ડૅન્ડ્રફનો શું ઇલાજ છે ઍલોપથી, હોમિયોપથી અને નેચરોપથીમાં?

વિન્ટરમાં વકરતો માથાનો ખોડો દૂર કરવા માટે પરંપરાગત ઉપચાર-પદ્ધતિઓને કઈ રીતે અપનાવી શકાય અને ડૅન્ડ્રફ થવા પાછળનાં કારણોમાં આ પદ્ધતિઓ વચ્ચે કેવા મતભેદ છે એ પણ જાણીએ

dandruff

વર્ષા ચિતલિયા

શિયાળાની મોસમ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. શિયાળો આવે એટલે ભૂખ બહુ લાગે અને વિવિધ પકવાનો પર તૂટી પડવાનું મન થાય. આ મોસમમાં પેટ અને જીભનું જેટલું ધ્યાન રાખો છો એટલું જ ધ્યાન વાળ માટે રાખો છો? વિન્ટર એટલે ડ્રાયનેસની સીઝન. સ્કિન ડ્રાય થઈ જાય અને હોઠ ફાટી જાય એટલે આપણે કોલ્ડ ક્રીમ અને લિપબામ લગાડીએ, પરંતુ માથાના વાળનું શું? આ સીઝનમાં ખોપરીની ત્વચા પણ શુષ્ક થઈ જાય છે અને એના કારણે જ શિયાળામાં ડૅન્ડ્રફની સમસ્યા માથું ઊંચકે છે. આપણને દર દસમાંથી આઠ વ્યક્તિ ડૅન્ડ્રફની સમસ્યાથી પીડાતી જોવા મળે છે. ડૅન્ડ્રફ ઘર-ઘરની સમસ્યા બની ગઈ છે. કેટલાકને તો બારે મહિના ડૅન્ડ્રફ થાય છે અને  વિન્ટરમાં એ વધુ વકરે છે. પુરુષોને દાઢી અને છાતીના વાળમાં ડૅન્ડ્રફ થવાની ફરિયાદ પણ વધી રહી છે. વાળમાં ડૅન્ડ્રફ એટલે કે ખોડો હોય એ સો ટકા ચિંતાનો વિષય છે. આ ખોડો શું છે? એનાં લક્ષણો કયાં? આ એક પ્રકારનો રોગ છે જે શુષ્ક અને સંવેદનશીલ ત્વચામાં ફેલાય છે. ડૅન્ડ્રફ એવો જિદ્દી રોગ છે જેનાથી જલદી છુટકારો મળતો નથી. એની સારવાર ધીરજ માગી લે એવી છે. એને મૂળમાંથી નાબૂદ કરવા યોગ્ય ઉપચાર અનિવાર્ય છે. વાળના શત્રુ તરીકે ઓળખાતા ડૅન્ડ્રફને ઍલોપથી, હોમિયોપથી અને નેચરોપથીમાં કઈ રીતે જોવામાં આવે છે તેમ જ એના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ.

હોમિયોપથીની દવાઓ ડૅન્ડ્રફને મૂળથી દૂર કરે છે : ડૉ. કુણાલ શાહ

હોમિયોપથીની દવાઓમાં પરેજી ખૂબ રાખવી પડે છે એવી માન્યતાને લઈને મોટા ભાગના લોકો એનો સહારો લેવાનું ટાળતા હોય છે, પરંતુ હકીકત જુદી જ છે. ડૅન્ડ્રફથી કાયમી છુટકારો મેળવવા હોમિયોપથીની દવાઓ અકસીર સાબિત થઈ રહી હોવાનું રિસર્ચ કહે છે. અંધેરી અને કાંદિવલી ખાતે હોમિયોપથી ક્લિનિક ધરાવતા ડૉ. કુણાલ શાહ કહે છે, ‘ડૅન્ડ્રફ બે પ્રકારના હોય છે, વાઇટ અને યલો. વાઇટ ડૅન્ડ્રફ પાઉડરના રૂપમાં હોય છે અને એ ખરે છે, જ્યારે યલો કલરનો ડૅન્ડ્રફ પોપડીના રૂપમાં થાય છે. ખોપરીમાં ઓવરગ્રોથના કારણે આ સમસ્યા ઉદ્ભવે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થઈ જાય અને હાઇજીન પર ધ્યાન આપવામાં ન આવે તો સમસ્યા વધુ વકરે છે. વર્તમાન સમયમાં હેરકલર અને હેર-સ્ટ્રેટનિંગની ફૅશન જે રીતે વધી રહી છે એનાથી આ સમસ્યામાં વધારો થયો છે. વારંવાર હેર-બ્લોઅર વડે વાળ ડ્રાય કરવાથી ખોપરીની ત્વચા શુષ્ક થઈ જાય છે. હલકી ગુણવત્તાવાળી હેર-પ્રોડક્ટ્સથી પણ ડૅન્ડ્રફ થાય છે. હોમિયોપથીમાં રોગને જડમૂળમાંથી દૂર કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ઑઇલ અને ગોળીઓ વડે એનો ઇલાજ શક્ય છે. દરદીને એક્ઝિમા અથવા સોરાયસિસ જેવી સમસ્યા હોય તો એની ચકાસણી બાદ દવાનો ડોઝ આપવામાં આવે છે. કોલ્ડ વેધરમાં જો હાઇજીન પર પ્રૉપર ધ્યાન રાખવામાં ન આવે તો ઉપચાર લાંબો ચાલે છે. હાઇજીન અને હેર-પ્રોડક્ટ્સની ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે તો ડૅન્ડ્રફ થવાની શક્યતા ઓછી છે.’

નૅચરોપથીની જળ-ચિકિત્સા ૧૦૦ ટકા અસરકારક : ડૉ. કલ્પના સંઘવી

કુદરતે આપણને વિવિધ પ્રકારનાં પોષક તkવોની ખોબલે-ખોબલે લહાણી કરી છે. આપણે જ એનો યોગ્ય ઉપયોગ કરવામાં કચાશ રાખીએ છીએ. ઘાટકોપરમાં રહેતાï નૅચરોપૅથ ડૉ. કલ્પના સંઘવી કહે છે, ‘ડૅન્ડ્રફ મૂળમાં તો શરીરનો બગાડ છે. તમામ પ્રકારનાં ટૉક્સિન શરીર બહાર ફેંકે છે અને ડૅન્ડ્રફ પણ એક પ્રકારનું ટૉક્સિન છે. કોઈ પણ રોગનું રિલેશન પેટ અને મન સાથે જોડાયેલું છે. તમારું મન ઉદાસ હોય એટલે પેટનું લેવલ ઇમ્બૅલૅન્સ થઈ જાય અને પેટ મારફત તમામ રોગ શરીરમાં ઘર બનાવી લે. શુષ્ક ત્વચામાં થતી ડૅન્ડ્રફની સમસ્યા પણ એની જ સૂચક છે. પેટને સાફ રાખો તો તમામ રોગ ભાગી જાય. નૅચરોપથીમાં જળતત્વનું બહુ જ મહત્વ છે. જળથી ત્વચાની કોમળતા જળવાઈ રહે અને ડ્રાયનેસ ન થાય. ત્વચાની નમી જળવાઈ રહે એટલે ખંજવાળ ન આવે અને ડૅન્ડ્રફ પણ ન થાય. શરીરમાં જળની કમી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું, આચાર-વિચારની શુદ્ધિ તમને દરેક રોગથી દૂર રાખે છે.’

ડૅન્ડ્રફના ઉપચાર વિશે વિગતવાર માહિતી આપતાં ડૉ. કલ્પના સંઘવી આગળ કહે છે, ‘નૅચરોપથીમાં એના ઉપચાર તરીકે સૌથી પહેલાં તો વિજાતીય આહાર લેવાનું બંધ કરી દેવું જોઈએ. દાખલા તરીકે દૂધ અને ફ્રૂટ સાથે ન લેવાં. ડૅન્ડ્રફના ઉપચાર તરીકે મૂત્રથેરપી ૧૦૦ ટકા ઇફેક્ટિવ છે. સ્વમૂત્રના ઍપ્લિકેશનથી ડૅન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઍપ્લિકેશન બીજા રોગમાં પણ અસરકારક છે, પરંતુ નૅચરોપથી પદ્ધતિથી કોઈ પણ પ્રકારનો ઉપચાર ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ લેવો. પોતાની રીતે પ્રયોગ ન કરવાની સલાહ છે.’

ઍલોપથી જેટલો ફાસ્ટ ઇલાજ કોઈ નહીં કરી શકે : ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ

ડૅન્ડ્રફની સમસ્યા સ્ત્રીઓમાં જ નહીં, પુરુષોમાં અને બાળકોમાં પણ જોવા મળે છે. ઍલોપથી પદ્ધતિથી સારવારમાં ઝડપથી ફાયદો થાય છે. ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘ડૅન્ડ્રફ ફંગલ ઇન્ફેક્શન છે. બે પ્રકારના ડૅન્ડ્રફ થાય છે. એક તો ખોપરીમાં મોઇરનું પ્રમાણ વધી જાય ત્યારે અથવા ત્વચા એકદમ શુષ્ક થઈ જાય ત્યારે ડૅન્ડ્રફ થાય છે. શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. આ મોસમમાં ડૅન્ડ્રફ ઉપર-ઉપર દેખાય છે, પરંતુ વાળ ઓળવાથી નીકળતો નથી. આવી પરિસ્થિતિમાં ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂથી એને સરળતાથી દૂર કરી શકાય છે. નિયમિતપણે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂથી વાળ ધોવાથી ફાયદો થાય છે. મૉઇરના કારણે થતા ડૅન્ડ્રફમાં કેટલીક વાર શૅમ્પૂની સાથે ટૅબ્લેટ્સ પણ લેવી પડે છે. સમસ્યા ગંભીર હોય તો લગભગ એક મહિના સુધી મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવી પડે. મેડિસિનથી ડૅન્ડ્રફ દૂર થઈ જાય છે. ત્વચા સંવેદનશીલ હોય, માથામાંથી લોહી નીકળે અથવા બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વધી જાય અને વારંવાર આવી સમસ્યા થતી હોય તો ટ્રીટમેન્ટ લંબાવવી પડે. બીજું, પુરુષોને બિયર્ડમાં અને છાતીના વાળમાં જે ડૅન્ડ્રફ થાય છે એના ઉપચારમાં શૅમ્પૂની સાથે ક્રીમ વાપરવાની સલાહ આપવામાં આવે છે. પુરુષોએ દાઢી અને છાતીના વાળમાં થતા ડૅન્ડ્રફથી ખાસ બચવું જોઈએ અને સમયસર સારવાર કરાવવી જોઈએ.’

મોસ્ટ ઇફેક્ટિવ અને હાથવગા ઘરગથ્થુ ઉપચાર


કડવા લીમડાને આખી રાત પાણીમાં પલાળી રાખવો. આ પાણીથી નિયમિત વાળ ધોવાથી ડૅન્ડ્રફમાં રાહત થાય છે ઉપરાંત વાળને પોષણ મળે છે. ત્વચાની કોઈ પણ પ્રકારની સમસ્યામાં કડવો લીમડો અકસીર ઔષધ છે.

વાળમાં લાંબા સમય સુધી તેલ નાખી ન રાખવું. તેલ મલેસેઝિયા નામની ફંગસને ફેલાવવા માટે પોષણનું કામ કરે છે. તેથી તેલ નાખ્યા બાદ બે કલાકમાં વાળ ધોઈ લેવા જોઈએ.

વાળ ધોતાં પહેલાં ભીના વાળમાં બે મિનિટ બેકિંગ સોડા લગાડી રાખવાથી ડૅન્ડ્રફમાં રાહત થાય છે.

ટી-ટ્રીમાંથી બનાવવામાં આવેલા તેલને વાળમાં લગાડી અડધો કલાક બાદ વાળ ધોવાથી ડૅન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મેંદીમાં લીંબુ, દહીં અને ચાનું પાણી નાખી છ-સાત કલાક રહેવા દો. વાળ ધોતાં પહેલાં એક કલાક લગાડી માથું ધોવાથી ફાયદો થાય છે.

મુલતાની માટીમાં લીંબુનો રસ ઉમેરી વાળમાં લગાડવું. મુલતાની માટી ડૅન્ડ્રફને ઉખેડી નાખે છે.

વિનેગર ફૂગ અને બૅક્ટેરિયાને મારી નાખે છે. વિનેગરમાં પાણી નાખી બ્રશ વડે ખોપરીમાં લગાડવું. અડધો કલાક બાદ માથું ધોવું.

નવજાત શિશુમાં ડૅન્ડ્રફની સમસ્યા


ડૅન્ડ્રફ માથાના વાળમાં જ થાય છે એવું નથી. પુરુષોની દાઢી અને છાતીના વાળમાં, કાનની પાછળના ભાગમાં, આઇબ્રો પર અને નાકની આસપાસના ભાગમાં પણ ડૅન્ડ્રફ થાય છે. નવજાત શિશુમાં પણ ડૅન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. નવજાત બાળકના વાળમાં જે પોપડી દેખાય છે એ પણ ડૅન્ડ્રફનો જ એક પ્રકાર છે. એને ક્રેડલ કૅપ કહે છે.  બેબી-શૅમ્પૂના ઉપયોગ પછી અને નવી ત્વચા આવતાં એ આપમેળે દૂર થઈ જાય છે. જો બાળકના માથાની ત્વચા ફાટી જાય અથવા શરીરના અન્ય ભાગમાં પણ પોપડી જોવા મળે તો ડૉક્ટરને બતાવવું જોઈએ. ડૅન્ડ્રફનો રોગ બહુ જલદી પ્રસરે છે. એનાથી ખંજવાળ આવે છે અને પરિણામે કેટલીક વાર ત્વચા પર લાલ ચકામાં થઈ જાય છે અને લોહી નીકળે છે. કાનની પાછળની ત્વચા સંવેદનશીલ હોય છે અને ત્યાં જામી જતા પોપડાથી ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે. નવજાત શિશુમાં ડૅન્ડ્રફની સમસ્યા વધુ હોય તો એને હળવાશથી ન લેવું જોઈએ. ઘરગથ્થુ ઉપાયો અને તકેદારી રાખ્યા બાદ પણ જો છુટકારો ન મળે તો તબીબી ઉપચાર કરવા જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK