જ્યારે હૃદયના ધબકારામાં કોઈ પ્રકારની તકલીફ આવે, ખાસ કરીને ધબકારા ઘટી જાય ત્યારે એક ઇલેક્ટ્રિક ડિવાઇસ હાર્ટમાં ફિટ કરવામાં આવે છે; જે ધબકે છે અને દરદીના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રાખે છે. આ સિવાય પણ પેસમેકર જુદી-જુદી કન્ડિશનમાં મદદરૂપ છે. આજે સમજીએ આ મશીનની જરૂરિયાત કોને પડે છે અને એ કઈ રીતે મદદરૂપ બનતું હોય છે
જિગીષા જૈન
માણસના શરીરમાં હૃદય જયારે કામ ન કરે અથવા જરૂરત કરતાં ઓછું કામ કરે તો તકલીફ સરજાઈ શકે છે. આવા સમય માટે વિજ્ઞાને અમુક ડિવાઇસ એટલે કે મશીન બનાવ્યાં છે, જે તેના હૃદયના કામને અટકાવે નહીં અને તેનું જીવન ટકાવી રાખવા મદદરૂપ બને. આવું જ એક ડિવાઇસ છે પેસમેકર. હાલમાં મુંબઈની સૈફી હૉસ્પિટલમાં નૅનો ટેક્નૉલૉજીવાળું દુનિયાનું સૌથી નાનું પેસમેકર વાપરીને એક દરદીના હૃદયની તકલીફ દૂર કરવામાં આવી હતી. મિનિમલ ઇન્વેસિવ સર્જરી દ્વારા નૉર્મલ પેસમેકર કરતાં ૯૩ ટકા નાના આ પેસમેકરને દરદીના હૃદયમાં ફિક્સ કરવામાં આવ્યું હતું. સર્જરી કરનારા ડૉક્ટર્સના કહેવા મુજબ મુંબઈમાં આ પ્રકારની આ ત્રીજી સર્જરી હતી, જેમાં લીડ વગરનું પેસમેકર વાપરવામાં આવ્યું હતું અને મિનિમલ ઇન્વેસિવ સર્જરીને કારણે એક જ દિવસ દરદીને હૉસ્પિટલમાં રાખવાની જરૂર પડી હતી. બીજા દિવસે તેમને ઘરે જવાની છૂટ આપવામાં આવી હતી. પેસમેકર વર્ષો પહેલાં શોધાયેલું ડિવાઇસ છે, જે હાર્ટના દરદીઓ માટે વરદાનરૂપ છે. જોકે બેઝિક પેસમેકરની શોધ પછી આજે તો એમાં ઘણી નવી શોધો થઈ ચૂકી છે. કોઈ પણ વ્યક્તિને પેસમેકરની જરૂર પડે તો ૩૫,૦૦૦થી લઈને ૧૨ લાખ સુધીનાં પેસમેકર મળે છે. પહેલાં તો એવું પણ હતું કે જેને પેસમેકર લગાવ્યું હોય એ વ્યક્તિનું ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ કરી શકાતું નહીં એટલે ડૉક્ટરે લેખિતમાં આપવું પડતું કે આ વ્યક્તિનું સ્ક્રીનિંગ ન કરવું. પરંતુ આજે એવાં ઍડ્વાન્સ્ડ પેસમેકર છે, જેમાં આવી કોઈ પાબંદી નથી હોતી એટલું જ નહીં; પેસમેકર ધરાવતા લોકો પહેલાં MRI સ્કૅન નહોતા કરાવી શકતા. પરંતુ આજે ઍડ્વાન્સ લેવલના પેસમેકર સાથે એ શક્ય છે. જોકે એ વાત પણ સાચી છે કે જેટલું ઍડ્વાન્સ્ડ પેસમેકર હોય એટલું એ મોંઘું પણ હોવાનું જ. આજે જાણીએ પેસમેકર કોના માટે જરૂરી છે અને એ કઈ રીતે મદદરૂપ થાય છે.
કોને જરૂરી?
એક ઍવરેજ વ્યક્તિનું હૃદય એક મિનિટમાં ૭૨ વાર ધબકે છે. જોકે એ શક્ય નથી કે દરેકના ધબકારા ચોક્કસ ૭૨ જ હોય, પરંતુ એક મિનિટમાં હૃદય જો ૬૦-૧૦૦ની વચ્ચે ધબકે તો એ નૉર્મલ ગણાય છે. પરંતુ જો એવું ન થાય તો તકલીફ ઊભી થાય છે. આમ તો એક સામાન્ય વ્યક્તિના ધબકારા ૬૦થી ઓછા થાય તો શરીર પર અસર થાય છે, પરંતુ ખાસ ચિહ્નોની ખબર પડતી નથી. પરંતુ જો ધબકારા ૪૦થી પણ ઓછા થાય તો અમુક ખાસ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે, જે બાબતે વાત કરતાં સૈફી હૉસ્પિટલના કાર્ડિયો-થૉરૅસિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. અલીઅસગર કહે છે, ‘આવી વ્યક્તિને શ્વાસની તકલીફ થાય છે. શ્વાસ ન લેવાતો હોય એમ લાગવા લાગે. ચક્કર આવે, ગભરાટ થાય અને જ્યારે આવાં ચિહ્નો સાથે વ્યક્તિ હૉસ્પિટલ પહોંચે ત્યારે તેનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કાઢવામાં આવે; જેથી ખ્યાલ આવે કે વ્યક્તિના ધબકારા તો ઘણા ઓછા છે, જેની શરીર પર અસર થઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ તકલીફ કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. નવજાત બાળકથી લઈને મોટી ઉંમરની વ્યક્તિ સુધી કોઈ પણ વ્યક્તિ પર આ તકલીફ આવી શકે છે. ઘણા કેસમાં તાત્કાલિક પેસમેકર મૂકવાની જરૂર પડે છે તો ઘણા કેસમાં ઇલાજ આપીને થોડો સમય ખેંચી શકાય છે.’
મુખ્ય ઉપયોગ
હૃદયનું ધબકવું શરીરમાં લોહીના પરિભ્રમણ માટે અત્યંત આવશ્યક છે. જો ધબકારા ઘટી જાય તો પરિભ્રમણ ધીમું થાય અને પૂરતું લોહી દરેક અંગને મળે નહીં. જો મગજને લોહી ન મળે તો માણસ કોમામાં પણ સરી પડી શકે છે. ધબકારા ઓછા થઈ જવાની આ ઘટનાને સરળ શબ્દોમાં સમજાવતાં નાણાવટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજી વિભાગના હેડ ડૉ. લેખ પાઠક કહે છે, ‘આમ તો પેસમેકર ઘણી જુદી-જુદી અવસ્થામાં વપરાય છે, પરંતુ મોટા ભાગે બ્રેડિકાર્ડિયા અને હાર્ટ બ્લૉક હોય તો એની જરૂર વધુ પડે છે. બ્રેડિકાર્ડિયા એટલે જ્યારે ધબકારા જરૂર કરતાં ઓછા હોય એ અવસ્થા. હાર્ટ બ્લૉક એટલે એક એવો પ્રૉબ્લેમ, જેમાં ધબકારા માટે જરૂરી ઇલેક્ટ્રિક સિગ્નલ હાર્ટમાંથી પસાર થાય ત્યારે એ ખોરવાય અથવા ધીમું પડે. ઉંમર અથવા હાર્ટ-અટૅકને કારણે હાર્ટને જે ડૅમેજ થયું હોય કે પછી સ્નાયુઓની કે નસોની તકલીફને કારણે હાર્ટ બ્લૉક થઈ શકે છે. હાર્ટમાં ધબકારા ઉત્પન્ન કરતી એક જગ્યા છે, જેને સાઇનસ નોડ કહે છે. જો એમાં કોઈ પ્રૉબ્લેમ આવે તો પેસમેકરની જરૂર પડે છે.’
બીજા ઉપયોગો
પેસમેકર બીજા હૃદય તરીકે શરીરમાં કામ કરે છે. એવું જરૂરી નથી કે ધબકારા ધીમા થઈ ગયા હોય તો જ ઘણા લોકોના શરીરમાં ધબકારા ખૂબ જ ઝડપી થઈ જતા હોય છે, જેને કન્ટ્રોલમાં રાખવા માટે પેસમેકરની જરૂર રહે છે. પેસમેકરના બીજા ઉપયોગો સમજાવતા વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જેમના શરીરમાં ધબકારાનો રિધમ બરાબર ન હોય તેમને પણ પેસમેકર લગાવવામાં આવે છે. આ સિવાય ઉંમરને કારણે હાર્ટમાં કૅલ્શિયમનો ભરાવો થઈ જાય તો ધબકાર પર અસર પડે છે અને પેસમેકર જરૂરી બને છે. ઘણાં બાળકોને જન્મજાત તકલીફ હોય છે તો તેમને જન્મતાંની સાથે જ પેસમેકરની જરૂર પડે છે અને જીવન આખું તે પેસમેકર પર જ જીવે છે. આ સિવાય જેમના હૃદયમાં કાણું હોય અથવા કોઈ બીજા હાર્ટ-પ્રૉબ્લેમની અસર ધબકારા ઉત્પન્ન કરતા સાઇનસ નોડ પર પડે છે તેમને પેસમેકરની જરૂર પડે છે. મહત્વનું એ છે કે દરેક દરદી અલગ હોય છે અને તેના માટે જરૂરી પેસમેકર પણ અલગ હોય છે. પેસમેકરની એક બૅટરી-લાઇફ હોય છે. એ પૂરી થઈ જાય તો ફરીથી એ ચેન્જ કરવાની પ્રક્રિયા કરવાની હોય છે. સારી કક્ષાનાં પેસમેકર ૧૦-૧૨ વર્ષ સુધી ચાલે છે.’
હાર્ટ-ફેલ્યરમાં પણ ઉપયોગી
જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ પણ કારણસર હાર્ટ ફેલ થઈ જાય છે ત્યારે તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. પરંતુ દરેક વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય હોતું નથી. વળી જરૂરી નથી કે વ્યક્તિનું હાર્ટ ફેલ થયું ત્યારે તેને તરત જ ડોનર હાર્ટ મળી રહેશે. આમ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પણ હોય તો એવું નથી કે ટ્રાન્સપ્લાન્ટ તાત્કાલિક થઈ જાય. આવી પરિસ્થિતિમાં દરદીને બચાવવા માટે પણ પેસમેકર વાપરવામાં આવે છે. એ વિશે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘હાર્ટ ફેલ થાય ત્યારે ત્રણ વાયરવાળું કાર્ડિઍક રીસિન્ક્રોનાઇઝેશન થેરપી પેસમેકર ઉપયોગમાં આવે છે. આ પેસમેકર વડે ૨-૩ વર્ષ સુધીનો સમય મળી શકે છે, જેથી ટ્રાન્સપ્લાન્ટ માટેનો સમય મળી રહે. ઘણા દરદીઓને તો જો એ માફક આવી જાય તો ટ્રાન્સપ્લાન્ટની જરૂર જ રહેતી નથી. આમ એ ઘણું ઉપયોગી સાબિત થાય છે.’
