આપણું લિવર દારૂથી જેટલું નથી બગડ્યું એટલું આપણી લાઇફ-સ્ટાઇલે બગાડ્યું છે

ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ અને ઓબેસિટીની જેમ જ યકૃતના રોગો પણ જીવનશૈલીનાં દૂષણોને કારણે અનેકગણા ફૂલીફાલી રહ્યા છે. સવા-દોઢ કિલો વજન ધરાવતું લિવર ચૂપચાપ આપણી ખરાબ આદતોને સાંખતું રહે છે અને એક દિવસ જ્યારે એ સાવ બગડી જાય છે ત્યારે આપણી પાસે કોઈ ઉપાય નથી રહેતો. આવો આજે વર્લ્ડ લિવર ડે પર જાણીએ આપણી લાઇફ-સ્ટાઇલે લિવરની કેટલી વાટ લગાડી છે એ

food

World liver day - સેજલ પટેલ

શું તમને ડાયાબિટીઝ છે અને દવાઓથી પણ કન્ટ્રોલમાં નથી રહેતો?

શું તમને હાઈ બ્લડ-પ્રેશર છે અને એ માટે લાંબા સમયથી દવાઓ ચાલુ છે?

તમે કૉલેજમાં હતા ત્યારે તમારું વજન ૫૦ કિલો હતું અને હવે ૪૦ વર્ષે ૮૦થી ૯૦ કિલો થઈ ગયું છે?

વધુ વજન નથી અને આખું શરીર એકવડિયું છે, પણ પેટ ફરતે ચરબીનાં ટાયર જામેલાં છે?

શું તમને રાતના ઉજાગરા કરવાનું બહુ ગમે છે?

બહારનું ખાવાના શોખીન હોવાથી વીકમાં એક-બે વાર તો જન્ક અને ફાસ્ટ-ફૂડ ખાઓ છો?

કસરત ન કરવા માટે તમારી પાસે હજાર બહાનાં તૈયાર હોવાથી છેલ્લે ક્યારે યોગાસન કે જૉગિંગ કરેલાં એ યાદ નથી?

જો ઉપરનાં ઉદાહરણોમાંથી કોઈ ચારમાં પણ તમે ફિટ થતા હો તો તમને ફૅટી લિવરની સમસ્યા હોઈ શકે છે. ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, હાઇપરટેન્શન અને ઓબેસિટી એ ચાર એવાં ફૅક્ટર્સ છે જે લિવરનું સ્વાસ્થ્ય બગાડે છે અને આ બધું જ આપણી ખોટી જીવનશૈલીને આભારી છે. ગ્લોબલ હૉસ્પિટલના હેપેટોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ અને હેપેટોલૉજિસ્ટ ડૉ. સમીર શાહ કહે છે, ‘લિવર બગડે છે એનું મુખ્ય કારણ જીવનશૈલી, ખાણી-પીણી અને પૂરતી એક્સરસાઇઝનો અભાવ છે. ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે થતા ચારેય રોગોને લિવર સાથે સીધો સંબંધ છે. આજકાલ એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, પરંતુ લોકો એ બાબતે સભાન નથી. એનું કારણ એ છે કે લિવરની કાર્યક્ષમતા ઘટવાનું પહેલું લક્ષણ એટલે કે ફૅટી લિવર થવાની શરૂઆત થાય ત્યારે એનાં કોઈ જ લક્ષણો નથી હોતાં. લોકો બ્લડ-શુગર, બ્લડ-પ્રેશર કે વજન માપે છે; પણ કોઈને લિવરના શું હાલ છે એનું રેગ્યુલર ચેક-અપ કરવાની જાગૃતિ નથી. ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે ફૅટી લિવરની સમસ્યા એ હદે વકરી છે કે ન પૂછો વાત. તમે રસ્તે જતા રૅન્ડમ ૧૦૦ માણસોને તપાસશો તો લગભગ ૩૦થી વધુ લોકોમાં ફૅટી લિવરની સમસ્યા હશે. આમાંથી મોટા ભાગના લોકોને તો પોતાને ફૅટી લિવરની સમસ્યા છે એની ખબર પણ નહીં હોય. અડધાને ખબર નથી અને જેમને ખબર છે તેઓ આ સમસ્યાને હળવાશથી લે છે. આ બન્ને મોટી સમસ્યા છે.’

દારૂ કરતાંય વધુ ખતરનાક

‘હું તો દારૂ નથી પીતો એટલે મારા લિવરને કશું ન થાય’ એવું જો તમે માનતા હો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. પરેલની ગ્લોબલ હૉસ્પિટલમાં લગભગ ૨૫૦થી વધુ લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા ડૉ. સમીર શાહ કહે છે, ‘આપણે એવું માનીએ છીએ કે મોટા ભાગે દારૂ પીનારા લોકોને જ લિવર-ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, પણ એવું નથી. અમે કરેલાં ટ્રાન્સપ્લાન્ટમાં દારૂ ન પીનારા દરદીઓની સંખ્યા વધારે છે. વર્લ્ડવાઇડ જોઈશું તો લિવરના રોગોમાં નંબર વન પર છે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર. દારૂ પીવાને કારણે થતાં આલ્કોહૉલિક ફૅટી લિવર બીજા નંબરે છે.’

હવે સમજવાની એ જરૂર છે કે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર-ડિસીઝ થાય છે કેમ? ઓવરઑલ અસંતુલિત જીવનશૈલીને સૌથી મોટું કારણ ગણાવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘ફૅટી લિવર એટલે ખૂબ સાદી ભાષામાં કહીએ તો ચરબીની જમાવટ. શરીરમાં કે પેટ ફરતેની ચરબી મેટાબૉલિકલી ઍક્ટિવ કહેવાય. જ્યારે એમાં વધારો અને ભરાવો થાય ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે. મતલબ કે શરીર જે ઇન્સ્યુલિન પેદા કરે છે એ બરાબર વપરાતું નથી અને ફૅટ અને શુગરને એનર્જીમાં રૂપાંતર કરવામાં અડચણ ઊભી થાય છે. આમ વપરાયા વિનાનો ગ્લુકોઝ લોહીમાં પડ્યો રહે અને પડી રહેલો ગ્લુકોઝ ધીમે-ધીમે લિવરમાં ચરબીરૂપે જમા થાય. કેમ ગ્લુકોઝ ચરબીમાં જ રૂપાંતરિત થાય એ પણ સમજવા જેવું છે. જેમ ગોલ્ડ એ યુનિવર્સલ કરન્સી કહેવાય એમ ફૅટ એ આપણા શરીરની યુનિવર્સલ ચીજ છે. આપણે કમાણીમાંથી બચત કરીને સોનું લઈને બચત કરીએ છીએ એમ શરીરને આપણે જે ખાવાનું આપીએ છીએ એમાંથી પેદા થયેલી વધારાની ઊર્જા પણ શરીરમાં બચત થઈને પડી રહે છે. શરીરમાં એનર્જીની બચત હંમેશાં ચરબીરૂપે જ થાય. ઘણા લોકો માને છે કે વધુપડતી ફૅટ ખાવાથી જ લિવરમાં ચરબી વધે, પણ એ ખોટી માન્યતા છે. તમે પ્રોટીન, કાબોર્હાઇડ્રેટ, ફૅટ કોઈ પણ ચીજ વધુ માત્રામાં ખાઓ તો એની બચત લિવરમાં ચરબીરૂપે જ થાય.’

પૈસાની બાબતમાં બચત કરીએ તો ભવિષ્ય સિક્યૉર થાય, પણ ખોરાકની એનર્જી બચત કરીને ચરબીરૂપે લિવરમાં સંઘરી રાખીએ તો લિવર ખરાબ થાય. લિવરમાં ચરબીરૂપે એનર્જીની જમાવટ કરવાની સિસ્ટમ કદાચ શરીરને ક્રાઇસિસના દિવસોમાં કાર્યરત રાખવા માટે થઈ હશે, પરંતુ જ્યારે એક હદ કરતાં વધુ ચરબી લિવરમાં જમા થઈ જાય ત્યારે લિવરની અન્ય કામો કરવાની કાર્યક્ષમતા ઘટી જાય છે. ચરબીની જમાવટ લિવરને કઈ રીતે ખરાબ કરે છે એ સમજવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘શરૂઆતમાં ફૅટી લિવરને કારણે લિવર મોટું અને વજનદાર થઈ જાય. લાંબા સમય સુધી વણવપરાયેલી ચરબી ફાઇબ્રૉઇડની જેમ કડક થઈ જાય. જ્યારે લિવર કડક થઈ જાય એટલે એની કાર્યક્ષમતા સાવ જ ઘટી જાય. એને કારણે સિરૉસિસ કે લિવરનું કૅન્સર પણ થઈ શકે. આવા સંજોગોમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.’

યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ

ફૅટી લિવર ન થાય એ માટે સંતુલિત ડાયટ અને એક્સરસાઇઝ એ બે પાયાની બાબતો છે. અગેઇન ગોલ્ડ કરન્સીના સિદ્ધાંત દ્વારા ડૉ. સમીર શાહ સમજાવે છે કે ‘જો તમે શરીર જેટલું ખર્ચી શકે છે એટલું જ ખાઓ તો વાંધો ન આવે. જ્યારે તમે જે એનર્જી ખચોર્ છો એના કરતાં વધુ માત્રામાં ખાઓ છો ત્યારે એ ફૅટ બનીને લિવરમાં સંઘરાય છે. ફૅટી લિવરની શરૂઆત થઈ ચૂકી હોય તો ઘણી વાર કોઈ જ લક્ષણો બહાર જોવા મળતાં નથી. જો તમારા પેટ ફરતે ચરબી વધતી હોય તો સાવધ થઈ જવું જોઈએ. લિવર ખરાબ થઈને બૂમો પાડે ત્યાં સુધી રાહ ન જુઓ. નિયમિત કસરત કરીને બૉડીનું મેટાબૉલિઝમ જાળવવી જરૂરી છે. કૉલેજમાં કે યુવાવસ્થામાં પચાસ કિલો વજન હોય અને એ પછીનાં વીસ વર્ષમાં તમારું વજન ૮૦થી ૯૦ કિલો થઈ ગયું હોય તો એ લાલ બત્તી છે. આપણું લિવર આટલીબધી ફૅટ સાથે જીવવા ટેવાયેલું નથી. તમે જોજો કે બૉડીનું વજન પાંચ ટકા જેટલું પણ ઘટાડશો તો ફૅટી લિવરની સમસ્યામાં ઘણો ફરક દેખાશે.’

ટૂંકમાં, ફૅટી લિવર એ રોગ આવતાં પહેલાંની ઘંટડી છે. જીવનશૈલીને સંતુલિત કરી દેવા માટેનું ભગવાનનું અલાર્મ જ કહી લો. જોકે આ ઘંટડી એટલી સાઇલન્ટ્લી વાગે છે કે એને સાંભળવા માટે સતર્કતા જોઈએ.

(આવતી કાલે જોઈશું લિવરમાં ચરબી જમા ન થાય એટલા માટે ડાયટ અને એક્સરસાઇઝમાં કેવી કાળજી રાખવી એ.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK