આજકાલ ઓછું સ્ટ્રેસ નથી. ભણતરનો ભાર તેમના પર ઘણો છે. નાની ઉંમરમાં તેમના પર જે પ્રકારનો બોજ છે તેઓ એ હૅન્ડલ નથી કરી શકતાં અને માનસિક રીતે નબળાં બનતાં જાય છે. આ સમસ્યાનું સમાધાન યોગ પાસે છે

નરેન્દ્ર દોશી, લેખક અને યોગશિક્ષક


બાળકો ખૂબ સારા યોગી હોય છે. તેમનું શરીર અત્યંત ફ્લેક્સિબલ હોય છે, પરંતુ તેમનો અટેન્શન-સ્પાન ખૂબ નાનો હોય છે. તેમને કંટાળો ન આવે એ રીતે તેમને યોગ કરાવવા એ પણ એક કળા છે

ભરત ઠાકુર, આર્ટિસ્ટિક યોગશિક્ષક


યોગથી બાળક એકદમ શિસ્તબદ્ધ થાય છે, કારણ કે યોગ જીવનશૈલી છે; ફક્ત એક્સરસાઇઝ નથી. બાળકનો મૂળભૂત સ્વભાવ છે સહજતા. યોગ તેને તેના સ્વભાવમાં સ્થિર કરે છે

મોના છેડા, યોગશિક્ષક

મહત્વનું એ છે કે સ્કૂલ-લેવલ પર યોગ રેગ્યુલર શીખવવામાં આવે. પરંતુ થાય છે એવું કે ભણવાનું એટલું વધી ગયું છે કે બાળકો એક ઉંમર પછી ઇચ્છતાં પણ હોય તો પણ યોગ કરી નથી શકતાં, જે પરિસ્થિતિ બદલાવી જોઈએ

સીમા જૈન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK