ડૉક્ટર, નવરાત્રિમાં પિરિયડ્સ ન આવે એવું કંઈક કરોને

સ્ત્રીનિષ્ણાતો પાસે આવી ઇન્ક્વાયરીનું પ્રમાણ વધ્યું છે. નવ દિવસ ગરબા રમવામાં માસિક ચક્ર આડે ન આવે એ આશયથી મનફાવે એમ ગોળી લેવાના નુકસાન પર વાત કરીએ અને એની સાચી રીત પણ જાણીએ

doctor

રુચિતા શાહ

સ્ત્રીઓનું માસિક એ ભલે શારીરિક પ્રક્રિયા રહી, પણ એની સાથે આજે પણ ધર્મ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. માસિક ચક્ર દરમ્યાન ભગવાનને સ્પર્શ ન કરાય કે મંદિરે ન જવાય એ વાત આજે પણ આપણે ત્યાંના હજારો પરિવારો માની રહ્યા છે. આ ઉપરાંત પિરિયડ સાથે સંકળાયેલી શારીરિક પીડા અને માનસિક અને ઇમોશનલ અસ્વસ્થતાને કારણે અમુક ખાસ દિવસોમાં મહિલાઓ પણ પિરિયડ ન આવે એવું ઇચ્છતી હોય છે. ગુરુવારથી નોરતાંની શરૂઆત થઈ રહી છે અને એવી સેંકડો મહિલાઓ છે જેમણે નોરતાંમાં પોતાના માસિક ચક્રને આગળ લંબાવવાનું કે વહેલું લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. માસિકને આગળ ઠેલવા માટે કેટલીક દવાઓ મેડિકલમાં પ્રિસ્ક્રિપ્શન વિના પણ મળી રહેતી હોય છે. મોટા ભાગની સ્ત્રીઓ જાતે જ આ દવાઓ લઈને પોતાના દિવસો ખેંચવાના પ્રયત્નમાં લાગી જતી હોય છે. પોતાની રીતે માસિક ચક્રને લંબાવવાની ગોળી લેવાનો નિર્ણય લેવો એ યોગ્ય ગણાય કે નહીં એ વિષય પર આજે વાત કરીએ.

પ્રમાણ વધે

નવરાત્રિ જ નહીં પણ ગણપતિ, પયુર્ષણ અને ઈવન રમઝાન વખતે પણ સ્ત્રીઓ ડૉક્ટરની મદદ લઈને પોતાના પિરિયડ્સને આગળ અથવા પાછળ ઠેલવાના પ્રયત્ન કરતી હોય છે. જાણીતાં સ્ત્રીરોગ તજ્જ્ઞ ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘ઘરે ગણપતિ આવવાના છે એટલે પિરિયડ્સ પાછળ ઠેલવા છે, ગરબો લાવવો છે પણ ટાઇમની ડેટ છે, શું કરું? જેવાં ધાર્મિક કારણો ઉપરાંત પિરિયડ્સને કારણે એ દિવસોમાં ફિઝિકલી પડનારી અગવડ અવૉઇડ કરવાના આશયથી મહિલાઓ ગાઇડન્સ માટે આવતી હોય છે. એક બહેન મારી પાસે આવેલાં અને એવું કહેતાં હતાં કે વીકનેસને કારણે રોજા નહીં રાખી શકાય એટલે પિરિયડ્સ આગળ ખેંચવા છે. લગભગ ૧૫ વર્ષની છોકરી આવેલી જેનું કહેવું હતું કે ગરબા રમવાનો ખૂબ શોખ છે અને પિરિયડ્સમાં હોઈશ તો બહુ ઊછળકૂદ કરવામાં કમ્ફર્ટ નહીં રહે એટલે પાછળ ખેંચવાની દવા લખી આપો. ટૂંકમાં માત્ર ધાર્મિક કારણોથી નહીં પણ સ્ત્રીઓ પોતાની કમ્ફર્ટ મુજબ પણ પિરિયડ્સની ડેટને આગળ-પાછળ ખેંચવાના પ્રયત્ન કરતી હોય છે અને એમાં પણ છેલ્લાં થોડાંક વર્ષોથી દવા માટેનો તેમનો છોછ ઘટ્યો છે અને જાતે જ મેડિકલમાં જઈને પોતાની રીતે દવા લેતી થઈ છે.’

કેવી દવા હોય

પિરિયડને પાછળ ખેંચવાની અને આગળ લંબાવવાની એમ બન્ને પ્રકારની દવા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. ધૃપ્તિ કહે છે, ‘પિરિયડ્સને લંબાવવા કે વહેલો લાવવા માટે હૉમોર્ન્સની ટૅબ્લેર્ટ્સ મહિલાઓને આપવામાં આવે છે. પ્રોજેસ્ટરોન નામનાં હૉમોર્ન્સ સ્ત્રીના ગર્ભાશયમાં તૈયાર થયેલી ગર્ભલાદીને જાળવવાનું કામ કરે છે. મોટે ભાગે પ્રેગ્નન્સીમાં આ હૉર્મોન ઑટોમૅટિકલી શરીર દ્વારા જ ઉત્પન્ન કરાય છે, પરંતુ પ્રેગ્નન્સી ન હોય તો એનું નિર્માણ બંધ થાય અને ગર્ભની લાદી તૂટવા માંડે એટલે સ્ત્રીને માસિક આવે. પિરિયડને પાછળ ઠેલવા હોય તો આ ગર્ભલાદીને તૂટતી અટકાવવી પડે અને એ કામ માત્ર પ્રોજેસ્ટરોન નામનાં હૉર્મોન જ કરી શકે. એટલે પ્રોજેસ્ટોન હૉર્મોન ઓરલી કે ઇન્જેક્શન વાટે આપણે આપીએ તો એ કામ આસાનીથી થાય. આનાથી ઊંધું પિરિયડને વહેલા લાવવા માટે બર્થ કન્ટ્રોલ પિલ આપવામાં આવે છે જેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન હૉર્મોન હોય છે. જોકે બન્ને બાબતોમાં ઍડ્વાન્સમાં પ્લાનિંગ કરીને ટૅબ્લેર્ટ્સ લેવાય એ જરૂરી છે.’

ભૂલ શું થાય

ડૉ. ધૃપ્તિના મતે યોગ્ય ક્વૉન્ટિટીમાં સમજદારીપૂર્વક જો આ દવાઓ લેવાય તો એના પર્મનન્ટ કોઈ ગેરલાભ નથી, પરંતુ મોટા ભાગે યુવતીઓ જાતે જ ખોટી રીતે દવા લઈને પોતાની મુસીબતો વધારતી હોય છે. એનો દાખલો આપતાં ડૉ. ધૃપ્તિ કહે છે, ‘ઘણી છોકરીઓ છેલ્લા દિવસોમાં જાગે અને પિરિયડ વહેલા આવવાની દવા શરૂ કરે તો એનાથી નુકસાન થવાના ચાન્સ વધુ હોય છે. ઇરરેગ્યુલર બ્લીડિંગ ઉપરાંત ચક્કર આવવાં, આફરો ચડવો, ઊબકા આવવા જેવી એના સાઇડ-ઇફેક્ટ હોઈ શકે અને મહત્વની વાત કે આ ગોળીઓ લીધાનો ફાયદો ન પણ થાય. મોટે ભાગે બીજા મહિને વહેલા પિરિયડ જોઈતા હોય તો ચાલુ પિરિયડ સાથે જ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોનની દવાઓ શરૂ કરવી પડે. પિરિયડની ઇચ્છિત ડેટના બે દિવસ પહેલાં દવા બંધ કરો એટલે પિરિયડ્સ આવે. પાછા ખેંચવાની દવાઓ પણ જો વ્યક્તિની મેડિકલ કન્ડિશન સમજ્યા વિના આડેધડ અને સમયનું ધ્યાન રાખ્યા વિના લેવાય તો પણ એની સાઇડ-ઇફેક્ટ દેખાતી હોય છે. જેમ કે તમારે દસ દિવસ ખેંચવા છે અને આગલા દિવસે જ તમે દવા લેવાનું શરૂ કર્યું તો એ પિરિયડ અટકશે કે નહીં એની ગૅરન્ટી પણ નથી આપતા, સાથે જ સાઇડ-ઇફેક્ટ પણ થાય. બીજું, ધારો કે કોઈ પરિણીત મહિલા છે અને તેનું ગર્ભાધાન થઈ ગયું છે, પણ એની તેને ખબર નથી. એ જાણ્યા વિના જ જો તેણે પિરિયડ લંબાવવાની દવાઓ ચાલુ કરી તો તેના ગર્ભમાં રહેલા ભ્રૂણને પણ નુકસાન થઈ શકે છે. એટલે જ ડૉક્ટરની સલાહ લઈ પોતાની મેડિકલ કન્ડિશનનો ખ્યાલ કરીને સમજીને આ ગોળી લો તો નુકસાન ન થાય.’

આડઅસરો શું?

મોટા ભાગે આ દવાઓથી માસિક ચક્રમાં અનિયમિતતા આવવા ઉપરાંત વધુપડતું બ્લીડિંગ થવું, ચક્કર આવવાં, માથાનો અને પગનો દુખાવો, વજન વધવું, મૂડવિંગ્સ, ચીડચીડાપણું, બધાં જ હૉર્મોનમાં અસંતુલન ઊભું થવાને કારણે વધતું ચીડિયાપણુ, બ્રેસ્ટમાં દુખાવો, ઊબકા આવવા, ચહેરા પર ખીલ થવા જેવી સામાન્ય સાઇડ-ઇફેક્ટ જોવા મળતી હોય છે. ડૉ. ધૃપ્તિના મતે મોટા ભાગે પોસ્ટ પિરિયડ મહિલાઓને જે પણ પ્રૉબ્લેમ થતા હોય એ આ દવાઓ પછી વધતા હોય છે. એક્સ્ટ્રીમ કેસમાં શરીરમાં બ્લડ-ક્લૉટિંગ પણ થઈ શકે છે જે ક્યારેક હાર્ટ કે બ્રેઇનની વેઇનમાં જઈને એને બ્લૉક કરી શકે છે. આ ઉપરાંત નિયમિત લાંબા સમય માટે આ પ્રકારની દવાઓ લઈને માસિક ચક્ર ડિસ્ટર્બ કરતા રહેવાથી નૉર્મલ રીતે ગર્ભધારણ કરવામાં પ્રૉબ્લેમ થાય એ પણ એની એક ગંભીર આડઅસર છે.

પિરિયડની પ્રોસેસને સમજવાના પ્રયત્ન કરીએ : ડૉ. ધૃપ્તિ દેઢિયા, ગાયનેકોલૉજિસ્ટ

સ્ત્રી માતા બની શકે એ માટે કુદરતે સ્ત્રીઓના પ્રજનન અવયવોમાં કેટલીક વિશિષ્ટતાઓ મૂકી છે. આ વિશિષ્ટતાઓની જ એક પ્રક્રિયા એટલે દર મહિને સ્ત્રીઓને આવતું માસિક છે. સ્ત્રીઓ માતૃત્વ ધારણ કરે તો ગર્ભમાં આવનારા બાળકને પૂરતું પોષણ મળી શકે એવી વ્યવસ્થા દર મહિને કુદરત કરે છે, પરંતુ જો ગર્ભ ધારણ ન થયો હોય તો આવતા મહિના માટે ફરીથી એવી શક્યતાઓ માટે શરીરને પ્રિપેર કરવાના રીપ્રોડક્ટિવ સિસ્ટમના કેટલાક અવયવો અને હૉમોર્ન્સ કામે લાગી જતાં હોય છે.

સ્ત્રીના શરીરમાં ગર્ભાશય સાથે સંકળાયેલી ફેલોપિયન ટ્યુબને અડીને અંડકોષ આવેલો છે. બદામ આકારના આ ભાગમાં દર મહિનાના અમુક દિવસે (કોઈકને સાત દિવસે, કોઈકને દસ દિવસે) સ્ત્રીબીજનું નિર્માણ થાય છે. આ સ્ત્રીબીજ જો સ્પર્મ સાથે જોડાય તો એમાંથી એમ્બિþઓ બને અને એ ગર્ભાશય સાથે જોડાયેલી ફેલોપિયન ટ્યુબ નામની નળીમાંથી ગર્ભાશયમાં જાય. આ એમ્બિþઓ એટલે ભ્રૂણ. કુદરતની ગ્રેટ વ્યવસ્થા એવી છે કે ભ્રૂણ ગર્ભમાં આવે એ પહેલા જ એની સેફ્ટી અને પોષણની વ્યવસ્થા થઈ ગઈ હોય છે. ગર્ભાશયની ફરતે એક લાદી જેવી બ્લડ અને બ્લડ ક્લૉટની એક દીવાલ તૈયાર થાય છે જેને ગર્ભલાદી પણ કહેવાય છે. એની સાથે જ પ્રોજેસ્ટરોન નામના એક ખાસ હૉમોર્ન્સનું ઉત્સર્જન થાય છે જે પણ આવનારા ભ્રૂણને પોષણ આપવાના કામમાં લાગવાનાં છે. સાથે જ ગર્ભાશયમાં ભ્રૂણ માટે તૈયાર થયેલી સેફ્ટી વૉલને જાળવવાનું કામ પણ આ પ્રોજેસ્ટરોન દ્વારા થાય છે. હવે માની લો કે ગર્ભ ધારણ નથી થયો તો પછી આ સેફ્ટી વૉલની શું જરૂર? એટલે મેકૅનિઝમ કંઈક એવું છે કે સ્ત્રીબીજ ઉત્પન્ન થયાના લગભગ ૧૨થી ૧૪ દિવસ સુધી પ્રોજેસ્ટરોન હૉર્મોન બને અને ગર્ભાશયની વૉલને સાચવે, પણ ત્યાં સુધી જો એને ગર્ભ રહ્યાનો મેસેજ બ્રેઇન દ્વારા ન મળે તો એનું સીક્રેશન બંધ થઈ જાય. પ્રોજેસ્ટરોન નથી એટલે ગર્ભાશયની અંદર દીવાલ જેવી લાદીઓ તૂટવાનું શરૂ થાય જે વજાઇનાના માર્ગે બહાર આવે. આ પ્રક્રિયાને આપણે પિરિયડ્સ તરીકે ઓળખીએ છીએ.

આયુર્વેદની દૃષ્ટિએ તો ના જ છે આની : વૈદ્ય પ્રબોધ જોશી


જાણીતા વૈદ્યરાજ પ્રબોધ જોશી માસિક ચક્રમાં પોતાની રીતે ઉપર-નીચે ઠેલવાની પ્રક્રિયાને અનુચિત સમજે છે. તેઓ કહે છે, ‘કુદરતે જે ચક્ર નિર્મિત કર્યું છે એમાં વિક્ષેપ ન પાડવાની પહેલી સલાહ હું આપીશ. શરીરના દરેક અવયવની વિશિષ્ટ કાર્યક્ષમતાઓ છે. જે અંતસ્રાવો શરીર પોતે જ નિર્માણ કરી શકે છે અને એની જરૂરિયાત પ્રમાણે નિર્માણ કરે છે એમાં ઉમેરો કરવાથી એની અસર શરીરના અવયવો પર પડતી હોય છે. આયુર્વેદમાં પણ માસિક ધર્મચક્રમાં કોઈ પણ જાતની છેડછાડ ન કરવાની જ સલાહ છે. એમ છતાં અમુક અનિવાર્ય સંજોગોમાં એ કરવું પડે તો આયુર્વેદની દૃષ્ટિએ પિત્તવર્ધક આહાર એટલે કે ગરમ પ્રકૃતિ હોય એવો ખોરાક વધુ ખાવાથી માસિક ધર્મને વહેલું લાવવામાં મદદ મળે છે. મરચાં, તળેલો ખોરાક, ગરમ મસાલાઓ યુક્ત ખોરાક વગેરેની પ્રકૃતિ ગરમ હોય છે. એ રીતે કફવર્ધક ખોરાક ખાવાથી માસિક ધર્મની તારીખ લંબાવી શકાય. મીઠાઈ, મેંદાની વસ્તુ, તકમરિયાં, જીરું, ધાણા, સાકરના યોગથી બનતી બધી જ વસ્તુઓ કફવર્ધક હોય છે. વરિયાળીને ઘણા લોકો ઠંડક માટે વાપરે છે, પણ હકીકતમાં એની પ્રકૃતિ ગરમ હોય છે. જોકે ખડી સાકરમાં પાણીમાં પલાળેલી વરિયાળી વાપરી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK