બાળકોને જબરદસ્તીથી ખવડાવવાનું બંધ કરો

બાળક જમવાની ના પડે ત્યારે તેને જમાડવું પેરન્ટ્સ માટે એક ટાસ્ક હોય એમ તેની પાછળ પડી જતા હોય છે. તેને ન જ ખાવું હોય છતાં ડરાવીને, લલચાવીને, ધમકાવીને કે કંઈ પણ કરીને ખવડાવવું જરૂરી સમજતા પેરન્ટ્સે એ સમજવું વધારે જરૂરી છે કે બાળક ના કેમ પાડી રહ્યું છે

eating

જિગીષા જૈન

મારા બાળકને ચૉકલેટ, ફ્રેન્ચ ફ્રાઇઝ કે પીત્ઝા આપો તો જાતે ખાઈ લે છે. જેવાં રોટલી-શાક સામે મૂકો હાથ પણ લગાડતો નથી. પછી ખૂબ ખીજાઉં અને ગુસ્સે થાઉં એટલે ખાય.

મારું બાળક નાનપણથી જ એવું છે, દૂધ આપીએ તો ભાગે. સાવ નાનું હતું ત્યારે દૂધ મોઢામાં મૂકીએ કે ફુવારો કરે. બહાર જ કાઢી નાખે. પરાણે તેનું ધ્યાન ન હોય એમ ટીવી ચાલુ રાખીને તેને દૂધ પીવડાવીએ છીએ. દૂધ નહીં પીએ તો પોષણ કેમ મળશે?

ડૉક્ટર કહે છે કે નબળી પડતી જાય છે. કશું ખાતી જ નથી પછી નબળી તો પડે જને. ખાવામાં જાણે તેને રુચિ જ નથી. બધું પરાણે ખવડાવવું પડે છે. મોઢામાં ભરી રાખે. ગળા નીચે કોળિયો ઊતરે જ નહીં. ધમકી દઈ-દઈને ખવડાવવું પડે. ડર દેખાડીએ તો ખાઈ લે. ગમતું નથી આ રીતે ખવડાવવું, પણ શું કરીએ?

બાળકને ખવડાવવું એ કેટલો મોટો ટાસ્ક છે એ આજનાં દરેક માતા-પિતા સમજે છે. ઉપર વર્ણવી એવી પરિસ્થિતિઓ ઘર-ઘરમાં નૉર્મલ બનતી જાય છે. બાળકને ખવડાવીને મમ્મીઓ બાળકે સરસ ખાધું એવું વિચારીને નહીં, પરંતુ એક કામ પત્યું એમ વિચારીને રાહત અનુભવતી હોય છે; કારણ કે કલાકોના કલાકો બાળકને ખવડાવવા પાછળ જતા હોય છે. પહેલાં એટલું વિચારીને તેમના માટે બનાવો કે તે શું ખાશે. એ બનાવ્યા પછી પણ બાળકના ખાવાનાં નખરાં સહન કરો અને તો પણ ન ખાય એટલે પરાણે ખવડાવો, કારણ કે જો તે ખાશે નહીં તો તેનો ગ્રોથ કેમ થશે એની ચિંતામાં પેરન્ટ્સ શું નથી કરતા! બાળકને લાલચ આપે, જેમ કે તું ખાઈ લેશે તો જ તને ચૉકલેટ મળશે; એની પહેલાં નહીં. તેને કોઈ અજ્ઞાત વસ્તુઓથી ડરાવે, જેમ કે તે ન જમ્યો તો ઘરે એકલો મૂકીને અમે બહાર જતા રહીશું. ટીવી કે લૅપટૉપ પકડાવી દે એટલે તે એક જગ્યાએથી હલે જ નહીં અને બેસીને ખાઈ લે. કલાક સુધી બેઠાં-બેઠાં ખવડાવ્યા કરે જ્યાં સુધી બાળક અને પોતે બન્ને ત્રાસી ન જાય. આ આખી પ્રોસેસમાં પેરન્ટ્સનો ભાવ એ જ હોય છે કે બાળકને પૂરતું પોષણ મળે, પરંતુ એ ભાવ ક્યાંક ને ક્યાંક બાળક સુધી પહોંચતો નથી; બાળક સુધી પહોંચે છે તો પેરન્ટ્સનો ગુસ્સો, જીદ, તેમની જોહુકમી અને જે ન ગમતું હોય તો પણ એવું જ કરવાનું બર્ડન.

કોને કહેવાય પરાણે જમાડવું?

પહેલાં તો પરાણે ખવડાવવું કોને કહેવાય એ સમજવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં નેચરોપૅથિક ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘એક વાત સમજવી જરૂરી છે કે બાળકને ડિસિપ્લિન્ડ બનાવવું જરૂરી છે. દરેક વસ્તુ ખાતાં શીખવવી પણ જરૂરી છે. જે બાળકોને એવા રૂલ્સ સેટ કરવામાં આવે છે કે ઘરમાં જે બન્યું છે એ બધું જ ખાવાનું અને ખાતાં શીખવાનું એ બાળકોને ખાવામાં જીવનભર કોઈ પ્રૉબ્લેમ રહેતો નથી. એટલે એવા રૂલ્સ સેટ કરવા અને બાળકને પહેલેથી એ રૂલ્સમાં ઢાળવા માટે જે પ્રયત્ન કરવામાં આવે એને ફોર્સ-ફીડિંગ કે પરાણે ખવડાવવું નહીં કહેવાય. જ્યારે બાળકની ઇચ્છા જ નહીં હોય ખાવાની; પરંતુ તેને પરાણે તમે ખવડાવો, ફરજિયાત મોઢામાં નાખો અને છતાં તે ખાઈ ન શકે એ ફોર્સ-ફીડિંગ છે. ઘણાં બાળકો એવાં છે જે ખાધા પછી તરત જ ઊલટી કરી દે છે. આ ઊલટી પાછળ મોટા ભાગે ફોર્સ-ફીડિંગ કારણભૂત હોતું હોય છે. બાળક એક રોટલી હોંશે-હોંશે ખાઈ લે અને પછી બીજી રોટલી મોઢામાં ભરી રાખે તો પણ કલાક બેસાડીને, ગમે તેમ કરીને જે બીજી રોટલી ખવડાવવામાં આવે છે એ ફોર્સ-ફીડિંગ છે.’

બાળકને સમજ છે

મોટા ભાગના પેરન્ટ્સ સમજે છે કે બાળકને શું ખબર પડે કે તેને ભૂખ લાગી છે કે આટલો ખોરાક તેના માટે જરૂરી છે. આટલું તો તેણે ખાવું જ જોઈએ. એ તેને નહીં સમજાય એટલે તેઓ પોતે જ નક્કી કરે છે કે બાળકે શું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું. પરંતુ અહીં એક મહત્વની વાત સમજાવતાં બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા વર્મા કહે છે, ‘જે પ્રાણી જન્મે છે તેનામાં સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ હોય જ છે. એટલે કે જીવન જીવવા માટે શું જરૂરી છે એ તેને ખબર છે. એટલે કોઈ બાળક જન્મે ત્યારે તેને શ્વાસ લેવાનું કે સ્તનપાન કરવાનું શીખવવું નથી પડતું. આમ બાળકને ભૂખ લાગે જ છે, જીવવા માટે ખાવું પડશે એ પણ તેને ખબર જ છે અને કેટલું ખાવાથી તેનું પેટ ભરાઈ ગયું એ પણ તેને સમજ પડે જ છે.’

બાળક ખાતું કેમ નથી?

બાળકો ખાવાની ના પડતાં હોય ત્યારે નખરાં જ કરે છે એવું હોતું નથી. તેમનું શરીર પણ ના પડતું હોય છે. આ બાબતે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘ઘણાં બાળકોને કોઈ વસ્તુની ઍલર્જી‍ હોય કે એ સ્વાદ ન માફક આવતો હોય ત્યારે તે ખાતાં નથી અથવા રડે છે અથવા થૂંકી નાખે છે. એવું તે એટલે જ નથી કરતાં કે તેમને નખરાં કરવાં છે, એવું પણ હોય છે કે એ તેમને માફક આવતું નથી એટલે તે ખાતાં નથી. ઘણાં બાળકોનું શરીર અમુક ખોરાકથી ઍલર્જી‍ અનુભવતું હોય છે. ખાસ કરીને દૂધ સાથે એવું બનતું હોય છે. આપણે ત્યાં ઘણી મોટી સંખ્યામાં બાળકો લૅક્ટોઝ ઇન્ટૉલરન્સ ધરાવે છે. છતાં દૂધમાં જ બધું પોષણ છે એમ સમજીને માતા-પિતા ગમે તેમ કરીને દૂધ પીવડાવે છે. ઘણાં બાળકો એવાં પણ છે જેમને ટેસ્ટ નથી ભાવતો અને એમાં કંઈ ફ્લેવર નાખો તો પીવે, પરંતુ તેને ઍલર્જી‍ નથી; ફક્ત ટેસ્ટનો પ્રૉબ્લેમ છે એમ સમજવું.’

એને કારણે શું અસર થાય?

બાળકને તમે જ્યારે પરાણે ખવડાવો ત્યારે તેને એ ખોરાક પ્રત્યે વધુ અણગમો જન્મે છે. આપણો હેતુ એ છે કે બાળકને ખોરાક સાથે પ્રેમ થાય અને તે જાતે એ ખાવા માટે પ્રેરાય, પરંતુ ફરજિયાત એ ખવડાવવાથી એવું થતું નથી. બાળક પર સાઇકોલૉજિકલી તાણ આવે છે. એ વાત સ્પષ્ટ કરતાં શિલ્પા વર્મા કહે છે, ‘જુદા-જુદા પ્રકારનાં ઘણાં ફોર્સ-ફીડિંગ હોય છે. દરેકનો સંબંધ કોઈ ને કોઈ ઇમોશન સાથે છે અને જો ખોરાકને ઇમોશન સાથે જોડી દેવામાં આવે તો એની અસર માનસિક રીતે થાય જ છે. ઘણાં બાળકો ખાવાનો સમય થતાં જ રડવા લાગે છે. ઘણાં નાનાં બાળકો હસતાં-રમતાં હોય, પણ જેવું ખાવાનું આપો એટલે ચિડાઈ જાય છે. ઘણાં બાળકો ખાઈ તો લે છે, પરંતુ પછી તેમને તરત ઊલટી થઈ જાય છે. ઘણા બાળકો ઘરમાં ખાતાં નથી અને બહાર જઈને ખાવાનું જોઈ તૂટી પડે છે. આ બધા જ સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સ ફોર્સ-ફીડિંગને કારણે થતા હોય છે. ઘણાં બાળકોમાં મોટાં થઈને એ ઈટિંગ ડિસઑર્ડરરૂપે પણ બહાર આવે છે.’

શું કરવું?


ડિસિપ્લિન અને ફોર્સ-ફીડિંગ બન્ને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. એ ભેદરેખાને દરેક માતા-પિતા સમજે એ જરૂરી છે.

જ્યારે બાળક ખાવાની ના પાડે છે ત્યારે સમજવું જરૂરી છે કે તે કેમ ના પાડે છે. એ કારણને સમજવું જરૂરી છે. જેમ કે તે શાક ખાવાની ના પાડે તો એની પાછળ કારણ ઘણાં હોઈ શકે છે. તેને એ શાક ભાવતું નથી, હજી તેનો ટેસ્ટ એ બાબતે ડેવલપ નથી થયો, તમે જે રીતે બનાવ્યું છે એ રીતે તેને એ નથી ભાવતું, તેને લાગે છે કે શાક મને જ ખવડાવે છે; ઘરમાં બીજું કોઈ નથી ખાતું. આવાં અનેક કારણો હોઈ શકે. તમારા બાળકની ના પાછળ કયું કારણ છે એ તમે જાણો.

જે ઘરમાં દરેક વ્યક્તિ હેલ્ધી શાકભાજી, ફળો, ઘરે બનાવેલું ભોજન ખૂબ રસથી અને ખુશીથી ખાતાં હોય એ ઘરનાં બાળકો પણ શાકભાજી, ફળો અને ઘરે બનાવેલી દરેક વસ્તુ ખાતાં શીખે જ છે અને ખૂબ રસથી ખાતાં હોય છે. જો તમારાં જ સત્તર નખરાં જમવામાં હોય અને તમે તમારા બાળક માટે વિચારો કે તે બધું ખાઈ જ લે તો એ કઈ રીતે શક્ય છે?

બાળકને ફોર્સ કરવાની કોઈ જરૂર નથી. દરરોજ તે બે રોટલી ખાતું હોય અને એક દિવસ તે એક જ ખાય તો એમાં ચિંતા કરવાની પણ જરૂર નથી. બાળક જીવંત છે, મશીન નથી. તેની દરેક વસ્તુ નિશ્ચિત ન હોઈ શકે.

બાળકને હેલ્ધી ખવડાવવું હોય ત્યારે ઘરમાં અનહેલ્ધી ઑપ્શન રાખો જ નહીં. જો ઘરમાં અનહેલ્ધી વસ્તુઓ નહીં હોય તો તેને ભૂખ લાગશે ત્યારે તે જખ મારીને હેલ્ધી જ ખાશે. પરાણે હેલ્ધી ખવડાવશો તો હેલ્ધી ખોરાક માટે તેને ચીડ ચડશે અને એ નથી જ ખાવું એવી ગ્રંથિ બંધાઈ જશે.

બાળકને પોષણ ઓછું પડતું હોય, હાઇટ અને વેઇટ વધતાં ન હોય, ગ્રોથ ઓછો લાગે, સતત માંદું જ રહેતું હોય અને કંઈ જ ખાતું ન હોય ત્યારે પરાણે ખવડાવવા કરતાં ડૉક્ટરની સલાહ લેવી. મોટા ભાગે આ બાળકોનું પાચન નબળું હોય છે એટલે ભૂખ લગતી નથી. આવાં બાળકોની પહેલાં ભૂખ ઉઘાડવી પડે અને પછી ખવડાવવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK