તમારું સ્ટ્રેસ તમને ડાયાબિટીઝ તરફ ધકેલે એ પહેલાં ચેતી જાઓ

ડાયાબિટીઝ થવા પાછળ ઘણાં કારણોમાંનું એક મહત્વનું કારણ વ્યક્તિનું સ્ટ્રેસ છે. આ બન્ને વચ્ચેના સંબંધને આજે આપણે સમજીએ

diabetes

જિગીષા જૈન

૩૨ વર્ષની શ્રેયાને એક વર્ષ પહેલાં દીકરી આવી. ડિલિવરીના ૬ મહિના પછી તેણે કામ શરૂ કર્યું. એક વર્કિંગ વુમન, એક ફુલટાઇમ મધર હોવા ઉપરાંત ઘરનાં કામ તથા ફૅમિલી-મેમ્બર્સની જવાબદારી તો ખરી જ. શ્રેયાનો દિવસ ક્યારે ચાલુ થતો અને ક્યારે પતતો એ તેને ખબર જ ન પડતી. મલ્ટિટાસ્કિંગ તેને ભારે પડી રહ્યું હતું. ઑફિસમાં વિમેન્સ ડે પર ફરજિયાત દરેક સ્ત્રી માટે હેલ્થ ચેક-અપ રખાયું હતું જે કરાવવાથી તેને ખ્યાલ આવ્યો કે પોતાને ડાયાબિટીઝ છે. બૉર્ડરલાઇન પર હતું, પરંતુ ડૉક્ટરે તેને ચેતવી કે જો તે સભાન નહીં થાય તો ડાયાબિટીઝ ઘર કરી જશે.

૫૭ વર્ષના રમેશભાઈને છેલ્લાં ૭ વર્ષથી ડાયાબિટીઝ છે, પરંતુ શિસ્તબદ્ધ જીવન જીવતા રમેશભાઈની શુગર હંમેશાં કન્ટ્રોલમાં રહી હતી. ૬ મહિના પહેલાં તેમનાં પત્ની શાંતિબહેનનું અવસાન થયું અને રમેશભાઈ પર એ વાતની ખૂબ ગંભીર અસર થઈ. તેમનું રૂટીન તો ખોરવાયું જ સાથે-સાથે તે ભયંકર દુ:ખમાં જીવવા લાગ્યા. આ ઉંમરે જ્યારે તેમને ખાસ જરૂર હતી પત્નીની અને તે જતી રહી એ દુ:ખ અને પોતે તેમને બચાવી ન શક્યા એ વાતના સ્ટ્રેસે રમેશભાઈની શુગર પર અસર કરી. ૩૯૦ જેટલી શુગર વધી જતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.

ડાયાબિટીઝ આજકાલનો અત્યંત સામાન્ય ગણાય એવો રોગ બનતો જાય છે, પરંતુ આ સામાન્ય બનતા જતા રોગ પાછળ છે સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળતું અઢળક સ્ટ્રેસ. ઘણા લોકો માને છે કે આજના સમયમાં સ્ટ્રેસ વગર જીવી ન શકાય અને એ જ કારણસર આપણે આપણા સ્વભાવને સ્ટ્રેસફુલ બનાવી દીધું છે. જે બાબતે સ્ટ્રેસ ન લેવું જોઈએ એવી નાની-નાની બાબતમાં પણ આપણે સ્ટ્રેસ લઈએ છીએ. મલ્ટિટાસ્કિંગના નામે આપણે આપણી ક્ષમતા બહારનું કામ કરીને જાતને એટલી થકવી દઈએ છીએ કે પછી નાનકડું કામ પણ એક બોજ લાગવા લાગે છે. આ દરેક પરિસ્થિતિ આપણને રોગો તરફ ધકેલે છે, જેમાં ડાયાબિટીઝનું સ્થાન ઘણું આગળ છે.

અમુક રિસર્ચ જણાવે છે કે સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ તેમને ડાયાબિટીઝ તરફ ધકેલે છે. ઘરમાં કોઈનું નિધન કે નોકરી જતી રહેવી જેવાં ઘણાં કારણો છે જેને લીધે આવતું સ્ટ્રેસ ડાયાબિટીઝને ટ્રિગર કરે છે. એક રિસર્ચ એ પણ જણાવે છે કે બાળકોમાં શરૂઆતી બે વર્ષ અથવા તો પ્રેગ્નન્સીના ૯ મહિના દરમ્યાન પણ માતાએ લીધેલા સ્ટ્રેસના પરિણામરૂપે ટાઇપ વન ડાયાબિટીઝ આવી શકે છે. ડાયાબિટીઝ અને સ્ટ્રેસનો સંબંધ આડકતરો નથી, સીધો જ છે. આ સંબંધ કઈ રીતે જોડાયેલો છે એ સમજીએ.

સંબંધ


સ્ટ્રેસ એટલે શું? જો એની વ્યાખ્યા કરીએ તો કહી શકાય કે એક એવી માનસિક અવસ્થા જેમાં ઇમોશનલ તાણ કે ટેન્શન ઉદ્ભવે જેને તમે પહોંચી ન વળો. આ વાત સમજાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. રોશની ગાડગે કહે છે, ‘સામાન્ય રીતે સ્ટ્રેસમાં વર્તણૂક સાથે સંબંધિત તકલીફો જેમ કે વધુપડતું ખાવું, હાઈ ફૅટવાળો ખોરાક વધુ ખાવો કે ખોટા ખોરાકની પસંદગી વધુ કરવી, શારીરિક ઍક્ટિવિટી ન કરવી, આળસુ બની રહેવું અને બેઠાડુ જીવન જીવવું વગેરે જેવી તકલીફો જોવા મળે છે. આ ઉપરાંત સ્ટ્રેસને કારણે ઊંઘ સંબંધિત તકલીફો પણ ઉદ્ભવે છે. સ્ટ્રેસને કારણે વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય અથવા તે ઊંઘે પણ એ ગાઢ ઊંઘ ન હોય. સ્ટ્રેસને કારણે વ્યક્તિને માનસિક તકલીફો પણ ઉદ્ભવતી હોય છે જેમ કે તે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, અસુરક્ષાની ભાવના વગેરેનો શિકાર બની શકે છે. આ બધા જ પ્રકારના બદલાવ તેને ડાયાબિટીઝ તરફ ધકેલે છે. આ બધા જ બદલાવ એક ટ્રિગર છે જે ડાયાબિટીઝને તાણી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ સ્ટ્રેસ ડાયાબિટીઝનું કારક બને છે.’

diabetes1

સતત ચાલતી સાઇકલ

ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે કૉર્ટિઝોલ હૉર્મોન જન્મે છે અને આ સ્ટ્રેસ હૉર્મોન શરીરમાં લોહીમાં રહેલી શુગરનું પ્રમાણ વધારે છે. જેમને ડાયાબિટીઝ છે જ એવી વ્યક્તિને પણ કૉર્ટિઝોલને કારણે ઘણો ખતરો છે, કારણ કે તેમનું શુગર-લેવલ કન્ટ્રોલમાં રહેતું નથી. આમ સ્ટ્રેસને લીધે ડાયાબિટીઝ થઈ શકે છે એની સાથે-સાથે એ પણ મહત્વનું સમજવું કે જો તમને ડાયાબિટીઝ છે જ અથવા ડાયાબિટીઝ જેવો કોઈ પણ લાંબા ગાળાનો રોગ છે તો એ રોગ પોતે પણ ઘણાં સ્ટ્રેસ અને પ્રેશર જન્માવે છે. એને કારણે બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખવી અઘરી બને છે. એને કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે. આ વાતની સ્પક્ટ કરતાં ડૉ. રોશની ગાડગે કહે છે, ‘આમ સ્ટ્રેસને કારણે ડાયાબિટીઝ, ડાયાબિટીઝને કારણે વધુ સ્ટ્રેસ, વધુ સ્ટ્રેસને કારણે અનિયંત્રિત ડાયાબિટીઝ અને અનિયંત્રિત ડાયાબિટીઝને કારણે વધતું જ રહેતું સ્ટ્રેસ એ એક ક્યારેય ખતમ ન થતી સાઇકલ છે. આ સાઇકલને તોડવી સમય જતાં અઘરી પડે છે, જે માટેના પ્રયાસો જેટલા વહેલા શરૂ થાય એ ફાયદેમંદ છે.’

શું કરવું?


સ્ટ્રેસને કારણે તમારી પૂરી લાઇફ-સ્ટાઇલ ઉપર-નીચે થઈ જાય છે. આ સિવાય સ્ટ્રેસ તમારી અંદર હૉર્મોનલ બદલાવ માટે જવાબદાર બને છે. ડાયાબિટીઝના દરદીઓએ પોતાની લાઇફ-સ્ટાઇલ ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ બદલવી જરૂરી છે.

જે માણસ સ્ટ્રેસમુક્ત રહે અથવા તો કહીએ કે પોતાનું સ્ટ્રેસ મૅનેજ કરતાં વ્યવસ્થિત શીખી જાય તો તેના માટે તેનો ડાયાબિટીઝ મૅનેજ કરવો અઘરું નહી રહે. આમ પ્રતિબદ્ધ બનવું જરૂરી છે કે જીવન ગમે તેટલું ઉપરનીચે થાય, પરંતુ મારે ખોટું સ્ટ્રેસ લેવાનું નથી.

સ્ટ્રેસ-મૅનેજમેન્ટ માટે ઘણી જુદી-જુદી ટેãક્નક હોઈ શકે છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ જેવી વૈદિક ટેãક્નકથી લઈને આજની લાફ્ટર ક્લબવાળી કોઈ પણ ટેãક્નક વાપરી શકાય.

માનસિક શાંતિ અને સ્ટ્રેસ વગરની લાઇફને કારણે શરીર બૅલૅન્સ જાળવી શકે છે અને ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવો સરળ બને છે.

જરૂરી નથી કે મુંબઈમાં રહો છો તો ભાગ્યા કરવું ખૂબ જરૂરી છે. શાંત રહીને કામ કરતાં શીખો. કોઈ પણ પરિસ્થિતિમાં અંદરથી ન હલી જાઓ એનું ખાસ ધ્યાન રાખો. જાતે કરીને સ્ટ્રેસ ઊભું ન કરો.

મલ્ટિ-ટાસ્કિંગ જેટલું શક્ય હોય એટલું જ કરો. વધુપડતો ભાર મગજ પર નાખો નહીં. ભલે એક સમયે એક કામ થાય, પરંતુ એ ચોક્કસ થાય અને સારું થાય એ વધુ મહત્વનું છે.

સમય ન મળે તો પણ ૧ કલાક એક્સરસાઇઝને આપવો ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિ ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે ત્યારે શરીર અને મન બન્નેને સંતુલનમાં રાખી શકે છે. એ સિવાય હૉર્મોન્સ પણ કન્ટ્રોલમાં રહે છે. સંતુલન માટે યોગ્ય ખોરાક અને દરરોજ નિયમિતરૂપે એક્સરસાઇઝ અત્યંત મહત્વની છે.

જે વ્યક્તિને સ્ટ્રેસ ખૂબ રહેતું હોય તેની ઊંઘ ગાયબ થઈ જાય છે. એવી જ રીતે જેને ઊંઘની તકલીફ હોય તેને સતત સ્ટ્રેસ રહ્યા કરે છે. એટલે ગાઢ કહી શકાય એવી રાતની ૮ કલાકની ઊંઘ ચોક્કસ લો. જે વ્યક્તિ શરીર અને મનને દરરોજનો ૮ કલાકનો આરામ આપે છે એ વ્યક્તિના જીવનમાં જે સ્ટ્રેસ છે એને મૅનેજ કરતાં તેને સારું આવડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK