શું પુરુષોમાં વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું છે?

તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષોમાં ઇન્ફર્ટિલિટીમાં વધારો થયો છે, દર પાંચ પુરુષમાંથી એક આ સમસ્યાથી પીડાય છે અને દસ નિ:સંતાન દંપતીમાંથી ત્રણ કેસમાં પુરુષ જવાબદાર હોય છે

sex


વર્ષા ચિતલિયા

જીવનમાં દરેક જાતનું સુખ હોય, પરંતુ બાળક ન હોય તો તમામ સુખસાહ્યબી વ્યર્થ છે. રાજા-રજવાડાનેય શેર માટીની ખોટ સાલે છે. આ શેર માટીની ખોટ માટે જવાબદાર કોણ? સ્ત્રી કે પુરુષ? વંધ્યત્વને આપણા સમાજમાં શ્રાપ ગણવામાં આવે છે. કોઈ પણ દંપતી માટે એની કલ્પના કરવી જ મુશ્કેલ છે. જોકે આ શ્રાપ માટે મોટા ભાગે સ્ત્રીને જ દોષ આપવામાં આવે છે અને સ્ત્રીઓ જ એની સારવાર કરાવે છે. શું વંધ્યત્વ માત્ર સ્ત્રીમાં જ હોય? બાળક ન થતું હોય એ માટે પુરુષ જવાબદાર ન હોઈ શકે? તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં પુરુષોમાં ઇન્ફર્ટિલિટીના પ્રમાણમાં દસ ગણો વધારો થયો છે. પુરુષોમાં વંધ્યત્વનું પ્રમાણ વધવાનાં કારણો અને સમાધાનો પર આજે ચર્ચા કરીશું.

સંભોગ દરમ્યાન પુરુષના શુક્રાણુ સાથે સ્ત્રીબીજનો મેળાપ થાય ત્યારે ગર્ભ રહે છે. આ એક કુદરતી વ્યવસ્થા છે. જ્યારે આ બૅલૅન્સ ડામાડોળ થઈ જાય ત્યારે સ્ત્રીને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી નડે છે. પુરુષની ફળદ્રુપતા મોટા ભાગે શુક્રાણુ એટલે કે સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વૉલિટી પર આધાર રાખે છે. જો ર્વીયસ્ખલન વખતે શુક્રાણુની સંખ્યા ઓછી હોય, એના પરિભ્રમણની ગતિ ધીમી હોય અથવા શુક્રાણુની ગુણવત્તા નબળી હોય તો ગર્ભ ન રહે. પુરુષમાં વંધ્યત્વ એ સામાજિક સમસ્યા બનતી જાય છે. વિજ્ઞાનના ચમત્કાર અને જાગ્રતતાને કારણે હવે એનાં સમાધાનો શક્ય છે.

નબળો પર્ફોર્મન્સ પુરુષને હતાશ કરે છે

વંધ્યત્વ એક એવી સમસ્યા છે જે પુરુષને માનસિક રીતે તોડી નાખે છે. પુરુષની પ્રજનન શક્તિ સામે જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ત્યારે એની સામાજિક અને સાઇકોલૉજિકલ ઇફેક્ટ પડે છે. આ સંદર્ભમાં વિસ્તારપૂર્વક વાતચીત કરતાં અંધેરી, ઘાટકોપર અને વર્સોવા ખાતે ક્લિનિક ધરાવતા ડૉક્ટર શ્યામ મિથિયા કહે છે, ‘પુરુષનો પર્ફોર્મન્સ જ્યારે નબળો પડે છે ત્યારે એની સાઇકોલૉજિકલ અસર થવાની જ. આપણે ત્યાં પુરુષની એવી છાપ છે કે તે હંમેશાં સેક્સ માટે રેડી જ હોય. આ કારણે તેના પર પ્રેશર વધે છે અને એની અસર પર્ફોર્મન્સ પર પડે છે. ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ પ્રેશર છે. પ્રેશર વધે એટલે સ્પર્મ કાઉન્ટિંગ ઘટી જાય. આજે કામનું પ્રેશર પણ એટલું વધી ગયું છે કે એના કારણે સ્ટ્રેસ વધે છે. અગેઇન સ્ટ્રેસ અને ઓછી ઊંઘને લીધે સેક્સની ઇચ્છા ન થાય. બીજું, જન્ક ફૂડ ખાવાનું વધી ગયું છે. જન્ક ફૂડને કારણે પુરુષોમાં ઓબેસિટી વધતી જાય છે. વધુ વજન અને હૉર્મોન ઇમ્બૅલૅન્સ શુક્રાણુની ગુણવત્તા પર અસર કરે છે.’

સ્ટ્રેસ અને ચેન્જ ઇન લાઇફ-સ્ટાઇલની સાથે-સાથે વ્યસન પણ એક કારણ છે જેના લીધે પુરુષની પ્રજનન શક્તિ ઘટી રહી છે. આ બાબતે વધુ માહિતી આપતાં ડૉ. શ્યામ કહે છે, ‘સ્મોકિંગ અને આલ્કોહૉલ કરતાં પણ વધારે ખતરનાક વસ્તુઓ હવે સરળતાથી અવેલેબલ છે. ગાંજો અને અન્ય ડ્રગ્સની લત એવી છે કે એનાથી સેક્સની ઇચ્છા લગભગ ખતમ જ થઈ જાય છે. આવી સમસ્યામાં ટ્રીટમેન્ટ ઘણી લાંબી ચાલે છે અને કેટલીક વાર ઇરિવર્સિબલ હોય છે. હવે પુરુષોમાં અવેરનેસ વધી છે અને તેઓ ટ્રીટમેન્ટ માટે આગળ આવે છે. મારી પાસે આવતા કેસમાં પહેલાં તો બ્લડ-ટેસ્ટ અને સ્પર્મ કાઉન્ટિંગ જેવી સામાન્ય મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. પુરુષની ફિઝિકલ અને સાઇકોલૉજિકલ એમ બન્ને સ્તરે તપાસ કર્યા બાદ ટ્રીટમન્ટ શરૂ કરવામાં આવે છે.’

સંતાન માટે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોય એ વખતે દંપતી વચ્ચે નાની-નાની બાબતમાં ઝઘડા થતા હોય એવું પણ બને છે. ડૉક્ટર શ્યામ આવા જ એક કેસ વિશે વાત કરતાં કહે છે, ‘મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં પતિને નશાની લત હતી. બાળક ન થવાનું કારણ નશો છે એવી ખબર પડ્યા બાદ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પત્ની આ વાત માટે તેને વારંવાર બ્લેમ કરતી હતી કે તમારી નશાની આદતને લીધે મારે બાળકથી વંચિત રહેવું પડ્યું. એમાં પતિના સ્ટ્રેસમાં વધારો થતો હતો. બીજા એક કિસ્સામાં ફાઇનૅન્સને લઈને દંપતીમાં સ્ટ્રેસ જોવા મળ્યું હતું. ઇન્ફર્ટિલિટીની સારવાર ખર્ચાળ હોય છે અને પૈસાની તંગીને કારણે દંપતી હતાશ થઈ ગયું હતું. બીજું, આપણા દેશમાં અંધશ્રદ્ધા બહુ કામ કરે છે. સંતાનપ્રાપ્તિ માટે સારવાર પડતી મૂકીને અહીંતહીં જવા લાગે છે. આવા કેસમાં કેટલીક વાર સારવાર લાંબી ચાલે છે અને વધુ ખર્ચાળ સાબિત થાય છે.’

લાઇફ-સ્ટાઇલ અને એન્વાયર્નમેન્ટ જવાબદાર

સ્પર્મ કાઉન્ટિંગ અને સેક્સ્યુઅલ રિલેશનશિપમાં ઇમ્પ્રૂવમેન્ટથી મોટા ભાગે વંધ્યત્વની સમસ્યા દૂર થઈ જાય છે. મલાડ ખાતે IVF સેન્ટર ધરાવતા ડૉક્ટર મુકેશ અગ્રવાલ કહે છે, ‘વંધ્યત્વ માટે સ્ત્રીને જસ્ટિફાય ન કરવી જોઈએ. મારી પાસે આવતા કુલ કેસમાં ત્રીજા ભાગના કેસમાં પુરુષ જવાબદાર હોય છે અને ત્રીજા ભાગના કેસમાં બન્ને સરખે ભાગે જવાબદાર હોય છે. મેટ્રોપૉલિટન સિટીમાં આ બાબતે અવેરનેસ વધી છે. વંધ્યત્વનું મુખ્ય કારણ લાઇફ-સ્ટાઇલ અને એન્વાયર્નમેન્ટ છે. સૌથી પહેલાં તો એને ચેન્જ કરવાની જરૂર છે. ૯૦ ટકા કેસમાં પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય છે. પરુષની સેક્સ્યુઅલ હિસ્ટરી, Y-ક્રોમોઝોમ્સની તબીબી તપાસ તેમ જ સાઇકોલૉજિકલ સ્ટડી કર્યા બાદ નિદાન થાય છે કે સમસ્યા કેટલી ગંભીર છે. સમસ્યા વધુ ગંભીર હોય તો IVF ટ્રીટમેન્ટ કરવા તરફ આગળ વધવું પડે છે. મેડિકલ ટ્રીટમેન્ટ અને સાયકોલૉજિકલ ટ્રીટમેન્ટ બન્ને અલગ છે. પ્રથમ તો શુક્રાણુ બને છે કે નહીં અને શુક્રાણુની સંખ્યા કેટલી છે એની તબીબી તપાસ કરવામાં આવે છે. બીજું, શુક્રાણુના પરિભ્રમણની ગતિનું પરીક્ષણ કરવામાં આવે છે. IUI ટ્રીટમેન્ટ દ્વારા સ્પર્મની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. એનાથી ફાયદો ન થાય તો વેરિકોસેલ રિપેર સર્જરી કરી શકાય. આ સર્જરીમાં સ્પર્મની પરિભ્રમણની ગતિ વધે એ માટે બ્લૉકેજને ખોલવામાં આવે છે. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે પણ બાયોલૉજિકલ ચાઇલ્ડ મેળવવાના ઉપાયો છે. ટેસ્ટટ્યુબ બેબીની સહાયથી પણ બાયોલૉજિકલ ચાઇલ્ડ મેળવી શકાય છે અને ડોનરની સહાય પણ લઈ શકાય છે. મોટા ભાગના કેસમાં તો આવું કશું જ કરવાની જરૂર પડતી જ નથી. સ્પર્મ ઍનૅલિસિસ અને કાઉન્સેલિંગ દ્વારા વંધ્યત્વની સમસ્યા ઉકેલાઈ જાય છે.’

૧૦ ટકા કેસમાં જ જિનેટિક પ્રૉબ્લેમ

પુરુષોમાં વંધ્યત્વનાં અન્ય સામાન્ય કારણોમાં ચેપ, રોગ, જાતીય સમસ્યા, યોનિમાં પ્રવેશ કરવા સામે અવરોધ, ઇરેક્શન અથવા સ્ખલનમાં નિષ્ફળતા, સ્ખલનમાં શુક્રાણુની ગેરહાજરી, અંડકોશમાં ઝેરી તત્વો ભળી જવા વગેરે કહી શકાય. આવાં સામાન્ય કારણોસર પણ પુરુષની પ્રજનનશક્તિ ધીમી પડી જાય છે. શુક્રાણુ પરિભ્રમણની સમસ્યા દર પાંચ ઇન્ફર્ટાઇલ પુરુષમાંથી એક પુરુષમાં મળી આવે છે. મેડિકેશન દ્વારા સમસ્યાનું સમાધાન થઈ જાય છે. ૧૦ ટકા કેસ જ એવા હોય છે જેમાં જિનેટિકલ પ્રૉબ્લેમને કારણે બાળક રહેતું નથી. જિનેટિકલ પ્રૉબ્લેમ હોય અને સાયન્ટિફિકલી કન્સિવ કરવાનું જ્યારે અશક્ય જ બને ત્યારે સંતાનસુખ માટે અડૉપ્શન જ એકમાત્ર વિકલ્પ બચે છે.

પત્નીનો સાથ જરૂરી

પુરુષમાં વંધ્યત્વની સારવાર ચાલતી હોય એ સમયગાળામાં પત્નીના સાથની સૌથી વધારે જરૂર પડે છે. શારીરિક સંબંધ દરમ્યાન સ્ત્રીઓ માટે પણ પતિને સ્વીકારવો અઘરું હોય છે. જ્યારે સ્ત્રીને ખબર પડે કે તેનો પતિ બાળક આપવા અક્ષમ છે ત્યારે તે કો-ઑપરેટ નથી કરતી. આવા સમયે તેની હતાશામાં વધારો થાય છે. બીજું, લાંબા ગાળા સુધી બાળક ન થવાને કારણે ફૅમિલી પ્રેશર વધારે હોય છે. દંપતી વચ્ચે રિસ્પેક્ટ અને વિશ્વાસથી આવી પરિસ્થિતિને ટાળી શકાય છે. વંધ્યત્વની સારવારને પણ એક રોગની સારવાર ચાલી રહી છે એ રીતે જોવામાં આવે તો એની સાઇકોલૉજિકલ ઇફેક્ટ ઓછી થાય છે. અગાઉ માત્ર સ્ત્રીની સારવારને પ્રાથમિકતા આપવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી રહ્યું. તબીબોનું કહેવું છે કે દંપતી જ્યારે બાળક ન થવાની સમસ્યા લઈને આવે છે ત્યારે કમ્પલ્સરી બન્નેનું ફિઝિકલ ચેકઅપ કરવામાં આવે છે. બન્નેના રિપોર્ટને આધારે જ આગળની સારવાર શરૂ કરવા પર ભાર મૂકવામાં આવે છે. ભારતમાં પુરુષમાં વંધ્યત્વની સંખ્યામાં છેલ્લા દાયકામાં વધારો થયો છે તો જાગ્રતતા પણ વધી છે જેના કારણે મૅજોરિટી કેસમાં સમસ્યાનું સમાધાન થઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK