ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે ચાર મહત્વની બાબતો પર ધ્યાન આપો

દાંત, જીભ અને સમગ્ર મોઢાને ચકાસીએ તો જાણી શકીએ છીએ કે વ્યક્તિ હેલ્ધી છે કે નહીં. જો ઓરલ હેલ્થ જાળવી રાખીએ તો સમગ્ર શરીરને હેલ્ધી રાખવાની જવાબદારીનો મોટો ભાગ પૂરો થયો ગણાશે. આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે પર જાણીએ કે મોઢાની હેલ્થ જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ. મોઢાની હેલ્થની કાળજી બિલકુલ અઘરી નથી. બસ આ બાબતે થોડી જાગૃતિ જરૂરી છેજિગીષા જૈન

આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે. સવારે ઊઠતાંની સાથે આપણે મોઢું ધોઈએ છીએ, બ્રશ કરીએ છીએ અને આ રીતે દિવસ આપણો શરૂ થાય છે. સમજવા જેવું એ છે કે મોઢું એટલું મહત્વનું અંગ છે કે સવારે ઊઠતાંની સાથે આપણે જેની કૅર કરીએ છીએ એ અંગ મોઢું છે. કોઈના સડેલા દાંત, વાસ મારતું મોઢું કે પીળી પડી ગયેલી જીભ જોઈને કોઈ પણ વ્યક્તિને તેનાથી દૂર રહેવાનું મન થાય છે. કોઈના સફેદ ચમકતા દાંત અને ફ્રેશ મોઢું જોઈએ તો તેનું વ્યક્તિત્વ આકર્ષક લાગે છે. પર્સનલ રિલેશનશિપથી લઈને પોતાના કૉન્ફિડન્સ સુધી દરેક જગ્યાએ ઓરલ હેલ્થનું મહત્વ છે. જોકે ઓરલ હેલ્થ ફક્ત સરસમજાની સ્માઇલ પૂરતી સીમિત નથી હોતી. એનું બીજું ઘણું મહત્વ છે. એક સારા પાચનતંત્રની નિશાની છે એક સ્વસ્થ મોઢું. જો વ્યક્તિના પાચનમાં ગરબડ હોય તો તેના મોઢાને ચકાસીને ખબર પડે છે કે એ વ્યક્તિના પાચનમાં ગરબડ છે. આ સિવાય જીભ પણ હેલ્થની આરસી છે. જીભ પર અમુક પ્રકારના ક્ષાર જામી જાય તો એ જોઈને કહી શકાય છે કે એ વ્યક્તિને શું તકલીફ છે. આમ એક સ્વસ્થ મોઢું સ્વસ્થ શરીરની આરસી છે. આ વર્ષની ઓરલ હેલ્થ ડેની થીમ પણ એ જ કહે છે. આજના દિવસની થીમ એમણે ‘સે આહ!’ પસંદ કરી છે જેનું હાદર્‍ એ છે કે અરીસાની સામે એક વખત મોઢું ખોલીને જુઓ અને ઓરલ હેલ્થ માટે સતર્ક બનો. ઓરલ હેલ્થની બેઝિક જાળવણી માટે કુલ પાંચ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જે વ્યક્તિ આ બાબતોનું ધ્યાન રાખે છે તેની ઓરલ હેલ્થ સારી જ રહેવાની છે. આ પાંચ બાબતો કઈ છે એ જાણીએ.

health1

યોગ્ય ખોરાક

જીવવા માટે પોષણયુક્ત ખોરાકની જરૂર રહે છે. આ ખોરાક આપણા શરીરમાં પહેલાં મોઢામાં પ્રવેશે છે અને ત્યાંથી અંદર જાય છે. ખોરાક જ છે જે મોઢાના સીધા સંપર્કમાં આવતો હોય છે અને વળી એ બાહ્ય પદાર્થ છે. જ્યારે ખોરાક યોગ્ય ન હોય ત્યારે જે પહેલાં હેલ્થ પર જોખમ આવે છે એ છે ઓરલ હેલ્થ. ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું હોય તો સૌપ્રથમ ખોરાક યોગ્ય હોવો જરૂરી છે. આ યોગ્ય ખોરાક એટલે કેવો ખોરાક? એ પ્રશ્નનો જવાબ આપતાં વન્ડર સ્માઇલ, અંધેરી (ઈસ્ટ)ના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘ખાસ કરીને ગળ્યો પદાર્થ દાંત માટે હાનિકારક સાબિત થાય છે. ગળ્યા પદાર્થના કણો જો દાંતમાં ભરાઈ જાય તો એ જગ્યાએ કૅવિટી થવાની શક્યતા ખૂબ વધી જાય છે, કારણ કે ગળ્યા પદાર્થો બૅક્ટેરિયાને વધુ આકર્ષે છે. જે બાળકો ખૂબ ગળ્યું ખાતાં હોય છે અને વ્યવસ્થિત બ્રશ નથી કરતાં તેમના દાંત ખૂબ નાની ઉંમરમાં ખરાબ થઈ જાય છે. આમ ખોરાક યોગ્ય હોવો જરૂરી છે. અતિ ગળ્યા, ઠંડા અને અતિ કડક ખાદ્ય પદાર્થો ઓરલ હેલ્થ માટે નુકસાનકારક છે. આ સિવાય જેમને ડાયાબિટીઝ છે તેમને પેઢાંની તકલીફ થાય જ છે.’

health2

બે વખત બ્રશ

દાંત અને મોઢાનો પ્રૉબ્લેમ ત્યારે વધી જાય છે જ્યારે એની ઠીકથી સફાઈ નથી થતી. મોટા ભાગના લોકો સવારના બ્રશ કરતા હોય છે, પરંતુ રાતનું બ્રશિંગ ભૂલી જતા હોય છે અથવા ટાળતા હોય છે. હકીકત એ છે કે રાતનું બ્રશિંગ વધુ મહત્વનું છે, કારણ કે આપણે જે જમીએ છીએ એ કણો દાંતમાં ભરાઈ જાય છે. હવે જ્યારે આ કણો આખી રાત દાંતમાં ફસાયેલા રહે ત્યારે કૅવિટી એટલે કે સડો થવાની શક્યતા વધુ રહે છે. આમ દિવસમાં બે વખત બ્રશ કરવું ખૂબ જરૂરી છે. એ વાત સાથે સહમત થતાં ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલ, વાશીના હેડ ઑફ ડેન્ટલ કૅર ડૉ. અજય માથુર કહે છે, ‘દિવસમાં બે વખત બ્રશ કરવું જરૂરી છે. બ્રશિંગ ખરાબ રીતે કરો કે સાવ ન કરો બધું સરખું જ ગણાય. આમ તમે કઈ રીતે બ્રશ કરો છો એ ખૂબ જ મહત્વનું છે. બ્રશ કરતી વખતે સમય અને ધ્યાન બન્ને આપવાં જરૂરી છે. બ્રશને એકદમ જેન્ટલ રીતે ફેરવો. દાંત પર ગોળ-ગોળ ફેરવવાથી દાંત પર પ્લાક જમા થતો નથી. જો પ્લાક જમા થતો રહે તો એ સખત બનતો જાય છે અને એમાં સડો પેદા થાય છે જેને કારણે પેઢા પર અસર થાય છે.’

health3

રેગ્યુલર ચેકઅપ કરાવો

દાંતમાં કોઈ પ્રૉબ્લેમ હોય કે ન હોય દરેક વ્યક્તિએ દર છ મહિને એક વખત ડેન્ટિસ્ટની મુલાકાત ચોક્કસ લેવી જ જોઈએ. આજકાલ રેગ્યુલર શુગરચેક, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલનું ધ્યાન રાખવાનું લોકોએ શરૂ કર્યું છે; પરંતુ હજી પણ દાંત અને એના પ્રૉબ્લેમ્સ માટે આવી કોઈ જાગૃતિ જોવા મળતી નથી. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપમાં ખર્ચાતા પૈસા એક ઇન્વેસ્ટમેન્ટ છે જે તમને મોટા લૉસથી બચાવે છે. આપણે ત્યાં લોકોની માનસિકતા એવી છે કે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જવાય. ઘણા લોકો તો બીમાર પડ્યા પછી પણ ડૉક્ટર પાસે જવાનું ટાળે છે, એમ વિચારીને કે જાતે જ સાજા થઈ જશે. જેમ કે નૉર્મલ શરદી-ખાંસી થાય કે પેટમાં દુ:ખે અને વ્યક્તિ ડોક્ટર પાસે જાય એવું દાંત સાથે થતું નથી. દાંત શરીરનો અત્યંત મજબૂત ભાગ છે. આમ એના પર કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો સરખામણીમાં એ બીજાં અંગો કરતાં વધુ સહન કરી શકે છે. એના આ ગુણધર્મને કારણે દાંતના રોગો જલદી સામે આવતા નથી. રેગ્યુલર ચેકઅપથી સામાન્ય કૅવિટીથી લઈને ઓરલ કૅન્સર સુધીના રોગોથી બચી શકાય છે. એ વિશે સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘નૉર્મલી જ્યારે કોઈ પણ કારણસર દાંતમાં કૅવિટી શરૂ થઈ તો એ તરત જ સામે આવતી નથી. એટલે કે દાંતમાં સડો થવાની શરૂઆત થાય ત્યારથી જ દાંતમાં દુખાવો થાય કે ચાવવામાં તકલીફ થાય એવું હોતું નથી. જ્યારે સડો ખૂબ વધારે ફેલાઈ જાય ત્યારે થોડો-થોડો દાંતનો દુખાવો શરૂ થાય છે. એ સામાન્ય દુખાવાને પણ આપણે અવગણીએ ત્યારે એ વિકરાળ બની જાય છે.’

health4

સ્મૉકિંગ અને તમાકુને છોડો

સ્મોકિંગને કારણે કે તમાકુને કારણે સૌથી ખરાબ અસર મોઢા પર થતી હોય છે. જે પણ લોકોને ઓરલ કૅન્સર છે એવા ૯૦ ટકા લોકો તમાકુનું બંધાણ ધરાવતા હોય છે. તમાકુને કારણે લોકોને જીભ, ગલોફાં કે તાળવાનું કૅન્સર થાય છે. આ કૅન્સર ઘાતક સાબિત થઈ શકે છે એટલું જ નહીં, આ કૅન્સરને કારણે વ્યક્તિ અને એના ઘરના લોકોનું જીવન દોજખ બની જાય છે. આ બાબતની ગંભીરતા સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘લોકોને સમજાતું નથી કે તમાકુ તેમના જીવનને કેટલું નુકસાન પહોંચાડે છે. તમાકુની સીધી અસર જ્યાં પહેલાં થાય છે એ મોઢા પર થાય છે. ખાસ કરીને આપણા દેશમાં તમાકુ ખાવાની આદત પણ ઘણી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આવા લોકોનું મોઢું આખું બંધ થઈ જાય, ખૂલે નહીં ત્યાં સુધી લોકો આ બાબતે ગંભીર બનતા નથી. ઓરલ કૅન્સરથી બચવું હોય તો તમાકુથી દૂર રહેવું જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK