તમારા ઘરની હવા કેટલી શુદ્ધ છે?

પ્રદૂષણની વાત આવે ત્યારે આપણે બાહ્ય હવા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ આજની આપણી લાઇફ-સ્ટાઇલ મુજબ આપણે મોટા ભાગનો સમય ઇન્ડોર એરિયામાં જ વિતાવીએ છીએ અને એટલા માટે જ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે બહારના ઍર-પૉલ્યુશન કરતાં ઇન્ડોર ઍર-પૉલ્યુશન દસગણું વધુ જોખમી સાબિત થાય છે. આજે સમજીએ આપણા ઘરની હવાને પ્રદૂષિત કરતાં તત્વોને

deepika

જિગીષા જૈન

આજકાલ લોકોને પર્યાવરણની ઘણી જ ચિંતા થઈ રહી છે. સ્કૂલોમાં નાનાં બાળકોથી માંડીને વૈશ્વિક સ્તરે ચાલતી પર્યાવરણને લગતી પરિષદોમાં બિરાજતા માંધાતાઓ પણ એક જ ચિંતામાં રત છે કે જે રીતે આપણે અંધાધૂંધ વિકાસ કરી મૂક્યો છે અને કુદરત વિશે જરા પણ વિચાર્યું નથી એ પરિસ્થિતિ આપણને સવર્નાંશ તરફ લઈ જઈ રહી છે. દિલ્હીની હાલતથી આપણે બધા માહિતગાર છીએ. શ્વાસ લેવા માટે શુદ્ધ હવા જે કુદરતે આપણને મફતમાં આપી હતી એ મફતના માલને આપણે એટલો પ્રદૂષિત કરી દીધો કે પૈસા, મગજ તો શું સંપૂર્ણ જીવન ખર્ચી નાખીશું તો પણ એને પાછું લાવવું મુશ્કેલ બની જશે. પ્રદૂષણની ચિંતા કરીએ ત્યારે આપણા મગજમાં આખી દુનિયાની છબી ઊપસી આવે છે, પરંતુ એની ચિંતાની શરૂઆત આપણા ઘરથી કરવી જરૂરી છે. આજે આપણે બધા રસ્તા પર કે બહાર ખુલ્લા આકાશ નીચે ગણીને એકાદ કલાક પણ નહીં વિતાવતા હોઈએ. ઘરમાં, કારમાં, મૉલમાં, ઑફિસમાં, હોટેલમાં એમ દરેક જગ્યાએ આપણે ઇન્ડોર જ હોઈએ છીએ. આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઇન્ડોર હવા છે એટલે કે એક જગ્યામાં બંધ થયેલી હવા. મુંબઈમાં આમ પણ અવાજ અને ધૂળથી બચવા માટે બારીબારણાંઓ ખુલ્લાં રાખવાનો પણ ખાસ રિવાજ હોતો નથી. ઊલટું જેટલું ઘર પૅક હોય એટલું લોકોને સુરક્ષિત લાગે છે. હકીકતમાં આ બધી જ પૅક જગ્યાઓ એટલે કે ઇન્ડોર જગ્યાઓમાં જેટલી હવા પ્રદૂષિત હોય છે એટલી ઘણી વાર બહાર પણ નથી હોતી. વિજ્ઞાન એ સિદ્ધ કરી ચૂક્યું છે કે ઇન્ડોર ઍર-પૉલ્યુશન બાહ્ય ઍર-પૉલ્યુશન કરતાં દસગણું વધુ નુકસાનકારક છે. આજે જાણીએ કે ઘરમાં એવી કઈ વસ્તુઓ છે જે ઘરની હવાને પ્રદૂષિત કરે છે.

દીવાલો પર આવતો ભેજ

મુંબઈનાં ઘરોમાં દીવાલો પર ભેજ ખૂબ સામાન્ય સમસ્યા છે. આ ભેજમાં બૅક્ટેરિયા અને ફૂગ જન્મે છે અને એ ઘરની હવાને પ્રદૂષિત કરે છે. ઘણી જગ્યાએ પાણીના લીકેજની સમસ્યા હોય છે. ખાસ કરીને બાથરૂમની આસપાસની દીવાલો પર આવા પ્રૉબ્લેમ થાય છે. સમયાંતરે એ રિપેરિંગ ખૂબ જરૂરી છે. આ સિવાય પેઇન્ટના જે કલર છે એ પણ પૉલ્યુશન વધારનારા છે.

કાર્પેટ, બેડશીટ્સ, રજાઈ અને તકિયાનાં કવર

ઘરમાં કાર્પેટ પાથરવાનો ટ્રેન્ડ ભારત જેવા દેશમાં ખરેખર અયોગ્ય છે, કારણ કે આપણે ત્યાં એટલી ધૂળ હોય છે કે એ ધૂળના કણો એમાં ચોંટી જાય અને હવાને પ્રદૂષિત કરે છે. આ સિવાય બેડશીટ્સ પણ ઘણા લોકો મહિનાઓ સુધી બદલતા નથી અને એને કારણે તેમને ઍલર્જી‍ થતી હોય છે. એક રિસર્ચ મુજબ ઘરમાં સૌથી વધુ કીટાણુ પથારી પર હોય છે. જો ઘરમાં કાર્પેટ રાખો તો એની યોગ્ય સફાઈ કરવી અનિવાર્ય છે. આ ઉપરાંત ચાદર, તકિયાનાં કવર વગેરે અઠવાડિયા-દસ દિવસે બદલી જ નાખો.  

ઘરમાં સળગાવવામાં આવતાં અગરબત્તી અને ધૂપ

જે ઘરમાં સ્મોકિંગ થતું હોય એ ઘરની હવા તો શુદ્ધ રહી જ ન શકે, પરંતુ એવાં ઘણાં રિસર્ચ છે જે સાબિત કરી ચૂક્યાં છે કે ઘરમાં સળગાવવામાં આવતાં અગરબત્તી અને ધૂપ પણ અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. એમાં સુગંધ ભેળવવા માટે જે કેમિકલ્સ વપરાતાં હોય છે એને કારણે ઘરની હવા દૂષિત થાય છે. અગરબત્તીમાં મચ્છર અગરબત્તી પણ છે જે અત્યંત હાનિકારક છે. એનાથી મચ્છર ભાગે કે નહીં, પરંતુ તમારા શ્વાસમાં જઈને એ તમને અત્યંત નુકસાન કરે છે. મચ્છર, માખી જેવાં જંતુઓ ભગાડવા માટે ઘણી હર્બલ પ્રોડક્ટ બજારમાં મળે છે, જેમાં જુદા-જુદા તેલનો ઉપયોગ હોય છે એ સેફ છે. આ સિવાય મચ્છરદાની તો બેસ્ટ છે જ. પૂજા માટે બને ત્યાં સુધી ઘીનો દીવો જ વાપરો. અગરબત્તી અને ધૂપ કેમિકલ વગરનાં પણ મળે છે, પરંતુ એ બાબતે વિશ્વાસ મૂકવો અઘરો છે.

ઘરમાં વપરાતાં કેમિકલ ક્લીનર્સ


ઘરમાં ફિનાઇલ, ઍસિડ, ઍન્ટિસેપ્ટિક લિક્વિડ, ઍન્ટિસેપ્ટિક સોપ, શૅમ્પૂ વગેરે ઘરને સાફ કરવા માટે હોય છે અને એના ઉપયોગથી ઘર સાફ થાય છે, કીટાણુમુક્ત થાય છે એ હકીકત છે; પરંતુ એમાં રહેલાં કેમિકલ ઘરની હવાને દૂષિત કરે છે. એ ઝેરી કેમિકલ્સ છે જેની સુગંધ ભલે સારી આવતી હોય, પરંતુ એ હેલ્ધી નથી જ. તમારા ઘરની જમીન કે બાથરૂમ તો એનાથી સાફ થાય છે, પરંતુ હવા દૂષિત થઈ જાય છે. આ કેમિકલ શ્વાસમાં જાય એટલે એ તમને હાનિ પહોંચાડે છે. સફાઈ માટે ઘણી હર્બલ પ્રોડક્ટ બજારમાં મળે છે. નહીંતર ઘરગથ્થુ નુસખાઓ પણ ઘણા છે એ અપનાવો.

પરફ્યુમ અને ઍર-ફ્રેશનર્સ

લોકોને સુગંધ અતિ ગમે છે. જ્યાં સુગંધ આવતી હોય ત્યાં સ્વચ્છતા છે એવું માનવામાં આવે છે. એટલે જ ફ્લાઇટમાં, હોટેલમાં, ઘરમાં, ઑફિસમાં દરેક જગ્યાએ ઍર-ફ્રેશનર કે પરફ્યુમનો ઉપયોગ બહોળી માત્રામાં થઈ રહ્યો છે જે કેમિકલયુક્ત છે અને તમારી હવામાં કેમિકલ હોય તો એ દૂષિત હવા ફેફસાંને તકલીફ આપવાની જ છે. ઍર-ફ્રેશનરને લોકો ઍર-પ્યુરીફાયર સમજીને વાપરી રહ્યા છે, જે ઠીક નથી. એનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ. સુગંધનો ખૂબ શોખ હોય તો ફૂલનો ઉપયોગ કરો. કારમાં સ્પ્રે કરવાને બદલે એક મોગરાની માળા કે ૪-૫ દેશી ગુલાબ રાખો, એ હેલ્ધી છે.

રસોઈ માટે વપરાતાં બળતણ


આપણાં શહેરી ઘરોમાં તો LPGની સગવડ છે, પરંતુ જે જગ્યાઓએ બળતણ તરીકે લાકડાં કે કોલસો કે છાણ વપરાય છે એ સ્ત્રીઓને ફેફસાંની બીમારી થવાની શક્યતા ઘણી વધારે છે. જોવા મળ્યું છે કે જે સ્ત્રીઓએ જીવનમાં નાની વયે આ બળતણ સાથે કામ કર્યું છે તેમને પાછલા જીવનમાં પણ ફેફસાંના રોગો આવે છે. એક આંકડા મુજબ દુનિયામાં આજે પણ બે મિલ્યન સ્ત્રીઓ આ પ્રકારનું બળતણ વાપરવાને લીધે દર વર્ષે મરી જાય છે.

LPG પ્રમાણમાં ઘણું ઓછું નુકસાન કરે છે.

વેન્ટિલેશનનો અભાવ

મુંબઈમાં મોટા ભાગની ઇન્ડોર જગ્યાઓ પૅક હોય છે એટલે કે બારી-બારણાં ખુલ્લાં હોતાં નથી, કારણ કે અવાજ અને ધૂળથી લોકો બચવા માગતા હોય છે. દરિયાકિનારે ખૂબ હોંશથી વધુ ભાવ આપીને લીધેલાં ઘરોમાં પણ બધું પૅક રાખવામાં આવે છે કે ઘરમાં ધૂળ ભરાઈ જાય છે. ઘરમાં જો ફ્રેશ હવા પણ હોય, પરંતુ એ બંધિયાર હોય તો એ અશુદ્ધ બની જાય છે. હવા બદલાતી રહે એ અત્યંત જરૂરી છે. જોકે ક્યારેક એવું બનું હોય છે કે જેમનું ઘર રોડ પર હોય એ લોકો બારી ખોલે તો પ્રદૂષિત હવા વધે છે. કોશિશ એવી કરવી કે વહેલી સવારે કે મોડી રાત્રે થોડી વાર માટે પણ બારી ખુલ્લી રાખવી. AC હોય ત્યાં ખાસ વાંધો નથી, કારણ કે એમાં ફિલ્ટર પણ હોય છે એટલે હવા ગળાઈને આવતી હોય છે.

(આવતી કાલે જાણીશું ઇન્ડોર ઍર-પૉલ્યુશનને દૂર કરવાના એક સરળ અને યોગ્ય ઉપાય વિશે.)

ઘરના પ્રદૂષણની અસર

મુંબઈની જ વાત કરીએ તો આજકાલ બાળકોમાં ઍલર્જીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે એનું એક કારણ ઇન્ડોર ઍર-પૉલ્યુશન પણ છે. આ વાત સમજાવતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના પલ્મનોલૉજિસ્ટ ડૉ. લાન્સલોટ પિન્ટો કહે છે, ‘જેમને ફેફસાંની તકલીફ છે જ એટલે કે બ્રૉન્કાઇટિસ, અસ્થમા, ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (COPD), ઍલર્જી‍ વગેરે છે જ તેમને ઇન્ડોર ઍર-પૉલ્યુશન ઘણું જ અસર કરે છે. તેમનાં ફેફસાંની હાલત વધુ બગડે છે. પરંતુ જેમને કંઈ પ્રૉબ્લેમ નથી તેમને પણ ઇન્ડોર ઍર-પૉલ્યુશનની અસર થાય જ છે. આ અસર લાંબા ગાળે સામે આવે છે. જેમણે ક્યારેય સ્મોકિંગ કર્યું નથી છતાં તેમને ફેફસાંનું કૅન્સર છે એવા લોકોની સંખ્યા ઘણી વધતી જાય છે, જેની પાછળનું એક કારણ ઇન્ડોર ઍર-પૉલ્યુશન પણ છે. એ વિશે સતર્ક રહેવું જરૂરી છે. જેમ આપણાં ઘરોમાં વૉટર-પ્યુરિફાયર્સ લગાવવાં સાવ સામાન્ય બની ગયાં છે એમ ચીનમાં દરેક ઘરમાં ઍર-પ્યુરિફાયર્સ લોકો લગાવે છે. એ કેટલાં ઉપયોગી છે એ એક જુદો પ્રશ્ન છે, પરંતુ આપણે ત્યાં ઇન્ડોર ઍર-પૉલ્યુશન બાબતે લોકો જાગૃત થાય એ જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK