નવા વર્ષે સંકલ્પ લઈએ કે ખોટી આદતો છોડીને એક સ્વસ્થ જીવન અપનાવીશું

કોઈ વ્યક્તિ એવી નથી જે જાણતી ન હોય કે આ આદતો તેમના માટે કેટલી ખરાબ છે. એમ છતાં તે એની બંધાણી બની જતી હોય છે. આ દિવાળીએ ઘરની સફાઈ તો કરી, પરંતુ બેસતા વર્ષે આપણે આપણા શરીરની અંદર ઘર કરી ગયેલો આ મેલ કાઢવા માટે પ્રતિબદ્ધ બનીએ. મનની મક્કમતા અને પ્રોફેશનલ હેલ્પ દ્વારા એ શક્ય છે

health

જિગીષા જૈન

નાના નવથી દસ વર્ષના છોકરાઓથી લઈને ૮૦ વર્ષનાં ડોસા-ડોસી સુધી અમુક આદતો છે જે આપણા સમાજમાં ઘર કરી ગઈ છે. આ આદતો આપણને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે તોડી રહી છે. ચારે તરફ નજર કરીશું તો ચોક્કસ દેખાશે કે આ ખરાબ આદતો કઈ-કઈ રીતે સમાજમાં વ્યાપી ગઈ છે. ભારતમાં દર વર્ષે વધતા જતા કૅન્સરનું પ્રમાણ સૂચવે છે કે તમાકુ અને દારૂ બન્ને આદતો કેટલા બહોળા પ્રમાણમાં ફેલાઈ રહી છે અને લોકોના શરીરને નુકસાન કરી રહી છે. પોતાની પત્નીને દારૂ પીને મારતા પતિઓની સંખ્યા અને તેમના પર થતા કેસ પણ વધી રહ્યા છે. તેમના ઘરમાં બાળકો ભૂખ્યાં ટળવળતાં હોય, ખાવાના પૈસા ન હોય અને જે પણ કમાય એ પુરુષ દારૂમાં ઉડાડી નાખે એ પરિસ્થિતિ સૂચવે છે કે આર્થિક રીતે આ આદતો આપણને સાવ ભાંગી નાખે છે. શહેરી જીવનમાં પહોંચી વળવા લેવામાં આવતા પ્રોફેશનલ સ્ટ્રેસથી થોડા સમય માટે મુક્તિ મેળવવા ફૅશનના નામે બીજાને આંજી નાખવા સ્મોકિંગ કરતા લોકોનું વધતું પ્રમાણ આપણને સૂચવે છે કે માનસિક રીતે આપણે કેટલા પાંગળા બની ગયા છીએ. દારૂ અને પબ-પાર્ટીને હૅપનિંગ લાઇફ સમજતો યુવા વર્ગ જ્યારે નાની ઉંમરે અડધી-અડધી રાત સુધી ઢીંચ્યા કરે અને દારૂના નશામાં બધાં જ ખોટાં કામોમાં સંડોવાય ત્યારે ખબર પડે કે આપણી સામાજિક કેવી પડતી થઈ રહી છે.

આજથી નવા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનને નવી દિશા તરફ લઈ જવાના સંકલ્પ સાથે આગળ વધશે. આપણનેજુદી-જુદી રીતે તોડતી અને જીવનને વધુ તકલીફદાયક બનાવતી આપણી આ કુટેવોથી મુક્તિ મેળવીએ અને જેમને આ આદતો છે નહીં તે પોતાના સ્વજનોને આ આદતોથી મુક્તિ અપાવડાવવામાં મદદરૂપ બને એવો સંકલ્પ આજે લઈએ. આ આદતો આપણા જીવનમાં કયાં કારણોસર આવે છે, એ કઈ રીતે નુકસાનકારક છે અને એનાથી મુક્તિ મેળવવા શું કરી શકાય એ આજે સમજીએ.

સ્વીકાર કરો

કોઈ પણ આદત છોડવી હોય તો સૌથી પહેલાં એ બાબતનો સ્વીકાર હોવો જોઈએ કે હું ખરાબ આદતોની બંધાણી છું. હા, હું દિવસની પંદર સિગારેટ પી જાઉં છું કે હા, હું જ્યારે પણ બાર પાસેથી પસાર થાઉં ત્યારે મને દારૂ પીવાની લાલચ થઈ આવે છે. આ સ્વીકાર અત્યંત મહત્વનો છે. મોટા ભાગના લોકો આવું સ્વીકારવાનું ટાળતા હોય છે. આમ દારૂ વગર રહેવાતું ન હોય અને કહેશે કે મને એનું કોઈ બંધન નથી, મારે છોડવો હોય ત્યારે એ છોડી દઈશ. હકીકત એ છે કે બંધાણ છે અને એ સરળતાથી છૂટતું નથી. એક વખત પરિસ્થિતિનો સ્વીકાર કરશો તોઆગળ વધાશે.

પ્રતિબદ્ધ બનો

જરૂરી છે કે આ બાબતે વ્યક્તિ પોતે પ્રતિબદ્ધ હોય. આ વાત સમજાવતાં સાઇકિïયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘ઘણી વાર ઘરના લોકો કહે એટલે વ્યક્તિ વિચારે છે કે તેણે આ ખોટી આદતો છોડવી જોઈએ, પરંતુ મનથી તે મક્કમ નથી હોતી અને એને કારણે થોડી પણ મુશ્કેલી આવે ત્યારે તે ડગમગી જાય છે. માટે જરૂરી છે કે દરદી પોતે મક્કમ બને. જો એવું ન થતું હોય તો ઘરના લોકોએ તેમની ઇચ્છાશક્તિ વધારવા પૂરતા પ્રયાસ કરવા રહ્યા. આ આદતો ખરાબ છે એવું ઠસાવવા માટે દરદીને હૉસ્પિટલના કૅન્સર વૉર્ડમાં લઈ જાઓ, નજીકની કોઈ વ્યક્તિ જોડે કંઈ થયું હોય તો એ બાબત જણાવો, આ આદતોને લીધે પરિવાર પર શું અસર થઈ રહી છે એ બાબતે ચર્ચા કરો. ઇમોશનલી અને મેન્ટલી વ્યક્તિને તૈયાર કરો કે તે આ આદત છોડવા પ્રતિબદ્ધ બની શકે.’

ટ્રિગર્સને ઓળખો

અમુક લોકો જ્યારે એકદમ ટેન્શનમાં આવી જાય ત્યારે સિગારેટ લઈને બેઠા હોય, અમુક લોકો દુખી કે ખુશ થાય ત્યારે દારૂ લઈને બેઠા હોય, અમુક લોકો અમુક વસ્તુઓ યાદ કરીને પીતા હોય તો અમુક લોકો એ યાદને ભુલાવવા માટે પીતા હોય. આમ દરેક કુટેવ પાછળ એનાં કારણો હોય છે જે એને ટ્રિગર કરે છે. ટ્રિગરનો સરળ અર્થ એ છે કે વ્યક્તિને ક્યારે તલબ લાગે? જો પ્રોફેશનલ હેલ્પ લો તો નિષ્ણાત દરદીને પ્રશ્નો પૂછે છે અને તેની ટ્રિગર શોધી કાઢે છે. જેમ કે ઘણાને એવું પણ હોય કે સિગારેટ નહીં પીએ તો મળ પાસ નહીં થાય. આ બધી જ ગ્રંથિઓ છે. આ ગ્રંથિ તૂટે પછી જ બંધન છૂટી શકે છે.

પ્રોફેશનલ મદદ છે જરૂરી

શું કોઈ વ્યક્તિ ઇચ્છાશક્તિની મદદથી બંધાણમાંથી મુક્તિ મેળવી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ રેસ્પિરોલૉજિસ્ટ અને સ્મોકિંગ સેશેશન થેરપી સ્પેશ્યલિસ્ટ ડૉ. લાન્સલોટ પિન્ટો કહે છે, ‘આજથી પાંચ-સાત વર્ષ પહેલાં સુધી મેડિકલ સાયન્સ માનતું કે તમાકુની આદત છોડાવવી એ એક સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ છે. કોઈ બંધાણમાંથી વ્યક્તિને મુક્ત કરવા મનની શક્તિ કામે લગાડવી જરૂરી છે એવું જ માનવામાં આવતું. હવે આ આખો અપ્રોચ બદલાયો છે. જેમ કે પાર્કિન્સન્સના એક દરદીનો હાથ ધ્રૂજતો હોય અને તમે કહો કે તું તારી ઇચ્છાશક્તિ પ્રબળ રાખ અને હાથને ધ્રૂજતો રોક. તો શું એ શક્ય છે તેના માટે? બિલકુલ નહીં. બસ, એવું જ આ દરદીઓનું છે. આ બંધાણને હવે એક રોગ સમજવામાં આવે છે જેના માટે એક પદ્ધતિસરની ટ્રીટમેન્ટ જરૂરી છે. એના માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ છે જે તમને મદદ કરે છે એના બંધાણમાંથી મુક્તિ મેળવવા માટે. તેઓ બંધાણી નથી, પરંતુ દરદી છે એમ સમજવું જરૂરી છે.’

શા માટે જરૂરી પ્રોફેશનલ હેલ્પ?

પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે જ છે એ બાબત પર ભાર આપતાં અંધેરી અને બોરીવલીના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ અને ડી-ઍડિંક્શન સ્પેશ્યલિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘બંધાણ કોઈ પણ હોય, તમાકુનું કે દારૂનું; એ ઇચ્છાશક્તિથી છૂટી શકતું નથી, કારણ કે કોઈ પણ બંધાણ આવે ત્યારે એ મગજ સાથે અમુક પ્રકારનું જોડાણ કરે છે અને એની સર્કિટ પર અસર કરે છે. હવે આ સર્કિટને તોડવા માટે દવાઓની જરૂર પડે છે. એટલું જ નહીં, એની સાથે બંધાણ હોવાને કારણે જે તલબ લાગે એને ઓછી કરવા માટે પણ દવાઓ આવે છે. બંધાણની સાથે-સાથે જ્યારે ડિપ્રેશન હોય, ઍન્ગ્ઝાયટી હોય કે બીજા કોઈ સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ હોય તો એની પણ દવા કરવાની હોય છે. આમ ત્રણેય બાજુને સાચવીએ ત્યારે રિઝલ્ટ મળે છે.’

ઘરના લોકોનો સપોર્ટ

ઘણી વાર ઘરના લોકો સપોર્ટ નથી આપતા. ઘરના લોકોને લાગે છે કે જેને બંધાણ છે તેનું મન મજબૂત નથી અથવા તે જવાબદારી લેવા તૈયાર નથી. આ બાબતે વાત કરતાં ડૉ. પવન સોનાર કહે છે, ‘ઇચ્છાશક્તિને આપણે ત્યાં ઓવરરેટેડ કરવામાં આવી છે. બધું ઇચ્છાશક્તિથી થઈ શકે એમ માનીને ચાલવું ખોટું છે. આ એક ફિઝિકલ પ્રૉબ્લેમ છે. કૅન્સરનો કોઈ દરદી ચાલી ન શકે, પથારીવશ થઈ જાય તો તમે તેને એમ કહેશો કે ઇચ્છાશક્તિ રાખ અને ચાલવા લાગ કે સપોર્ટ આપશો. એક બંધાણીનો પણ જ્યાં સુધી તેની આદત સંપૂર્ણ છૂટી ન જાય અને જ્યાં સુધી ડૉક્ટર કહે નહીં ત્યાં સુધી ઇલાજ ચાલુ રાખવો જોઈએ. આ બાબતમાં એક-બે વર્ષ નીકળી જાય તો પણ ધીરજ રાખો અને દરદીને પૂરો સપોર્ટ આપો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK